You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ચૅમ્પિયન્સ ટ્રૉફી 2025: ભારત હવે સેમિફાઇનલમાં ઑસ્ટ્રેલિયા સામે રમશે, જાણો બીજી સેમિફાઇનલ ક્યાં અને કોની વચ્ચે રમાશે?
ચૅમ્પિયન્સ ટ્રૉફી 2025માં રવિવારે દુબઈ ખાતે ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે મૅચ રમાઈ હતી, જેમાં ભારતનો 44 રને વિજય થયો છે.
મૅચના હીરો મિડલ ઑર્ડર બૅટ્સમૅન શ્રેયસ અય્યર અને સ્ટાર સ્પિનર વરુણ ચક્રવર્તી રહ્યા. પહેલા શ્રેયસે ફિફ્ટી ફટકારી અને પછી વરુણે પાંચ વિકેટ ઝડપી. હવે ભારતીય ટીમે તેની સેમિફાઇનલ 4મી માર્ચે દુબઈમાં રમવાની છે. આ મુકાબલો ગ્રૂપ-બીમાં બીજા નંબરની ટીમ ઑસ્ટ્રેલિયા સાથે થશે. જ્યારે કે ચૅમ્પિયન્સ ટ્રૉફીની બીજી સેમિફાઇનલ 5 માર્ચના રોજ લાહોરમાં થશે. આ મૅચ ન્યૂઝીલૅન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે થશે.
રવિવારે 9 માર્ચના રોજ ફાઇનલ રમાશે. જો ભારત સેમિફાઇનલ જીતે તો ફાઇનલ દુબઈમાં અને જો ભારત હારે તો ફાઇનલ લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં રમાશે.
ઉલ્લેખનીય છે કે ભારતે તેની સેમિફાઇનલ ઑસ્ટ્રેલિયા સામે રમવાની છે જેણે વર્ષ 2003માં અને વર્ષ 2023માં ટીમ ઇન્ડિયાને વર્લ્ડકપ જીતવાનું સપનું તોડ્યું હતું.
રવિવારે દુબઈમાં રમાયેલી મૅચમાં ન્યૂઝીલૅન્ડે ટોસ જીતીને ભારતને પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. ભારતની શરૂઆત ધીમી રહી હતી, એ પછી ભારતે નવ વિકેટના ભોગે 249 રન બનાવ્યા હતા.
જવાબમાં દાવ લેવા ઉતરેલી ન્યૂઝીલૅન્ડની ટીમની શરૂઆત ધીમી, પરંતુ મક્કમ રહી હતી. પરંતુ એક વખત બૅટિંગ ઑર્ડર આઉટ થતા પાછળના ખેલાડીઓએ ઇનિંગને સંભાળવાની નિષ્ફળ કોશિશ કરી હતી.
ન્યૂઝીલૅન્ડની સમગ્ર ટીમ 205 રનનો જુમલો જ ખડકી શકી હતી. વિલિયમ્સને સૌથી વધુ 81 રન બનાવ્યા હતા, જ્યારે 28 રન સાથે રન ખડકવાની બાબતે કપ્તાન સેન્ટનર બીજા ક્રમાંકે રહ્યા હતા. વિલ યંગે 22 રન કર્યા હતા.
વરૂણ ચક્રવર્તીએ તેમના સ્પૅલમાં 42 રન આપીને પાંચ વિકેટ લીધી હતી. કુલદીપ યાદવે બે ખેલાડીઓને આઉટ કર્યા હતા. આ સિવાય હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ તથા રવિન્દ્ર જાડેજાને એક-એક સફળતા મળી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભારતના સ્ટાર બૅટ્સમૅન નિષ્ફળ
ભારતીય ઇનિંગની વાત કરીએ તો કૅપ્ટન રોહિત શર્મા (15), શુભમન ગીલ (2) અને વિરાટ કોહલી (11) રન બનાવીને આઉટ થઈ ગયા હતા.
25 ઓવરના અંતે ત્રણ વિકેટના ભોગે માત્ર 104 રન બનાવી શક્યું હતું.
એ પછી શ્રેયસ અય્યર (79) તથા અક્ષર પટેલે (42) ભારતની ડગમગતી ઇનિંગને સંભાળી હતી અને તેને સન્માનજનક જુમલા સુધી પહોંચાડી હતી.
ત્યારબાદ હાર્દિક પંડ્યા (45) અને કે.એલ. રાહુલે (23) પણ ફાળો આપ્યો હતો.
ન્યૂઝીલૅન્ડના મૅટ હૅન્રીએ પાંચ ભારતીય બૅટ્સમૅનને પેવોલિયન ભેગા કર્યા હતા, જ્યારે જેમિસન, ઓરુર્કે, સેન્ટનર તથા રવિન્દ્રને એક-એક સફળતા મળી હતી.
ભારત અને ન્યૂઝીલૅન્ડના પ્લેઇંગ ઇલેવન
ભારતે હર્ષિત રાણાના સ્થાને વરુણ ચક્રવર્તીને તક આપી હતી, તો ન્યૂઝી લૅન્ડે પ્લેઇંગ ઇલેવનમાં ડેવેન કૉન્વેના સ્થાને ડેરિલ મિશેલને લીધા હતા.
ભારત (પ્લેઇંગ ઇલેવન) : રોહિત શર્મા (કૅપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, અક્ષર પટેલ, કે.એલ. રાહુલ, હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ.
ન્યૂઝી લૅન્ડ (પ્લેઇંગ ઇલેવન) : ડેવોન કૉન્વે, વિલ યંગ, કેન વિલિયમસન, ડેરિલ મિશેલ, ટૉમ લૅથમ, ગ્લેન ફિલિપ્સ, માઇકલ બ્રેસવેલ, મિશેલ સેન્ટનર (કપ્તાન), મૅટ હેન્રી, કાઇલી જેમિશન, વિલ ઓરુર્કે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન