પશ્ચિમ આફ્રિકામાં ખતરનાક ડ્રગ્સનું સંકટ વધારનારી એક ભારતીય ફાર્મા કંપનીનો પર્દાફાશ

    • લેેખક, બીબીસી આઈ ઇન્વેસ્ટીગેશન
    • પદ, બીબીસી વર્લ્ડ સર્વિસ

એક ભારતીય દવા કંપની નશાની લત લગાવનારા ઓપિઓઇડ્ઝનું લાઇસન્સ વિના ઉત્પાદન કરીને પશ્ચિમ આફ્રિકામાં તેની ગેરકાયદે નિકાસ કરી રહી હોવાનો ચોંકાવનારો અહેવાલ બીબીસી આઈની તપાસમાં બહાર આવ્યો હતો. પશ્ચિમ આફ્રિકામાં આ સ્થિતિ જાહેર આરોગ્યની કટોકટીનું સ્વરૂપ ધારણ કરી રહી છે.

મુંબઈ સ્થિત એવિઓ ફામાર્સ્યુટિકલ્સ વિવિધ પ્રકારની પિલ્સ બનાવે છે, જે જુદા-જુદા બ્રાન્ડ નેમ્સ ધરાવે છે અને આ દવાઓને માન્યતા પ્રાપ્ત દવાઓની માફક પૅક કરવામાં આવે છે. પરંતુ, આ તમામ દવાઓમાં નુકસાન પહોંચાડતાં તત્વોનું એક જ મિશ્રણ હોય છેઃ ટેપેન્ટાડોલ (એક શક્તિશાળી ઓપિઓઈડ અને કારિસોપ્રોડોલ (સ્નાયુઓને હળવા કરતી દવા). અત્યંત નશીલી આ દવા પર યુરોપમાં પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

વિશ્વમાં અન્યત્ર ક્યાંયે દવાઓનાં આ સંયોજનોને ઉપયોગ માટે લાઇસન્સ આપવામાં આવ્યું નથી અને તેનાથી શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે. એટલું જ નહીં, તેના ઓવરડોઝથી વ્યક્તિનું મોત થઈ શકે છે. આવાં જોખમો છતાં આ ઓપિઓઇડ્ઝ ઘણી સસ્તી અને સહેલાઈથી મળી રહેતી હોવાથી પશ્ચિમ આફ્રિકાના ઘણા દેશોમાં સ્ટ્રીટ ડ્રગ્ઝ તરીકે લોકપ્રિય છે.

બીબીસી વર્લ્ડ સર્વિસને ઘાના, નાઇજીરિયા અને આઇવરીના માર્ગો પર એવિઓના લોગો સાથેનાં પૅકેટ્સ જોવા મળ્યાં હતાં.

ભારતમાં એવિઓની ફૅક્ટરીમાં ડ્રગ્ઝની તપાસ કર્યા બાદ બીબીસીએ તેના એક અન્ડરકવર ઑપરેટિવને નાઇજીરિયામાં ઓપિઓઈડ્ઝની સપ્લાય કરવા માગતા આફ્રિકન બિઝનેસમેનના સ્વાંગમાં ફૅક્ટરીની અંદર મોકલ્યા.

બીબીસીના છૂપા કૅમેરા દ્વારા ફિલ્માવેલાં દૃશ્યોમાં એવિઓના ડિરેક્ટરો પૈકીના એક વિનોદ શર્મા પશ્ચિમ આફ્રિકાના માર્ગો પર આ જ ખતરનાક ઉત્પાદનો વેચતાં જોવા મળ્યાં હતાં.

છૂપા કૅમેરાના ફૂટેજમાં ઑપરેટિવ શર્માને કહે છે કે, તે નાઇજીરિયાના ટીનેજર્સને ધ્યાનમાં રાખીને આ પિલ્સનું વેચાણ કરવા માગે છે.

શર્માએ ઠંડા કલેજે જવાબ આપ્યો, "ઓકે" અને પછી સમજાવ્યું કે, જો વ્યક્તિ એકસાથે બે-ત્રણ ગોળી લઈ લે, તો તે "હળવાશ" અનુભવી શકે છે. સાથે જ તેનાથી નશો થઈ શકે છે, એ પણ શર્માએ કબૂલ્યું.

મિટિંગ પૂરી થતાં શર્મા કહે છે, "આ પિલ્સ આરોગ્ય માટે જોખમી છે." પછી આગળ કહે છે, "આજકાલ આ ધંધો બની ગયો છે."

ફૅક્ટરીમાં કૉમ્બિનેશન ડ્રગ્ઝનાં કાર્ટન એકબીજા પર મૂકેલાં હતાં. લગભગ છત જેટલી ઊંચાઈ હશે.

ડેસ્ક પર શર્માએ ટેપેન્ટાડોલ-કારિસોપ્રોડોલ કોકટેઈલ ગોળીઓનાં પૅકેટ્સ મૂક્યાં. આ પૅકેટ્સ કંપની વિવિધ પ્રકારનાં નામોથી વેચે છે અને તેમાં સૌથી લોકપ્રિય ઉત્પાદનો એવાં ટેફ્રોડોલ તથા ટીમાકિંગ અને સુપર રૉયલ-225નો પણ સમાવેશ થાય છે.

આ વ્યવસાય સમગ્ર પશ્ચિમ આફ્રિકાના લાખો યુવાનોના આરોગ્યને જોખમમાં મૂકી રહ્યો છે અને તેમની ક્ષમતાઓનો નાશ કરી રહ્યો છે.

ઉત્તર ઘાનાના તામાલે શહેરમાં યુવાનો એ હદે ગેરકાયદે ઓપિઓઈડ્ઝ લઈ રહ્યા છે કે, શહેરના પ્રમુખ અલહસન મહામે આશરે 100 સ્થાનિક નાગરિકોની ટાસ્ક ફોર્સ તૈયાર કરી છે, જેનું મિશન નશીલી દવાઓના ડીલરોને ત્યાં દરોડા પાડીને આ ગોળીઓને બજારના માર્ગો પરથી હઠાવવાનું છે.

મહામ કહે છે, "જેવી રીતે કૅરોસીન નાખવાથી આગ વધુ પ્રજ્વલિત થાય છે, તેવી રીતે નશીલા પદાર્થો તેમનું સેવન કરનારા લોકોની વિવેકબુદ્ધિને નષ્ટ કરી દે છે." તામાલેમાં એક નશાખોરે કબૂલાત કરતાં કહ્યું, "નશાએ અમારી જીંદગી બરબાદ કરી નાખી છે."

મોટરસાઇકલ પર સવાર થઈને ટાસ્ક ફોર્સે ડ્રગ્ઝના સોદા વિશે મળેલી બાતમીના આધારે તામાલેના એક અત્યંત ગરીબ વિસ્તારમાં દરોડા પાડ્યા, ત્યારે બીબીસીની ટીમ ટાસ્ક ફોર્સ સાથે જોડાઈ હતી. રસ્તામાં તેમને બેભાન હાલતમાં પડેલો યુવાન જોવા મળ્યો. સ્થાનિકોનું કહેવું હતું કે, તે યુવાને ડ્રગ્ઝનું સેવન કર્યું હતું.

ડીલરને ઝડપી લેવાયો, ત્યારે તેની પાસે ટેફ્રોડોલનું લેબલ ધરાવતી લીલી ગોળીઓ ભરેલી પ્લાસ્ટિક બૅગ હતી. તેનાં પૅકેટ્સ પર એવિઓ ફાર્માસ્યુટિકલ્સનો વિશિષ્ટ લોગો લાગેલો હતો.

એવિઓની ગોળીઓ કેવળ તામાલેમાં જ નહીં, બલ્કે અન્ય સ્થળોએ પણ વિનાશ વેરી રહી છે.

બીબીસીને જાણવા મળ્યું કે, એવિઓ દ્વારા બનાવવામાં આવેલાં આવાં જ ઉત્પાદનો ઘાનાની અન્ય જગ્યાઓથી પણ પોલીસે જપ્ત કર્યાં છે.

વળી, એવિઓની ગોળીઓ નાઇજીરિયા અને આઇવરીના રસ્તાઓ પર વેચાય છે અને ટીનેજર્સ નશો વધારવા માટે માદક ઍનર્જી ડ્રિન્કમાં તેને ભેળવતા હોવાના પુરાવા પણ અમને પ્રાપ્ત થયા હતા.

જાહેર ધોરણે ઉપલબ્ધ નિકાસના ડેટા અનુસાર, એવિઓ ફાર્માસ્યુટિકલ્સ અને તેની સિસ્ટર કંપની વૅસ્ટફિન ઇન્ટરનૅશનલ ઘાના અને અન્ય પશ્ચિમ આફ્રિકન દેશોમાં આવી લાખો ગોળીઓનો જથ્થો મોકલી રહી છે.

225 મિલિયન વસ્તી ધરાવતું નાઇજીરિયા આ ગોળીઓનું સૌથી મોટું બજાર છે.

નાઇજીરિયાના નૅશનલ બ્યૂરો ઑફ સ્ટેટિસ્ટિક્સના અંદાજ અનુસાર, આશરે ચાર મિલિયન નાઇજીરિયન નાગરિકો કોઈને કોઈ સ્વરૂપે ઓપિઓઈડનું સેવન કરે છે.

નાઇજીરિયાની ડ્રગ ઍન્ડ લૉ ઍન્ફોર્સમેન્ટ એજન્સી (એનડીએલઈએ)ના ચૅરમૅન બ્રિગ જેન મોહમ્મદ બુબા મારવાએ બીબીસીને જણાવ્યું હતું, "ઓપિઓઈડ અમારા યુવાનો, અમારા પરિવારોને ખતમ કરી રહ્યું છે. નાઇજીરિયાના દરેક સમુદાયમાં આ દૂષણ વ્યાપી ચૂક્યું છે."

2018માં માર્ગો પર નશીલી દવાઓના સ્વરૂપમાં ઓપિઓઈડના વેચાણ અંગે બીબીસી આફ્રિકા આઈએ કરેલી તપાસ બાદ નાઇજીરિયન અધિકારીઓએ ટ્રામાડોલ નામના વ્યાપકપણે ઉપયોગમાં લેવાતા ઓપિઓઈડ પેઇનકિલરને અંકુશમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.

સરકારે ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના ટ્રામાડોલના વેચાણ પર પ્રતિબંધ ફરમાવી દીધો, તેના મહત્તમ ડોઝ પર લગામ લગાવી દીધી અને ગેરકાયદે ગોળીઓની આયાતો પર નિયંત્રણો લાદ્યાં. સાથે જ ભારતીય અધિકારીઓએ પણ ટ્રામાડોલની નિકાસનાં નિયમનો ચુસ્ત કરી દીધાં.

આ કાર્યવાહીના થોડા સમય પછી એવિઓ ફાર્માસ્યુટિકલ્સે ટેપેન્ટાડોલ પર આધારિત નવી ગોળીની નિકાસ કરવા માંડી, જે વધુ શક્તિશાળી ઓપિઓઈડ છે અને તેમાં સ્નાયુઓને હળવા કરતા કારિસોપ્રોડોલનું મિશ્રણ કરવામાં આવ્યું છે.

પશ્ચિમ આફ્રિકાના અધિકારીઓએ ઓપિઓઈડના નિકાસકારો કાર્યવાહીથી બચવા માટે અને ટ્રામાડોલના વિકલ્પ તરીકે આ નવું સંયોજન ધરાવનારી ગોળીઓનો ઉપયોગ કરી રહ્યા હોવાની ચેતાવણી આપી છે.

વિનોદ શર્માએ બીબીસીની અન્ડરકવર ટીમને જણાવ્યું કે, તેમની ફૅક્ટરીમાં કામ કરનારા "વિજ્ઞાનીઓ" વિવિધ દવાઓનાં સંયોજનથી "નવું ઉત્પાદન" તૈયાર કરી શકે છે.

એક ઘાતક ડ્રગ્સ

એવિઓનું નવું ઉત્પાદન ટ્રામાડોલ કરતાંયે વધુ ખતરનાક છે. ભારતના બેંગાલુરુમાં નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેન્ટલ હેલ્થ ઍન્ડ ન્યૂરો સાયન્સિઝના સહાયક પ્રોફેસર ડૉક્ટર લેખાંશ શુક્લાના જણાવ્યા પ્રમાણે, ટેપેન્ટાડોલ ઓપિઓઇડ જેવી અસર ઉપજાવે છે અને તેનું સેવન કરવાથી વ્યક્તિ ગાઢ નિદ્રામાં સરી પડે છે.

તેમણે વધુ સમજૂતી આપતાં જણાવ્યું હતું, "આ અસર એટલી શક્તિશાળી હોઈ શકે છે, કે લોકો શ્વાસ નથી લઈ શકતા અને તેનાથી ડ્રગ્ઝનો ઓવરડોઝ થાય છે. એટલું જ નહીં, તેમાં કારિસોપ્રોડોલ પણ ઉમેરવામાં આવ્યું છે, જે ગાઢ નિદ્રા અને આરામ આપે છે. આ મિશ્રણ ઘણું જોખમી છે."

યૂરોપમાં કારિસોપ્રોડોલ પર પ્રતિબંધ છે, કારણ કે, તેનાથી નશો થાય છે. અમેરિકામાં તેના ઉપયોગની મંજૂરી આપવામાં આવી છે, પણ માત્ર ત્રણ અઠવાડિયા માટે. વિડ્રોઅલનાં લક્ષણોમાં ચિંતા, અનિદ્રા અને મતિભ્રમનો સમાવેશ થાય છે.

દવાની અસરની ભયાનકતા વર્ણવતા ડૉક્ટર શુક્લા જણાવે છે, "જ્યારે તેને ટેપેન્ટાડોલ સાથે મીલાવવામાં આવે છે, ત્યારે સામાન્ય ઓપિઓઇડના મુકાબલે તેનો નશો વધારે તીવ્ર થઈ જાય છે. આ ઘણો પીડાદાયક અનુભવ હોય છે."

તેમણે જણાવ્યું હતું કે, આ મિશ્રણની અસરકારકતા પરની ક્લિનિકલ ટ્રાયલ્સ વિશે તેમને કોઈ જાણકારી નથી. ટ્રામાડોલ મર્યાદિત ડોઝમાં ઉપયોગ માટેની માન્યતા ધરાવે છે, પણ તેનાથી ઊલ્ટું, ટેપેન્ટાડોલ-કારિસોપ્રોડોલ કોકટેલ તર્કસંગત સંયોજન નથી જણાતું. આપણા દેશમાં તેના ઉપયોગ માટે લાઇસન્સ આપવામાં આવતું નથી.

ભારતની દવા કંપનીઓ તેમની લાઇસન્સ વિનાની દવાઓ આયાતકર્તા દેશના માપદંડોને સંતોષતી ન હોય, ત્યાં સુધી તે જે-તે દવાઓનું કાયદેસર રીતે ઉત્પાદન અને નિકાસ કરી શકતી નથી.

ઘાનાની રાષ્ટ્રીય ડ્રગ ઍન્ફોર્સમેન્ટ એજન્સીના જણાવ્યા પ્રમાણે, એવિઓ ટેફ્રોડોલ અને સમાન પ્રકારનાં ઉત્પાદનો ઘાના પહોંચાડે છે, જ્યાં ટેપેન્ટાડોલ અને કારિસોપ્રોડોલનું આ સંયોજન ગેરકાયદે છે અને તેને લાઇસન્સ આપવામાં આવ્યું નથી. ટેફ્રોડોલને ઘાનામાં પહોંચાડીને એવિઓ ભારતીય કાયદાનું ઉલ્લંઘન કરી રહી છે.

અમે વિનોદ શર્મા અને એવિઓ ફાર્માસ્યુટિકલ્સ સમક્ષ આ આરોપો રજૂ કર્યા, પરંતુ તેમણે કોઈ જવાબ ન આપ્યો.

ભારતીય ડ્રગ્ઝ નિયમનકારી સીડીએસસીઓએ અમને જણાવ્યું હતું કે, ભારત સરકાર વૈશ્વિક જાહેર આરોગ્ય માટે તેની જવાબદારી પ્રત્યે જાગૃત છે તથા ભારતમાં એક જવાબદાર તથા મજબૂત ફાર્માસ્યુટિકલ્સ નિયમનકારી વ્યવસ્થા પ્રવર્તે, તે સુનિશ્ચિત કરવા માટે કટિબદ્ધ છે.

નિયમનકારીએ ઉમેર્યું હતું કે, ભારતમાંથી અન્ય દેશોમાં કરવામાં આવતી નિકાસો પર ચાંપતી દેખરેખ રાખવામાં આવે છે અને તાજેતરમાં ચુસ્ત કરવામાં આવેલા નિયમનનો કડક અમલ કરવામાં આવે છે. સાથે જ તેણે આયાતકર્તા દેશોને સમાન મજબૂત નિયમનકારી વ્યવસ્થા સુનિશ્ચિત કરીને ભારતના પ્રયાસોને સહાય પૂરી પાડવાની હિમાયત કરી હતી.

સીડીએસઓએ જણાવ્યું હતું કે, તેણે આ મામલો પશ્ચિમ આફ્રિકા સહિતના ઘણા દેશો સમક્ષ ઊઠાવ્યો છે અને ગેરરીતિ નિવારવા માટે તે તેમની સાથે મળીને કામ કરવા માટે કટિબદ્ધ છે.

એક હકીકત એ પણ છે કે, લાઇસન્સ વિના ઓપિઓઈડ બનાવનારી અને તેનું ઉત્પાદન કરનારી એવિઓ એકમાત્ર ભારતીય કંપની નથી. જાહેર સ્તર પર ઉપલબ્ધ નિકાસના ડેટાના આધારે જાણવા મળે છે કે, અન્ય ફાર્મા કંપનીઓ પણ આ પ્રકારનાં ઉત્પાદનો બનાવે છે અને જુદા-જુદા બ્રાન્ડિંગ સાથેની દવાઓ સમગ્ર પશ્ચિમ આફ્રિકામાં વ્યાપકપણે મળી રહે છે.

આ ઉત્પાદકો ભારતના ઝડપથી વૃદ્ધિ સાધી રહેલા દવા ઉદ્યોગની પ્રતિષ્ઠા ખરડી રહ્યા છે.

ભારતનો ફાર્મા ઉદ્યોગ ઉચ્ચ ગુણવત્તાયુક્ત જેનેરિક દવાઓ બનાવે છે અને વિશ્વના લાખો લોકો તેના પર નિર્ભર છે. એટલું જ નહીં ,આ ઉદ્યોગ દ્વારા બનાવવામાં આવતી રસીઓએ લાખો લોકોના જીવ બચાવ્યા છે. ઉદ્યોગની નિકાસો 28 અબજ ડૉલર પ્રતિ વર્ષ જેટલી છે.

શર્મા સાથેની મુલાકાત વિશે વાત કરતાં બીબીસીના અન્ડરકવર ઑપરેટિવ જણાવે છે, "નાઇજીરિયન પત્રકારો છેલ્લાં 20 વર્ષો કરતાં વધુ સમયથી ઓપિઓઈડના સંકટ પર રિપોર્ટિંગ કરી રહ્યા છે અને મેં સ્વયં આ દૂષણથી થતા વિનાશનું રિપોર્ટિંગ કર્યું... આફ્રિકામાં ઓપિઓઈડની સમસ્યાના મૂળમાં રહેલા લોકો પૈકીની એક વ્યક્તિ સાથે મારો આમનો-સામનો થયો, એ વ્યક્તિ જે આ ઉત્પાદન તૈયાર કરે છે અને કન્ટેનર લોડ કરીને અમારા દેશમાં રવાના કરે છે. આ ઉત્પાદનથી થતા નુકસાનથી તે સારીપેઠે વાકેફ છે, છતાં તેને કશી પરવા નથી... તેના માટે આ કેવળ એક ધંધો છે."

ઘાનાના તામાલેમાં પરત ફરીને બીબીસીની ટીમ સ્થાનિક ટાસ્ક ફોર્સ સાથે એક અંતિમ દરોડામાં સામેલ થઈ, જેમાં એવિઓના ટેફ્રોડોલનો વધુ મોટો જથ્થો મળી આવ્યો. તે સાંજે તેઓ જપ્ત કરાયેલાં નશીલાં દ્રવ્યોને સળગાવવા માટે સ્થાનિક પાર્કમાં એકઠા થયા.

પેટ્રોલ છાંટેલાં પૅકેટ્સ આગમાં હોમાઈ રહ્યાં હતાં, ત્યારે ઝિકે નામના એક નેતા બોલી ઊઠ્યા, "અમે બધાંની સામે ખુલ્લામાં આ જથ્થો સળગાવી રહ્યા છીએ, જેથી વેચાણકર્તાઓ અને સપ્લાયરો સુધી સંદેશો પહોંચે કે, જો તેમના નશીલા પદાર્થો અમારા હાથમાં આવ્યા, તો અમે તેમને સળગાવી દઇશું."

બીજી તરફની એક વરવી વાસ્તવિકતા એ છે કે, જ્યારે આગની જ્વાળાઓ ટેફ્રોડોલનાં કેટલાંક પૅકેટ્સને ભસ્મીભૂત કરી રહી હતી, ત્યારે આ સપ્લાય ચેઇનના ટોચ પર રહેલા ભારતના 'વેચાણકર્તાઓ અને સપ્લાયરો' અહીંથી હજારો માઇલ દૂર લાખોની સંખ્યામાં આ પ્રકારનાં પૅકેટ્સ બનાવી રહ્યાં હતાં અને કોઈની યાતનાના ભોગે નફો રળીને ધનિક બની રહ્યા હતા.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.