પાંચ મહિલા અને એક પુરુષને જીવતા દાટી, તેમના પર નાળિયેરી વાવી દેનાર 'નકલી ડૉક્ટર' કોણ છે?

સંતોષ પોળ
ઇમેજ કૅપ્શન, સંતોષ પોળ
    • લેેખક, અરુંધતી રાનડે-જોશી
    • પદ, બીબીસી મરાઠી માટે
ગ્રે લાઇન

આ ક્રૂર કહાણી બિલકુલ તાજી છે. અનેકને તે યાદ પણ હોઈ શકે. ટેલિફોન, મોબાઈલ ફોન, ગૂગલ મૅપના જમાનામાં પણ ગામડાના લોકો અચાનક ગાયબ થઈ જાય છે અને થોડાં વર્ષો પછી ખબર પડે છે કે તેમના ગાયબ થઈ જવા પાછળ એક ‘ભગવાન’નો હાથ હતો, જે ‘સાહસી’ સામાજિક કાર્યકર અને ડૉક્ટર છે.

તેમણે કેટલીક મહિલાઓને ખરેખર જીવતી દાટી દીધી હતી અને જ્યાં તેમને દાટી હતી તે સ્થળ પર નારિયેળીનું ઝાડ વાવ્યું હતું. તાજેતરમાં બહાર આવેલી આ સત્યકથા એટલી ક્રૂર છે કે ડૉક્ટર પર જ નહીં, પરંતુ માનવતા વિશે પણ શંકા થાય.

મહારાષ્ટ્રમાં બનેલી અને બહાર આવેલી ક્રૂરતાની કથાઓમાં સૌથી તાજી તેમજ ભયાનક ઘટના સાતારાના કથિત ડૉક્ટર સંતોષ પોળની છે. 2003થી 2016 દરમિયાન પોતે છ હત્યા કરી હોવાનું આ કથિત ડૉક્ટરે કબુલ્યૂં છે, પરંતુ સાતારા જિલ્લાના વાઈ તાલુકાના ધોમ ગામમાંથી પાછલા કેટલાક વર્ષોમાં કમસેકમ 15 લોકો ગાયબ થઈ ગયા હોવાના સમાચાર છે.

આ કેસની સુનાવણી હાલ ચાલી રહી છે. તેથી વાસ્તવિક ઘટના સાબિત થવાની બાકી છે, પરંતુ એક મરાઠી મનોરંજન ચેનલ પર આ બનાવટી ડૉક્ટરના કારનામા પર આધારિત એક શ્રેણી પ્રસારિત થવાની સાથે જ લોકપ્રિય પણ થઈ ગઈ છે. પોતે ભગવાનનો દૂત હોવાનો દાવો કરીને માનવતા પર કલંક લગાવનાર આ ડૉક્ટર સંતોષ પોળ ક્યાં છે? તેમણે વાસ્તવમાં શું કર્યું હતું?

વાઈ તાલુકામાં મહાબળેશ્વર પાસે પોતાના ડૅમ માટે પ્રખ્યાત ગામ છે ધોમ. ડૉક્ટર તરીકે ઓળખાતો સંતોષ પોળ નામનો એક નરાધમ આ ગામમાં જ રહેતો હતો. 10-15 વર્ષમાં તેણે સક્સિનિલકોલીન નામના પદાર્થનું ઇન્જેક્શન છ લોકોને આપ્યું હતું અને પછી એ બધાને જમીનમાં દાટી દીધા હતા.

આ દવાનો ઉપયોગ એનેસ્થેસિયા આપવા માટે કરવામાં આવે છે. આ દવા વધારે પ્રમાણમાં આપવામાં આવે તો માણસની તમામ ઇન્દ્રીય કામ કરતી બંધ થઈ જાય છે, પરંતુ હૃદય અને મગજ ચાલતાં રહે છે. સંતોષ પોળે એ જ અવસ્થામાં છ લોકોને ખાડા ખોદીને દાટી દીધા હતા. ગામમાં રહેતાં મંગલા જેધે, સલમા શેખ, જગબાઈ પોળ, સુરેખા ચિકણે અને વનિતા ગાયકવાડ આ ડૉક્ટરનો શિકાર બન્યાં હતાં.

એ ઉપરાંત નથમલ ભંડારી નામના પુરુષને પણ આ જ રીતે ખતમ કર્યો હોવાનો આરોપ સંતોષ પોળ પર છે. પોલીસે કરેલી પૂછપરછ દરમિયાન પોળે છ મહિલાઓની હત્યાના કબૂલાત કરી છે. ગૂમ થયેલા કેટલાક અન્ય લોકોને પણ પોળ સાથે સંબંધ હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ તેની સામેનો કેસ આ છ મહિલાની હત્યાને કારણે જ ટકી શક્યો છે.

પોલીસને સંતોષ પોળના ધોમ વિસ્તારમાંના એક ફાર્મ હાઉસમાંથી 2016માં હાડપિંજર મળી આવ્યાં હતાં અને તેને પગલે આ ઘટનાની ભયાનક વાસ્તવિકતા બહાર આવી હતી.

ગ્રે લાઇન

આ ‘ડૉક્ટર ડેથ’ કોણ છે?

અંગ્રેજી મીડિયામાં ‘ડૉક્ટર ડેથ’ ગણાવવામાં આવે છે તે સિરિયલ કિલર સંતોષ પોળ સાતારા જિલ્લામાં વર્ષોથી ડૉક્ટર તરીકે કામ કરતો હતો. તેનું પોતાનું દવાખાનું પણ હતું, પરંતુ તેની ડિગ્રી નકલી હોવાનું તેની ધરપકડ પછી બહાર આવ્યું હતું.

ડૉક્ટર હોવાની સાથે પોતે સામાજિક કાર્યકર હોવાનો દેખાડો પણ કરતા હતા. તેઓ ભ્રષ્ટાચાર નાબૂદી ઝુંબેશ શરૂ કરનાર કાર્યકર હોવાનું કહેવાતું હતું. તેમણે ભ્રષ્ટાચારના કેટલાક કેસ ઉજાગર કર્યા હોવાનું પણ લોકો કહે છે. આ કારણે પોળને ગામના અનેક લોકો સાથે ઝઘડા અને વાદવિવાદ થતો હતો.

સંતોષ પોળ સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી અને તેમણે પણ પોલીસ ફરિયાદ દાખલ કરવા અનેક પ્રયાસ કર્યા હતા. સંતોષ પોળ બહુ બધા લોકો સાથે ભળતા ન હોય તેવા ડોક્ટર તરીકે જાણીતા હતા.

ગ્રે લાઇન

13 વર્ષ ચાલતો રહ્યો હત્યાકાંડ?

પ્રતીકાત્મ તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ગામમાંથી અચાનક ગાયબ થઈ ગયેલા લોકોની તપાસ માટે પોલીસે આ ડૉક્ટરને પણ બોલાવ્યા હતા, પરંતુ પોલીસને તેમના પ્રત્યે શંકા ઉપજાવે તેવું કશું આટલાં વર્ષોમાં મળ્યું ન હતું. સંતોષ પોળ ગામમાં સારા-ખરાબ કારણોસર જાણીતા હતા. તેમનું નામ પોલીસ ચોપડે પણ નોંધાયેલું હતું.

તેઓ એક વખત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણી લડ્યા હતા, પરંતુ તેમનો પરાજય થયો હતો.

નોંધપાત્ર બાબત એ છે કે આટલી બધી ચર્ચા હોવા છતાં 13 વર્ષમાં આ હત્યાકાંડનો એકેય સુરાગ મળ્યો ન હતો. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે સંતોષ પોળના ભયાનક કારનામા 2003થી તેની ઓગસ્ટ, 2016માં ધરપકડ કરવામાં આવી ત્યાં સુધી અવિરત ચાલતા રહ્યાં હતાં.

પોલીસના જણાવ્યા અનુસાર, પહેલાં સંપત્તિની લાલચમાં અને બાદમાં પોતાના કાળા કારનામા બહાર ન આવે એટલા માટે સંતોષ પોળે આ રીતે લોકોની હત્યા કરી હતી.

કિડની રૅકેટથી માંડીને નશીલી દવાઓના દુરુપયોગ અને ગેરકાયદે ઉપયોગ માટે દવાઓના સંગ્રહ ઉપરાંત પોલીસ અને અન્ય સરકારી વિભાગોમાં ભ્રષ્ટાચાર સુધીની અનેક બાબતો સંતોષ પોળ પ્રકરણ સાથે જોડાયેલી હતી.

આ પૈકીના એકેય મામલામાં કશું સ્પષ્ટ થયું નથી. તેથી પોલીસનું કહેવું છે કે સંતોષ પોળે માત્ર આર્થિક લાભ માટે આ જઘન્ય હત્યાકાંડ આચર્યો હતો.

ગ્રે લાઇન

કેવી રીતે મળ્યો તાગ?

વાઈ ખાતેની એક આંગણવાડીમાં શિક્ષિકા મંગલા જેધે 2016માં અચાનક ગાયબ થઈ ગયાં હતાં. લાંબો સમય શોધ કર્યા પછી તેમની ભાળ ન મળતાં તેમના પરિવારજનોએ પોલીસને જાણ કરી હતી.

મંગલા જેધેની તપાસ કરતાં-કરતાં પોલીસ સંતોષ પોળ સુધી પહોંચી હતી. તેમાં કેટલીક એવી વાતો જાણવા મળી હતી કે પોલીસ તપાસ સંતોષ પોળ પર કેન્દ્રિત થઈ ગઈ હતી.

પોલીસે સંતોષ પોળ સાથે કામ કરતી એક નર્સને અટકાયતમાં લીધી પછી રહસ્ય બહાર આવ્યું હતું અને આ જીવલેણ હત્યાકાંડ વિશે વાંચી, જાણીને માત્ર સાતારાના લોકોને જ નહીં, સમગ્ર મહારાષ્ટ્રને આંચકો લાગ્યો હતો.

ગ્રે લાઇન

એક પછી એક છ હાડપિંજર મળ્યાં

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

મંગળા જેધે આંગણવાડી સેવિકા હોવા ઉપરાંત મહારાષ્ટ્ર પૂર્વ-પ્રાથમિક શિક્ષણ સેવિકા મહાસંઘનાં અધ્યક્ષ પણ હતાં. તેઓ ગુમ થઈ ગયાં ત્યારે પોલીસને શંકા પડી હતી કે કોઈએ તેમનું અપહરણ કર્યું છે. એ સંદર્ભમાં પોલીસે જેધેના મોબાઇલ ફોન પરના કૉલ રેકૉર્ડની તપાસ કરી હતી. તેમાં સ્પષ્ટ થયું હતું કે મંગળા જેધે છેલ્લા કેટલાક દિવસોથી સંતોષ પોળના સંપર્કમાં હતાં.

મોબાઇલનું છેલ્લું લોકેશન પોળ સાથે કામ કરતી નર્સ જ્યોતિ મંધારે પાસેથી મળ્યું હતું. એ પછી પોલીસે બન્નેની ધરપકડનો નિર્ણય કર્યો હતો. જોકે, સંતોષ પોળે પહેલેથી મંગળા જેધે સામે પોલીસ ફરિયાદ નોંધાવી દીધી હતી. સંતોષ પોળે ફરિયાદ કરી હતી કે તેમની 200 ગ્રામ સોનાની ચેઇન મોટી કરાવી આપવાને બહાને મંગળાએ તે ચેઇન ગુમ કરી દીધી હતી અને પૈસાની છેતરપિંડી કરી હતી.

આ પ્રકરણની તપાસ કરી રહેલા પોલીસ અધિકારીની સંતોષ પોળ પરની શંકા દ્રઢ બની હતી, કારણ કે ગામમાંથી ગુમ થયેલા લોકો વિશેની તપાસ દરમિયાન અગાઉ પણ સંતોષ પોળનું નામ બહાર આવ્યું હતું. ગુમ થયેલી એ વ્યક્તિઓ સામે પણ સંતોષ પોળે ફરિયાદ નોંધાવી હતી.

સંતોષ પોળ સામે પણ કેટલીક ફરિયાદ થઈ હતી, પરંતુ પોતે ભ્રષ્ટાચાર વિરોધી કામ કરતા હોવાને લીધે તેમના પર દબાણ લાવવા લોકો ખોટી ફરિયાદ કરતા હોવાનો દાવો સંતોષ પોળ કરતા હતા. તેમણે કેટલાંક આંદોલન પણ કર્યાં હતાં. જોકે, મંગલા જેધે પ્રકરણમાં કૉલ રેકૉર્ડ્ઝ કંઈક બીજું જ સૂચવતા હતા. મંગલા જેધે તેમની દીકરીને મળવા પૂણે જઈ રહ્યાં હતાં ત્યારે એસટી સ્ટેન્ડ પરથી તેમનું અપહરણ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું.

સાતારાના તત્કાલીન પોલીસ વડા સંદીપ પાટિલ કહે છે, "પોલીસ તપાસને અવળે માર્ગે ચડાવવા માટે સંતોષ પોળે ફરિયાદ કરી હતી કે મંગલા જેધેએ તેમને સોનું બમણું કરી આપવાના નામે છેતરપિંડી હતી. પોતાના પર અજ્ઞાત લોકોએ હુમલો કર્યાની ફરિયાદ પણ તેમણે સ્થાનિક પોલીસમાં કરી હતી."

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

જોકે, પોલીસે કરેલી પૂછપરછ દરમિયાન નર્સ જ્યોતિ માંઢરે અને સંતોષ પોળે આપેલી માહિતીમાં વિસંગતિ જોવા મળી હતી. એ પછી જ્યોતિએ કબૂલાત કરી હતી કે તેણે સંતોષ પોળ સાથે મળીને મંગલા જેધેનું અપહરણ કર્યું હતું. 2016ની 15 જૂને, વાઈના બસ સ્ટોપ પરથી અપહરણ કરીને મંગલા જેધેને ધોમ ગામ પાસેના એક ફાર્મ હાઉસમાં લાવવામાં આવ્યાં હતાં અને તેમને બેભાન કરવાનું ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું. જ્યોતિએ જણાવ્યું હતું કે બીજા દિવસે મંગલા જેધેને ફાર્મ હાઉસ પાછળના એક ખાડામાં દાટી દેવામાં આવ્યાં હતાં. 11 ઑગસ્ટે સંતોષ પોળની ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસે આકરી પૂછપરછ કરી ત્યારે જ્યોતિએ જણાવ્યું હતું કે આ કથિત ડૉક્ટરે માત્ર મંગલા જેધે નહીં, પરંતુ બીજી ચાર મહિલા અને એક પુરુષની હત્યા પણ કરી હતી.

પાટિલ કહે છે, "પોલીસને એક રાતે પોળના ફાર્મ હાઉસ પરથી જેંધેના મૃતદેહ ઉપરાંત ચાર અન્ય માનવ કંકાલ પણ મળ્યાં હતાં." તેમાં એક પુરુષનું હતું, જ્યારે બાકીના મહિલાઓના હતાં. મંગલા જેધે ઉપરાંત સલમા શેખ, જગબાઈ પોળ, સુરેખા ચિકને અને વનિતા ગાયકવાડ જેવી મહિલાઓ પણ ગામમાંથી ગાયબ થઈ ગઈ હતી. બાકીનાં હાડપિંજર એ મહિલાઓનાં જ હોવાનું આગળની પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું.

આ હત્યાકાંડ કેટલો મોટો છે તેનો ખ્યાલ પણ ત્યારે જ આવ્યો હતો. તત્કાલીન પોલીસ મહાનિરીક્ષક વિશ્વાસ નાંગરે પાટિલનું ધ્યાન આ પ્રકરણ પર ગયું હતું. પહેલા પખવાડિયામાં 2,700થી વધારે પંચનામા કરવામાં આવ્યાં હતાં. આખરે મામલો જિલ્લા અદાલતમાં પહોંચ્યો હતો.

ગ્રે લાઇન

જ્યોતિ માટે પણ તૈયાર હતો ખાડો

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

સંતોષ પોળ ચાલાકીપૂર્વક હત્યાનું કાવતરું ઘડતો હતો. તેની સાથે નર્સ જ્યોતિ માંઢરે પણ હતી. સંતોષ પોળ મહિલાઓને પ્રેમજાળમાં ફસાવતો હતો અને બાદમાં તેમનો કાંટો કાઢી નાખતો હતો. કેટલાક લોકોને એઈડ્ઝ થવાનો ડર દેખાડીને પણ તેણે બ્લૅકમેલ કર્યા હોવાનું મીડિયાના અહેવાલોમાં જણાવવામાં આવ્યું હતું.

પોલીસના જણાવ્યા મુજબ, જ્યોતિ અને સંતોષ વચ્ચે અનૈતિક સંબંધ હતો. પોતે સંતોષ સાથે મંદિરમાં લગ્ન કર્યાં હોવાનું જ્યોતિએ પોલીસને જણાવ્યું હતું.

મંગલા જેધે પ્રકરણમાં પોલીસ જ્યોતિને શોધી રહી છે, એવી ખબર પડી ત્યારે સંતોષ ગભરાઈ ગયો હતો.

જ્યોતિ બધા રાઝ ખોલી નાખશે એવી શંકા પડી એટલે સંતોષે પોતાના ફાર્મમાં જ્યોતિ માટે પણ એક ખાડો ખોદી નાખ્યો હતો.

પોલીસે જ્યોતિની ધરપકડ કરી કે તરત સંતોષ વાઈમાંથી નાસી છૂટ્યો હતો. આખરે 2016ની 11 ઑગસ્ટે મુંબઈમાંથી તેની ધરપકડ કરવામાં આવી હતી.

પોતે આ બધા લોકોની હત્યા કર્યાની કબૂલાત સંતોષ પોળે કરી લીધી છે, પરંતુ આ પ્રકરણમાં કોઈ સાક્ષી ન હતો.

એ ઉપરાંત પોળ પોલીસ તપાસમાં સહકાર પણ આપતો ન હતો. આ હત્યામાં સંતોષની ભાગીદાર જ્યોતિ માંઢરે, પોલીસે તેને પોળના ફાર્મ હાઉસમાં ખોદવામાં આવેલો એક ખાડો દેખાડ્યો ત્યારે સરકારી સાક્ષી બનવા તૈયાર થઈ હતી.

એ ખાડો પોતાના માટે હોવાની ખાતરી થયા બાદ જ્યોતિ પોલીસ અને અદાલત સમક્ષ ઘટના બાબતે વાત કરવા તૈયાર થઈ હતી.

ગ્રે લાઇન

પોતે પત્ર લખીને પોલીસને અભિનંદન આપ્યાં

સંતોષ પોળની ધરપકડ પછીના થોડા દિવસ સુધી આ પ્રકરણ સમગ્ર દેશમાં છવાયેલું રહ્યું હતું. લોકોને જીવતા દફનાવી દેવાના આ હત્યાકાંડની સરખામણી દિલ્હીના નિઠારી કાંડ સાથે કરવામાં આવી હતી. સંતોષ પોળે તેની ધરપકડ કરનાર ટીમને અભિનંદન આપતો એક પત્ર પણ પોલીસ અધીક્ષકને મોકલાવ્યો હતો.

સંતોષ પોળે 'તમારી ટીમને અભિનંદન' એવું પોતાના હસ્તાક્ષરમાં મરાઠી ભાષામાં લખીને પોલીસને પત્ર મોકલ્યો હોવાના રિપોર્ટની સંદીપ પાટિલે પુષ્ટિ કરી હતી. તમારા વિભાગમાં ભ્રષ્ટાચાર હોવાને કારણે 2003થી પોલીસ મારી એક પણ ગુનામાં ધરપકડ કરી શકી ન હતી, એવું જણાવતો એક પત્ર સંતોષ પોળે સાતારા અને વાઈની પોલીસ ટીમને પણ લખ્યો હોવાના સમાચાર પ્રગટ થયા હતા.

ગ્રે લાઇન

પત્ની સમક્ષ પણ કરી કબૂલાત

સંતોષ પોળનાં લગ્ન 2003માં થયાં હતાં. તેમના બે સંતાન પૈકીનું એક પંચગનીમાં અભ્યાસ કરતું હતું અને બીજું સંતાન માતા પાસે સાતારામાં રહેતું હતું. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે સંતોષ પોળનાં પત્ની 2016માં તેમના પતિની ધરપકડ થઈ ત્યાં સુધી તેના કરતૂતથી અજાણ હતાં.

મુંબઈના એક અખબાર મિડ-ડેના સંવાદદાતા વાત કરતાં પોળની પત્નીએ જણાવ્યું હતું કે તેમના પતિ એક ડૉક્ટર અને સામાજિક કાર્યકર હોવાનું તેઓ માનતાં હતાં. તેઓ આટલું ભયાનક કામ કરશે તેનો તેમને અંદાજ ન હતો.

તેમણે એમ પણ જણાવ્યું હતું કે સંતોષ પોળ ગામમાં તેમના ઘરમાં જ રહેતા હતા અને વર્ષે એકાદવાર દેવદર્શન કરવા લઈ જતા હતા.

તેઓ પોલીસ કસ્ટડીમાં પોળને મળવા ગયાં ત્યારે, પોતે આ બધું કર્યું હોવાની કબૂલાત સંતોષે કરી હતી.

પોલીસે એમ ધાર્યું હતું કે આ વાતચીતથી હત્યા પાછળનો ઇરાદો જાણવા મળશે, પરંતુ પોળે તેનાં પત્નીને તેનાથી વિશેષ કશું જણાવ્યું ન હતું.

ગ્રે લાઇન

સંતોષ પોળ અત્યારે ક્યાં છે?

49 વર્ષના સંતોષ પોળ સામે સાતારામાં ખટલો હજુ પણ ચાલી રહ્યો છે. જ્યોતિ માંઢરે સરકારી સાક્ષી છે અને બન્ને હાલ જ્યુડિશ્યલ કસ્ટડીમાં છે. ગયા મહિને જ્યોતિએ ખુદ આરોપી પોળની અદાલતમાં ઉલટ તપાસ કરી હતી.

સંતોષ પોળ હવે એવું કહી રહ્યો છે કે જ્યોતિ ખોટું બોલી રહી છે અને પોલીસ તેની વાત પર વિશ્વાસ કરીને મને ફસાવી રહી છે.

દરમિયાન, જ્યોતિને ગયા વર્ષે 12 મહિના માટે જામીન પર મુક્ત કરવામાં આવી હતી. તે શરતનું પાલન કરીને અદાલત સમક્ષ ફરી હાજર થઈ છે.

રેડ લાઇન
રેડ લાઇન