ચૅમ્પિયન્સ ટ્રૉફી 2025: મેદાનમાં અદબ વાળીને ઊભેલા પાકિસ્તાનના આ ખેલાડીને લોકો કેમ ટ્રૉલ કરી રહ્યા છે?

ચૅમ્પિયન્સ ટ્રૉફીમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રવિવારે રમાયેલી મેચમાં પાકિસ્તાની લેગ સ્પિનર અબરાર અહમદ તેમની એક હરકતના કારણે વિવાદમાં છે.

અબરારે શાનદાર બૉલિંગ કરીને મૅચની 18મી ઓવરમાં શુભમન ગિલને બૉલ્ડ કરી દીધા, ત્યારે ભારતીય દર્શકો સ્તબ્ધ થઈ ગયા હતા. ગિલ તે વખતે 46 રને ક્રીઝ પર હતા. તેઓ આઉટ થતા જ સ્ટેડિયમમાં શાંતિ પ્રસરી ગઈ.

પરંતુ પછી અબરારે પોતાની આંખો અને ભ્રમર દ્વારા આઉટ થયેલા ગિલ તરફ એવા ઇશારા કર્યા કે લોકોએ સોશિયલ મીડિયા પર તેમને બરોબરના ટ્રોલ કર્યા છે.

ભારતમાં હાલમાં અબરારને મોટા પ્રમાણમાં ટ્રોલ કરવામાં આવી રહ્યા છે અને પાકિસ્તાની ક્રિકેટની હાંસી ઉડાવવામાં આવી રહી છે.

પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર અને કૅપ્ટન વસીમ અક્રમે પણ તેની આ હરકતની ટીકા કરી છે.

ગિલને આઉટ કર્યા પછી અબરારના ઇશારા

અબરારે ગિલને ક્લિન બોલ્ડ કર્યા ત્યારે શરૂઆતમાં બધાએ તેમના વખાણ કર્યા, પરંતુ પછી તેમણે ગિલ સામે આંખથી જે ઇશારો કર્યો તેનાથી ઘણા ચાહકોને ખોટું લાગ્યું છે.

આ એક તરફી મૅચમાં ભારતનો વિજય થયો, પરંતુ લોકો પાકિસ્તાનની બહુ મજાક ઉડાવી રહ્યા છે જેમાં દિલ્હી પોલીસ પણ સામેલ છે.

દિલ્હી પોલીસે તેમના સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું છે કે "કેટલાક વિચિત્ર અવાજો માત્ર પડોશી દેશમાં સાંભળવા માળતા હોય છે. આશા રાખીએ કે આ માત્ર ટીવી તૂટવાનો અવાજ હશે."

ચૅમ્પિયન્સ ટ્રૉફીમાં પાકિસ્તાનનાં નબળાં પ્રદર્શનને કારણે ઘણા યૂઝર્સ હવે ટીમ, કોચ, સિલેક્ટરો અને પીસીબીના ચૅરમૅન મોહસિન નકવીની સોશિયલ મીડિયા પર આકરી ટીકા કરી રહ્યા છે.

ટીમના પસંદગીકારોની ઝાટકણી કાઢતી એક વ્યક્તિએ સોશિયલ મીડિયા પર લખ્યું કે "ટીમમાં કોણ સામેલ હશે તેની બધાને ખબર હતી, માત્ર સિલેક્ટરો અને મોહસિન નકવી જ તેનાથી અજાણ હતા."

પાકિસ્તાનના ભૂતપૂર્વ કૅપ્ટન વસીમ અકરમે પણ કહ્યું કે ટુર્નામેન્ટ પછી સિલેક્ટરો, કોચ અને કૅપ્ટનને બેસાડીને પૂછવું જોઈએ કે તેમણે કેવા પ્રકારની ટીમ બનાવી છે.

વસીમ અક્રમે અબરારની આ પ્રકારના ઇશારાની ટીકા કરતાં કહ્યું, "સમય અને જગ્યા છે તો ઉજવણી કરો. કપડાં હલાવી દો. કોઈ સમસ્યા નથી. ખબર છે કે ફસાયેલા છીએ. વિકેટ નથી મળી રહી તેથી નમ્ર રહો. પણ તે નથી થઈ શકતું. તેમને કહેનારું કોઈ નથી. ઘણો સારો બૉલ હતો, પરંતુ જે પ્રકારે ઉજવણી થઈ તેને કારણે બધુ બરબાદ કરી નાખ્યું. ટીવી પર પણ આ સારું નથી લાગતું."

પસંદગીકારો પર માછલાં ધોવાયાં

પાકિસ્તાનના ભૂતપૂર્વ કૅપ્ટન મોહમ્મદ હાફીઝે પણ એક ટીવી પ્રોગ્રામમાં પસંદગીકારોની ટીકા કરતા કહ્યું કે "ટીમ પસંદ થઈ ગયા પછી આપણે સવાલ કરીએ છીએ કે ઓપનિંગમાં કોણ ઉતરશે, કોણ ત્રીજા નંબરે રમવા આવશે અને કોણ પાંચમા બોલર તરીકે રમશે."

શોએબ અખ્તરે પણ પાકિસ્તાની ટીમને ઝાટકી છે. તેમણે કહ્યું કે ભારતે ફરીથી પોતે ચઢિયાતું છે તે સાબિત કર્યું છે. વિરાટ કોહલીએ દેખાડી દીધું કે હજુ પણ તે બહુ મહત્ત્વના ખેલાડી છે, ખાસ કરીને પાકિસ્તાન સામે રમવાનું હોય ત્યારે.

સોશિયલ મીડિયા પર લોકોએ લખ્યું છે કે "ભારત અને પાકિસ્તાન વચ્ચે આવી એકતરફી મૅચ અગાઉ ક્યારેય જોવા નથી મળી. પાકિસ્તાની ટીમ 1989ના દાયકા જેવું ક્રિકેટ રમી જેમાં 300માંથી 150 બોલ પર કોઈ રન ન થયા, ખેલાડીઓ રન આઉટ થયા અને વિકેટો ફેંકી દીધી."

કેટલાક પાકિસ્તાની ક્રિકેટ ફૅન્સ અબરારના વખાણ કરતા પણ જોવા મળ્યા.

તેમનું કહેવું હતું કે આવી સ્થિતિમાં અબરારે પોતાનો જુસ્સો જાળવી રાખ્યો, ભારતીય બૅટ્સમૅનોને ખુલીને રમવાની કોઈ તક ન આપી.

અબરારે ગિલની વિકેટ ઝડપ્યા પછી તેમણે પોતાની આંખોથી ઇશારો કરીને ગિલને ત્યાંથી જતા રહેવા કહ્યું જે ઘણા લોકોને પસંદ પડ્યું નથી. લોકોએ તેની ઝાટકણી કાઢી છે.

વિરાટ કોહલીએ કેટલાક પાકિસ્તાની ખેલાડીઓ સાથે મિત્રતાભર્યું વર્તન દેખાડ્યું તે પણ કેટલાક લોકોને પસંદ નથી પડ્યું.

એક યુઝરે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે "કોહલીને અબરાર સાથે હાથ મિલાવવાની શી જરૂર હતી. કોહલી બીજી બધી ટીમો સામે બિનજરૂરી આક્રમકતા દેખાડે છે, પરંતુ પાકિસ્તાન સામે તેનું વર્તન મિત્રતાભર્યું થઈ જાય છે."

જોકે, ઘણા લોકો આના કરતા અલગ મત પણ ધરાવે છે. હારુન નામના એક યુઝરે લખ્યું છે, "અબરાર અહમદની ટીકા કરનાર બધા પાકિસ્તાની મૂર્ખ છે. તેમણે જે આક્રમકતા દર્શાવી તે બદલ તેમને ખાસ આદર આપવો જોઈએ. બાકીના બધા તો ભારતીય ખેલાડીઓથી પ્રભાવિત થઈ ગયેલા છે."

ભારત-પાકિસ્તાન મૅચમાં શું થયું?

દુબઈ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલી મૅચમાં ભારતે દરેક પાસામાં પાકિસ્તાનને નબળું સાબિત કર્યું હતું.

પાકિસ્તાનની બૉલિંગ પણ નબળી હતી અને ફિલ્ડિંગમાં પણ દમ ન હતો. આ ઉપરાંત ટીમની બેટિંગ પણ ધીમી હતી.

પાકિસ્તાને ટૉસ જીતીને પ્રથમ બેટિંગ લીધી હતી. પરંતુ 50 ઓવર પૂરી થાય તે અગાઉ જ આખી ટીમ માત્ર 241 રને ઑલઆઉટ થઈ ગઈ હતી.

ભારતે આક્રમક રીતે લક્ષ્યાંકનો પીછો કર્યો અને 42.3 ઓવરમાં માત્ર ચાર વિકેટ ગુમાવીને આટલા રન બનાવી લીધા હતા.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.