You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વરુણ ચક્રવર્તી : ચૅમ્પિયન્સ ટ્રૉફી અગાઉ જે ખેલાડી સામે સવાલો ઉઠાવવામાં આવ્યા હતા તે 'ટ્રમ્પ કાર્ડ' સાબિત થયા
- લેેખક, પ્રવીણ
- પદ, બીબીસી સંવાદદાતા
11 ફેબ્રુઆરી 2025ના રોજ આઈસીસી ચૅમ્પિયન્સ ટ્રૉફી માટે પસંદ કરાયેલી ભારતીય ટીમમાં એક ફેરફાર થયો. દુબઈ જતી 15 ખેલાડીઓની ટીમમાં યશસ્વી જયસ્વાલની જગ્યાએ વરુણ ચક્રવર્તીને સ્થાન મળ્યું. આ જાહેરાત સાથે જ ટીમમાં સ્પિનર્સની સંખ્યા ચારથી વધીને પાંચ થઈ ગઈ.
ભારતીય ક્રિકેટ ઇતિહાસના બીજા સૌથી સફળ બૉલર આર. અશ્વિને આ નિર્ણય પર સવાલ ઉઠાવ્યા. પોતાની યુટ્યૂબ ચૅનલ પર પોસ્ટ કરેલા વીડિયોમાં અશ્વિને કહ્યું કે, "મને સમજાતું નથી કે ટીમ ઇન્ડિયા આટલા બધા સ્પિનર્સને કેમ દુબઈ લઈ જઈ રહી છે."
આવો સવાલ માત્ર અશ્વિને ઉઠાવ્યો હતો એવું નથી. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર દિનેશ કાર્તિકે ક્રિકબઝ સાથે વાત કરતા કહ્યું, "ટીમમાં પાંચ સ્પિનર્સને સામેલ કરવા એ થોડું વધારે પડતું છે."
પરંતુ લગભગ 20 દિવસ પછી પસંદગીકારોનો આ નિર્ણય સાચો સાબિત થતો જણાય છે.
સેમિફાઇનલમાં પહેલેથી સ્થાન મેળવી ચુકેલ ટીમ ઇન્ડિયાના કૅપ્ટન રોહિત શર્માએ ચાર સ્પિનર્સને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવાનો જુગાર ખેલ્યો.
શર્માનો આ દાવ સફળ સાબિત થયો એટલું જ નહીં, હવે તે ચૅમ્પિયન્સ ટ્રૉફીમાં ટીમ ઇન્ડિયાનો સૌથી સબળ પાસો પણ પુરવાર થતો જણાય છે.
ન્યૂઝીલૅન્ડ વિરુદ્ધ ભારતીય સ્પિનર્સે ઇતિહાસ રચ્યો તે તેનું મુખ્ય કારણ છે. આ મૅચમાં ભારતીય સ્પિનર્સે 9 વિકેટો પ્રાપ્ત કરી. ચૅમ્પિયન્સ ટ્રૉફીના ઇતિહાસમાં કોઈ પણ એક મુકાબલામાં સ્પિનર્સનું આ સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન છે.
આ અગાઉ 2004માં પાકિસ્તાનના સ્પિનર્સે કૅન્યા સામે આઠ વિકેટો ઝડપી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વરુણ ચક્રવર્તીઃ ટીમ ઇન્ડિયાના 'ટ્રમ્પ કાર્ડ'
"તેમાં કંઇક વિશેષ છે. અમે જોવા માગતા હતા કે તેઓ કેટલા સફળ થાય છે."
ન્યૂઝીલૅન્ડ વિરુદ્ધ મૅચ પછી કૅપ્ટન રોહિત શર્માએ વરુણ ચક્રવર્તી વિશે આ વાત કરી હતી.
2021માં ટી-20 વર્લ્ડકપમાં વરુણ ચક્રવર્તીને સૌપ્રથમ વખત ટીમ ઇન્ડિયામાં સ્થાન મળ્યું હતું. તે વખતે વરુણ ચક્રવર્તીને ભારતીય ક્રિકેટના 'મિસ્ટ્રી સ્પિનર' ગણવામાં આવતા હતા.
પરંતુ ટીમ ઇન્ડિયાનો આ દાવ નિષ્ફળ સાબિત થયો. ત્રણ મૅચ રમ્યા બાદ વરુણ ચક્રવર્તીને એક પણ વિકેટ મળી ન હતી. આ ટુર્નામેન્ટ બાદ વરુણ ચક્રવર્તી ટીમ ઇન્ડિયાની બહાર થઈ ગયા હતા.
જોકે, આઈપીએલમાં વરુણ ચક્રવર્તીએ પોતાનું સારું પ્રદર્શન ચાલુ રાખ્યું અને ત્રણ વર્ષ પછી ફરીથી ટીમ ઇન્ડિયામાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું. વાપસી પછી વરુણ ચક્રવર્તીએ 15 ટી-20 મૅચોમાં 33 વિકેટો ખેરવી અને ચૅમ્પિયન્સ ટ્રૉફી માટે પોતાનો દાવો મજબૂત રીતે રજૂ કર્યો.
પ્રથમ બે મૅચમાં કેપ્ટન રોહિત શર્મા ત્રણ સ્પિનરો સાથે મેદાન પર ઉતર્યા હતા. પરંતુ વરુણને તક મળી ન હતી. ભારત માટે સેમિફાઇનલમાં રમવાનું નક્કી થયું ત્યારે રોહિત શર્માએ વરુણ ચક્રવર્તીને અજમાવ્યા.
વરુણ ચક્રવર્તીએ આ વખતે નિરાશ ન કર્યા અને પોતાની બીજી ઓવરના ત્રીજા બૉલ પર ક્રિઝ પર જામી ગયેલા વિલ યંગને બોલ્ડ કર્યા. તેનાથી માત્ર મૅચમાં ટીમ ઇન્ડિયાના પુનરાગમનનો માર્ગ મોકળો થયો એટલું જ નહીં, તેનાથી એ પણ નક્કી થયું કે સેમિફાઇનલ અને જો પહોંચે તો ફાઇનલમાં ભારતીય ક્રિકેટ ટીમ માટે સ્પિનરો કેટલી મોટી શક્તિ હોઈ શકે છે.
44મી ઓવરના બીજા જ બૉલ પર વરુણે ન્યૂઝીલૅન્ડના કૅપ્ટન સેન્ટનરનો ઑફ સ્ટમ્પ ઉખાડી નાખ્યો ત્યારે આ વાતનો પુરાવો મળ્યો. બોલ્ડ થયા પછી સેન્ટનરને સમજાયું નહીં કે શું થયું છે અને તેઓ થોડી ક્ષણો માટે ક્રિઝ પર ઊભા રહ્યા. તેમને વિશ્વાસ ન બેઠો કે તેઓ કઈ રીતે બોલ્ડ થઈ ગયા હતા.
ત્યાર પછી 6 બૉલમાં વરુણે હેનરીને અને કુલદીપે વિલિયમ્સનની વિકેટ ઝડપી અને ન્યૂઝીલૅન્ડ સામે ભારતીય ટીમને 44 રને વિજય અપાવ્યો.
ભારતીય સ્પિનર્સનું જોરદાર ફૉર્મ
વાત માત્ર વરુણ ચક્રવર્તીની નથી. અત્યાર સુધી ભારતીય સ્પિનર્સે ટુર્નામેન્ટમાં ચુસ્ત બૉલિંગ કરી છે. પછી તે કુલદીપ યાદવ હોય, રવિન્દ્ર જાડેજા હોય કે પછી અક્ષર પટેલ હોય.
ત્રણેય સ્પિનર્સે ત્રણમાંથી એક પણ મૅચમાં 6 કરતા વધારે ઇકૉનોમી રેટથી રન નથી આપ્યા.
કુલદીપ યાદવ એવા સ્પિન બૉલર છે જેણે ગ્રૂપ સ્ટેજમાં ભારત માટે સૌથી વધુ વિકેટો લીધી છે. કુલદીપ યાદવે અત્યાર સુધીમાં 6 વિકેટો ઝડપી છે.
અક્ષર પટેલે અત્યાર સુધી ત્રણ મૅચમાં 29 ઓવર બૉલિંગ કરીને 129 રન આપ્યા છે અને ચાર વિકેટ લેવામાં સફળ રહ્યા છે. આ દરમિયાન અક્ષર પટેલનો ઇકૉનોમી રેટ માત્ર 4.4 રહ્યો છે.
રવિન્દ્ર જાડેજાને ત્રણ મૅચમાં બે વિકેટ મળી છે. પરંતુ તેમની બૉલિંગ ચુસ્ત રહી છે. જાડેજાએ 24 ઓવરમાં 4.7ના ઇકૉનોમી રેટ સાથે 113 રન જ આપ્યા છે.
લગભગ દરેક મૅચમાં ભારતીય ટીમને મહત્ત્વના સમયે વિકેટ અપાવી છે. સ્પિનર્સની ચુસ્ત બૉલિંગની અસર સામેની ટીમના બૅટ્સમૅનો પર પણ પડી છે. દરેક મૅચમાં વિરોધી ટીમના બૅટ્સમૅનો ભારતીય સ્પિનર્સ સામે દબાણમાં જોવા મળ્યા છે.
દુબઈમાં રમવાનો ભારતીય ટીમને ફાયદો થયો?
રાજકીય અને સુરક્ષાનાં કારણોથી ભારતીય ક્રિકેટ ટીમે આઈસીસી ચૅમ્પિયન્સ ટ્રૉફીમાં રમવા માટે પાકિસ્તાન જવાનો ઇન્કાર કર્યો હતો. આ કારણે ચૅમ્પિયન્સ ટ્રૉફીનું આયોજન હાઇબ્રિડ મૉડેલ પર થઈ રહ્યું છે.
ભારત પોતાની તમામ મૅચ દુબઈમાં રમે છે અને દુબઈની પિચને સ્પિનર્સ માટે ફાયદાકારક ગણવામાં આવે છે.
વિરોધી ટીમના ખેલાડીઓ માને છે કે ભારતને દુબઈમાં રમવાનો ફાયદો મળી રહ્યો છે.
ઇજાના કારણે ટુર્નામેન્ટમાંથી બહાર નીકળે ગયેલા ઑસ્ટ્રેલિયાના કૅપ્ટન પેટ કમિન્સે તાજેતરમાં જ 'યાહૂ ઑસ્ટ્રેલિયા'ને કહ્યું હતું કે, "એક જ ગ્રાઉન્ડ પર બધી મૅચ રમવાનો ભારતને લાભ થશે. ભારત પહેલેથી મજબૂત છે અને દેખીતી રીતે જ કોઈ પણ ટીમને એક જ મેદાન પર તમામ મૅચ રમવાનો ફાયદો થાય છે."
દક્ષિણ આફ્રિકાના ક્રિકેટર રસી વેન ડેર ડ્યૂસેને પણ આવી જ વાત કરી હતી. ઈએસપીએન ક્રિકઇન્ફો સાથે વાત કરતાં તેમણે કહ્યું કે, "આનો લાભ થાય છે. ચોક્કસ ફાયદો છે. તમે એક જ જગ્યાએ છો, એક હોટલમાં છો. એક જ જગ્યાએ પ્રૅક્ટિસ કરો છો. દર વખતે તમારે એક જ સ્ટેડિયમની પિચ પર રમવાનું છે. આ ફાયદાકારક છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન