You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ચૅમ્પિયન્સ ટ્રૉફી : રોહિત શર્માની કૅરિયર ધોનીના એક નિર્ણયથી કેવી રીતે બદલાઈ ગઈ?
- લેેખક, જીગર ભટ્ટ
- પદ, બીબીસી સંવાદદાતા
ચૅમ્પિયન્સ ટ્રૉફીની ફાઇનલમાં ભારતે ન્યૂઝીલૅન્ડને હરાવીને 25 વર્ષ પહેલાંની હારનો બદલો લીધો છે. રોહિત શર્માને 76 રનની ઇનિંગ રમવા બદલ પ્લેયર ઑફ ધ મૅચ પસંદ કરવામાં આવ્યા. રોહિત શર્માએ ભારતને ધમાકેદાર શરૂઆત કરાવી હતી. તેમણે બેટિંગ દરમિયાન બીજા જ બૉલ પર સિક્સર ફટકારીને પોતાના ઇરાદા જાહેર કરી દીધા હતા. રોહિત શર્માએ કમાલની બેટિંગ કરી. તેને કારણે પાવરપ્લે બાદ ભારતનો સ્કોર વગર નુકસાને 64 રન હતો. પરંતુ તમને ખબર છે કે રોહિત શર્મા પહેલાં રેગ્યુલર ઓપનર નહોતા?
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રોહિત શર્માને તમે ટોચના ઓપનરની યાદીમાં મૂકી શકો તેવું પ્રદર્શન તેમનું રહ્યું છે અને આંકડાઓ પણ તેની પુષ્ટિ કરે છે.
રોહિત શર્માએ 2013માં ભારત માટે ઓપનિંગ કરવાનું શરૂ કર્યું. ટેસ્ટ, વન-ડે અને ટી-20માં તેમણે પહેલા અને બીજા ક્રમે બેટિંગ કરીને ભારત માટે 375 મૅચમાં 44.90ની એવરેજથી 15,589 રન બનાવ્યા છે. આ પહેલાં તેઓએ ત્રીજાથી શરૂ કરીને નવમા ક્રમ સુધી બેટિંગ કરી છે. જેમાં તેમણે 140 મૅચમાં માત્ર 29ની એવરેજથી 4115 રન બનાવ્યા છે.
રોહિત શર્મા હાલની ચૅમ્પિયન્સ ટ્રૉફીમાં બેટિંગમાં સારું પ્રદર્શન કરી શક્યા નથી પરંતુ જે રીતે તેઓ આક્રમક અને નીડર બનીને રમે છે તેના વખાણ કરતા ગૌતમ ગંભીરે કહ્યું, 'જો તમારો કૅપ્ટન આ રીતે બેટિંગ કરતો હોય તો ડ્રૅસિંગ રૂમમાં સીધો સંદેશો મળે છે આપણે નીડર અને હિંમતવાન બનવાનું છે.'
ચૅમ્પિન્સ ટ્રૉફી કે વર્લ્ડકપ જેવી મોટી ટુર્નામેન્ટમાં રોહિત શર્મા કોઈ પરવા કર્યા વિના આક્રમક રમીને ટીમના બીજા ખેલાડીઓનો ભાર હળવો કરતા હોય તેવું પહેલી વખત નથી થયું.
2023ના વન-ડે વર્લ્ડકપમાં રોહિત શર્માએ 125ના સ્ટ્રાઇક રેટથી 597 રન બનાવ્યા હતા. રોહિત શર્મા જે નીડરતાથી રમ્યા તેની ભારે પ્રશંસા તત્કાલીન કૉચ રાહુલ દ્રવિડે કરી હતી.
રોહિત શર્માએ 2019માં ઇંગ્લૅન્ડમાં રમાયેલા વર્લ્ડકપમાં 5 સદી ફટકારી અને 81ની એવરેજથી 648 રન બનાવ્યા હતા. જે ક્રિકેટની કોઈ એક વન-ડે ટુર્નામેન્ટમાં સૌથી વધુ સદી બનાવવાનો રેકૉર્ડ છે.
ભારતને આ મજબૂત ઓપનર કેવી રીતે મળ્યા તેની કહાણી 2013ની ચૅમ્પિયન્સ ટ્રૉફીની પહેલાંથી શરૂ થાય છે અને આમાં મહેન્દ્રસિંહ ધોનીનું મોટું યોગદાન રહ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
2013ની ચૅમ્પિયન્સ ટ્રૉફી પહેલાં ભારતને જોઈતો હતો નવો ઓપનર
ભારત 2011માં વનડે ક્રિકેટ વર્લ્ડકપ જીત્યું તે પછી ભારતના સિનિયર ખેલાડીઓની વિદાય ધીમે ધીમે થઈ રહી હતી અને નવી ટીમ બની રહી હતી.
વીરેન્દ્ર સેહવાગનું પ્રદર્શન 2012માં ખરાબ રહ્યું હોવાથી વર્ષ 2013ની શરૂઆતમાં ઇંગ્લૅન્ડ સામેની વન-ડે સિરીઝમાં તેમના સ્થાને રણજી ટ્રૉફીમાં બેવડી સદી ફટકારનારા પુજારાની પસંદગી કરાઈ હતી.
બીજી તરફ રોહિત શર્માએ 2012માં ચોથાથી શરૂ કરીને સાતમા ક્રમ સુધી બેટિંગ કરી હતી જોકે તેઓએ માત્ર 27 મૅચમાં 15.77ની ઍવરેજથી 284 રન બનાવ્યા હતા. તેઓ 2012ની છેલ્લી છ મૅચમાં તો અનુક્રમે 5, 0, 0, 4, 4 અને 4 રન બનાવ્યા હતા. મનોજ તિવારી આ દરમિયાન ફિટ ન હોવાના કારણે રોહિત શર્માને ટીમમાં ટકી રહેવાની એક તક મળી ગઈ હતી.
ઇંગ્લૅન્ડ સામેની વન-ડે સિરીઝમાં પહેલી ત્રણ મૅચમાં ગૌતમ ગંભીર અને અજિંક્ય રહાણએ ઓપનિંગ કરી.
વીરેન્દ્ર સેહવાગ જેવા આક્રમક ખેલાડીની ટીમ ઇન્ડિયાને જરૂર હતી. અજિંક્ય રહાણે સારું પ્રદર્શન કરી શક્યા નહીં.
ભારત જૂન મહિનામાં ચૅમ્પિયન્સ ટ્રૉફી રમવાનું હતું તે પહેલાં IPL હોવાથી ભારત માટે ઇંગ્લૅન્ડ સામેની વન-ડે સિરીઝમાં જ બધા પ્રયોગ કરવાના હતા.
ચૅમ્પિયન્સ ટ્રૉફી પહેલાં મહેન્દ્રસિંહ ધોનીએ રમ્યો મોટો દાવ
ઇંગ્લૅન્ડ સામેની ચોથી વનડેમાં મહેન્દ્રસિંહ ધોનીએ અજિંક્યા રહાણેના સ્થાને રોહિત શર્માને ઓપનિંગ કરવાની તક આપી.
ઇંગ્લૅન્ડની ટીમે મોહાલીમાં આ વન-ડે મૅચમાં પહેલી બેટિંગ કરતા 257 રન બનાવ્યા હતા. ભારત તરફથી રોહિત શર્માએ 93 બૉલમાં 83 રન બનાવીને મજબૂત શરૂઆત આપી. સુરેશ રૈનાએ પણ તે મૅચમાં 89 રન બનાવ્યા હતા. ભારતે સિરીઝ પર કબજો કર્યો.
રોહિત શર્માના પ્રદર્શન વિશે મહેન્દ્રસિંહ ધોનીએ મૅચ પછી કહ્યું, 'મને ખુશી છે કે તેણે રન બનાવ્યા કારણ કે તેનામાં ગૉડ ગિફ્ટેડ ટૅલેન્ટ છે. આ પ્રકારની ઇનિંગની તેને ખૂબ જ જરૂર હતી. તેનાથી તેના આત્મવિશ્વાસમાં વધારો થશે. વ્યક્તિગત રીતે હું ખૂબ ખુશ છું.'
મહેન્દ્રસિંહ ધોનીએ વધુમાં કહ્યું, 'અમને બધાને લાગ્યું કે તે સારો ઓપનર બની શકે છે, કારણ કે તે કટ અને પુલ સારા રમે છે. આ ઉપરાંત બે ઓપનર તમારી ટીમમાં હોય ત્યારે તમે ઇચ્છો છો કે એક બીજા કરતા આક્રમક હોય. મને લાગે છે કે તેણે આ પડકારને સ્વીકાર્યો છે.'
ધોનીએ રોહિત શર્માના સામેના પડકારની વાત કરતા કહ્યું કે મનોજ તિવારી અનફિટ હોવાના કારણે રોહિત શર્માને તક મળી હતી. ધોનીએ રોહિતની પ્રશંસા કરતા કહ્યું, 'સારી વાત એ હતી કે તેણે પડકાર તરીકે તેનો સામનો કર્યો.'
IPLમાં રોહિત શર્માનું શાનદાર પ્રદર્શન અને મુંબઈ ચૅમ્પિયન
રોહિત શર્મા 2011માં મુંબઈ ઇન્ડિયન્સની ટીમમાં જોડાયા હતા અને મિડલ ઑર્ડરમાં રમતા હતા. વર્ષ 2013માં રિકી પૉન્ટિંગે ચાલુ IPLમાં કૅપ્ટનશિપ છોડી દેતા રોહિત શર્માને કૅપ્ટન બનાવવામાં આવ્યા હતા.
રોહિત શર્માની આગેવાનીમાં મુંબઈ ઇન્ડિયન્સ પહેલીવખત IPLમાં ચૅમ્પિયન બન્યું હતું. ચોથા ક્રમે બેટિંગ કરતા રોહિત શર્માએ મુંબઈ તરફથી સૌથી વધારે 538 રન બનાવ્યા હતા. રોહિત શર્માના પ્રદર્શનથી તેઓ ભારતીય ટીમમાં ટકી રહેવાની દાવેદારી મજબૂત થઈ હશે.
રોહિત શર્માએ ચૅમ્પિયન્સ ટ્રૉફીમાં ઓપનિંગ કરી
ઇંગ્લૅન્ડમાં રમાનારી ચૅમ્પિયન્સ ટ્રૉફી માટે ભારતે ઓપનર તરીકે શિખર ધવન, મુરલી વિજય અને રોહિત શર્માની પસંદગી કરી હતી.
રોહિત શર્માએ ચૅમ્પિયન્સ ટ્રૉફીની દક્ષિણ આફ્રિકા સામેની પહેલી મૅચમાં 81 બૉલમાં 65 રન બનાવ્યા અને શિખર ધવને 94 બૉલમાં 114 રન બનાવ્યા હતા. ભારતે ઇંગ્લૅન્ડમાં દક્ષિણ આફ્રિકા સામે એ મૅચમાં 331 રન બનાવ્યા હતા. દક્ષિણ આફ્રિકા 26 રને હાર્યું હતું.
મહેન્દ્રસિંહ ધોનીએ મૅચ પછી પ્રેઝન્ટેશનમાં રોહિત શર્મા અને શિખર ધવનના વખાણ કર્યા. તેમણે રોહિત શર્માની ઓપનિંગ વિશે કહ્યું, 'રોહિત શર્મા છેલ્લી વનડે મૅચ ઓપનર તરીકે રમ્યો હતો, પસંદગીકારોએ પણ અમને સમર્થન કર્યું કે તેને ઓપનર તરીકે રમવા દો. તેણે અમારા માટે કામ કર્યું છે'
રોહિત શર્માએ ચૅમ્પિયન્સ ટ્રૉફીની બાકીની ચાર મૅચમાં અનુક્રમે 52, 18, 33 અને 9 રન બનાવ્યા હતા. ચૅમ્પિયન્સ ટ્રૉફીની પાંચ મૅચ ભારતે રમી હતી.
આખી ટુર્નામૅન્ટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓમાં રોહિત શર્મા બીજા ભારતીય ખેલાડી હતા, જ્યારે શિખર ધવને ચૅમ્પિયન્સ ટ્રૉફીમાં સૌથી વધુ રન(90.75ની ઍવરેજથી 363 રન) બનાવ્યા હતા.
રોહિત શર્મા અને શિખર ધવનની જોડીએ ભારતને ચૅમ્પિયન્સ ટ્રૉફી જીતાડવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
રોહિત શર્માએ ત્યારબાદ ભારત માટે હંમેશા ઓપનિંગ કરી છે.
'મહેન્દ્રસિંહ ધોનીના નિર્ણયથી મારી કૅરિયર પલટાઈ'
રોહિત શર્માને ઓપનિંગ કરાવવાનો નિર્ણય મહેન્દ્રસિંહ ધોનીએ કર્યો હોવાની વાત ખુદ રોહિત શર્માએ કરી હતી. તેમણે 2017માં સમાચાર સંસ્થા PTIને આપેલા ઇન્ટરવ્યૂને ટાંકીને ઇન્ડિયન ઍક્સપ્રેસે લખ્યું, 'મને ઓપનિંગ કરાવવાનો નિર્ણય જે મહેન્દ્રસિંહ ધોનીએ કર્યો હતો તેના કારણે મારી કૅરિયર પલટાઈ ગઈ.'
રોહિત શર્માએ કહ્યું, 'હું તેના પછી સારો બૅટ્સમૅન બન્યો. વધુમાં તેના કારણે હું મારી રમતને સારી રીતે સમજતો ગયો અને સ્થિતિ પ્રમાણે સારું રિઍક્ટ કરતો થયો.'
રોહિત શર્માને મહેન્દ્રસિંહ ધોની ઓપનિંગ કરવાનું કહેવા ગયા તેની વાતને વર્ણવતા રોહિતે કહ્યું, 'તેઓ (ધોની) મારી પાસે આવ્યા અને મને કહ્યું હું ઇચ્છું છું કે તું ઇનિંગ્સની શરૂઆત કરે મને વિશ્વાસ છે કે તું સારું કરીશ. તું કટ અને પુલ સારા રમે છે જેથી તુ ઓપનર તરીકે સફળ થઈશ.'
રોહિત શર્માએ ધોનીએ કહેલી વાત વિશે વિસ્તારથી કહ્યું, 'ધોનીએ મને કહ્યું કે મારે નિષ્ફળતાઓથી ડરવું ન જોઈએ કે ટીકાઓથી નારાજ થવું ન જોઈએ. તેઓ દીર્ઘદૃષ્ટિથી જોઈ રહ્યા હતા કારણ કે તે વર્ષે ચૅમ્પિયન્સ ટ્રૉફી ઇંગ્લૅન્ડમાં રમાવાની હતી.'
રોહિત શર્માએ આ ઇન્ટરવ્યૂમાં મહેન્દ્રિસિંહ ધોનીની કપ્તાનીના વખાણ કરતા કહ્યું, 'અન્ય મહાન ભારતીય કૅપ્ટનનો હું અનાદર નથી કરતો પરંતુ આ મારું સૌભાગ્ય છે કે મને આટલા વર્ષો મહેન્દ્રસિંહ ધોનીની કૅપ્ટનશિપમાં રમવાનું સૌભાગ્ય મળ્યું. તેઓ ગમે તેટલી દબાણની સ્થિતિમાં શાંત રહેતા હતા તેનાથી અમને મદદ મળી છે. તેમણે હંમેશાં આગળ રહીને નેતૃત્વ કર્યું છે. તેમના જેવો બીજો કોઈ નહીં હોય."
રોહિત શર્માને ચૅમ્પિયન્સ ટ્રૉફી, 2013માં કરેલા પ્રદર્શનથી પોતાનામાં વિશ્વાસ આવ્યો હતો કે તે સારી ઓપનિંગ કરી શકે છે. તેમણે તે જ ઇન્ટરવ્યૂમાં કહ્યું, 'ઇંગ્લૅન્ડમાં રમાયેલી ચૅમ્પિયન્સ ટ્રૉફીએ મને વિશ્વાસ અપાવ્યો કે હું સવારે ઇંગ્લિશ પરિસ્થિતિઓમાં સફેદ બૉલ રમવાના પડકારોનો સામનો કરવા તૈયાર છું અને ઓપનિંગ કરી શકું છું. કૅપ્ટનને વિશ્વાસ હતો કે હું પરિસ્થિતિઓને સંભાળી શકીશ અને મેં તે કર્યું.'
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન