વર્લ્ડકપ: 3 બૅટ્સમૅનને ખાતું પણ ન ખોલવા દીધું એ ઑસ્ટ્રેલિયાની કઈ એક ભૂલથી બાજી પલટી ગઈ?

ક્રિકેટ વર્લ્ડકપ 2023

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, અર્ણવ વસાવડા
    • પદ, બીબીસી ગુજરાતી

ઑસ્ટ્રેલિયાના 200 રનનો પીછો કરતા ભારતના ત્રણ બૅટ્સમૅન વગર ખાતું ખોલે જ પેવેલિયન ભેગા થઈ ગયા હતા, એવું લાગ્યું કે જાણે ઑસ્ટ્રેલિયાના ફાસ્ટ બૉલરો સામે ભારતનો ટૉપ ઑર્ડર ધ્વસ્ત થઈ ગયો. પરંતુ વિરાટ કોહલી અને કેએલ રાહુલની ભાગીદારીના દમ પર ભારતે વન-ડે વર્લ્ડકપ 2023ની શરૂઆત જીત સાથે કરી. ભારતે પોતાની પહેલી મૅચમાં 6 વિકેટે ઑસ્ટ્રેલિયા સામે વિજય મેળવ્યો છે.

આ સાથે વર્ષ 1992ના વર્લ્ડકપ બાદ પહેલી વખત એવું જોવા મળ્યું કે ઑસ્ટ્રેલિયાએ હારથી વર્લ્ડકપની શરૂઆત કરી હોય.

બીમાર શુભમન ગિલની જગ્યાએ ઓપનર ઇશાન કિશને પહેલી જ ઓવરમાં મિચેલ સ્ટાર્કે આઉટ કરી દીધો. ત્યારબાદ બીજી ઓવરમાં જોશ હૅઝલવૂડે પહેલા કપ્તાન રોહિત શર્મા અને પછી શ્રેયસ અય્યરને આઉટ કરી દીધા. આ ત્રણેય બૅટ્સમૅન એક પણ રન સ્કોર બોર્ડ પર નોંધાવી ન શક્યા.

ક્રિકઇન્ફો વેબસાઇટના પ્રમાણે આ પહેલી વાર બન્યું કે વન-ડે ક્રિકેટમાં ભારતના શરૂઆતી ત્રણ બૅટ્સમૅન રનનું ખાતુ ખોલાવે એ પહેલાં જ આઉટ થઈ ગયા. જ્યારે ભારતે ત્રણ વિકેટ ગુમાવી ત્યારે સ્કોર બોર્ડ પર સ્કોર માત્ર બે રનનો હતો.

પરંતુ આ બધા વચ્ચે કૉમેન્ટ્રેટર્સ સતત જેને ‘ચૅઝ માસ્ટર’ કહી રહ્યા હતા એ વિરાટ કોહલી અને કેએલ રાહુલ ખૂબ જ સંભાળીને બેટિંગ કરવાની શરૂ કરી હતી.

જ્યારે ભારત બેટિંગ કરવા ઊતર્યું ત્યારે તેની સામે સ્કોરનો પહાડ તો નહોતો પરંતુ જે રીતે ઑસ્ટ્રેલિયાના શરૂઆતી બૉલરોએ સ્પેલ નાખ્યો એ જોતા 200 રનનો પીછો પણ અઘરો જણાઈ રહ્યો હતો.

વિરાટ કોહલીને કેએલ રાહુલનો સાથ મળ્યો અને ધીરે ધીરે ભારત રનનો પીછો કરતા આગળ વધ્યું જ હતું ત્યાં 8મી ઓવરના ત્રીજા બોલે કંઈક એવું થયું કે ચેન્નાઈના મેદાનમાં હાજર હજારો પ્રેક્ષકો અને આ મૅચને જોનાર કરોડો દર્શકોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા.

ઑસ્ટ્રેલિયાની ભૂલ

ક્રિકેટ વર્લ્ડકપ 2023

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, એ ક્ષણ જ્યારે કૅચ માર્શના હાથમાંથી સરકી ગયો

ખરેખર થયું એવું કે ઑસ્ટ્રેલિયાના ફાસ્ટ બૉલર હેઝલવૂડ બૉલિંગ કરી રહ્યા હતા અને 8મી ઓવરનો ત્રીજો બૉલ તેમણે કોહલીને બાઉન્સર નાખવાનો પ્રયાસ કર્યો.

કોહલીએ શૉટ મારવાનો પ્રયાસ કર્યો અને બૉલ હવામાં ગયો. તેને કૅચ કરવા વિકેટકીપર અને માર્શ બન્ને દોડ્યા, માર્શે ડાઇવ મારી અને બૉલ તેમના હાથ સુધી પહોંચી ગયો પરંતુ બૉલ બન્ને હાથની વચ્ચેથી માર્શના પગમાં અડી ડ્રૉપ થઈ ગયો.

આ ક્ષણે વિરાટ કોહલી માત્ર 12 રને રમી રહ્યા હતા. આ એક કૅચ ડ્રૉપ થયો અને વિરાટ કોહલીએ જે રીતે બેટિંગ કરવાનું શરૂ કર્યું એ જોતા લાગ્યું કે ઑસ્ટ્રેલિયાના હાથમાંથી બાજી સરકી કરી છે.

વિરાટ કોહલી

ઇમેજ સ્રોત, Getty Images

ત્યારબાદ એક પણ ઑસ્ટ્રેલિયાના બૉલર કે સ્પિનર ભારતના વિરાટ કોહલી અને કેએલ રાહુલની ભાગીદારી તોડી ન શક્યા. વિરાટ અને રાહુલે મળીને 215 બૉલમાં 165 રનની ભાગીદારી નોંધાવી ભારતની જીતનો પાયો મજબૂત કરી દીધો.

પરંતુ 38મી ઓવરમાં ફરી હેઝલવૂડ બૉલિંગ કરી રહ્યા હતા અને કોહલી ક્રીઝ પર 85 રને રમી રહ્યા હતા એવામાં ઓવરના ચોથા બૉલે મિડ વિકેટ તરફ ઊભેલા માનુસના હાથમાં વિરાટનો કૅચ પકડાઈ ગયો. વિરાટ કોહલીએ 114 બૉલનો સામનો કર્યો અને 85 રન નોંધાવ્યા.

મૅચની વાત કરીએ તો બીજા પાવરપ્લેમાં એટલે કે 10થી 40મી ઓવર સુધીમાં ભારતે 155 રન કર્યા અને માત્ર એક વિકેટ ગુમાવી હતી.

ભારત તરફથી સૌથી વધુ કેએલ રાહુલે 115 બૉલમાં 97 રને નોટઆઉટ રહ્યા, વિરાટ કોહલીએ 85, હાર્દિક પટેલે 11 રન જ્યારે કપ્તાન રોહિત શર્મા, ઇશાન કિશન અને શ્રેયસ ઐયર શૂન્ય પર આઉટ થયા.

જ્યારે ઑસ્ટ્રેલિયા તરફથી જોશ હૅઝલવૂડે સૌથી વધુ 3 વિકેટ અને સ્ટાર્કે 1 વિકેટ લીધી હતી. જ્યારે કપ્તાન કમિન્સ, મૅક્સવેલ, ઝામ્પા અને ગ્રીનને એક પણ વિકેટ મળી નહોતી.

કેએલ રાહુલ પ્લૅયર ઑફ ધ મૅચ બન્યા.

કેએલ રાહુલ

જાડેજાનો જાદુઈ સ્પેલ જેના જાળમાં ઑસ્ટ્રેલિયા ફસાઈ ગઈ

ક્રિકેટ વર્લ્ડકપ 2023
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ક્રિકેટ વર્લ્ડકપમાં આજે એટલે કે રવિવારે ટીમ ઇન્ડિયા ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ ટુર્નામેન્ટની પોતાની પહેલી મૅચ રમી રહી છે. ઑસ્ટ્રેલિયાએ ટૉસ જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય કર્યો, જોકે ભારતની ધારધાર બૉલિંગ અને જાડેજાના સ્પૅલ સામે ઑસ્ટ્રેલિયા મોટો સ્કોર નોંધાવી ન શકી.

36 ઓવરમાં ઑસ્ટ્રેલિયાની ટીમના 6 ક્રિકેટરો પેવેલિયન ભેગા થઈ ગયા હતા. મૅચના અંત સુધીમાં 49.3 ઓવરમાં ઑસ્ટ્રેલિયા 199 રને ઑલઆઉટ થઈ ગયું.

ભારત તરફથી જસપ્રીત બુમરાહે મૅચ શરૂ થતાં જ રેકૉર્ડ બુકમાં નામ નોંધાવ્યું, તેમણે ઑસ્ટ્રેલિયાના ઓપનર માર્શને કોહલીના હાથે આઉટ કરાવી શૂન્ય પર પેવેલિયન ભેગા કર્યા, વર્લ્ડકપમાં કોઈ પણ ઑસ્ટ્રેલિયન બૅટ્સમૅનને શૂન્ય પર આઉટ કરનાર તેઓ પહેલાં ભારતીય બૉલર બની ગયા.

ત્યારબાદ ડેવિડ વૉર્નર અને સ્ટીવ સ્મિથે ઑસ્ટ્રેલિયાને એક ધીમી પરંતુ સ્થિર શરૂઆત અપાવી અને 85 બૉલમાં 69 રનની ભાગીદારી નોંધાવી.

આ દરમિયાન ઑસ્ટ્રેલિયાના બૅટ્સમૅન ડેવિડ વૉર્નરે એક મોટો રેકૉર્ડ પોતાને નામ કર્યો. વૉર્નરે વન-ડે ક્રિકેટ વર્લ્ડકપમાં સૌથી ઝડપી એક હજાર રન બનાવનારનો રેકૉર્ડ પોતાને નામ કરી દીધો. ડેવિડ વૉર્નરે 19 ઇનિંગ્ઝમાં આ સિદ્ધિ હાંસલ કરી છે.

પરંતુ ત્યારબાદ કુલદીપ યાદવે 17મી ઓવરમાં ડેવિડ વૉર્નરને પેવેલિયન ભેગા કર્યા હતા.

ત્યારબાદ ભારતના ડાબોડી સ્પિનર રવીન્દ્ર જાડેજાએ એવી ધારધાર સ્પિન બૉલિંગ નાખી કે ઑસ્ટ્રેલિયા પાસે તેમનો સામનો કરવાની ક્ષમતા જ ન હોય તેવું જણાયું.

જાડેજાએ 28મી ઓવરમાં એક વિકેટ, 30મી ઑવરમાં બે વિકેટ ઝડપી ઑસ્ટ્રેલિયાને બૅકફૂટ પર લાવી દીધું હતું.

ઑસ્ટ્રેલિયા અને ભારત

ઇમેજ સ્રોત, Getty Images

ઑસ્ટ્રેલિયાએ ચેન્નાઈના ચૅપોક સ્ટેડિયમમાં ટૉસ જીતી પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય કર્યો, પરંતુ મૅચની ત્રીજી જ ઑવરમાં ભારતના ફાસ્ટ બૉલર બુમરાહે ઑસ્ટ્રેલિયાની પહેલી વિકેટ લીધી.

બુમરાહના બૉલમાં માર્શના બૅટની ધાર અડી અને તે સ્લિપમાં કોહલીના હાથમાં કૅચ આપી બેઠા. આ સાથે ભારતે વર્લ્ડકપની શરૂઆત પહેલી વિકેટથી કરી.

ત્યારબાદ ઑસ્ટ્રેલિયાના ઓપનર વૉર્નર અને સ્ટિવ સ્મિથે બેટિંગ સંભાળી અને 69 રનની ભાગીદારી નોંધાવી. જોકે આ દરમિયાન તેઓ વિકેટ બચાવી લાંબી ઇંનિગ્ઝ રમવના મૂડમાં હોય તેવું જણાયું હતું.

પરંતુ તેમની યોજના લાંબો સમય ટકી ન શકી અને 17મી ઓવરમાં ભારતીય સ્પિનર કુલદીપ યાદવે વૉર્નરને 41 રને પેવેલિયન ભેગા કરી દીધા અને સ્મિથ અને વૉર્નરની સ્થિર ભાગીદારીનો અંત આવ્યો.

હવે બેટિંગ કરવા માનુસ લબુશૅગ ઊતર્યા અને સ્મિથની સાથે મળી ઑસ્ટ્રેલિયાની બેટિંગ આગળ વધારી, પરંતુ 64 બૉલમાં જ્યારે 36 રનની ભાગીદારી નોંધાઈ રહી હતી એવામાં ભારતના સ્ટાર ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાની જાદુઈ સ્પેલની શરૂઆત થઈ.

જાડેજાએ પોતાના સ્પિનની જાળમાં ઑસ્ટ્રેલિયાની ગૂંચવણભરી પરિસ્થિતિમાં મૂકી દીધું હતું.

જાડેજાએ ભારતની 28મી ઓવરમાં સ્મિથને 46 રને પેવેલિયન ભેગા કર્યા હતા, ત્યારબાદ 30મી ઓવરમાં માનુસને 27 રને અને કૅરીને શૂન્ય પર પેવેલિયન ભેગા કરીને માત્ર 119 રનમાં ઑસ્ટ્રેલિયાને પાંચ વિકેટના નુકસાને પહોંચાડી દીધું હતું.

ક્રિકેટ વર્લ્ડકપ 2023

ઑસ્ટ્રેલિયાએ 21થી 30 ઓવરની વચ્ચે માત્ર 34 રન નોંધાવી 3 વિકેટ ગુમાવી દીધી હતી. જેમાં જાડેજા, કુલદીપ અને બુમરાહે મુખ્ય ભૂમિકા ભજવી હતી.

ત્યારબાદ આર અશ્વિને પણ ઑસ્ટ્રેલિયાના વિસ્ફોટક મિડલ ઑર્ડર બૅટ્સમૅન ગ્રીનને માત્ર 8 રનના નજીવા સ્કોર પર આઉટ કરી પેવેલિયન ભેગા કર્યા અને ઑસ્ટ્રેલિયાની મુશ્કેલીમાં વધારો કર્યો હતો.

ભારત તરફથી બૉલિંગ કરતા જસપ્રીત બુમરાહ, કુલદીપ યાદવે 2 અને રવીન્દ્ર જાડેજાએ 3 વિકેટ, હાર્દિક પંડ્યા, અશ્વિન અને સિરાજે 1 વિકેટ પોતાને નામ કરી હતી.

જ્યારે ઑસ્ટ્રેલિયા તરફથી સૌથી વધુ રન સ્ટિવ સ્મિથે 71 બૉલમાં 46 રન, વૉર્નરે 52 બૉલમાં 41 રન કર્યા હતા.