ભારતના એ નવાબ જેમની અંગ્રેજોની ઈસ્ટ ઇન્ડિયા કંપની પણ 'દેવાદાર' હતી

    • લેેખક, રેહાન ફઝલ
    • પદ, બીબીસી હિન્દી

આ એ વ્યક્તિની કહાણી છે જેમના વિશે લોકોનો મત વિભાજિત છે.

શું તેઓ અંગ્રેજો રજૂ કરતા એ પ્રમાણે એક વિલાસી શાસક હતા, જેમણે પોતાનું આખું જીવન શાસન કરવાને સ્થાને વિલાસિતામાં પસાર કરી નાખ્યું, કે પછી તેઓ જેમ મોટા ભાગના ભારતીયો માને છે એવા એક મોટા શાયર, સંગીતજ્ઞ અને કળાપ્રેમી હતા અને અંગ્રેજોએ બળજબરીપૂર્વક તેમની ગાદી છીનવી લીધી અને કલકત્તા જવા માટે મજબૂર કરી દીધા.

સત્ય કદાચ આ બંને વાતોની વચ્ચે ક્યાંક છે, વાજિદ અલી શાહ કળાકાર અને કળાના કદરદાન જરૂર હતા, પરંતુ તેમનું વ્યક્તિત્વ ઘણું જટિલ હતું.

30 જુલાઈ, 1822ના રોજ જન્મેલા વાજિદ અલી શાહ 13 ફેબ્રુઆરી, 1847ના રોજ અવધની ગાદીએ બેઠા. તેમનું પ્રારંભિક શિક્ષણ ઘરે જ થયું, જ્યાં તેમણે દરબારમાં બોલાતી ફારસી અને કુરાન પઢવાલાયક અરબી શીખી.

તેમને બાળપણથી જ જમીન પર પગેથી તાલ આપવાની આદત હતી. મિર્ઝા અલી અઝહર પોતાના પુસ્તક 'કિંગ વાજિદ અલી શાહ ઑફ અવધ'માં લખે છે કે, "તેમની આ ટેવથી તેમના એક ઉસ્તાદ એટલા નારાજ થયા કે તેમણે તેમના માથે એટલી જોરથી ઘા કર્યો કે તેઓ એક કાનથી બહેરા થઈ ગયા."

"લખનૌમાં મોજૂદ બ્રિટિશ રેસિડેન્ટને ખબર હતી કે તેમને સાંભળવામાં તકલીફ પડે છે, તેથી તેઓ જરૂર પડે તો વાજિદ અલી શાહ સામે ફરીથી પોતાની વાત કહેતા."

વાજિદ અલી શાહનાં કદકાઠી મોટાં હતાં

1840ના દાયકામાં અવધ રાજકીય રીતે તો મહત્ત્વપૂર્ણ રજવાડું હતું, પરંતુ તેનો વિસ્તાર બહુ મોટો નહોતો. આખું અવધ લગભગ 24 હજાર સ્ક્વેર માઈલમાં ફેલાયેલું હતું, જે સ્કૉટલૅન્ડ કરતાં પણ નાનું હતું.

1850ની આસપાસ આખા રાજ્યની વસતી લગભગ એક કરોડ હતી, જેમાં લગભગ સાત લાખ લોકો લખનૌ અને તેની આસપાસ રહેતા હતા.

તેમ છતાં તેની વસતી એ સમયના દિલ્હી કરતાં પણ લગભગ બમણી હતી.

વાજિદ અલી શાહે 26 વર્ષની ઉંમરે પોતાની આત્મકથા 'પરીખાના' લખી હતી, જેમાં તેમણે પોતાના પ્રેમપ્રસંગો અને સંગીત-નૃત્યથી પોતાના બહુઆયામી પરિચયની કહાણી લખી હતી. સવાલ ઊઠે છે કે આખરે તેમણે પોતાની આત્મકથાનું નામ 'પરીખાના' કેમ રાખ્યું?

આનો જવાબ આપતાં શકીલ સિદ્દીકીએ પોતાના જીવનની ભૂમિકામાં લખ્યું હતું, "નવાબસાહેબે પોતાના મનોરંજન માટે સંગીત-નૃત્ય શીખવાડવાની વ્યવસ્થા કરી હતી. આ સ્કૂલનું નામ 'પરીખાના' રખાયું હતું, જેમાં એ સમયની સંગીત અને નૃત્યુમાં નિપુણ છોકરીઓની ભરતી કરાતી."

"તેમાં પ્રવેશ મેળવનાર છોકરીઓને 'પરી' તરીકે ઓળખવામાં આવતી. તેમાં પોતાના સમયના કેટલાક માહેર ઉસ્તાદ સંગીતજ્ઞ પણ કામ કરતા હતા, જેમની પાસેથી છોકરીઓ તાલીમ હાંસલ કરતી. ખુદ વાજિદ અલી શાહ પણ શીખતા."

પરીખાના એ જ જગ્યાએ બનાવાયું હતું, જ્યાં 1878માં કૅનિંગ કૉલેજ બની હતી અને જ્યાં આજે સંગીતની ખ્યાત ભાતખંડે યુનિવર્સિટી છે.

સંગીતમાં રુચિને કારણે પિતાએ કર્યા નજરબંધ

નવાબ વાજિદ અલી શાહ પોતે સંગીત અને નૃત્યુના મોટા જાણકાર હતા. તેમણે પોતાના શોખ પર મોટી રકમ ખર્ચ કરી.

અંતે, અવધના રેસિડેન્ટ કર્નલ સ્લેમને તેના પર રોક લગાવી દીધી. સાથે જ, તેમણે ઘણા સંગીતકારોને શહેરનિકાલ આપી દીધો.

વાજિદ અલી શાહે પોતાના આત્મકથામાં લખ્યું છે, "મારા પિતા અમજદ અલી શાહે મારી પ્રવૃત્તિઓ પ્રત્યે ઊંડી અરુચિ અને નારજગી વ્યક્ત કરી હતી. એક વાર તો મને નજરબંધ પણ કરી દીધો હતો. આ કાર્યવાહી સામંતી પરંપરાના નિર્વાહમાં કેટલાંક જરૂરી મૂલ્યોને બચાવવા માટેની તેમની ચિંતા હતી."

શાયર અને નાટ્યકાર

વાજિદ અલી શાહ એક રચનાત્મક, મુશ્કેલ અને રસપ્રદ વ્યક્તિ હતા. તેમના વાળ વાંકળિયા હતા અને તેઓ પોતાનો પોશાક એવી રીતે પહેરતા કે તેમની છાતીનો ભાગ લોકોને દેખાતો. વર્ષ 1847માં અવધની ગાદી સંભાળી એ પહેલાં જ 'બહાર-એ-ઇશ્ક' જેવી રચનાઓ તેઓ લખી ચૂક્યા હતા.

તેમનાં નાટક ઘણા મહિનાની તૈયારી બાદ ભજવાતાં. વર્ષ 1853માં તેમણે એક યોગી મેળો કરાવ્યો હતો, જેમાં તેમણે પોતાના મહેલાનો બગીચો સામાન્ય લોકો માટે ખુલ્લો કરી દીધો હતો.

મનુ એસ. પિલ્લઈ પોતાના પુસ્તક 'ધ કોર્ટિઝાન, મહાત્મા ઍન્ડ ધ ઇટાલિયન બ્રાહ્મણ'માં લખ્યું છે કે, "આ આયોજનમાં બધા લોકોને કેસરિયાં વસ્ત્ર પહેરીને આવવા માટે કહેવાયું હતું. વર્ષ 1843માં તેમણે કૃષ્ણના જીવન પર આધારિત એક નાટકનું મંચન કર્યું હતું, જેમાં તેમની ચાર પત્નીઓએ ગોપીઓની ભૂમિકા ભજવી હતી."

વાજિદ અલી શાહની સેંકડો પત્નીઓ હોવાનું કહેવાય છે.

રોઝી જોન્સ પોતાના પુસ્તક 'ધ લાસ્ટ કિંગ ઑફ ઇન્ડિયા'માં લખે છે કે, "કલકત્તામાં રહેતા તેમના એક વંશજ અનુસાર, નવાબ એટલી પવિત્ર વ્યક્તિ હતા કે તેઓ કોઈ પણ મહિલા સાથે એ સમય સુધી સંબંધ નહોતા રાખતા, જ્યાં સુધી તેઓ તેની સાથે અસ્થાયી વિવાહ ન કરતા. એમાં કોઈ બેમત નથી કે તેમને મહિલાઓથી ઘેરાયેલા રહેવું ગમતું."

શકીલ સિદ્દીકી લખે છે કે, "રંગીલે પિયા અને જાન-એ-આલમ જેવાં વિશેષણોથી જાણીતા આ બાદશાહે શારીરિક સંબંધોમાં મહિલાઓની પરવાનગીનું સન્માન કર્યું અને ધાર્મિક નિયમોનું કડકપણે પાલન કર્યું."

"વિધિ અનુસાર વિવાહ કર્યા વગર તેમણે કોઈ સ્ત્રી સાથે સંબંધ નહોતા રાખ્યા. સાથે જ, તેમણે તમામ બેગમોને સંબંધ-વિચ્છેદની પણ છૂટ આપી હતી. ખર્ચ માટે તમામને લાયકાત પ્રમાણે નિશ્ચિત માસિક રકમ ચૂકવવાની પણ વ્યવસ્થા કરી."

અવધમાં અંગ્રેજોનો હસ્તક્ષેપ વધ્યો

16 નવેમ્બર, 1847ના નવાબ વાજિદ અલી શાહ અંગ્રેજ ગવર્નર જનરલ લૉર્ડ હાર્ડિંગને મળવા કાનપુર ગયા. ગવર્નર જનરલે અવધની સ્થિતિ પર અસંતોષ પ્રગટ કર્યો.

શાસનવ્યવસ્થા દુરસ્ત કરવા માટે તેમણે વાજિદ અલીને એક પત્ર મારફતે બે વર્ષનો સમય આપ્યો.

જાન્યુઆરી 1849માં કર્નલ સ્લેમનને અવધના રેસિડેન્ટ બનાવીને લખનૌ મોકલવામાં આવ્યા. એ આખું વર્ષ વાજિદ અલી ગંભીરપણે બીમાર રહ્યા.

સ્થિતિનો લાભ ઉઠાવીને સ્લેમન આખું અવધ ફર્યા અને રાજકાજના કામમાં પોતાનો હસ્તક્ષેપ વધારવા માગ્યો.

તેમણે વાજિદ અલી શાહના એક ખાસ સલાહકારને બરખાસ્ત કરવાની સલાહ આપી, જે નવાબે ન માની.

સ્લેમને પોતાના રિપોર્ટમાં લખ્યું, "વાજિદ અલીના ચારિત્ર્યથી ઝાઝી આશા નથી. તેઓ એક મનમોજી પ્રકારની વ્યક્તિ છે. તેમનાં રાત-દિવસ જનાનખાનામાં પસાર થાય છે. અય્યાશી અને ઉડાઉપણું તેમના વ્યક્તિત્વનો એક ભાગ બની ચૂક્યાં છે."

વાજિદ અલી શાહે અવધની ગાદી છોડવી પડી

વાજિદ અલી શાહે એ પછી અનેક વહીવટી સુધાર કર્યા તથા 'દસ્તૂર-એ-વાજિદી'ના નામે એક દસ્તાવેજ લખ્યો.

21 નવેમ્બર, 1851ના દિવસે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના નિદેશક મંડળે લૉર્ડ ડેલહાઉસીની ભલામણ પર અવધને અંગ્રેજરાજમાં ભેળવવાના પ્રસ્તાવને મંજૂરી આપી.

17 ફેબ્રુઆરી, 1856ના દિવસે અવધને ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં વિલીન કરવાની ઔપચારિક જાહેરાત થઈ અને નવાબ વાજિદ અલી શાહે અવધની ગાદી છોડવી પડી.

નવાબે ફરિયાદ કરી કે તેમની સાથે શા માટે આવું વલણ કરવામાં આવી રહ્યું છે?

મનુ પિલ્લાઈ લખે છે, "આ સવાલનો કોઈ સીધો જવાબ આપવામાં નહોતો આવ્યો, પરંતુ અમુક વર્તુળોમાં એવી ચર્ચા હતી કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ નવાબ પાસેથી ભારે લોન લીધી હતી. દેવું ચૂકવવા કરતાં વધુ સારો વિકલ્પ દેવાદારને જ તારાજ કરી દેવાનો હતો."

કલકતા જવા રવાના થયા

વાજિદ અલી શાહ પાસે એક સમયે 60 હજારથી વધુ સૈનિકોની ફોજ હતી, પરંતુ એમણે તેનો ઉપયોગ અંગ્રેજો વિરુદ્ધ નહોતો કર્યો.

ઇંગ્લૅન્ડનાં મહારાણીને અરજી આપવાના ઇરાદે વાજિદ અલી શાહ 13 માર્ચના કલકતા જવા નીકળ્યા. અહીંથી તેઓ લંડન જવા માગતા હતા. વાજિદ અલી શાહ પ્રત્યે અંગ્રેજોના આચરણને કારણે લખનઉ અને અવધના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે ઊથલપાથલ થઈ હતી.

રુદ્રાંશુ મુખરજી તેમના પુસ્તક 'અ બેગમ ઍન્ડ ધ રાની'માં લખે છે, "વાજિદ અલી શાહને ગાદી ઉપરથી હઠાવવાનો લોકોએ ભારે વિરોધ કર્યો. એ જમાનમાં આ વિસ્તારમાં એક લોકગીત પ્રચલિત થયું હતું, 'અંગ્રેજ બહાદુર આઈન, મુલ્ક લૈ લીન્હો...'"

"વાજિદ અલી શાહ જ્યારે કલકત્તા જવા રવાના થયા, તો તેમની પ્રજાના ઘણા લોકો કાનપુર સુધી તેમની સાથે ગયા હતા."

વિલિયમ ક્રૂક તેમના પુસ્તક 'સૉંગ્સ અબાઉટ ધ કિંગ ઑફ અવધ'માં લખે છે, "જાન-એ-આલમના જવાથી લખનૌની સ્થિતિ આત્મા વગરના શહેર જેવી થઈ ગઈ હતી અને આ વાતમાં કોઈ અતિશયોક્તિ ન હતી. શહેરનો કોઈ માર્ગ, બજાર કે ઘર એવું ન હતું કે જે જાન-એ-આલમના વિરહથી દુખી થયું ન હોય."

લખનૌમાંથી રવાના થતી વખતે તેમણે એક શેર કહ્યો હતો –

દરો-દીવાર પે હસરત સે નજર કરતે હૈ / ખુશ રહો અહલે વતન હમ તો સફર કરતે હૈ...

બળવામાં સંડોવણીના સંદેહમાં નજરકેદ

વાજિદ અલી શાહ જળમાર્ગે 13મી મે, 1856ના કલકત્તા પહોંચ્યા. ત્યાં પહોંચતા જ તેમની તબિયત બગડી, એટલે તેઓ લંડન જઈ ન શક્યા.

18 જૂનના રોજ નવાબનાં માતા મલ્લિકા કિશ્વર, ભાઈ સિકંદર હશ્મત તથા તેમના દીકરા લંડન જવા રવાના થયાં.

આ અરસામાં લખનૌ અને મેરઠ જેવાં સ્થળોએ અંગ્રેજો વિરુદ્ધ વિદ્રોહ ફાટી નીકળ્યો. વાજિદ અલી શાહનાં પત્ની બેગમ હઝરત મહલે તેમના દીકરાને નવાબ જાહેર કરીને અંગ્રેજો વિરુદ્ધ વિદ્રોહનું નેતૃત્વ કર્યું.

15 જૂન, 1857ના રોજ અંગ્રેજોએ વાજિદ અલી શાહની અટકાયત કરીને તેમને ફૉર્ટ વિલિયમમાં નજરબંધ કર્યા. તેમની ઉપર બળવાખોરો સાથે સંડોવણીનો સંદેહ હતો.

નવમી જુલાઈ, 1858ના રોજ બ્રિટિશરોએ તેમને કેદમાંથી મુક્ત કર્યા.

જીવનનાં છેલ્લાં 30 વર્ષ કલકત્તામાં કાઢ્યાં

વર્ષ 1874માં 'ન્યૂ યૉર્ક ટાઇમ્સે' ભારતના આ ખૂબ જ ધનવાન શખ્સના જીવન વિશે અહેવાલ લખવા માટે પોતાના એક સંવાદદાતાને ભારત મોકલ્યો.

મનુ પિલ્લાઈ લખે છે, "એ સંવાદદાતા ભારત પહોંચ્યો, ત્યાં સુધીમાં તો વાજિદ અલી શાહે વિપરીત પરિસ્થિતિઓમાં અનેક દાયકા કાઢી નાખ્યા હતા. તેમના રાજપાઠ છીનવાઈ ગયા હતા અને તેમની પાસે અગાઉની સરખામણીમાં બહુ થોડી સંપત્તિ રહી હતી."

"હવે તેઓ કલકત્તાના એક વિસ્તારમાં રહેતા હતા અને તેમના ભવનની આજુબાજુ લગભગ સાત હજાર લોકો રહેતા હતા."

વાજિદ અલી શાહે તેમના જીવનનાં છેલ્લાં 30 વર્ષ કલકત્તામાં વિતાવ્યાં હતાં.

65 વર્ષની ઉંમરે અવસાન

21 સપ્ટેમ્બર, 1887ના રોજ સવારે બે વાગ્યે કલકત્તાના મટિયાબુર્જ વિસ્તારમાં વાજિદ અલી શાહનું અવસાન થયું.

રોજી જોન્સ લખે છે, "પોતાના જીવનના છેલ્લા દિવસો દરમિયાન તેમણે જાતે હરવાફરવાનું છોડી દીધું હતું, તેમને ખુરશી ઉપર બેસાડીને અહીં-તહીં લઈ જવામાં આવતા. પાન અને હુક્કો જીવનના અંતિમ સમયમાં વાજિદ અલી શાહનાં સાથી હતાં."

"બીમારીને કારણે તેમણે અનેક કલાક શૌચાલયમાં કાઢવા પડતા. વાજિદ અલી શાહનું મૃત્યુ થયું કે પોલીસે તેમના ઘરને ઘેરી લીધું હતું. એનું મુખ્ય કારણ એ હતું કે નવાબના સંબંધી તથા તેમના નોકર તેમની કિંમતી ચીજવસ્તુઓ લૂંટી ન શકે."

'સ્ટેટ્સમૅન' અખબારે તેના 23 સપ્ટેમ્બર 1887ના અંકમાં વાજિદ અલી શાહની અંતિમયાત્રાનું વર્ણન કરતા લખ્યું હતું, "નવાબના પાર્થિવ શરીરને પૂરેપૂરી બ્રિટિશ શાન સાથે દફનાવવા માટે લઈ જવાયો. તેમના મૃત શરીરને સ્નાન કરાવીને સફેદ રંગનું કફન વિંટાળવામાં આવ્યું, જેની ઉપર લાલ રંગમાં કુરાનની આયતો લખેલી હતી."

"સુરક્ષાકર્મીઓએ શોકમાં તેમનાં હથિયાર ઊંધાં રાખ્યાં હતાં અને સેનાનું બૅન્ડ "ડેડ માર્ચ" વગાડી રહ્યું હતું. સાથે ચાલનારા લોકો જોરજોરથી રડી રહ્યા હતા. એક કલાક પછી તેમનું મૃત શરીર સિબ્તૈનાબાદ ઇમામવાડા ખાતે પહોંચ્યું હતું."

વાજિદ અલી શાહને તેમના અવસાન સમયે સરકાર તરફથી વાર્ષિક 12 લાખ રૂપિયાનું પેન્શન મળતું હતું, જેમાંથી પાંચ હજાર રૂપિયા તેમણે ટૅક્સ પેટે ચૂકવવા પડતા હતા.

વાજિદ અલી શાહ એ સમચે ભારતના સૌથી વધુ પેન્શન મેળવનારા શખ્સ હતા.

એલન્સ ઇન્ડિયન મૅલ ઍમન્ડ ઑરિએન્ટલ ગૅઝેટ અનુસાર, "વાજિદ અલી શાહનું પેન્શન એ સમયે રાણી વિક્ટોરિયાને મળતાં પ્રીવી પર્સ કરતાં પણ વધુ હતું."

'અખ્તર'ના તખલ્લુસથી શાયરી કરતા

વાજિદ અલી શાહમાં ગજબની સર્જનાત્મક ક્ષમતા અને અદભુત કલ્પનાશક્તિ હતાં.

તેઓ શાયરી લખવા માટે 'અખ્તર' ઉપનામનો ઉપયોગ કરતા હતા. વિખ્યાત શાયર જોશ મલીહાબાદીએ પોતાના એક શેરમાં વાજિદ અલી શાહને યાદ કરતા કહ્યું હતું :

તુમને કૈસર બાગ કો દેખા તો હોગા બારહા / આજ ભી આતી હૈ જિસમેં હાય 'અખ્તર' કી સદા

'લખનવી ભૈરવી', 'ઠુમરી' અને કથકને પ્રોત્સાહન આપવામાં તેમણે મોટો ફાળો આપ્યો હતો. તેઓ પોતે પણ ગાતા હતા.

વિખ્યાત ઠૂમરી 'બાબુલ મોરા નૈહર છૂટોહિ જાય' તેમની અમર રચના છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન