ચૅમ્પિયન્સ ટ્રૉફી: રોહિત શર્માએ હાથ જોડીને અક્ષર પટેલની માફી કેમ માગી?

આઈસીસી ચૅમ્પિયન્સ ટ્રૉફીમાં પોતાની પહેલી મૅચમાં ભારતે બાંગ્લાદેશને છ વિકેટે હરાવ્યું છે.

દુબઈમાં રમાયેલા આ મુકાબલામાં 229 રનના લક્ષ્યને ભારતે 46.3 ઑવરમાં ચાર વિકેટ ગુમાવીને જ હાંસલ કરી લીધું હતું.

શુભમન ગિલે 101 રનની અણનમ ઇનિંગ રમી હતી અને મોહમ્મદ શમીએ જબરદસ્ત બૉલિંગ કરતા પાંચ વિકેટ ઝડપી હતી. પહેલા મુકાબલામાં ભારતને જીત અપાવવામાં બંને ખેલાડીઓની ભૂમિકા મહત્ત્વની રહી છે.

જોકે, લાંબા સમયથી ખરાબ ફૉર્મ સામે લડી રહેલા વિરાટ કોહલી બાંગ્લાદેશ સામે પણ રન બનાવવામાં નિષ્ફળ ગયા હતા.

એ સિવાય મૅચ દરમિયાન અક્ષર પટેલની બૉલિંગ અને રોહિત શર્માએ છોડેલો કૅચ પણ ચર્ચામાં રહ્યાં હતાં.

રોહિત શર્માએ જ્યારે કૅચ છોડ્યો

બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ ઑવરના છેલ્લા બૉલ પર જ મોહમ્મદ શમીએ સૌમ્યા સરકારને પેવેલિયન પરત મોકલી દીધા હતા.

બાંગ્લાદેશની બેટિંગ દરમિયાન ઇનિંગની નવમી ઑવર ભારત તરફથી અક્ષર પટેલ ફેંકી રહ્યા હતા.

બાંગ્લાદેશ એ પહેલાં જ પોતાની ત્રણ વિકેટો ગુમાવી ચૂક્યું હતું અને મુશ્કેલીમાં હતું.

અક્ષર પટેલે નવમી ઑવરના બીજા જ બૉલે તાન્ઝિદ હસનને કૅચઆઉટ કરાવ્યા અને એ પછીના જ બૉલે મુશ્ફિકુર રહીમને પણ રાહુલના હાથે કૅચઆઉટ કરાવ્યા.

અક્ષરે બે બૉલમાં બે વિકેટ ઝડપીને બાંગ્લાદેશનો સ્કોર પાંચ વિકેટે 35 રન પર લાવી દીધો હતો અને પછી તેઓ હૅટ્રિક માટેનો બૉલ ફેંકવાના હતા.

હૅટ્રિક બૉલ પર પણ જાકિર અલીના બેટને ટકરાઈને બૉલ સ્લિપમાં ગયો હતો પરંતુ કૅપ્ટન રોહિત શર્માના હાથમાંથી કૅચ છૂટી ગયો હતો. જેના કારણે અક્ષર પટેલને હૅટ્રિક મળી ન હતી અને તેઓ રેકૉર્ડ બનાવતા ચૂકી ગયા હતા.

રોહિત શર્માએ પણ કૅચ છોડ્યા પછી મેદાન પર ચાર વાર હાથ પછાડીને તેમનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો.

કૅચ છોડ્યા બાદ રોહિત બે હાથ જોડીને માફી માગતા પણ નજરે પડ્યા હતા. સ્પષ્ટ હતું કે કૅચ છોડ્યાનો અને અક્ષર હૅટ્રિકથી ચૂકી ગયાનો તેમને અફસોસ હતો.

મૅચ બાદ રોહિતે કહ્યું હતું કે, "અક્ષર પટેલને હું ડિનર માટે લઈ જઈશ. એ કૅચ ખરેખર સહેલો હતો અને જે પ્રકારનાં ધોરણો મેં મારા માટે સેટ કર્યાં છે એ અનુસાર મારે એ કૅચ લેવો જ જોઈતો હતો. પણ તેમ છતાં આવું બનતું હોય છે."

બાંગ્લાદેશે ખરાબ શરૂઆત પછી સ્થિતિ સંભાળી

માત્ર 35 રનમાં પાંચ વિકેટ ગુમાવી ચૂકેલી બાંગ્લાદેશની ટીમ અતિશય મુશ્કેલીમાં હતી.

પરંતુ ત્યારબાદ તૌહીદે જાકેર સાથે મળીને મોરચો સંભાળ્યો હતો.

જાકેરે 87 બૉલમાં ત્રણ ચોગ્ગાની મદદથી પોતાની અડધી સદી પૂરી કરી હતી. જ્યારે તૌહીદે 85 બૉલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી.

અડધી સદી બાદ તૌહીદે ઝડપથી રન બનાવવાનું શરૂ કર્યું. બાંગ્લાદેશે 40 ઑવર સુધીમાં પાંચ વિકેટ ગુમાવીને 165 રન બનાવ્યા હતા.

તૌહીદે પોતાની સદી પૂર્ણ કરી હતી અને તેઓ 100 રને જ આઉટ થયા હતા જ્યારે જાકેરે 68 રનની ઇનિંગ રમી હતી.

અંતે બાંગ્લાદેશ 50 ઑવરમાં 228 રનનો સ્કોર બનાવવામાં સફળ થયું હતું.

શમીએ 10 ઑવરમાં 53 રન આપીને પાંચ વિકેટ લીધી હતી. હર્ષિતે ત્રણ અને અક્ષરે બે વિકેટ ઝડપી હતી.

શુભમન ગિલે ભારતને જીત અપાવી

229 રનના પડકારનો પીછો કરતા રોહિત શર્માએ શુભમન ગિલ સાથે મળીને ભારતને સારી શરૂઆત અપાવી હતી.

ચોથી જ ઑવરના છેલ્લા બૉલે તેમણે ચોગ્ગો ફટકારીને વન-ડે ક્રિકેટમાં 11 હજાર રન પૂર્ણ કર્યા હતા.

આઠ ઑવર સુધીમાં ભારતે વિના વિકેટે 50 રન બનાવી લીધા હતા.

પહેલો પાવર-પ્લે પૂરો થાય તે પહેલાં જ રોહિત શર્મા મોટો શોટ ફટકારવાનો પ્રયાસ કરતી વખતે તકસીનના બૉલ પર આઉટ થયા હતા. રોહિત શર્માએ 36 બોલમાં 41 રન બનાવ્યા હતા અને તેમની ઇનિંગમાં સાત ચોગ્ગા સામેલ હતા.

રોહિતના આઉટ થયા બાદ ભારતની રનગતિ થોડી ધીમી પડી ગઈ હતી. ભારતે 20મી ઑવરના છેલ્લા બૉલ પર એક વિકેટ ગુમાવીને 100 રન પૂરા કર્યા હતા.

ગિલ અને વિરાટ કોહલી વચ્ચે બીજી વિકેટ માટે 43 રનની ભાગીદારી થઈ હતી. પરંતુ કોહલી ફરીથી મોટી ઇનિંગ રમવામાં નિષ્ફળ રહ્યા હતા અને 38 બૉલમાં 22 રન બનાવીને આઉટ થઈ ગયા હતા.

જોકે, ગિલે એક છેડો સાચવી રાખ્યો હતો અને તેણે 69 બૉલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. પોતાની 51મી વન-ડે રમી રહેલા શુભમન ગિલે વન-ડેમાં 23મી વખત 50થી વધુ રન બનાવ્યા.

ટીમ ઈન્ડિયાની જોરદાર બેટિંગ લાઈનઅપને જોતા માનવામાં આવી રહ્યું હતું કે તે 228 રનનો ટાર્ગેટ આસાનીથી પાર પાડી લેશે, પરંતુ આવું ન થયું.

શ્રેયસ અય્યર પણ 17 બૉલમાં 15 રન બનાવીને આઉટ થયા હતા. ટીમ મૅનેજમેન્ટે અક્ષર પટેલને પ્રમોટ કરીને પાંચમા નંબર પર બેટિંગ કરવા મોકલ્યા હતા. પરંતુ અક્ષર માત્ર આઠ જ રન બનાવીને આઉટ થઈ ગયા હતા.

ભારતે 30.1 ઓવરમાં 144 રનમાં ચાર વિકેટ ગુમાવી દેતા તેની મુશ્કેલીઓ થોડી વધી ગઈ હોય તેવું લાગ્યું હતું.

જોકે, ત્યારબાદ કે. એલ. રાહુલે ગિલ સાથે મળીને ઇનિંગ સંભાળી હતી. શુભમન ગિલે 129 બૉલમાં 101 રનની ઇનિંગ રમી હતી. ગિલની ઇનિંગમાં નવ ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થાય છે.

રાહુલે 47 બૉલમાં 41 રનની અણનમ ઇનિંગ રમી હતી. રાહુલ અને ગિલ વચ્ચે પાંચમી વિકેટ માટે 87 રનની અણનમ ભાગીદારી થઈ હતી અને અંતે ભારતે જીત મેળવી હતી.

હવે ભારતનો બીજો મુકાબલો 23 ફેબ્રુઆરીએ પાકિસ્તાન સામે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.