You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બીબીસી આઈની પડતાલ બાદ ભારત સરકારે આ દવાઓની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો
ભારતની એક ફાર્માસ્યુટિકલ કંપની અંગે બીબીસી આઈની પડતાલ બાદ ભારત સરકારે નિવેદન બહાર પાડીને ટેપેન્ટાડોલ અને કારિસોપ્રોડોલ જેવી દવાઓની નિકાસ તથા તેના ઉત્પાદન ઉપર તાત્કાલિક અસરથી પ્રતિબંધ લાદી દીધો છે.
બીબીસીની તપાસમાં બહાર આવ્યું હતું કે મુંબઈસ્થિત એવિયો ફાર્માસ્યુટિકલ્સ નામની દવા બનાવતી કંપની લાઇસન્સ વગર આ દવાઓ બનાવી રહી હતી, જેનાથી નશાની લત લાગી જાય છે.
કંપની દ્વારા આ દવાઓને ગેરકાયદેસર રીતે પશ્ચિમ આફ્રિકા મોકલવામાં આવતી હતી, જેના કારણે ત્યાં મોટાપાયે આરોગ્ય સંકટ ઊભું થયું છે.
ફાર્માની ભાષામાં આ દવાઓને 'ઓપિઓઇડ્ઝ' તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે, જેમાં નશાકારક દ્રવ્યો હોય છે અને તેની લત લાગી જાય છે.
આ રિપૉર્ટના પ્રકાશન બાદ ભારત સરકારના આરોગ્ય સેવા મહાનિર્દેશાલય તથા સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રૉલ ઑર્ગેનાઇઝેશન (સીડીએસસીઓ) (ઇન્ટરનૅશનલ સેલ) દ્વારા તમામ રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોના ડ્રગ્સ નિયમક સત્તામંડળોને નિર્દેશ મોકલવામાં આવ્યા છે.
ભારત સરકારે શું કહ્યું?
કેન્દ્ર સરકારના આરોગ્ય સેવા મહાનિર્દેશાલય દ્વારા તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને મોકલવામાં આવેલા સર્ક્યુલરમાં જણાવવામાં આવ્યું છે, "આ તાજેતરમાં બીબીસીએ પ્રકાશિત કરેલા લેખ સંબંધે છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે ટેપેન્ટાડોલ અને કારિસોપ્રોડોલના મિશ્રણના દુરુપયોગની શક્યતા છે. આ મિશ્રણને ભારત તથા પશ્ચિમ આફ્રિકાના દેશોમાં વેચવામાં આવી રહ્યું છે."
"આ દવાના દુરુપયોગની શક્યતા છે અને જનતા ઉપર તેની હાનિકારક અસરને જોતા નિવેદન કરવામાં આવે છે કે નિકાસ માટે આપવામાં આવેલા તમામ એનઓસી (નૉ ઑબ્જેક્શન સર્ટિફિકેટ) તથા ટેપેન્ટાડોલ અને કારિસોપ્રોડોલના મિશ્રણને માટે આપવામાં આવેલી મંજૂરીઓ પાછી ખેંચી લેવામાં આવે."
"એ પણ જણાવવામાં આવે છે કે જે આયાત કરનારા દેશોમાં ટેપેન્ટાડોલના તમામ પ્રકારના મિશ્રણો તથા કારિસોપ્રોડોલના તમામ પ્રકારના મિશ્રણોને મંજૂરી આપવામાં નથી આવી. એ તમામ નિકાસલક્ષી એનઓસી તથા તેને બનાવવા માટેની મંજૂરી પણ પાછી ખેંચી લેવામાં આવે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ નિર્દેશને તાત્કાલિક અસરથી લાગુ કરવા માટે પત્રમાં જણાવવામાં આવ્યું છે.
મહારાષ્ટ્રમાં શું કાર્યવાહી કરવામાં આવી?
મહારાષ્ટ્ર સરકારના ફૂડ ઍન્ડ ડ્રગ ઍડમિનિસ્ટ્રેશન દ્વારા એક નિવેદન જારી કરવામાં આવ્યું છે જેમાં કહેવામાં આવ્યું છે કે, "21 ફેબ્રુઆરી, 2025 ના રોજ બીબીસી ન્યૂઝના અહેવાલમાં પ્રકાશિત કરવામાં આવ્યું હતું કે ટ્રામાડોલ, ટેપેન્ટાડોલ અને કારિસોપ્રોડોલ જેવા ઓપિઓઇડ્સ ભારતમાં બનાવવામાં આવી રહ્યા છે અને ભારતમાંથી નાઇજીરિયા અને ઘાના જેવા આફ્રિકન દેશોમાં નિકાસ કરવામાં આવી રહ્યા છે, જ્યાં તેનો ઉપયોગ નશા તરીકે થાય છે."
"રિપૉર્ટમાં ખાસ કરીને મહારાષ્ટ્રસ્થિત ફાર્માસ્યુટિકલ કંપની એવિયો પર હાથ ધરવામાં આવેલા સ્ટિંગ ઑપરેશનનો ઉલ્લેખ છે, જેમાં ખુલાસો થયો હતો કે કંપની આફ્રિકન દેશોમાં ટેપેન્ટાડોલની નિકાસમાં સામેલ હતી."
"બીબીસીના અહેવાલ બાદ, ભારત સરકાર અને મહારાષ્ટ્ર સરકારના ડ્રગ ઇન્સ્પેક્ટરોની સંયુક્ત ટીમે કંપનીના ઉત્પાદન કેન્દ્ર અને ગોદામ પર દરોડા પાડીને તાત્કાલિક કાર્યવાહી કરી છે. ટીમે તેમનો સંપૂર્ણ સ્ટૉક જપ્ત કરી લીધો છે અને તાત્કાલિક અસરથી આગળનું ઉત્પાદન બંધ કરી દેવામાં આવ્યું છે."
"આ કંપનીને ડ્રગ્સ અને કૉસ્મેટિક્સ ઍક્ટ,1950 હેઠળ કારણદર્શક નોટિસ પણ જારી કરવામાં આવી છે. મહારાષ્ટ્ર સરકાર કહે છે કે આ મામલે કોઈપણ વિલંબ કે ભય વિના સંપૂર્ણ નિષ્પક્ષતા સાથે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે."
"21 ફેબ્રુઆરી, 2025ના રોજ, ભારત સરકારે તમામ રાજ્યોને નિકાસ માટે જારી કરાયેલા નૉ ઑબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) રદ કરવા અને ટેપેન્ટાડોલ, કારિસોપ્રોડોલ અને સમાન પ્રકારની દવાઓનાં ઉત્પાદન માટેની પરવાનગી પાછી ખેંચવાનો નિર્દેશ આપ્યો છે."
"મહારાષ્ટ્રના ફૂડ ઍન્ડ ડ્રગ ઍડમિનિસ્ટ્રેશન દ્વારા આ માર્ગદર્શિકા મુજબ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે."
"મહારાષ્ટ્રના ફૂડ ઍન્ડ ડ્રગ ઍડમિનિસ્ટ્રેશને કહ્યું છે કે રાજ્ય સરકાર ભારત સરકાર સાથે સંકલનમાં રહીને દેશ અને રાજ્યની પ્રતિષ્ઠાને કલંકિત કરતી આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ કોઈપણ વ્યક્તિ સામે કડક કાર્યવાહી કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે."
બીબીસી આઈના અહેવાલમાં શું હતું?
આ ડ્રગ્સની તપાસ કરવા માટે બીબીસીએ એક અંડરકવર ઑપરેટિવને એવિયોની ફેક્ટરીમાં અંદર મોકલ્યો હતો.
અંડરકવર ઑપરેટિવે પોતાની ઓળખ એક એવા આફ્રિકી કારોબારી તરીકે જણાવી હતી જે નાઇજીરિયામાં ઓપિઓઇડ્સ મોકલવામાં આવે છે.
ગુપ્ત કૅમેરાની મદદથી બીબીસીએ એવિયોના ડાયરેક્ટર્સમાંથી એક વિનોદ શર્માનો વીડિયો રેકૉર્ડ કર્યો હતો, જેમાં તેઓ ખતરનાક પ્રોડક્ટ દેખાડી રહ્યા હતા. બીબીસીની પડતાલમાં આ પ્રોડક્ટને પશ્ચિમ આફ્રિકામાં વેચાતી હોવાનું બહાર આવ્યું હતું.
ગુપ્ત રીતે રેકૉર્ડ કરવામાં આવેલા ફૂટેજમાં ઑપરેટિવ શર્માને કહે છે કે તેમની યોજના આ ગોળીઓ નાઇજીરિયાના યુવાનોને વેચવાની છે, તેમની વચ્ચે આ ગોળીઓ ખૂબ જ લોકપ્રિય છે."
શર્મા આ અંગે સીધું જ કહે છે – ઓકે. એ પછી તેઓ સમજાવે છે કે કેવી રીતે એકસાથે બે કે ત્રણ ગોળીઓ લઈને તેઓ 'રિલૅક્સ' તથા 'હાઈ' ફિલ કરી શકે છે.
મીટિંગના અંતે શર્મા કહે છે, "આ એમના આરોગ્ય માટે ખૂબ જ નુકસાનકારક છે, પરંતુ હાલના દિવસોમાં એ જ ધંધો છે."
આ એ જ ધંધો છે જે પશ્ચિમી આફ્રિકામાં લાખો યુવાનોના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી રહ્યો છે અને તેમની ક્ષમતાઓને તબાહ કરી રહ્યો છે.
બીબીસી આઈએ આ આરોપો વિશે જ્યારે વિનોદ શર્મા અને એવિયો ફાર્માસ્યુટિકલ્સને જણાવ્યું તો તેમણે તેના પર કોઈ પ્રતિક્રિયા ન આપી.
ભારતના ડ્રગ રેગ્યુલેટર CDSCO એ આ અંગે જણાવ્યું હતું કે ભારત સરકાર વૈશ્વિક સ્તરે જાહેર આરોગ્ય પ્રત્યેની પોતાની જવાબદારી સમજે છે અને ભારતમાં એક જવાબદાર અને મજબૂત ફાર્માસ્યુટિકલ રેગ્યુલેટર હોય તે સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે.
CDSCO એ એમ પણ કહ્યું હતું કે ભારતમાંથી અન્ય દેશોમાં થતી નિકાસ પર ચાંપતી નજર રાખવામાં આવે છે અને તાજેતરમાં જ કડક કરાયેલા નિયમોનો કડકાઈથી અમલ કરવામાં આવી રહ્યો છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન