You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભાજપના ચૂંટણીઢંઢેરાને આપે ગણાવ્યું 'જુમલાપત્ર', કૉંગ્રેસે શું પ્રતિક્રિયા આપી?
ભારતીય જનતા પાર્ટીએ 2024 લોકસભા ચૂંટણી માટે પોતાનો ચૂંટણીઢંઢેરો જાહેર કરી દીધો છે. પાર્ટીના ચૂંટણીઢંઢેરાને 'મોદીની ગૅરન્ટી સંકલ્પપત્ર' નામ આપવામાં આવ્યું છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રક્ષા મંત્રી રાજનાથ સિંહની હાજરીમાં ભાજપે ચૂંટણીઢંઢેરો જાહેર કર્યો છે.
સંરક્ષણમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા રાજનાથ સિંહે ચૂંટણીઢંઢેરો જાહેર કરતા કહ્યું કે, 'અમે જે કહીએ છીએ એ કરીએ છીએ'.
તેમણે કહ્યું કે, ''જમ્મુ કાશ્મીરથી કલમ 370 સમાપ્ત કરવાનો વાયદો હતો, એ પૂરો કર્યો. મહિલાઓને અનામત આપવાનો વાયદો હતો, એ અમે પૂરો કર્યો.''
ભાજપના નવા ચૂંટણીઢંઢેરાને 24 વર્ગોમાં વહેંચવામાં આવ્યો છે. આમાં સુશાસન, દેશની સુરક્ષા, સ્વચ્છ ભારત, રમતના વિકાસ, પર્યાવરણ સાથે સંકળાયેલા મુદ્દા છે.
સંરક્ષણ મંત્રીએ દાવો કર્યો કે મોટીની ગૅરન્ટી 24 કૅરેટ સોના જેટલી ખરી છે.
ખાસ વાતો –
- આવતા પાંચ વર્ષ સુધી મફત રાશન, પાણી, ગૅસ કનેક્શન, પીએમ સૂર્ય ઘરથી ઝીરો બિલની વ્યવસ્થા.
- આયુષ્માન ભારતથી પાંચ લાખ સુધીની સારવાર મફત મળી રહી છે, એ આગળ પણ ચાલશે.
- મધ્યમ વર્ગના પરિવારોને પાક્કાં ઘર અપાશે
- પેપર લીક પર મોટો કાયદો બન્યો છે જેને લાગુ કરશું
- નેશનલ એજ્યુકેશન પૉલીસી લાગુ થશે
- 2036માં ઑલિમ્પિકમાં મેજબાની કરશું
- યુવાનો માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મૅન્યુફૅક્ચરિંગ, સ્ટાર્ટઅપ, સ્પોર્ટ્સ, ઇન્વેસ્ટમેન્ટ, હાઈ વૅલ્યુ સર્વિસ અને ટૂરિઝ્મ મારફતે લાખો રોજગારના અવસર પેદા થશે
- એક કરોડ બહેનો લખપતી દીદી બની ગઈ છે, આગળ ત્રણ કરોડ લોકોને બનાવીશું.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ ચૂંટણીઢંઢેરો જાહેર કરતી વખતે 10 વર્ષની ઉપલબ્ધિઓ ગણાવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જેપી નડ્ડાએ દાવો કર્યો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીને કારણે પાક્કાં મકાન લોકોને મળ્યાં છે.
તેમણે આ ઉપલબ્ધિઓ ગણાવી છે -
- ચાર કરોડ લોકોને ભાજપ સરકારને કરાણે પાક્કાં મકાન મળ્યાં છે.
- બે લાખ પંચાયતો સુધી ઇન્ટરનેટ પહોંચ્યું છે.
- 25 કરોડો લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે.
- રામ લલા વિરામન થયા છે.
- 11 કરોડ મહિલાઓને સિલિન્ડર મળ્યા છે.
- 80 કરોડ લોકોને અન્ન યોજનાનો ફાયદો મળ્યો છે.
- લૉકડાઉન લાગુ કરીને બે મહિનામાં દેશને કોરોનાથી લડવા માટે તૈયાર કર્યો.
- 10 વર્ષથી દેશ માની રહ્યો છે કે મોદીની ગૅરન્ટી, ગૅરન્ટી પૂરી થવાની ગૅરન્ટી છે.
- આયુષ્માન ભારત દુનિયાનો સૌથી મોટો હેલ્થ પ્રોગ્રામ છે, સમગ્ર દુનિયામાં તેની ચર્ચા છે.
વડાપ્રધાન મોદીએ શું કહ્યું?
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપનું સંકલ્પપત્ર જાહેર કરતા કહ્યું હતું કે, “અમે સંકલ્પપત્રને દેશની સમક્ષ રજૂ કર્યો છે. લોકોએ ભાજપના સંકલ્પપત્રને બનાવવા માટે દેશભરમાંથી સૂચનો મોકલ્યા છે.”
પીએમ મોદીએ કહ્યું હતું કે, “સમગ્ર દેશને ભાજપના ચૂંટણીઢંઢેરાનો ઇંતેજાર રહેતો હોય છે. તેનું મોટું કારણ એ છે કે ભાજપે દરેક ગેરંટીને પૂરી કરી છે.”
“આ સંકલ્પપત્ર ચાર વર્ગો એટલે કે યુવાનો, મહિલાશક્તિ, ખેડૂતો અને ગરીબોને સશક્ત બનાવે છે. અમે મોટી સંખ્યામાં રોજગારી વધારવાની વાત કરી છે. યુવા ભારતની આશાઓની ઝલક ભાજપના ઢંઢેરામાં છે.”
આ સિવાય યુનિફોર્મ સિવિલ કોડનો ઉલ્લેખ કરીને પણ વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે ભાજપ તેને અતિશય મહત્ત્વપૂર્ણ માને છે.
ખડગેએ કહ્યું, 'મોદીએ ગરીબો માટે કંઈ ન કર્યું'
કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ ભાજપના ચૂંટણીઢંઢેરા પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું છે કે, “કોઈ ગેરંટી નથી.”
“તેમણે કહ્યું હતું કે એમએસપીના ભાવ વધારીશું, પરંતુ તેમણે એવું ન કર્યું. પોતાના કાર્યકાળમાં કોઈ એવું કામ ન કર્યું જેનાથી દેશની પ્રજાને, યુવાનોને, ખેડૂતોને અને મહિલાઓને લાભ થયો હોય.”
ખડગેએ બેરોજગારીનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે, “યુવાનો નોકરી માટે ટળવળી રહ્યા છે. રસ્તા પર આવી ગયા છે. ખાવાની ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે. તેની તેમને કોઈ ચિંતા નથી.”
ખડગેએ પીએમ મોદી પર ગરીબો માટે કશું જ નહીં કરવાનો આરોપ લગાવ્યો હતો. ખડગેએ કહ્યું હતું કે, “પીએમ મોદીના ઘોષણાપત્ર પર વિશ્વાસ ન કરી શકાય.”
આમ આદમી પાર્ટીએ ગણાવ્યું ‘જુમલાપત્ર’
આમ આદમી પાર્ટીના નેતા આતિશીએ કહ્યું છે કે દેશના યુવાનો બેરોજગારીથી ખૂબ પરેશાન છે અને મહિલાઓ મોંઘવારીને કારણે ઝઝૂમી રહી છે.
આતિશીએ આરોપ લગાવ્યો હતો કે, “સિલિન્ડરનો ભાવ 300 રૂપિયાથી વધીને 1200 રૂપિયા થઈ ગયો. ડીઝલનો ભાવ 55 રૂપિયાથી વધીને 90 રૂપિયા સુધી પહોંચી ગયો અને પેટ્રોલનો ભાવ વધીને 100 રૂપિયાને પાર થઈ ગયો.”
“આજે દેશના દરેક પરિવારને ઘર ચલાવવામાં મુશ્કેલી પડી રહી છે. ખેડૂતો પાસે પોતાની ફસલ વેચવા માટે પણ કોઈ રસ્તો નથી, આવક વધારવાનો કોઈ રસ્તો નથી. બાળકો માટે કોઈ શાળા નથી. નાગરિકો માટે સ્વાસ્થ્ય સુવિધાઓ નથી.”
આતિશીએ ભાજપના ચૂંટણીઢંઢેરાને ‘જુમલાપત્ર’ ગણાવ્યું છે.
(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)