વર્લ્ડકપમાં પાકિસ્તાન સામેની એ મૅચ જેને ભારત ક્યારેય નહીં ભૂલી શકે

ઇમેજ સ્રોત, ani
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
ભારત અને પાકિસ્તાન વચ્ચેની મૅચ માટે હંમેશાં દર્શકોને એક વિશેષ ઉત્સાહ રહેતો હોય છે અને એમાંય જો મૅચ વર્લ્ડકપ જેવી વિશ્વની સૌથી મોટી ક્રિકેટ ઇવેન્ટની હોય તો પ્રેક્ષકોની તાલાવેલી બેવડાઈ જાય છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડકપનો મહામુકાબલો આવતી કાલે 14 ઑક્ટોબરે અમદાવાદમાં યોજાવા જઈ રહ્યો છે.
પાકિસ્તાનની ટીમ અમદાવાદમાં લગભગ 11 વર્ષ પછી મૅચ રમવા માટે આવી છે.
ઇતિહાસ તરફ નજર ફેરવીએ તો ભારત અને પાકિસ્તાન જ્યારે વર્લ્ડકપમાં રમે ત્યારે હંમેશાં ભારતનો જ હાથ ઉપર રહ્યો છે.
વન-ડે અને ટી-20 વર્લ્ડકપમાં 2021 સુધી ભારત અને પાકિસ્તાન વચ્ચે 12 મૅચ રમાઈ હતી જેમાં તમામ મૅચમાં ભારતનો વિજય થયો હતો.
પરંતુ 2021ના વર્લ્ડકપમાં એવું પહેલી વાર બન્યું કે પાકિસ્તાને ભારતને હરાવ્યું હોય. એ હાર ભારતીય ટીમ સહિત ક્રિકેટપ્રેમીઓ માટે આંચકા સમાન હતી.
ભારતના બૅટ્સમૅનો નિષ્ફળ નીવડ્યા

ઇમેજ સ્રોત, Getty Images
2021ના ટી-20 વર્લ્ડકપની આ મૅચ દુબઈમાં રમાઈ હતી. જેમાં પાકિસ્તાને ટોસ જીતીને પહેલા ફીલ્ડિંગ પસંદ કરી હતી.
પાકિસ્તાનનો આ નિર્ણય મૅચની શરૂઆતમાં જ સાચો ઠર્યો હતો અને શાહીન આફ્રિદીએ પહેલી બે ઓવરમાં જ ભારતના ઓપનરોને પેવેલિયન ભેગા કરી દીધા હતા. રોહિત શર્મા તો તેમની ઇનિંગના પહેલા બૉલે જ આઉટ થઈ ગયા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ત્યારપછી મેદાન પર ઊતરેલા સૂર્યકુમાર યાદવે પ્રતિકાર કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ 11 રન બનાવીને તે પણ આઉટ થઈ જતા ભારતનો સ્કોર 3 વિકેટે 31 રન થઈ ગયો હતો.
મિડલ ઑર્ડરે સન્માનજનક સ્કોર સુધી પહોંચાડ્યા
ભારતની લડખડાતી ઇનિંગને વિરાટ કોહલીએ એક છેડો સાચવી રાખતા થોડો આધાર મળ્યો હતો.
તો બીજી તરફ રિષભ પંતે 30 રન અને રવીન્દ્ર જાડેજાએ 13 રન કરીને કોહલી સાથે ભાગીદારી કરી હતી.
વિરાટ કોહલીએ 49 બૉલમાં 57 રન બનાવ્યા હતા જે ટી-20ની રમત પ્રમાણે ધીમી ઇનિંગ હતી. પરંતુ તેમની ઇનિંગ જ એકમાત્ર કારણ હતું જેના લીધે ભારત નિર્ધારિત 20 ઑવરોમાં 151નો સ્કોર બનાવી શક્યું.
શાહીન આફ્રિદીએ 4 ઑવરમાં 31 રન આપીને 3 વિકેટ ઝડપી હતી.
પાકિસ્તાને ભારતને કોઈ મોકો ન આપ્યો

ઇમેજ સ્રોત, Getty Images
151 રનના સામાન્ય ટાર્ગેટનો પીછો કરતા પાકિસ્તાને પાવર-પ્લેમાં મજબૂત શરૂઆત કરી અને એક પણ વિકેટ ગુમાવ્યા સિવાય 43 રન બનાવ્યા.
પહેલી જ ઓવરમાં રિઝવાને ભુવનેશ્વરકુમારની બૉલિંગમાં ઉપરાઉપરી બે બાઉન્ડરી ફટકારીને તેનો ઇરાદો દર્શાવી દીધો હતો. ત્યારબાદ મોહમ્મદ શમીની બૉલિંગમાં પણ આ જ રીતે બે બાઉન્ડરી ફટકારીને તેઓ ભારતની બૉલિંગ પર જાણે કે હાવી થઈ ગયા હતા.
પાવર-પ્લે પછીની બે-ત્રણ ઓવરોમાં ભારતે કરકસરયુક્ત બૉલિંગ કરીને પાકિસ્તાન પર દબાણ ઊભું કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ 9મી ઓવર પછી બાબર આઝમ અને રિઝવાનની જોડીએ સતત ક્રિકેટિંગ શૉટ્સ ફટકારીને કોઈ પણ જાતનું જોખમ ઉઠાવ્યા વિના સ્કોરબૉર્ડ ફરતું રાખ્યું હતું.
અંતે 17.5 ઓવરોમાં જ પાકિસ્તાને વિના વિકેટે ટાર્ગેટ પાર પાડી લીધો અને વર્લ્ડકપમાં પાકિસ્તાનને ભારત સામે પહેલી જીત અપાવી.
રિઝવાને 55 બૉલમાં 79 રન તથા બાબર આઝમે 52 બૉલમાં 68 રન નોંધાવ્યા હતા.
ભારતના મુખ્ય બૉલરો જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી અને ભુવનેશ્વરકુમાર તેમનો પ્રભાવ છોડવામાં નિષ્ફળ ગયા હતા અને એક પણ વિકેટ ઝડપી શક્યા ન હતા.
‘અમારી નજર રેકૉર્ડ પર ન હતી’
ભારત સામે આટલી મોટી જીત પછી પાકિસ્તાનના કૅપ્ટન બાબર આઝમે કહ્યું હતું કે, “અમે અમારા પ્લાન મુજબ ચાલ્યા અને અમને સફળતા મળી. શાહીને ઝડપેલી વિકેટોથી અમારો આત્મવિશ્વાસ વધ્યો હતો.”
“અમે અમારા પર કોઈ પણ પ્રકારનું દબાણ હાવી થવા દીધું ન હતું. અમે અમારા ભારત સામેના રેકૉર્ડને ધ્યાનમાં લીધા વિના જ અમારી રમત પર ફોક્સ કર્યું હતું.”
આ મૅચમાં શાહીન આફ્રિદીને મૅન ઑફ ધ મૅચ જાહેર કરવામાં આવ્યા હતા.
હવે જ્યારે અમદાવાદમાં ફરી ભારત અને પાકિસ્તાન સામસામે ટકરાઈ રહ્યા છે, તો ક્રિકેટપ્રેમીઓ ફરી એ મૅચને યાદ કરી રહ્યા છે.












