You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ચૅમ્પિયન્સ ટ્રૉફી : 25 વર્ષ પહેલાં યોજાયેલી એ ફાઇનલ જેમાં ન્યૂઝીલૅન્ડે ભારતને હરાવ્યું હતું
15મી ઑક્ટોબર, 2000. જિમખાના ક્લબ ગ્રાઉન્ડ નૈરોબી. તે વખતે આ ટ્રૉફીનું નામ આઈસીસી નૉકઆઉટ ટુર્નામેન્ટ હતું. પછી પાછળથી તેનું નામ બદલીને ચૅમ્પિયન્સ ટ્રૉફી કરવામાં આવ્યું. આ નૉકઆઉટ ટુર્નામેન્ટમાં ફાઇનલ મૅચ ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે રમાઈ હતી.
આ રોમાંચક મુકાબલામાં ન્યૂઝીલૅન્ડે ભારતને ચાર વિકેટે હરાવીને ચૅમ્પિયન્સ ટ્રૉફી પર કબજો જમાવ્યો હતો.
25 વર્ષ પહેલાં શું થયું હતું?
તે વખતે ભારતની ટીમ ચૅમ્પિયન્સ ટ્રૉફીની ફાઇનલમાં પહોંચી હતી તે પણ એક મોટી ઉપલબ્ધી હતી.
તે વખતે ભારતીય ક્રિકેટ ટીમમાં ફિક્સિંગનો ભૂકંપ આવ્યો હતો.
કપિલ દેવ કોચનું અને સચીન તેંડુલકર કપ્તાનનુ પદ છોડી ચૂક્યા હતા.
તે વખતે ભારતની ટીમના કોચ બન્યા હતા જૉન રાઇટ અને કૅપ્ટન બન્યા હતા સૌરવ ગાંગુલી. ચૅમ્પિયન્સ ટ્રૉફી પહેલી સિરીઝ હતી જેમાં તેમણે પહેલી વખત મોરચો સંભાળ્યો હતો.
આ પરીક્ષામાં સૌરવ ગાંગુલીએ પોતાને સાબિત કરી દેખાડ્યું. તેમણે સેમિફાઇનલમાં દક્ષિણ આફ્રિકા સામે 142 બૉલમાં 141 રનની પારી રમી.
તેમણે આ ઇનિંગમાં 11 ચોક્કા અને છ છગ્ગા લગાવ્યા. તેઓ પારીના અંત સુધી નૉટઆઉટ રહ્યા અને ભારતીય ટીમનો સ્કોર 295 પર પહોંચાડ્યો. આ લક્ષ્યને પ્રાપ્ત કરવામાં દક્ષિણ આફ્રિકા સફળ ન થયું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ફાઇનલ મૅચમાં સામે ન્યૂઝીલૅન્ડ
ફાઇનલ મૅચમાં ન્યૂઝીલૅન્ડ સામે ભારતીય ખેલાડી સૌરવ ગાંગુલી અને સચીન તેંડુલકરે સારી શરૂઆત કરી. બંનેએ 27 ઓવર સુધીમાં ભારતના સ્કોરને 141 રન પર પહોંચાડી દીધો.
સચીન 69 રન પર આઉટ થયા. તેઓ રન-આઉટ થયા હતા. ગાંગુલીના કૅરિયરમાં ખરાબ રનિંગ બિટવિન ધ વિકેટ હંમેશાં તેમનો પીછો કરતું રહ્યું. તેમણે આ ફાઇનલમાં 130 બૉલમાં 117 રનની પારી રમી. જેમાં તેમણે નવ ચોક્કા અને ચાર છગ્ગા લગાવ્યા.
લગાતાર તેમની આ બીજી સદી હતી.
ક્રિસ કેર્ન્સે બાજી પલટી
જોકે, સૌરવ ગાંગુલીની સદી એળે ગઈ. ભારતીય ટીમ એક વખતે મજબૂત દેખાતી હતી પંરતુ યુવરાજસિંહ, રૉબિનસિંહ અને વિનોદ કાંબલી કંઈ ખાસ નહીં ઉકાળી શક્યા. 50 ઓવરમાં ભારતે છ વિકેટના ભોગે માત્ર 264 રન બનાવ્યા.
ન્યૂઝીલૅન્ડની ઇનિંગ શરૂ થઈ ત્યારે વેંકટેશ પ્રસાદે બે વિકેટ ઝડપથી લેવામાં સફળતા મેળવી. ભારતને લાગ્યું કે મૅચ મુઠ્ઠીમાં છે પરંતુ સામે છેડે ક્રિસ કેર્ન્સ હતા. ન્યૂઝીલૅન્ડના આ ઑલરાઉન્ડરે ઉમદા પારી ખેલી.
તેઓ બીજા છેડે ટકી ગયા હતા. બીજા છેડા પર વિકેટ પડતી જતી હતી. એક સમયે ન્યૂઝીલૅન્ડનો સ્કોર પાંચ વિકેટે 132 રન હતો.
અહીં અન્ય ઑલરાઉન્ડર ક્રિસ હૅરિસનો સાથ મળ્યો. બંનેએ 25 ઓવરની ભાગેદારી કરીને જીત માટે જોઈતા બીજા 122 રન બનાવી દીધા.
હૅરિસે 72 બૉલમાં ચાર ચોક્કાની મદદથી 46 રન બનાવ્યા હતા. તેઓ જ્યારે આઉટ થયા ત્યારે મૅચ ન્યૂઝીલૅન્ડની પકડમાં આવી ગઈ હતી.
ક્રિસ કેર્ન્સે 113 બૉલમાં 102 રનની શાનદાર ઇનિંગ રમી.
મૅચ પહેલા ક્રિસ કેર્ન્સને ઘૂંટણનો દુખાવો થયો હતો. પરંતુ ટીમ મૅનેજમેન્ટે તેના પર ભરોસો મૂક્યો અને તેઓ ટ્રમ્પ-કાર્ડ સાબિત થયા.
આ મૅચ વિશે સૌરવ ગાંગુલીએ પોતાના પુસ્તકમાં શું લખ્યું?
આ મૅચ બાદ સૌરવ ગાંગુલીએ કહ્યું હતું કે અંતિમ ઓવરોમાં ભારતીય બૅટ્સમૅનોએ ખરાબ બેટિંગ કરી જેને કારણે ટીમ 300 રનના લક્ષ્યાંક સુધી ન પહોંચી શકી.
ગાંગુલીએ પોતાનું એક પુસ્તક ગૌતમ ભટ્ટાચાર્યા સાથે મળીને લખ્યું છે. 'અ સેંચુરી ઇઝ નૉટ ઇનફ' નામના આ પુસ્તકમાં તેમણે લખ્યું છે કે "અમે શાનદાર શરૂઆત કરી હતી. ઑસ્ટ્રેલિયા સામે જીતની સફર શરૂ કરી હતી. પણ અમે ફાઇનલ હારી ગયા. આ એ મૅચ હતી જે અમારે જીતવી જોઈતી હતી."
સૌરવ ગાંગુલીએ આ મૅચનો ઉલ્લેખ એટલા માટે પણ કર્યો કે કઈ રીતે યુવરાજસિંહે ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું.
લોકો એ ફાઇનલમાં ફટકારેલી સૌરવની સદીને ભલે ભૂલી ગયા હોય પંરંતુ ભારતીય ક્રિકેટ માટે એ ફિક્સિંગ કાંડ બાદ આત્મવિશ્વાસ પ્રાપ્ત કરવાનો સમયગાળો હતો. જેની નીંવ પર આજે ભારતીય ક્રિકેટની દુનિયામાં બોલબાલા છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન