IPL : હારેલી ટીમનો એ બૉલર જેણે 10 છગ્ગા ફટકારીને સૌનાં દિલ જીતી લીધાં

રાશિદ ખાને 32 બૉલમાં 3 ચોગ્ગા અને 10 છગ્ગાની મદદથી અણનમ 79 રન બનાવ્યા

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, મોહમ્મદ શાહિદ
    • પદ, બીબીસી સંવાદદાતા

આઈપીએલમાં શુક્રવારે રમાયેલી મૅચમાં મુંબઈ ઇન્ડિયન્સના બૅટ્સમૅન સૂર્યકુમાર યાદવે તાબડતોબ અણનમ 103 રન બનાવીને ટીમનો સ્કોર 20 ઓવરમાં 218/5 સુધી પહોંચાડી દીધો હતો, ત્યારે લાગી રહ્યું હતું કે ગુજરાત ટાઇટન્સ માટે આ લક્ષ્ય ચોક્કસપણે મૂશ્કેલ છે, પરંતુ અશક્ય નથી.

મુંબઈના 219 રનના લક્ષ્યાંકનો પીછો કરવા માટે જ્યારે ગુજરાતની ઓપનિંગ જોડી વાનખેડે પિચ પર ઊતરી ત્યારે તેને શરૂઆતથી જ ઝટકા લાગવા લાગ્યા હતા. ઋદ્ધિમાન સાહા, હાર્દિક પંડ્યા અને શુભમન ગિલ જેવા બૅટ્સમૅન ચાર ઓવરમાં જ સિંગલ ડિજિટના સ્કોર પર પેવેલિયન પરત ફર્યા હતા. ત્યારબાદ વિજય શંકર (29 રન) અને ડૅવિડ મિલર (41 રન)એ સ્કોરને ગતિ અપાવી હતી, પરંતુ તેઓ પણ લાંબો સમય ટકી શક્યા નહોતા.

પૉઇન્ટ્સ ટેબલમાં હજુ પણ ટૉપ પર રહેલી ટીમ ગુજરાતનો એક સમયે સ્કોર 13.2 ઓવરમાં 103/8 એ પહોંચી ગયો હતો. ત્યારે લાગી રહ્યું હતું કે ટીમને ઑલઆઉટ થવાથી કોઈ બચાવી શકશે નહીં.જો ગુજરાતની ટીમ ઝડપથી આઉટ થઈ ગઈ હોત તો મુંબઈને નેટ રનરેટમાં તેનો ફાયદો થયો હોત અને તે પૉઇન્ટ્સ ટેબલમાં ઘણી સારી સ્થિતિમાં હોત.

બીજી તરફ ગુજરાતને મોટો ઝટકો લાગ્યો હોત અને તેનો નેટ રનરેટ જે હાલમાં પૉઝિટિવ ચાલી રહ્યો હતો તે નેગેટિવમાં પહોંચી ગયો હોત. જોકે આઠમાં નંબરે બેટિંગ કરવા આવેલા સ્પિન જાદુગર રાશિદ ખાને સ્થિતિ જ બદલી નાખી હતી.

બીબીસી ગુજરાતી

બેટિંગ બાદ બૉલિંગમાં કરામત

પ્રથમ ઇનિંગ્સમાં ગુજરાત તરફથી બૉલિંગ કરતી વખતે રાશિદ ખાન સિવાય કોઈ પણ બૉલર બૉલિંગની કરામત બતાવી શક્યા નહોતા.

ગુજરાતના બૉલરોએ મુંબઈની 5 વિકેટ ઝડપી હતી, જેમાં ચાર વિકેટ માત્ર રાશિદ ખાને જ લીધી હતી. તેમણે ચાર ઓવરમાં માત્ર 30 રન આપ્યા હતા. સાથે મોહમ્મદ શમી જેવા આ સીઝનના શ્રેષ્ઠ બૉલરે પણ 4 ઓવરમાં 53 રન આપ્યા હતા.

પ્રથમ ઇનિંગ્સમાં બૉલિંગમાં કમાલ બતાવનારા રાશિદ ખાન બીજી ઇનિંગ્સમાં વધુ એક જવાબદારી આવી ગઈ હતી. જ્યારે તેઓ આઠમાં નંબરે બૅટિંગ કરવા આવ્યા ત્યારે તેમણે શરૂઆતથી જ ચોગ્ગા-છગ્ગા ફટકારવા માડ્યા, અને એ જવાબદારી ઉઠાવી લીધી.

રાશિદ ખાને 21 બૉલમાં ત્રણ ચોગ્ગા અને છ છગ્ગાની મદદથી પોતાની અર્ધી સદી પૂર્ણ કરી હતી. તેમણે છેલ્લી ઓવરમાં ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. તેમની સાથે બેટિંગ કરી રહેલા અલઝારી જોસેફ સાથે મળીને તેમણે 88 રનની ભાગીદારી નોંધાવી હતી.

જોકે, અહીં રસપ્રદ વાત એ છે કે આ ભાગીદારીમાં જોસેફનું યોગદાન માત્ર 7 રનનું જ છે, કારણ કે રાશિદ ખાન દ્વારા સ્ટ્રાઇક ટ્રાન્સફર થઈ જ નહોતી. તેમણે 32 બૉલમાં 246.87ના સ્ટ્રાઇક રેટથી અણનમ 79 રન બનાવ્યા હતા. આ દરમિયાન રાશિદ ખાને 10 છગ્ગા અને 3 ચોગ્ગા ફટકાર્યા હતા.

બીબીસી ગુજરાતી

બૉલના મુકાબલે બેટથી પ્રદર્શન?

રાશિદ ખાન

ઇમેજ સ્રોત, ANI

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આઈપીએલની આ સિઝનમાં રાશિદ ખાને અત્યાર સુધી 12 મૅચમાં 23 વિકેટ લીધી છે અને તેઓ સૌથી વધુ વિકેટ લેનાર બૉલર છે. તેમનો ઇકૉનૉમી રેટ 8.04નો છે અને પર્પલ કૅપ ક્યારેક તેમના માથે, તો ક્યારેક તેમની ટીમના જ સભ્ય મોહમ્મદ શમીને માથે ફરતી રહે છે.

રાશિદ વર્ષ 2017થી આઈપીએલમાં રમી રહ્યા છે અને દર વર્ષે તેમની બૉલિંગમાં સુધારો થઈ રહ્યો છે. તેમની વિકેટની ભૂખ વધી રહી છે અને તે પૂર્ણ પણ થઈ રહી છે, જોકે આ સાથે તેમની બેટિંગમાં પણ સુધારો આવ્યો છે. તેમણે 2021માં 14 મૅચોમાં 83 રન બનાવ્યા હતા, સાથે 2022માં 16 મૅચોમાં 91 રન બનાવ્યા હતા અને તેમનો સ્ટ્રાઇક રેટ 206.82નો રહ્યો હતો.

આ વર્ષની આઈપીએલ સિઝનમાં તેમણે અત્યાર સુધી 95 રન બનાવ્યા છે, જેમાં તેમણે 39 બૉલનો સામનો કર્યો છે. તેમના કુલ આંકડાને જોતાં લાગી રહ્યું છે કે તેઓ બેટિંગમાં ચોગ્ગા અને છગ્ગાથી રન બનાવવાનું પસંદ કરે છે.

આઈપીએલની કારકિર્દીમાં તેમણે 104 મૅચમાં 408 રન બનાવ્યા છે, જેમાં શુક્રવારે તેમણે મુંબઈ ઇન્ડિયન્સની ટીમ સામે ફટકારેલી એક અર્ધી સદીનો પણ સમાવેશ થાય છે. અત્યાર સુધીની કારકિર્દીમાં રાશિદ ખાને 33 છગ્ગા અને 24 ચોગ્ગા ફટકાર્યા છે.

એટલું જ નહીં આંતરરાષ્ટ્રીય ટી-20ની કારકિર્દીમાં પણ રાશિદ ખાને ઘણા શૉટ્સ ફટકાર્યા હતા. તેમણે 80 મૅચની 44 ઇનિંગ્સમાં 361 રન બનાવ્યા છે, જેમાં અણનમ 48 રન તેમનો ઉચ્ચતમ સ્કોર છે. રાશિદ ખાનની ગણતરી ભલે સંપૂર્ણ ઑલરાઉન્ડરોમાં ન થાય, પરંતુ તેઓ ધીરે-ધીર તેની યાદી તરફ આગળ વધી રહ્યા છે.

બીબીસી ગુજરાતી

ગુજરાત ટાઇટન્સની હારમાં પણ જીત કેમ?

રાશિદ ખાન

ઇમેજ સ્રોત, ANI

એક સમયે 13.2 ઓવરમાં 103/8નો સ્કોર ધરાવતી ટીમે 20 ઓવરમાં 191/8 પર મૅચ પૂરી કરી દીધી હતી, તો તેનો સંપૂર્ણ શ્રેય રાશિદ ખાનને જાય છે.

જો ગુજરાતની ટીમ 27 રનના બદલે મોટા માર્જિનથી હારી ગઈ હોત તો, તેનો પૉઇન્ટ ટેબલમાં અલગ જ સ્કોર હોત.

હાલ ગુજરાતની ટીમ પૉઇન્ટ ટેબલમાં 12 મૅચમાં 8 જીત સાથે ટૉપ પર છે, કારણ કે તેનો કુલ પૉઇન્ટ 16 છે. સાથે મુંબઈની ટીમ 12 મૅચમાં 7 જીત સાથે ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે અને તેમના 14 પૉઇન્ટ છે.

જો નેટ રનરેટની વાત કરીએ તો તેમાં માત્ર ગુજરાત, ચેન્નાઈ, રાજસ્થાન અને લખનૌ પૉઝિટિવ છે, જ્યારે મુંબઈ અને અન્ય નેગેટિવ છે. જો આ રનરેટ શુક્રવારે મોટા માર્જિનથી મળેલી હારના કારણે નેગેટિવ થઈ ગયો હોત તો ગુજરાત માટે પ્લેઑફનો માર્ગ મૂશ્કેલ બની શકે તેમ હતો.

આઈપીએલમાં પ્લેઑફની ચાર ટીમો હજુ સુધી ફાઇનલ થઈ નથી, કારણ કે હજુ પણ ઘણી ટીમોની મૅચ બાકી છે અને મુંબઈ જેવી ત્રીજા સ્થાનની ટીમનો નેટ રનરેટ નેગેટિવ છે. આ કિસ્સામાં કોઈ પણ હાર-જીત અને નેટ રનરેટ કોઈ પણ ટીમને પ્લેઑફની રેસમાંથી બહાર અથવા અંદર કરી શકે છે.

જો આજની મૅચોની વાત કરીએ તો પ્રથમ મૅચ સનરાઇઝર્સ હૈદરાબાદ અને લખનૌ સુપરજાયન્ટ્સ વચ્ચે અને બીજી મૅચ દિલ્હી કૅપિટલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાશે.

હૈદરાબાદ ચોક્કસપણે પૉઇન્ટ્સ ટેબલમાં નવમાં સ્થાને છે, પરંતુ હજુ પણ તેને પ્લેઑફની રેસમાંથી બહાર કહી શકાય નહીં, કારણ કે તેની ચાર મૅચ હજુ બાકી છે. આ કારણે હવે આઈપીએલની તમામ મૅચ રસપ્રદ થવા જઈ રહી છે.

બીબીસી ગુજરાતી