You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પાકિસ્તાન સામે વિજય પર અફઘાનિસ્તાનમાં ફાયરિંગ, કાબુલમાં ઉત્સવ, પાકિસ્તાનીઓ શું બોલ્યા?
આઇસીસી ક્રિકેટ વર્લ્ડકપમાં સોમવારે ચેન્નઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં અફઘાનિસ્તાને પાકિસ્તાનને આઠ વિકેટે હરાવી દીધું છે.
પાકિસ્તાન અત્યાર સુધીમાં કુલ પાંચ મૅચ રમ્યું છે અને ત્રણમાં હાર્યું છે. પાકિસ્તાનને ભારત, ઑસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન સામે પરાજયનો સામનો કરવો પડ્યો છે. ત્રીજી હાર બાદ પાકિસ્તાન માટે સેમિફાઇનલનો રસ્તો મુશ્કેલ બની ગયો છે.
ઑસ્ટ્રેલિયા અને ભારત સામેની હાર બાદ પાકિસ્તાનની ટીમને ઘરઆંગણે ચાહકોના રોષનો ભોગ બન્યું પડ્યું હતું અને એવામાં હવે અફઘાનિસ્તાન સામેની હારથી જાણે કે પાકિસ્તાની ક્રિકેટચાહકોની નારાજગીમાં બહોળો વધારો થયો છે.
પાકિસ્તાન ક્રિકેટ ટીમના કૅપ્ટન બાબર આઝમ, કૉચ મિકી આર્થર અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને આકરા સવાલો પૂછવામાં આવી રહ્યા છે. પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરો પણ તેમની ટીમની આકરી ટીકા કરી રહ્યા છે.
ભૂતપૂર્વ ક્રિકેટરોએ ઝાટકણી કાઢી
પાકિસ્તાનના પ્રદર્શનને જોતા ટીમની આ હાર બહુ આશ્ચર્યજનક નથી. પરંતુ પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટરોનું કહેવું છે કે પાકિસ્તાનની ટીમ સંપૂર્ણપણે લયમાં નથી અને છેલ્લાં કેટલાક વર્ષોમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ જે રીતે કામ કરી રહ્યું છે તેની અસર પણ ટીમના પ્રદર્શન પર પડી રહી છે.
ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટર દાનિશ કનેરિયા લખે છે, “હું મારી ટાઈમલાઇન પર જોઈ રહ્યો છું કે દરેક વ્યક્તિ વર્લ્ડકપમાં પાકિસ્તાની ટીમના પ્રદર્શનને લઈને ગુસ્સો કરી રહી છે. પરંતુ જો હું કંઈ કહીશ તો મને પાકિસ્તાનવિરોધી કહેવામાં આવશે.”
હાર બાદ ગુસ્સે ભરાયેલા પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર વસીમ અકરમે ‘ધી પેવેલિયન’ શોમાં કહ્યું હતું, “આજની હાર ખરેખર શરમજનક છે. 280થી વધુનો સ્કોર માત્ર બે વિકેટ ગુમાવીને હાંસલ કરી લેવો એ મોટી સિદ્ધિ છે. જરા પાકિસ્તાનની ટીમની ફિટનેસ તરફ જુઓ, તેની ફિલ્ડીંગ તરફ જુઓ. અમે છેલ્લાં ત્રણ અઠવાડિયાંથી કહી રહ્યા છીએ કે આ ટીમે છેલ્લાં બે વર્ષમાં એકેય ફિટનેસ ટેસ્ટ આપ્યો નથી. જો હું બધાનાં નામ લેવાનું શરૂ કરીશ તો તેમના મોં ઊતરી જશે. લાગે છે કે આ લોકો દરરોજ 8-8 કિલો નિહારી (માંસની વાનગી) ખાય છે.”
ભૂતપૂર્વ પાકિસ્તાની ફાસ્ટ બૉલર શોએબ અખ્તરે પણ આ પરાજય પર પ્રતિક્રિયા આપી છે. ડીએનએ સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, 'આજે જે ટીમ વધુ સારી હતી એ ટીમ જીતી છે. મારી પાસે આ હારનું વર્ણન કરવા માટે કોઈ શબ્દો નથી. ખરેખર, મારી પાસે કોઈ શબ્દ નથી.’
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શોએબ અખ્તરે એમ પણ કહ્યું હતું કે અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમે ખૂબ જ મુશ્કેલ સંજોગોનો સામનો કરીને આ મુકામ હાંસલ કર્યો છે.
તેમણે કહ્યું, “છેલ્લાં પચાસ વર્ષથી અફઘાનિસ્તાનના ગરીબ લોકો કેવી સ્થિતિમાં છે એ જુઓ. ત્યાં કોઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચર નથી, તેઓ બે વર્ષમાં તો અતિ મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી પસાર થયા છે. આ બધાની વચ્ચે અફઘાનિસ્તાને પાકિસ્તાનને 8 વિકેટે હરાવ્યું છે. અફઘાનિસ્તાને પાકિસ્તાનને ક્રિકેટ કેવી રીતે રમવું જોઇએ તે બતાવ્યું છે."
ભૂતપૂર્વ ક્રિકેટર શોએબ મલિકે ટીમની આ હાલત માટે મૅનેજમૅન્ટને જવાબદાર ગણાવ્યું છે. તેમણે કહ્યું, “હવે એ સાબિત થઈ ગયું છે કે આપણે સારી ટીમો સાથે સ્પર્ધા કરવા પણ તૈયાર નથી. આપણું મૅનેજમૅન્ટ કથળી ગયું છે અને જે રીતે બોર્ડ ચલાવવામાં આવી રહ્યું છે તેની અસર હવે ક્રિકેટ પર સ્પષ્ટપણે દેખાઈ રહી છે.”
બાબરે શું કહ્યું?
ભૂતપૂર્વ ક્રિકેટર રમીઝ રાજાએ તેની યુટ્યુબ ચેનલ પર પ્રતિક્રિયા આપતાં કહ્યું, “વર્લ્ડકપમાં અફઘાનિસ્તાન દ્વારા મળેલી હાર પાકિસ્તાન માટે મોટો ફટકો છે. આ પરાજય બાદ બાબર આઝમ અતિશય મુંઝાયેલા અને નિરાશ લાગતા હતા.”
તેમણે કહ્યું, “પાકિસ્તાનને ક્યારેય આટલી મોટી હાર નથી મળી, પરંતુ અફઘાનિસ્તાનની ટીમ આ જીતની હકદાર છે. ચેન્નઈની પીચ પર આઠ વિકેટે જીત મેળવવી -આનાથી વધુ સારું પ્રદર્શન હોઈ શકે નહીં. અફઘાનિસ્તાનની ક્રિકેટ ટીમે આનાથી વધુ સારું પ્રદર્શન ક્યારેય કર્યું નહીં હોય! જો અફઘાનિસ્તાન આ જ સ્તરની બેટિંગ જાળવી રાખે છે તો તેઓ હજુ આગળ વધશે.”
પાકિસ્તાનના સુકાની બાબર આઝમે સ્વીકાર્યું કે તેમની ટીમ સારી રીતે રમી શકી નથી. તેમણે કહ્યું હતું કે આ પ્રકારની હારથી ખરેખર દુ:ખ થાય છે.
પાકિસ્તાનના સુકાની બાબર આઝમે સ્વીકાર્યું કે તેમની ટીમ સારી રીતે રમી શકી નથી. તેમણે હારનું ઠીકરું બૉલરો પર ફોડ્યું.
બાબર આઝમે કહ્યું કે, “અમારો સ્કોર સારો હતો પરંતુ અમારી બૉલિંગ સારી ન હતી. અમે તેમને મિડલ ઓવરોમાં રન ફટકારતા રોકી શક્યા નહીં. જ્યારે અફઘાનિસ્તાન બેટિંગ કરી રહ્યું હતું ત્યારે અમે રન રોકી શક્યા ન હતા. અમે સારું ક્રિકેટ નથી રમી રહ્યા. અમે આગામી મૅચમાં ભૂલો સુધારવાનો પ્રયાસ કરીશું.”
અફઘાનિસ્તાનના કેપ્ટન શાહિદીએ જીતનો શ્રેય આખી ટીમને આપ્યો છે. શાહિદીએ કહ્યું, “આ જીત અતિશય ટાઢક આપે છે. હવે આગામી મૅચો તરફ અમારી નજર છે.”
“અમે સારું ક્રિકેટ રમી રહ્યા છીએ. અમને અમારા પર વિશ્વાસ હતો. અમે કહ્યું હતું કે અમે આ ટુર્નામેન્ટને અમારા લોકો માટે યાદગાર બનાવીશું. અમારી બૉલિંગ સારી હતી. ખાસ કરીને અમારા સ્પિનર નૂરે ખૂબ સારી બૉલિંગ કરી. બેટિંગમાં ગુરબાઝ અને ઈબ્રાહિમે શરૂઆતથી જ મૅચને જાણે કે અમારા નિયંત્રણમાં લાવી દીધી હતી.”
અફઘાનિસ્તાનમાં ઉજવણી
પાકિસ્તાન સામેની જીત પછી અફઘાનિસ્તાનમાં જાણે કે ખુશીની લહેર દોડી ગઈ છે.
અફઘાનિસ્તાનના પત્રકાર હબીબ ખાને ટ્વીટર પર એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં ફાયરિંગનો અવાજ આવી રહ્યો છે.
આ વીડિયો ક્લિપ શૅર કરતાં તેમણે લખ્યું છે કે, “આ કોઈ ફ્રન્ટલાઇન વૉર ઝોન નથી પણ પાકિસ્તાનને હરાવ્યા પછી કાબુલમાં થઈ રહેલી ઉજવણી છે. અફઘાનિસ્તાને પાકિસ્તાન સામે ઐતિહાસિક જીત મેળવી છે.”
હબીબ ખાને પાકિસ્તાન સામેની જીતની ઉજવણીની અનેક વીડિયો ક્લિપ્સ પોસ્ટ કરી છે. આ વીડિયો ક્લિપ્સમાં અફઘાનિસ્તાનના અલગ-અલગ વિસ્તારોમાં લોકો જોરશોરથી ઉજવણી કરતા જોવા મળે છે.
હબીબ ખાને એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમની એક વીડિયો ક્લિપ શૅર કરી છે, જેમાં એક અફઘાન નાગરિક કહી રહ્યો છે કે, "પાકિસ્તાન સામે જીતવું એ વર્લ્ડકપ જીતવા જેવું છે. અમારું મિશન સફળ થયું. હવે અમે રાજીખુશીથી ઘરે જઈ શકીએ છીએ.”
આ દરમિયાન પાકિસ્તાનને હરાવ્યા બાદ અફઘાનિસ્તાનના સ્ટાર ક્રિકેટર રાશિદ ખાન પૂર્વ ભારતીય ક્રિકેટર ઈરફાન પઠાણ સાથે સ્ટેડિયમમાં ડાન્સ કરતા પણ જોવા મળ્યા હતા.