તામિલનાડુ : ઍક્ટર વિજયની રેલીમાં નાસભાગમાં ઓછામાં ઓછા 39નાં મોત, અભિનેતાએ નિવેદનમાં શું કહ્યું?

અભિનેતાથી નેતા બનેલા વિજયની તામિલનાડુની કરૂર જિલ્લામાં થયેલી એક રેલી દરમિયાન થયેલી નાસભાગને કારણે ઓછામાં ઓછા 39 લોકોનાં મૃત્યુ થયાં છે.

તામિલનાડુ સરકારના પૂર્વ મંત્રી અને સ્થાનિક ધારાસભ્ય સેંથિલ બાલાજીએ મીડિયાને જણાવ્યું કે આ દુર્ઘટનામાં 39 લોકોનાં મૃત્યુ થયાં છે. જેમાં મહિલાઓ અને બાળકો પણ છે. આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા 95 લોકોને કરૂરની હૉસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા છે.

આ દુર્ઘટના બાદ તામિલનાડુના મુખ્ય મંત્રી સ્ટાલિને જિલ્લામાં ઇમર્જન્સી પ્રોટોકૉલ લાગુ કરવા માટે કહ્યું છે. જોકે, કહેવાય છે કે મૃતકોની સંખ્યા વધી શકે છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ દુર્ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું છે.

અકસ્માત બાદ સીએમ સ્ટાલિને પોતાના નિવેદનમાં મૃતકોના પરિવારજનોને દસ-દસ લાખ રૂ. વળતર આપવાનીય જાહેરાત કરી છે.

તામિલનાડુ વેત્રી કાગમગન પાર્ટીના નેતા અને અભિનેતા વિજયે રાજ્યના કરૂરમાં શનિવારે ચૂંટણીપ્રચાર રેલીને સંબોધિત કરી હતી, જેમાં અનેક લોકો બેભાન થઈ ગયા હતા.

નાસભાગ બાદ અભિનેતામાંથી નેતા બનેલા વિજયે એક્સ પર પોસ્ટ કરીને દુ:ખ વ્યક્ત કર્યું છે.

તેમણે લખ્યું, "મારું દિલ તૂટી ગયું છે. હું અસહનીય દર્દ અને દુ:ખમાં છું, જેને શબ્દોથી વર્ણવી ન શકાય. કરૂરમાં મૃત્યુ પામનાર મારા પ્રિય ભાઈઓ અને બહેનોના પરિવારો પ્રત્યે હું ઊંડી સંવેદના અને સહાનુભૂતિ વ્યક્ત કરું છું. હું હૉસ્પિટલમાં ઇલાજ કરાવી રહેલા લોકોના જલદી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું."

અકસ્માત અંગે તામિલનાડુના સીએમ એમકે સ્ટાલિને નિવેદન જાહેર કર્યું છે, જે પ્રમાણે મૃતકોમાં આઠ બાળકો અને 16 મહિલાઓ પણ સામેલ છે.

પીએમ નરેન્દ્ર મોદી સહિત તામિલનાડુના સીએમે દુ:ખ વ્યક્ત કર્યું

રાજ્યના મુખ્ય મંત્રી સ્ટાલિને સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ ઉપર આ ઘટના વિશે માહિતી આપી હતી અને લખ્યું કે કરૂરથી ચિંતાજનક સમાચાર આવી રહ્યા છે.

સ્ટાલિને લખ્યું, "મેં પૂર્વ મંત્રી સેંથિલ બાલાજી, માનનીય આરોગ્ય મંત્રી એમ. સુબ્રમણ્યમ તથા જિલ્લાધિકારીનો સંપર્ક સાધ્યો છે, જેથી કરીને ભીડને કારણે બેભાન થયેલા લોકોને તાત્કાલિક હૉસ્પિટલમાં દાખલ કરાવી શકાય અને તેમને તરત જ સારવાર મળે."

સ્ટાલિને તબીબો અને પોલીસને સહયોગ આપવા જનતાને અપીલ કરી હતી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની ઍક્સ પોસ્ટમાં લખ્યું, "તામિલનાડુના કરૂરમાં રાજકીય રેલી દરમિયાન કમનસીબ ઘટના ઘટી, તે દુ:ખદાયક છે. જેમણે પોતાના નિકટજનોને ગુમાવ્યા છે, તેમના પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું."

"સંકટની આ ઘડીએ તેમને હિંમત જળવાય રહે તે માટે તથા જે લોકો ઘાયલ છે, તેમના માટે પ્રાર્થના કરું છું."

આરોગ્ય મંત્રી એમ. સુબ્રમણ્યમે પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું, "કરૂરમાં વિજયની રેલી દરમિયાન નાસભાગમાં ઘાયલ થયેલા લોકોને હૉસ્પિટલે લઈ જવામાં આવી રહ્યા છે અને તેમની સારવાર ચાલી રહી છે. મુખ્ય મંત્રીના આદેશને પગલે ત્રિચીથી એક ટીમ ત્યાં જઈ રહી છે. હું પણ આજે રાત્રે કરૂર જઈ રહ્યો છું."

કરૂરમાં હૉસ્પિટલમાં ઈજાગ્રસ્તો સાથે મુલાકાત બાદ પૂર્વ મંત્રી સેંથિલ બાલાજીએ કહ્યું હતું કે આ નાસભાગ મહિલાઓ અને બાળકો સહિત 31 લોકો મૃત્યુ પામ્યાx છે.

આ સમયે જિલ્લાના કલેક્ટર પણ તેમની સાથે હતા. આ પહેલાં જિલ્લાધિકારી થંગવેલે ઈજાગ્રસ્તોને હૉસ્પિટલે લઈ જવામાં આવ્યા છે, એમ જણાવ્યું હતું અને એથી વધુ કોઈ માહિતી આપવાનો ઇન્કાર કરી દીધો હતો.

તામિલનાડુમાં મુખ્ય વિપક્ષના નેતા એઆઈએડીએમકેના મહાસચિવ ઈકે પલ્લાનીસ્વામીએ આ ઘટના અંગે શોક વ્યક્ત કર્યો હતો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન