અહલ્યાબાઈ : સોમનાથ મંદિરના જીર્ણોદ્ધારથી પ્રસિદ્ધિ પામનાર મહારાણી ખરેખર કોણ હતાં?

    • લેેખક, રેહાન ફઝલ
    • પદ, બીબીસી હિંદી

લોકકલ્યાણનાં અનેક કામો માટે આજે પણ દેશના અલગ-અલગ ખૂણે માળવાનાં રાણી અહલ્યાબાઈને ખૂબ જ સન્માન સાથે યાદ કરવામાં આવે છે.

વારાણસીના કાશી વિશ્વનાથ મંદિર અને ગુજરાતના સોમનાથ મંદિરના જીર્ણોદ્ધારથી તેમને ખૂબ જ પ્રસિદ્ધિ મળી, પરંતુ તેમનાં યોગદાનની યાદીમાં બીજું પણ ઘણું બધું છે.

19મી સદીની શરૂઆતમાં ભારત આવેલા બ્રિટિશ મુસાફર બિશપ હેબરે તેમને 'ભારતનાં સર્વશ્રેષ્ઠ પરોપકારી શાસક'ની ઉપમા આપી હતી.

ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં સામેલ રહેલાં ઍની બેસન્ટે તેમના વિશે કહેલું, "અહલ્યાબાઈના શાસનકાળને માળવાના સુવર્ણયુગ તરીકે યાદ કરવામાં આવશે. સામાજિક ન્યાય માટેની તેમની પ્રતિબદ્ધતા અને સેવાભાવના તેમને દિવ્યતા તરફ લઈ ગઈ."

બ્રિટિશ ઇતિહાસકાર જૉન કીએએ તેમને 'દાર્શનિક રાણી'ની ઉપમા આપી હતી. તેઓ માત્ર નિર્ભય નેતા જ નહોતાં, બલકે એક ચતુર શાસક પણ હતાં.

અહલ્યાબાઈનો જન્મ 31 મે, 1725ના રોજ મહારાષ્ટ્રમાં ઔરંગાબાદ પાસે ચૌડી કસબામાં થયો હતો.

એ જમાનામાં, જ્યારે છોકરીઓને શિક્ષણ આપવાનું ચલણ નહોતું, ત્યારે તેમનાં માતાપિતાએ તેમને માત્ર શિક્ષણ જ ન અપાવ્યું, બલકે ઘોડેસવારી, તીરંદાજી અને તલવારબાજીમાં પણ પારંગત કર્યાં.

ખાંડેરાવ સાથે લગ્ન

માળવાના સૂબેદાર મલ્હારરાવે અહલ્યાબાઈને એક મંદિરમાં જોયાં. તેમના મનમાં થયું કે તેઓ તેમના પુત્ર ખાંડેરાવ માટે સારાં પત્ની સાબિત થશે.

ખાંડેરાવ શિક્ષિત નહોતા અને રાજકાજમાં પણ તેમને કશો રસ નહોતો.

ઈ.સ. 1733માં ખાંડેરાવ અને અહલ્યાબાઈનાં લગ્ન થયાં. તે સમયે અહલ્યાબાઈની ઉંમર માત્ર આઠ વર્ષ હતી. અહલ્યાબાઈએ ખાંડેરાવનો સ્વભાવ બદલવાની પૂરતી કોશિશ કરી.

તેની અસર થઈ અને ખાંડેરાવે રાજ્યનાં કામકાજમાં રસ લેવાનું શરૂ કર્યું એટલું જ નહીં, બલકે, તેઓ પોતાના પિતાની સાથે યુદ્ધના મેદાનમાં પણ જવા લાગ્યા.

ઈ.સ. 1745માં અહલ્યાબાઈએ એક પુત્ર માલેરાવને જન્મ આપ્યો. ત્રણ વર્ષ પછી તેમને એક પુત્રી પણ જન્મી, જેનું નામ મુક્તાબાઈ રાખવામાં આવ્યું.

સન 1754માં ખાંડેરાવ પોતાના પિતાની સાથે રાજપૂતાના ગયા.

અરવિંદ જાવલેકર અહલ્યાબાઈના જીવનચરિત્રમાં લખે છે, "તેમણે રાજપૂતાનાં ઘણાં રાજઘરાનામાંથી ચોથની વસૂલાત કરી, પરંતુ જ્યારે તેઓ ભરતપુર પહોંચ્યા, ત્યારે ત્યાંના રાજા સૂરજમલે ચોથ આપવાનો ઇનકાર કરી દીધો. જ્યારે બધા જ પ્રયત્નો નિષ્ફળ થઈ ગયા ત્યારે તેમણે ભરતપુર પર હુમલો કર્યો. ભરતપુરના જાટ પણ તેમનો સામનો કરવા માટે આગળ આવ્યા. એમણે છોડેલી એક ગોળી ખાંડેરાવની છાતીમાં વાગી અને તેઓ ત્યાં જ મૃત્યુ પામ્યા."

સસરાએ સતી ન થવા મનાવ્યાં

વિજયા જાગીરદાર પોતાના પુસ્તક 'કર્મયોગિની, લાઇફ ઑફ અહલ્યાબાઈ હોલકર'માં લખે છે કે, તેમણે પોતાના પતિના મૃત્યુ પછી સતી થવાનો નિર્ણય કર્યો હતો અને એવું ન કરવા માટે તેમના સસરાએ તેમને મનાવ્યાં હતાં.

વિજયા જાગીરદાર લખે છે, "મલ્હારરાવે અહલ્યાને કહ્યું, મેં અત્યાર સુધી તમને જે કંઈ શિખવાડ્યું છે, તેના બદલામાં હું તમારી પાસેથી એક વસ્તુ માગું છું, તમારું જીવન. મહેરબાની કરીને આ ઘરડા વ્યક્તિ પર દયા કરો. એમ કહીને મલ્હારરાવ જમીન પર પડી ગયા."

અહલ્યાએ પોતાના સસરાની વાત માની અને નક્કી કર્યું તેઓ તેમનું બાકીનું જીવન પોતાના લોકોની સેવામાં વિતાવશે.

મલ્હારરાવનું નિધન

માળવામાં રહીને અહલ્યાબાઈએ માત્ર ત્યાંનો વહીવટ ખૂબ સારી રીતે ચલાવ્યો એટલું જ નહીં, બલકે, યુદ્ધના મેદાનમાં લડી રહેલા પોતાના સસરાને હથિયારો અને ખોરાકની ખેપ પહોંચાડી. કેટલીક નાની લડાઈઓમાં તેમણે જાતે રણમેદાનમાં જઈને લડાઈનું નેતૃત્વ પણ કર્યું.

પરંતુ, ઉંમરના કારણે તેમના સસરાની તબિયત ખરાબ રહેવા લાગી અને તેમના કાનમાં અસહ્ય દુખાવો રહેવા લાગ્યો.

આખરે, 30 મે, 1766એ 73 વર્ષની ઉંમરે મલ્હારરાવે પણ પોતાના પ્રાણ ત્યાગ્યા.

ત્યાર પછી મલ્હારરાવના પૌત્ર અને અહલ્યાબાઈના પુત્ર માલેરાવને માળવાના સૂબેદાર બનાવવામાં આવ્યા, પરંતુ રાજ્યનો વહીવટ ખરા અર્થમાં અહલ્યાબાઈના હાથમાં હતો.

પુત્ર માલેરાવનું પણ અવસાન

માલેરાવમાં એ બધા જ અવગુણ હતા જે ઘણી વાર અમીર પરિવારોનાં બાળકોમાં હોય છે.

અરવિંદ જાવલેકર લખે છે, "માલેરાવને નદીઓમાં નાહવાનો અને હાથીઓને નાહતા જોવાનો શોખ હતો. ભણાવવા આવતા શિક્ષકોનાં જૂતાંમાં તેઓ વીંછી સંતાડી દેતા હતા અને જ્યારે વીંછી તેમને કરડતા ત્યારે તેમને તડપતા જોઈને તેઓ આનંદિત થતા હતા. સત્તા મળ્યા પછી લોકો પ્રત્યેનો તેમનો વ્યવહાર વધુ ખરાબ થઈ ગયો. એક વાર તેઓ ગંભીર બીમાર પડ્યા. તેમને સાજા કરવાની ભરપૂર કોશિશ કરવામાં આવી, પરંતુ તેઓ સાજા ન થઈ શક્યા."

નવ મહિના શાસન કર્યા પછી માત્ર 23 વર્ષની ઉંમરે તેમનું પણ દેહાવસાન થઈ ગયું.

દીવાન ગંગાધરને પાણીચું

માલેરાવના મૃત્યુ પછી માળવાની સત્તા અહલ્યાબાઈના હાથમાં આવી ગઈ. તેમને સલાહ આપવામાં આવી કે તેઓ એક સગીર બાળકને દત્તક લઈને તેને સૂબેદાર બનાવે, પરંતુ તેમણે આ સલાહ ન માની.

મહારાણીનો આ નિર્ણય રજવાડાના દીવાન ગંગાધર ચંદ્રચૂડને ગમ્યો નહીં. તેઓ ઇચ્છતા હતા કે રાજગાદી પર કોઈ પુરુષ જ બેસે.

તેમણે રઘુનાથ પેશવાને પત્ર લખીને કહ્યું કે નિઃસંતાન માલેરાવના મૃત્યુ પછી રાજ્યનો કોઈ કાયદેસર વારસ નથી રહ્યો, તેથી તમે એક મોટી સેના સાથે આવો અને રજવાડા પર કબજો કરી લો.

અહલ્યાબાઈના જાસૂસ તેમને ગંગાધરની રજેરજ માહિતી આપતા હતા. તેમણે તરત જ ગંગાધર અને રઘુનાથની મહેચ્છાઓ પર પાણી ફેરવી દેવાનો નિર્ણય કર્યો.

ત્યાર પછી તેમણે દીવાન ગંગાધરને હઠાવીને રાજ્યનો વહીવટ પોતાના હાથમાં લઈ લીધો.

માહેશ્વર નવી રાજધાની બન્યું

તેમણે નર્મદા નદીના કિનારે માહેશ્વરમાં પોતાની નવી રાજધાની બનાવી. પોતાના જીવનનાં બાકીનાં 28 વર્ષ તેમણે આ જ સ્થળે વિતાવ્યાં.

અરવિંદ જાવલેકર લખે છે, "માહેશ્વરમાં જ તેમણે પોતાનું નિવાસસ્થાન બનાવ્યું, જે રાજમહેલ ઓછું અને આશ્રમ વધારે લાગતું હતું. તે એક નાનું, સામાન્ય બે માળનું ઘર હતું, જેવું કોઈ પણ મધ્યમવર્ગીય વ્યક્તિનું હોઈ શકે, એવું. આ જ નાનકડા ઘરમાં અહલ્યાબાઈ રાજાઓ, મંત્રીઓ, સેનાપતિઓ અને સામાન્ય જનતાને મળતાં હતાં અને રાષ્ટ્રીય મહત્ત્વના નિર્ણયો કરતાં હતાં. એક ઓરડામાં તેમણે પૂજાઘર માટે નાની જગ્યા રાખી હતી, જ્યાં તેઓ દરરોજ સવારે પૂજા કરતાં હતાં."

વહીવટી સુધારા પર ભાર

પોતાની રાજધાની માહેશ્વરમાં સ્થળાંતરિત કર્યા પછી તેમણે વહીવટી સુધારાને મહત્ત્વ આપવાનું શરૂ કરી દીધું હતું.

પોતાના નાગરિકોને ચોર અને ડાકુઓથી બચાવવા માટે તેમણે કેટલાક આકરા નિર્ણયો લેવાનું નક્કી કર્યું.

તેમણે પોતાના સલાહકારોની બેઠક બોલાવીને જાહેરાત કરી કે, જે કોઈ વ્યક્તિ તેમના નાગરિકોને ચોર અને ડાકુઓથી છુટકારો અપાવશે તેની સાથે તેઓ પોતાની પુત્રીનાં લગ્ન કરાવશે.

આ સાંભળતાં જ એક યુવા વ્યક્તિ યશવંતરાવ ફણસે પોતાની જગ્યાએથી ઊભા થયા.

તેમણે કહ્યું કે 'હું આ બીડું ઉઠાવું છું', શરત માત્ર એટલી કે તેમને રાજ્ય સંસાધનોનો સંપૂર્ણ સહયોગ મળે.

થોડા સમયમાં રાજ્યએ સક્રિય ચોરો અને ડાકુઓથી મુક્તિ મેળવી લીધી. અહલ્યાબાઈએ પોતે આપેલું વચન પૂરું કરતાં યશવંતરાવ સાથે પોતાની પુત્રીને પરણાવી દીધી.

વિદ્રોહ કચડી નાખ્યો

બીજી તરફ, રાજપૂતોના મનમાં રાણી વિરુદ્ધ એક વિદ્રોહ જન્મ લઈ રહ્યો હતો. લાલસેતોના યુદ્ધમાં મહાદજી સિંધિયા હારી ગયા હતા અને તેમના સૈનિકો રાજસ્થાનમાંથી ભાગી ગયા હતા.

પરિણામ એ આવ્યું કે રાજસ્થાનમાં મરાઠાનું વર્ચસ્વ ઘટવા લાગ્યું. તેનો લાભ લઈને રાજપૂત શક્તિઓ મરાઠા વિરુદ્ધ એકજૂથ થવા લાગી હતી.

આ સમાચાર મળતાં જ રાણીએ પોતાની સેના લઈને રાજપૂતો પર ચડાઈ કરી દીધી હતી.

અરવિંદ જાવલેકર લખે છે, "વિદ્રોહીઓના નેતા સૌભાગસિંહ ચંદ્રાવતે ભાગીને એક કિલ્લામાં શરણ લીધું હતું. અહલ્યાબાઈની સેનાએ કિલ્લાને ચારેબાજુથી ઘેરી લીધો હતો. તેમની પાસે જ્વાલા નામની એક ખૂબ જ પ્રખ્યાત તોપ હતી. તેના ગોળાએ કિલ્લાને નષ્ટપ્રાય કરી નાખ્યો હતો. આખરે બળવાખોરોના નેતા સૌભાગસિંહ ચંદ્રાવતને પકડીને રાણી સમક્ષ લઈ અવાયા. રાણીએ આદેશ આપ્યો કે તેમને તોપના મોઢે બાંધીને મારી નાખવામાં આવે."

ચંદ્રાવતના મૃત્યુ પછી બધા બળવાખોરોએ આત્મસમર્પણ કરી દીધું હતું. ચાર વર્ષ પછી થયેલા બીજા એક બળવામાં તેમણે જાતે જઈને વિદ્રોહને ડામી દીધો હતો.

અહલ્યાબાઈનું વ્યક્તિત્વ

અહલ્યાબાઈ શ્યામવર્ણાં હતાં. તેઓ મધ્યમ બાંધો ધરાવતાં મહિલા હતાં. તેમના વાળ ભરાવદાર હતાં. તે સમયે પડદાની પ્રથા હોવા છતાં તેમણે ક્યારેય પડદો ન કર્યો. તેમની વિચારધારા લોકશાહી હતી.

તેમના સહાયકો પણ એ જ ઓરડામાં તેમની સાથે ભોજન કરતા હતા જેમાં તેઓ ભોજન કરતાં હતાં.

ગ્વાલિયરના મહારાજા મહાદજી સિંધિયા માટે તેમના મનમાં ખૂબ જ માન હતું. તેઓ પણ તેમને 'માતોશ્રી' કહીને સંબોધતા હતા.

અરવિંદ જાવલેકર લખે છે, "અહલ્યાબાઈ દરરોજ સૂર્યોદયના એક કલાક પહેલાં જાગી જતાં હતાં. તેઓ નર્મદાકિનારે જઈને સ્નાન કરતાં હતાં. ત્યાર પછી તેઓ રામાયણ, મહાભારત અને વેદોના પાઠ સાંભળતાં હતાં. ત્યાર પછી તેઓ ભિખારીઓ અને શારીરિક રીતે અક્ષમ લોકોને અનાજ, કપડાં અને પૈસાનું દાન કરતાં હતાં. જોકે, તેમના પરિવારમાં માંસાહારનું ચલણ હતું, પરંતુ તેઓ હંમેશાં શાકાહાર કરતાં હતાં. તેઓ દિવસમાં માત્ર એક જ વખત ભોજન કરતાં હતાં. રાત્રે તેઓ એક વાગ્યા સુધી જાગીને રાજકીય કાર્યો પતાવતાં હતાં."

બદ્રીનાથમાં ધર્મશાળાઓ બનાવડાવી

હોલકર પરિવારની ખાસિયત હતી કે તે પોતાના અંગત અને પારિવારિક ખર્ચ માટે સરકારી ભંડોળમાંથી પૈસા નહોતો લેતો. તેમના અંગત ખર્ચા માટે તેમનું અંગત ભંડોળ રહેતું હતું.

અનેક મંદિરોના જીર્ણોદ્ધાર ઉપરાંત અહલ્યાબાઈએ ઘણી નદીઓ પર ઘાટ બનાવડાવ્યા હતા. એ ઉપરાંત, તેમણે ઘણી હૉસ્પિટલો બંધાવી હતી અને કૂવા ખોદાવ્યા હતા.

તેમના શાસનકાળમાં મૂર્તિકાર અને શિલ્પકાર હંમેશાં વ્યસ્ત રહેતા હતા.

સર જૉન માલ્કમે પોતાના પુસ્તક 'મેમરીઝ ઑફ સેન્ટ્રલ ઇન્ડિયા'માં લખ્યું હતું, "મારા સાથી કૅપ્ટન ડીટી સ્ટુઅર્ટ રસ્તામાં ઘણી મુસીબતો વેઠ્યા પછી 1818માં બદ્રીનાથ પહોંચી શક્યા હતા. પરંતુ તેઓ એ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા કે બદ્રીનાથ જેવા એકાંત અને દુર્ગમ સ્થળે પણ અહલ્યાબાઈએ તીર્થયાત્રાળુઓ માટે ધર્મશાળાઓ અને પાણીની વ્યવસ્થા કરાવી હતી. તેમણે એ પણ જોયું કે દેવપ્રયાગમાં રાણીના સૌજન્યથી એક સાર્વજનિક ભોજનશાળા ચાલતી હતી, જ્યાં તીર્થયાત્રાળુઓને ભોજન કરાવાતું હતું."

70 વર્ષની વયે અવસાન

અહલ્યાબાઈનું અંગત જીવન ખૂબ જ દુઃખ ભરેલું રહ્યું, વૃદ્ધાવસ્થામાં તેઓ બિલકુલ એકલાં અને બીમાર પડી ગયાં હતાં. તેમણે નિયમિત રીતે દવાઓ પણ ન લીધી. 13 ઑગસ્ટ, 1795ની સવારે અહલ્યાબાઈ માત્ર ગંગાજળ જ પીતાં હતાં.

તેમણે બ્રાહ્મણોને બોલાવીને તેમને એક ગાય દાનમાં આપી. થોડી વાર પછી તેમણે આ દુનિયાને અલવિદા કહી દીધું. સમાચાર સાંભળતાં જ સેંકડો લોકો તેમનાં અંતિમ દર્શન માટે માહેશ્વરમાં એકઠા થઈ ગયા.

માહેશ્વરમાં નર્મદા નદીના ઘાટ પર તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.

જદુનાથ સરકાર અહલ્યાબાઈને ભારતનાં સૌથી મોટાં મહિલા શાસક માને છે.

તેઓ લખે છે, "શાસક અને અપાર સંપત્તિનાં માલિક હોવા છતાં તેઓ એક સાદું અને આધ્યાત્મિક જીવન જીવ્યાં, પરંતુ તેઓ એક ઉચ્ચ કક્ષાનાં રાજકારણી પણ હતાં."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન