You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પાકિસ્તાન : ચૂંટણી પહેલા બલૂચિસ્તાનમાં વિસ્ફોટથી 28 લોકોનાં મૃત્યુ, અત્યાર સુધી શું-શું થયું?
પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણીના એક દિવસ પહેલા જ બલૂચિસ્તાન પ્રાંતમાં ઉમેદવારોના કાર્યાલયની બહાર બે બૉમ્બ વિસ્ફોટ થયા હતા. આ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 28 લોકો માર્યા ગયા છે અને ડઝનેક લોકો ઘાયલ થયા છે.
પહેલા વિસ્ફોટમાં 18 લોકોના મોત થયા હતા. આ બ્લાસ્ટ ક્વેટાના પિશિન જિલ્લામાં થયો હતો.
બીજો વિસ્ફોટ કિલા સૈફુલ્લાહમાં થયો હતો જેમાં નવ લોકોના મોત થયા હતા.
પોલીસ હજુ પણ આ બંને વિસ્ફોટોનું કારણ જાણવાનો પ્રયાસ કરી રહી છે.
જોકે, પિશિન જિલ્લામાં અપક્ષ ઉમેદવારની ઑફિસની બહાર થયેલા વિસ્ફોટની જવાબદારી હજુ સુધી કોઈ સંગઠને લીધી નથી. અધિકારીઓનું કહેવું છે કે આ વિસ્ફોટમાં 25 લોકો ઘાયલ પણ થયા છે.
સોશિયલ મીડિયા પર દેખાતી તસવીરોમાં વિસ્ફોટને કારણે નજીકમાં પાર્ક કરેલી કાર અને મોટરબાઈકના ટુકડા થયેલા જોઈ શકાય છે. અધિકારીઓએ બીબીસીને જણાવ્યું હતું કે વિસ્ફોટ સમયે ચૂંટણી ઉમેદવારો તેમના પોલિંગ એજન્ટોને મળી રહ્યા હતા.
નિયત કાર્યક્રમ પ્રમાણે મતદાન નહીં થાય
ક્વેટામાં લેવીઝ ફોર્સના એક અધિકારીએ પુષ્ટિ કરી છે કે વિસ્ફોટ બલૂચિસ્તાન વિધાનસભાની બેઠક પીબી-47 પિશિનથી અપક્ષ ઉમેદવાર ઇસફંદિયાર કાકારના ચૂંટણીકાર્યાલયની બહાર થયો છે.
ઘાયલોને નજીકની હૉસ્પિટલમાં દાખલ કરાવાયા છે અને હજુ પણ કેટલાકની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બીજા બ્લાસ્ટની સંપૂર્ણ વિગતો હજુ સામે આવી નથી. એક ટોચના પોલીસ અધિકારીએ સમાચાર એજન્સી એએફપીને જણાવ્યું કે, કિલા સૈફુલ્લાહના મુખ્ય બજારમાં વિસ્ફોટ થયો હતો. આ બ્લાસ્ટનું નિશાન જેયૂઆઈ-એફ પાર્ટીનું ચૂંટણી કાર્યાલય હતું.
વિસ્ફોટો બાદ બલૂચિસ્તાન સરકારે કહ્યું છે કે ગુરુવારે મતદાન નિયત કાર્યક્રમ મુજબ નહીં થાય.
પ્રાંતના માહિતી પ્રધાન ઝૈન અખાઝાઈએ સોશિયલ મીડિયા પ્લૅટફોર્મ ઍક્સ પર લખ્યું, "અમે એ સુનિશ્ચિત કરીએ છીએ કે અમે આતંકવાદીઓને આ મહત્વપૂર્ણ લોકતાંત્રિક પ્રક્રિયાને નબળી પાડવા અથવા તો તેને બરબાદ કરવા દઇશું નહીં."
પાકિસ્તાને સરહદ બંધ કરી
પાકિસ્તાનના કાર્યકારી ગૃહમંત્રી ગોહર ઇજાઝે વિસ્ફોટની આ ઘટનાને કાયરતાપૂર્ણ ગણાવીને નિંદા કરી છે.
ગૃહમંત્રી તરફથી જાહેર કરાયેલા નિવેદનમાં જણાવાયું છે કે 'ચૂંટણી પહેલાં અસામાજિક તત્ત્વો અરાજકતા ફેલાવવા માગે છે અને લોકોને તેમના મતદાનના અધિકારનો ઉપયોગ કરતા અટકાવવા માગે છે.' તેમની સરકાર આવાં તત્ત્વોને તેમના ઉદ્દેશમાં સફળ નહીં થવા દે એવી વાત પણ કરી છે.
ક્વેટા ડિવિઝનના કમિશનર હમઝા શફાકતે ઘટનાને પગલે સરકારી હૉસ્પિટલોમાં કટોકટીની સ્થિતિ સર્જાઈ હોવાનું જણાવ્યું છે.
તેમણે એવું પણ કહ્યું કે ટ્રોમા સેન્ટરની બહાર કાંટાળા તાર લગાવીની ઇમર્જન્સી વૉર્ડ ઊભા કરવા પડ્યા છે.
સંસાધનથી સમૃદ્ધ એવો બલૂચિસ્તાન પાકિસ્તાનનો સૌથી મોટો અને ગરીબ પ્રાંત છે. અહીં હિંસાનો લાંબો ઈતિહાસ રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં લગભગ 12.8 કરોડ મતદારો છે. અહીં 8 ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે. ચૂંટણી દરમિયાન સુરક્ષાની સ્થિતિને ધ્યાનમાં રાખીને પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે ઈરાન અને અફઘાનિસ્તાન વચ્ચેની સરહદને સંપૂર્ણ રીતે બંધ કરવાની જાહેરાત કરી છે.