"હું છૂટાછેડા નહીં આપું..."- ડ્રગ્સના બંધાણી બનેલા કબડ્ડીના ખેલાડીની જિંદગી પત્નીએ કેવી રીતે બચાવી?

    • લેેખક, ભારત ભૂષણ
    • પદ, બીબીસી માટે

“હું ખૂબ નશો કરતો હતો. લોકોને મને જોઈને લાગતું હતું કે હવે હું મરી જઈશ.” આ શબ્દો પંજાબના ફરીદકોટના ધુગિયાણા ગામના 24 વર્ષીય યુવક હરણેકસિંહ ઉર્ફે લક્કી ગિલના છે. તેઓ કબડ્ડીના રાજ્ય કક્ષાના ખેલાડી રહી ચૂક્યા છે.

પાંચ વર્ષ સુધી વ્હાઇટ ડ્રગ્સના નશાને કારણે બધું જ ગુમાવી દેનાર હરણેકસિંહે હવે છેલ્લા અઢી વર્ષથી નશો કરવાનું સંપૂર્ણપણે છોડી દીધું છે અને તેઓ તેમના ગામની જમીન પર ખેતી કરે છે.

ખેતીમાંથી સમય કાઢીને તેઓ દરરોજ ફરીદકોટના ‘ગુરદીપ સિંહ મલ્લી કબડ્ડી કોચ મેમોરિયલ હૉલ’માં નેશનલ ટુર્નામેન્ટ રમવાની તૈયારી કરી રહ્યા છે.

કઈ રીતે ફસાયા નશાના ચક્રમાં?

હરણેકસિંહે બીબીસીને જણાવ્યું કે તેઓ જ્યારે 17 વર્ષના હતા ત્યારથી જ નશાની લતમાં ફસાઈ ગયા હતા.

હરણેકે તેમના ગામની સરકારી શાળામાં જ ધોરણ 10 સુધીનો અભ્યાસ કર્યો છે. શાળાના દિવસોમાં તેમને કબડ્ડી રમવાનો ખૂબ શોખ હતો.

એકવાર તેઓ શાળા તરફથી કબડ્ડી ટુર્નામેન્ટ રમવા ગયા તો તેમને ધૂમ્રપાન કરવાની ખરાબ આદત પડી ગઈ. ત્યારબાદ તેઓ એક 32 વર્ષીય વ્યક્તિના સંપર્કમાં આવ્યા જે વ્હાઇટ ડ્રગ્સની બંધાણી હતી.

હરણેકે જણાવ્યું કે તે નશાખોર દિવસનાં ચારથી પાંચ ઇન્જેક્ષન લેતો હતો.

તેમણે કહ્યું, “એક દિવસ તેણે મને કહ્યું કે મારે સિગારેટ છોડી દેવી જોઈએ અને વ્હાઇટ ડ્રગ્સ લેવું જોઈએ. તેણે મને તેના અનેક ફાયદાઓ સમજાવ્યા. તેની વાતોની મારા પર ખૂબ અસર થઈ.”

“મેં તેને કહ્યું કે મને ઇન્જેક્ષન મારતા નથી આવડતું એટલે તેણે મને ઇન્જેક્ષન માર્યું અને ત્યારથી મને આદત પડી ગઈ.”

‘એક દિવસમાં 5 હજારનું ડ્રગ્સ’

હરણેકસિંહે જણાવ્યું કે નશાની લતને પૂરી કરવા માટે તેને પૈસાની જરૂર હતી. જેના માટે તે ક્યારેક પરિવારના સભ્યો સાથે દુર્વ્યવહાર કરતા હતા અને ઘરનો સામાન પણ વેચી દેતા હતા.

હરણેક કહે છે, “પહેલા હું ડ્રગ્સ પાછળ રોજના 500 રૂપિયા વાપરતો હતો. પછી ડ્રગ્સ લેવાનું પ્રમાણ વધતું ગયું અને હું રોજના 5 હજાર રૂપિયા લગાવતો થઈ ગયો.”

તેઓ કહે છે, “મને ડ્રગ્સ લેતો જોઈને મારો પરિવાર ખૂબ દુ:ખી થતો હતો, પરંતુ તેમનાં આંસુઓની મારા પર કોઈ અસર થતી ન હતી. હું મારાં માતાપિતાને હેરાન કરતો હતો અને પૈસા માંગતો હતો. ક્યારેક હું તેમની સાથે મારામારી પણ કરતો હતો.”

પરિવાર અને સમાજથી અંતર કરી લીધું

હરણેકસિંહનું કહેવું છે કે તેઓ નશાને કારણે બીજા ગામોમાં પણ ચાલ્યા જતા હતા.

તેમને જોઈને લોકો કહેતા હતા કે આ જલદી મરી જશે. તેમણે કહ્યું, "લોકો મને જોવા માંગતા ન હતા. ઘરે મારાં માતાપિતાએ પણ મને બોલાવવાનું બંધ કરી દીધું."

“મેં ઘરમાંથી ચોરી કરવાનું શરૂ કરી દીધું. મને સવાર-સાંજ એક જ વાતની ચિંતા રહેતી હતી- એ છે નશો.”

તેમના પિતા પંજાબ પોલીસમાં સિપાહી તરીકે ફરજ બજાવતા હતા. તેમણે ખેતી માટે બે ટ્રેક્ટર લીધાં અને એક પ્લૉટ લીધો હતો.

“મને એમ હતું કે મારું ભવિષ્ય સારું છે, પરંતુ મેં ડ્રગ્સ લેવા માટે આ બધું પણ વેચી દીધું.”

લગ્ન તૂટી જવાનાં હતાં

હરણેકસિંહ અનુસાર 2019માં તેમનાં માતાપિતાએ તેમનાં લગ્ન અર્શદીપ કૌર સાથે કરી દીધાં હતાં જે પાંચમા ધોરણથી તેમની સાથે અભ્યાસ કરતાં હતાં.

તેમના સંબંધ વિશે જણાવતા હરણેક કહે છે, “જ્યારે અર્શદીપને ખબર પડી કે હું ડ્રગ્સ લઉં છું તો તેણે મારી સાથે 2 મહિના સુધી વાત જ કરી ન હતી. ઘરમાં છૂટાછેડાની વાતો થવા લાગી હતી.”

“તે સમયે મારી પત્નીએ મારો સાથ આપ્યો અને છૂટાછેડા લેવાની ના પાડી દીધી. તેણે મને સુધારવાના પ્રયત્નો શરૂ કરી દીધા હતા.”

હરણેકસિંહ કહે છે, “મારાં માતા અને પત્ની મને નશામુક્તિ કેન્દ્ર, હરિન્દરનગર, ફરીદકોટ, ગાંવ ચોંટિયા નશામુક્તિ કેન્દ્ર, હનુમાનગઢ, મટીલી(રાજસ્થાન), ન્યૂ વે, ન્યૂ લાઇફ, રાયવે, કાઉન્સેલિંગ અને ડ્રગ રિવાઇટલાઇઝેશન જેવી અનેક જગ્યાએ લઈ ગયા હતા. ઘણી જગ્યાએ મને દાખલ કરીને મારી સારવાર કરવામાં આવી હતી.”

‘મારો દીકરો ક્યારે પાછો ફરશે તેની રાહ હતી’

હરણેકસિંહનાં માતા ચરણજીતકૌરનું કહેવું છે કે તેઓ છેલ્લાં પાંચ-છ વર્ષથી અતિશય દુ:ખી હતાં.

તેઓ કહે છે, “કેટલીય રાતો એવી હતી જેમાં મને ઊંઘ ન આવી. હું એ પળની રાહ જોઈ રહી હતી કે મારો દીકરો સારા રસ્તે પાછો ફરે.”

તેમનું કહેવું છે કે હવે તેઓ ખુશ છે કે તેમનો દીકરો હવે બધી જવાબદારીઓ નિભાવી રહ્યો છે.

ચરણજિત કૌરનું કહેવું છે, "નશો કરનારા લોકોએ તેમનાં માતાપિતાની સામે જોવું જોઈએ. તેમણે એ વિચારવું જોઈએ કે, જ્યારે કોઈ તેમના સંતાનને નશેડી કહે તો તેની મા ના દિલ પર શું વીતતી હશે.”

“નશો કરનારા લોકો માટે પણ આપણા સમાજે તેના વિચારો બદલવાની જરૂર છે. તેમણે લોકોને નશાની લતમાંથી બહાર લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ.”

તેમનું કહેવું છે કે કોઇને ‘નશેડી’ તરીકે સંબોધન કરવું ન જોઈએ. આ પ્રકારના યુવાનો પ્રેમના ભૂખ્યા હોય છે. સમાજે નશો કરનારા લોકો સાથે નફરત ન કરવી જોઈએ.

પત્નીનો મળ્યો સાથ

હરણેકસિંહનાં પત્ની અર્શદીપ કૌરે જણાવ્યું, "લગ્ન પહેલાં મારી બહેનપણીઓએ કહ્યું હતું કે છોકરો નશાનો બંધાણી છે અને તેની સાથે લગ્ન ન કરવા જોઈએ."

પરંતુ અર્શદીપ કૌરે આ વાત પર બહુ ધ્યાન આપ્યું ન હતું.

તેમણે કહ્યું કે, “લગ્ન પછી હરણેક રોજ રાત્રે દારૂ પીને ઘરે આવતો હતો. મારા પર હાથ ઉઠાવતો હતો.”

“એક દિવસ તેના હાથ પર મેં ઇન્જેક્ષનના નિશાન જોયું એટલે બધું સ્પષ્ટ થઈ ગયું. મારો ગરીબ પરિવાર મને છૂટાછેડા લેવાનું કહેતો રહ્યો, પરંતુ મેં મારા પતિને સુધારવાનું નક્કી કરી લીધું હતું.”