સુરત : ઘર બહાર ઊભેલી યુવતીની જાહેરમાં હત્યા, કુટુંબીઓએ કહ્યું, ‘બધા માત્ર જોતા રહ્યા’

ઇમેજ સ્રોત, RUPESH SONWANE
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
સુરતનાં સચીન જીઆઈડીસી વિસ્તારમાં થયેલી એક હત્યાએ લોકોને ગ્રીષ્મા હત્યાકાંડની ઘટના ફરીથી યાદ અપાવી છે.
12 ફેબ્રુઆરી 2022ના રોજ ગ્રીષ્મા વેકરિયા નામની યુવતીની એકતરફી પ્રેમના મામલામાં ફેનિલ નામના યુવકે જાહેરમાં ગળું રહેંસીને હત્યા કરી નાખી હતી.
આ ઘટનામાં ફેનિલ નામના યુવકે એકતરફી પ્રેમની ઘટનામાં ગળે ચાકુ મારીને ગ્રીષ્માની હત્યા કરી હતી. આ ઘટનાના વાઇરલ થયેલા વીડિયોથી સમગ્ર ગુજરાતમાં આક્રોશ છવાઈ ગયો હતો.
હવે, આ જ પ્રકારની ઘટના સુરતમાં ફરીથી બની છે.
જેમાં 20 વર્ષીય યુવતીની પડોશમાં જ રહેતા યુવકે પહેલા મોટા સ્ક્રૂડ્રાઇવરના ઘા ઝીંકીને અને પછી માથા પર પથ્થરો ઝીંકીને હત્યા કરી દીધી હતી.
બીબીસીના સહયોગી રૂપેશ સોનવણે અનુસાર યુવતીનાં ભાભી અને પાડોશીનું કહેવું છે કે તેમણે બચાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ હુમલો કરનાર યુવકે તેમને હડસેલી દીધાં.
મૃતક યુવતીનાં પાડોશી 70 વર્ષનાં કમલાદેવીનું કહેવું છે કે, "માત્ર હું અને તે છોકરીની ભાભી જ બહાર આવ્યા હતા, બાકી આખી સોસાયટી જોઇ રહી હતી પણ કોઈ બચાવવા ન આવ્યું."

શું બન્યું હતું?

ઇમેજ સ્રોત, Getty Images
આ મામલો સુરતના સચીન જીઆઈડીસી વિસ્તારમાં આવેલ તલંગપુર ગામની સાંઇ દર્શન સોસાયટીનો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આરોપી શૈલેષ અને મૃતક યુવતી નીલુ બંને એક જ સોસાયટીમાં જ રહેતાં હતાં. બંનેના પરિવારો મૂળ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજના રહેવાસી છે અને બંને પરિવારો છેલ્લાં 12 વર્ષથી પડોશી છે.
મીડિયા અહેવાલોમાં નીલુ અને શૈલેષ વચ્ચે પ્રેમસંબંધો હોવાના સમાચાર પ્રકાશિત થયા છે. પરંતુ પોલીસે બંને વચ્ચે પ્રેમસંબંધ હતો કે નહીં એ તપાસનો વિષય છે.
ટાઈમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર છેલ્લાં કેટલાંક વર્ષોથી શૈલેષ અને નીલુ પ્રેમસંબંધમાં બંધાયેલા હતા અને તેઓ એકબીજા સાથે લગ્ન કરવા ઇચ્છતાં હતાં.
શૈલેષ એક ટેક્સટાઇલ ફેકટરીમાં કામ કરતો હતો અને છેલ્લા કેટલાક મહિનાઓથી બેરોજગાર હતો.
યુવતીના પરિવારજનો આ સંબંધ લગ્નમાં પરિણામે તેવું ઇચ્છતા ન હતા અને તેમની દીકરીનો લગ્ન પ્રસ્તાવ અન્ય જગ્યાએ મોકલ્યો હતો.
ધી ઇન્ડિયન ઍક્સપ્રૅસના અહેવાલ અનુસાર પોતાના પિતાની સૂચનાથી નીલુએ શૈલેષને મળવાનું બંધ કરી દીધું હતું જેના કારણે શૈલેષે ગુસ્સામાં આવી આ પગલું ભર્યું હોવાનું મનાય છે.
બુધવારે સવારે 11 વાગ્યે નીલુ તેમના પાડોશી કમલાદેવીના ઘરની બહાર તેમની સાથે વાતચીત કરી રહ્યા હતા. તે જ સમયે શૈલેષે નીલુ પર સ્ક્રૂડ્રાઇવરના ઘા ઝીંકવાના શરૂ કરી દીધા હતા અને ત્યારબાદ પથ્થરો ઝીંકીને તેમની હત્યા કરી દીધી હતી.

પોલીસે શું કહ્યું?

ઇમેજ સ્રોત, RUPESH SONWANE
આ ઘટના સંદર્ભે વાત કરતા એસીપી આર. એલ. માવાણી બીબીસીના સહયોગી રૂપેશ સોનવણેને જણાવે છે કે, "આ યુવતીની હત્યા શૈલેષ નામના યુવકે જ કરી છે પરંતુ તેણે આ હત્યા ક્યા કારણોસર કરી તે હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી અને તેની તપાસ ચાલુ છે. બંને વચ્ચે પ્રેમસંબંધ હતો કે કેમ એ પણ હજુ તપાસનો વિષય છે."
ટાઇમ્સ ઑફ ઇન્ડિયા સાથે વાત કરતાં સચીન જીઆઇડીસીનાં પોલીસ ઇન્સ્પેક્ટર જે.આર. ચૌધરી કહે છે કે, "જ્યારે યુવક એ નીલુ પર હુમલો કરી રહ્યો હતો ત્યારે જ કોઈએ પોલીસને ફોન કરી દીધો હતો જેના કારણે નજીકમાં જ પેટ્રોલિંગ કરી રહેલી પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસને નવાઈ લાગી હતી કે શૈલેષ હત્યા કરીને યુવતીની બાજુમાં જ બેઠો હતો."
પોલીસનું કહેવું છે કે પ્રાથમિક તપાસમાં શૈલેષે કોઈ શબ્દ ઉચ્ચાર્યો નથી જેના કારણે આ ઘાતકી હત્યા પાછળ શું કારણ હશે તે જાણવામાં પોલીસને સમય લાગી શકે છે.

પરિવારે શું કહ્યું?

ઇમેજ સ્રોત, RUPESH SONWANE
દીકરીના મૃત્યુ પછી પરિવાર ભારે આઘાતમાં છે.
બીબીસીના સહયોગી રૂપેશ સોનવણે સાથે વાત કરતાં યુવતીનાં માતાએ જણાવ્યું હતું કે, "એ દાદીએ વચ્ચે પડીને તેને બચાવવાનો પ્રયાસ કર્યો પરંતુ એ છોકરાએ મારી દીકરીને પટકી પટકીને પથ્થરથી મારી નાખી. અમારે કોઈ ઝઘડો કે લડાઈ થઈ ન હતી પરંતુ આવું કેમ થયું તે મને ખબર પડતી નથી. અમે લોકો અહીં હાજર ન હતાં."
મૃતક યુવતીનાં ભાભી અર્ચનાદેવી કહે છે, "મેં બે વખત વચ્ચે પડીને બચાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેણે મને પણ દૂર હડસેલી દીધી. હું ભાગીને બીજા લોકોને બોલાવવા ગઈ પરંતુ તેણે સ્ક્રૂડ્રાઇવરથી મારી મારીને તેની હત્યા કરી દીધી હતી."

યુવતીને બચાવવા જ્યારે વૃદ્ધ દાદી વચ્ચે પડ્યાં

ઇમેજ સ્રોત, RUPESH SONWANE
યુવતીનાં પાડોશી કમલાદેવી એ વૃદ્ધ મહિલા છે. બીબીસીના સહયોગી રૂપેશ સોનવણેના જણાવ્યા અનુસાર તેમની ઉંમર 70 વર્ષની છે.
કમલાદેવી આ ઘટનાનું વર્ણન કરતા કહે છે કે, "અમે બંને વાતચીત કરી રહ્યા હતા ત્યારે જ શૈલેષ આવ્યો અને તેના ગળા પર સ્ક્રૂડ્રાઇવરથી ઘા કરવા લાગ્યો. હું બચાવવા માટે વચ્ચે પડી પરંતુ તેણે મને પણ મારી નાખવાની ધમકી આપી. મેં કહ્યું કે ભલે મને મારી નાખ પણ છોકરીને છોડી દે. મારી તો ઉંમર થઈ છે. પરંતુ એ ન માન્યો અને પથ્થર મારી મારીને તેની હત્યા કરી નાખી."
તેમણે વધુમાં કહ્યું કે, "માત્ર હું અને તે છોકરીની ભાભી જ બહાર આવ્યા હતા, બાકી આખી સોસાયટી જોઇ રહી હતી પણ કોઈ બચાવવા ન આવ્યું."

પોલીસે નોંધેલી એફઆઈઆરમાં શું છે?
મૃતક યુવતીનાં ભાભી અર્ચનાદેવી આ સમગ્ર ઘટનાના સાક્ષી રહ્યાં છે અને તેમણે જ પોલીસ સ્ટેશનમાં આરોપી અને પડોશી શૈલેષ વિશ્વકર્મા સામે ફરિયાદ નોંધાવી છે.
એફઆઈઆરમાં આરોપીએ સ્ક્રૂડ્રાઇવર અને મોટા પથ્થરથી કઈ રીતે યુવતીની હત્યા કરી તેનું વર્ણન છે પરંતુ કયા કારણોસર આ હત્યા થઈ હોય તેનું કોઇ વર્ણન નથી.
આઈપીસી કલમ 302 (હત્યાનો આરોપ) અને 135 હેઠળ આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

શું હતો ગ્રીષ્માની હત્યાનો મામલો?

ગયા વર્ષે ફેબ્રુઆરીમાં સુરતનાં ગ્રીષ્મા વેકરિયાની ચાકુના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવી હતી.
20 વર્ષનાં ગ્રીષ્માની આ ક્રૂર હત્યા 'એકતરફી પ્રેમ'માં કરવામાં આવી હતી. ફેનિલ નામના યુવકે જાહેરમાં ગ્રીષ્મા પર ચાકુથી ઘા ઝીંક્યા હતા.
કામરેજના ખોલવડની લક્ષ્મીધામ સોસાયટીમાં રહેતાં ગ્રીષ્મા વેકરિયા અમરોલીની જે. જે. શાહ કૉલેજમાં બી. કૉમ.માં અભ્યાસ કરતાં હતાં. જેમને ગારિયાધારની મોટી વાવડી ગામના વતની અને સુરતના કાપોદ્રાની સાગર સોસાયટીમાં રહેતા ફેનિલ પંકજ ગોયાણી છેલ્લા એક વર્ષથી વારંવાર પજવતા હતા.
યુવતીના પરિવાર દ્વારા ફેનિલના પરિવારને આ અંગેની ફરિયાદ પણ કરવામાં આવી હતી. યુવતીના મામા અને યુવતીના પિતાના મિત્રે ફેનિલને સમજાવ્યા હતા અને આરોપી ફેનિલે પણ યુવતીની સતામણી બંધ કરી દેવાની ખાતરી આપી હતી.
ફરિયાદ અનુસાર વૅલેન્ટાઇન-ડેના બે દિવસ પહેલાં શનિવારે સાંજે ફેનિલ સોસાયટીના ગેટ પાસે દેખાતાં યુવતી એ તેમના પિતાના મોટા ભાઈ સુભાષ વેકરિયાને જાણ કરી હતી. સમજાવવા ગયેલા સુભાષભાઈને ઉશ્કેરાયેલા ફેનિલે પેટમાં ચપ્પુ હુલાવી દીધું હતું.
યુવતીના 17 વર્ષીય ભાઈ અને ફરિયાદી ધ્રુવ વચ્ચે પડતાં તેમને ફેનિલે જમણા હાથે અને માથાના ભાગે ચપ્પુ મારી દીધું હતું.
ભાઈ અને મોટા બાપાને છોડાવવા વચ્ચે પડેલાં યુવતી ગ્રીષ્માના ગળે ફેનિલે ચપ્પુ ધરી દીધું. ફરિયાદી અને તેમના પરિવારજનોએ યુવતીને છોડી દેવા ઘણી આજીજી કરી, પરંતુ ફેનિલે પરિવારજનોની સામે જ ચપ્પુ ચલાવીને યુવતીનું ગળું રહેંસી નાખ્યું.
નોંધનીય છે કે આ ઘટના બાદ પોલીસે એક અઠવાડિયામાં જ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી.
આ કેસ ખૂબ ઝડપથી ચાલ્યો હતો અને આરોપી ફેનિલને ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી.














