You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ચૅમ્પિયન્સ ટ્રૉફી 2025: ભારત સામે હારવા છતાં શું પાકિસ્તાન સેમિફાઇનલમાં પહોંચી શકે છે, આ રહ્યાં સમીકરણો?
ચૅમ્પિયન્સ ટ્રૉફી 2025ની પાકિસ્તાન યજમાની કરી રહ્યું છે. પરંતુ ન્યૂઝીલૅન્ડ તથા ભારત સામે હારવાને કારણે તે લગભગ ટુર્નામેન્ટથી બહાર થઈ ગયું છે.
આ ટુર્નામેન્ટ 19મી ફેબ્રુઆરીના રોજ શરૂ થઈ હતી અને 23 ફેબ્રુઆરીના રોજ એટલે કે ચાર જ દિવસમાં તે ટુર્નામેન્ટમાંથી લગભગ બહાર જવાની સ્થિતિમાં છે.
પાકિસ્તાન જઈને રમવા માટે ભારતે ઇન્કાર કર્યો હતો. તેને લઈને ભારત સામે પાકિસ્તાનને ભારે નારાજગી હતી.
પરંતુ શું પાકિસ્તાન હજુ સેમિફાઇનલમાં પહોંચી શકે છે? તેનો જવાબ મેળવવા માટે આપણે કેટલીક સંભાવનાઓ પર વિચાર કરીએ. જોકે, પાકિસ્તાને આ ટુર્નામેન્ટમાં ટકી રહેવા માટે અન્ય ટીમો પર નિર્ભર રહેવું પડશે.
પાકિસ્તાન કેવી રીતે પહોંચશે સેમિફાઇનલમાં?
સોશિયલ મીડિયા પર પાકિસ્તાનના લોકો કહી રહ્યા હતા કે ભારતને હરાવીને તેની ટીમ પાકિસ્તાન ન આવી તેનો બદલો લઈ શકાયો હોત. પરંતુ દુબઈમાં જે ભારત સામે મૅચ રમાઈ તેમાં પાકિસ્તાનનો છ વિકેટે પરાજય થયો.
આ સાથે જ પાકિસ્તાન આ ટુર્નામેન્ટમાં બની રહેશે કે નહીં તેની સાથે જો અને તો જોડાઈ ગયા છે.
ચૅમ્પિયન્સ ટ્રૉફીમાં પાકિસ્તાન ભારત સાથે એ ગ્રૂપમાં છે પંરતુ પૉઇન્ટ ટેબલમાં તે સૌથી નીચલે સ્થાને છે.
ભારત સૌથી ઉપર છે. ન્યૂઝીલૅન્ડ બીજા સ્થાને છે અને ત્રીજા અને ચોથા સ્થાને બાંગ્લાદેશ અને પાકિસ્તાન છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બે મૅચ હાર્યા બાદ પાકિસ્તાને સેમિફાઇનલમાં જગ્યા બનાવવી હોય તો તેણે 27મી ફેબ્રુઆરીના રોજ બાંગ્લાદેશ સામેની મૅચ મોટા માર્જીન સાથે જીતવી પડશે.
આ ઉપરાંત બે માર્ચના રોજ ન્યૂઝીલૅન્ડ અને ભારત વચ્ચેની મૅચના પરિણામ પર પણ તેણે નિર્ભર રહેવું પડશે. આ મૅચમાં ભારત જીતવું જોઈએ. જો ભારત હારે તો પાકિસ્તાન બહાર થઈ જશે. જો ભારત જીતે તો પણ પાકિસ્તાનનું કામ નહીં બને.
ન્યૂઝીલૅન્ડની ગ્રૂપ એમાં બે મૅચ છે. તે આ બંને મૅચ હારે તો પાકિસ્તાનની તક ટુર્નામેન્ટમાં બની રહેવા માટે ઉજ્જવળ બની રહે તેમ છે. ન્યૂઝીલૅન્ડની પહેલી મૅચ સોમવારે એટલે કે આજે છે અને બીજી મૅચ ભારત સાથે છે.
પાકિસ્તાનની સંભાવના બહુ ઓછી
સમીકરણ એ છે કે જો ન્યૂઝીલૅન્ડ બાંગ્લાદેશ અને ભારત સામે હારે તો જ પાકિસ્તાનની તક સેમિફાઇનલ માટે બની રહે છે. માત્ર હારવાથી પણ કામ નહીં બને કારણકે પાકિસ્તાનની રન રેટ પણ ઓછી છે તેથી આ બંને મૅચ ન્યૂઝીલૅન્ડ જો બહુ મોટા અંતરથી હારે તો જ પાકિસ્તાન માટે ટુર્નામેન્ટમાં બની રહેવા માટેની સંભાવના બને છે.
જો આમ નહીં થાય તો પાકિસ્તાન ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જશે. કારણકે આ ટીમો પાકિસ્તાન માટે નહીં પરંતુ પોતાના માટે રમશે.
એટલે વ્યવહારિક રીતે જોઈએ તો આ લગભગ અસંભવ છે કે પાકિસ્તાન સેમિફાઇનલમાં જગ્યા બનાવે.
ભારત સાથે હાર બાદ પાકિસ્તાનના કૅપ્ટન મોહમ્મદ રિઝવાને નિરાશા વ્યક્ત કરતાં કહ્યું, "અમે ટૉસ જીત્યો પરંતુ તેનો કોઈ ફાયદો નહીં ઉઠાવી શક્યા. અમે 281 સુધી સ્કોર લઈ જવા માગતા હતા પંરતુ ભારતે સારી બૉલિંગ કરી. વિકેટ પડતી રહી અને અમે 241 રન પર આઉટ થઈ ગયા."
તેમણે ફિલ્ડિંગ પર પણ ચિંતા વ્યક્ત કરી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન