You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રૂપિયા 575 કરોડની લૂંટ, પૈસા ભરેલા ડબ્બા છૂટા કરીને કેવી રીતે આખી ટ્રેન લૂંટી લેવાઈ?
- લેેખક, માઈલ્સ બુર્કે
- પદ, .
1960ના દાયકામાં જંગી પ્રમાણમાં નાણા લઈ જતી આખેઆખી ટ્રેન લૂંટી લેવાની ઘટનાથી બ્રિટન ચકિત થઈ ગયું હતું, પરંતુ એપ્રિલ 1964માં એ લૂંટ કાંડના આરોપીઓ સામે કેસ ચલાવવામાં આવ્યો ત્યારે ન્યાયાધીશે કઠોર કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો હતો. એ ઘટનાનાં 14 વર્ષ પછી બીબીસી સાથે ઘણા દોષિતોએ વાત કરી હતી.
એયલ્સબરી ક્રાઉન કોર્ટમાં કુખ્યાત લૂંટ માટે 1964ની 16 એપ્રિલે દોષિત જાહેર કરવામાં આવેલા 12 ગુનેગારો પૈકીના એક રૉબર્ટ વેલ્ચ હતા.
ઘટનાનાં 14 વર્ષ પછી બીબીસીના ડૉક્યુમેન્ટરી અને કરન્ટ અફેર્સ કાર્યક્રમ મેન અલાઇવમાં તેઓ આવ્યા હતા.
ચુકાદો સાંભળવા માટે કોર્ટરૂમમાં જગ્યા મેળવવા પડાપડી કરતા સ્થાનિક મહાનુભાવોને યાદ કરતાં તેમણે કહ્યું હતું, "એ બધા લોકો હતા, જે નાટક અને નાટકની પરાકાષ્ઠા જોવા આવ્યા હતા. અમને મધ્યયુગીન વાતાવરણમાં જે સજા ફટકારવામાં આવી હતી તે થોડી આકરી હતી."
યુનાઇટેડ કિંગ્ડમમાં બનેલી અત્યાર સુધીની સૌથી હિંમતભરી અને કસદાર લૂંટ પૈકીની એક ધ ગ્રેટ ટ્રેન રૉબરીને અંજામ આપ્યા પછી વેલ્ચ અને તેમના સાથી અપરાધીઓ ઘણા પાછળ રહી ગયા હતા.
વેલ્ચ અને તેમના સાથી પ્રતિવાદીઓ એક ટોળકીનો ભાગ હતા, જેણે ગ્લાસગોથી લંડન જતી રૉયલ મેઇલ નાઇટ ટ્રેનને રોકી હતી. લૂંટારાઓ 26 લાખ પાઉન્ડની વપરાયેલી ચલણી નોટો લઈને નાસી છૂટ્યા હતા, જે તે સમયે એક રેકૉર્ડ હતો.
આજના હિસાબે તે 50 લાખ પાઉન્ડથી વધુની રકમ થાય. વેલ્ચ સામેના ખટલા વખતે પોલીસ આ ગુનામાં સંડોવાયેલા વધુ ત્રણ શંકાસ્પદ લોકોને શોધી રહી હતી.
કાળજીપૂર્વક કરવામાં આવેલી લૂંટને અંજામ આપવા માટે લંડનની બે સૌથી મોટી ગુંડા ટોળકીના 15 સભ્યોએ સાથે મળીને કામ કર્યું હતું. દરેકને તે કાવતરામાં ચોક્કસ ભૂમિકા સોંપવામાં આવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એક યુવાન સંવાદદાતા તરીકે એ ઘટનાનું રિપોર્ટિંગ કરી ચૂકેલા રેજિનાલ્ડ એબિસે 2023માં વિટનેસ હિસ્ટ્રી પૉડકાસ્ટમાં કહ્યું હતું, "એ લોકોને ગુનાખોરીની દુનિયામાં ઉચ્ચ વર્ગના ગણવામાં આવતા હતા."
"આટલી મોટી લૂંટ કરવા માટે ચોક્કસ પ્રતિભા, હિંમત અને ચોક્કસ ક્ષમતા હોવી જરૂરી હતી. તેઓ એકઠા થયા હતા, કારણ કે તેમને અનેક પ્રકારની ટેલેન્ટની જરૂર હતી."
આ હિંમતભરી લૂંટ 1963ની આઠમી ઑગસ્ટે રાતે ત્રણ વાગ્યા પછી કરવામાં આવી હતી.
ગુનેગારોએ સૌથી પહેલું કામ એલાર્મ માટેની ટેલિફોન લાઇન કાપી નાખવાનું કર્યું હતું. એ પછી ટ્રેનના સિગ્નલ લાલ કરી નાખ્યા હતા.
એબિસે કહ્યું હતું, "તેમણે ગ્રીન લાઇટને ઢાંકી દીધી હતી. રેડ સિગ્નલ ચાલુ રાખવા સસ્તી બેટરીનો ઉપયોગ કર્યો હતો અને સિગ્નલ રેડ હોવાને કારણે ચાલકે ટ્રેનની ગતિ દેખીતી રીતે ધીમી પાડવી પડી હતી."
ટ્રેનના ડ્રાઇવર જૅક મિલ્સે રેડ સિગ્નલ જોઈને ઍન્જિન બંધ કરી દીધું હતું અને સહ-ચાલક ડેવિડ વ્હિટબી ટ્રેકસાઇડ ફોનનો ઉપયોગ કરીને સમસ્યા શું છે તે જાણવા બહાર નીકળ્યા હતા.
એ જ સમયે વ્હિટબીને ખબર પડી હતી કે લાઇન કપાઈ ગઈ છે.
બૉઇલર સૂટ અને માસ્કમાં સજ્જ લોકોએ તેમના પર હુમલો કર્યો. એ દરમિયાન એક માસ્કધારી લૂંટારો ડ્રાઇવરને રોકવા ટ્રેનની કેબિનમાં ઘૂસ્યો.
મિલ્સે તેને અટકાવવાનો પ્રયાસ કર્યો ત્યારે ટોળકીના બીજા માણસે મિલ્સના માથા પર માર માર્યો હતો, જેનાથી મિલ્સ અર્ધ બેભાન થઈ ગયા હતા.
એબિસે કહ્યું હતું, "એક ભૂલ એ હતી કે ટ્રેન ડ્રાઇવરે પ્રતિકારનો પ્રયાસ કર્યો હતો. એક લૂંટારાએ તેના માથા પર દંડા વડે ફટકો માર્યો હતો. ઘણું લોહી નીકળ્યું હતું અને ડ્રાઇવર નીચે પડી ગયો હતો."
લૂંટારાઓની ટોળકીને કોઈ જાણભેદુએ માહિતી આપી હતી કે ટ્રેનના આગળના કોચમાં રોકડા અને અત્યંત મૂલ્યવાન વસ્તુઓના પૅકેટ્સ રાખવામાં આવ્યા છે. એ વખતે બૅન્ક હૉલીડે વીકેન્ડ હોવાથી ટ્રેનમાં સામાન્ય કરતાં વધારે પૈસા હશે.
પૈસા ભરેલી 120 બોરી
ટ્રેનમાં રક્ષક તરીકે કોઈ પોલીસકર્મી ન હતા, પરંતુ પોસ્ટ ઑફિસના 70થી વધુ કર્મચારીઓ હતા.
મોટાભાગના પાછળના કોચમાં હતા અને તેઓ પત્રોની છટણી કરવામાં વ્યસ્ત હતા.
ટ્રેનના સંચાલન અને લેઆઉટથી ગુનેગારો પહેલાંથી જ પરિચિત હતા. તેમણે પૈસા ભરેલા ટ્રેનના બે ડબ્બા ઝડપથી અલગ કરી દીધા હતા.
તેમની યોજના એ ડબ્બાને ઢાળવાળા પાળાથી દૂર પૂર્વનિર્ધારિત સ્થળે લઈ જવાની હતી, જેથી રોકડ ભરેલી બોરીઓ આસાનીથી ઉતારી શકાય.
એ વખતે સમસ્યા સર્જાઈ હતી.
એબિસે ઉમેર્યું હતું, "તેમની પાસે ટ્રેન ચલાવવા માટે એક ડ્રાઇવર હતો, પણ તે ટ્રેન ચાલુ કરી શકતો ન હતો. તેથી તેમણે મૂળ ડ્રાઇવર જૅક મિલ્સને ફ્લોર પરથી ખેંચીને ધમકી આપી હતી કે ટ્રેન ચલાવ,"
તેમણે કહ્યું, "એ ટ્રેનને લાઇનથી એક માઇલ આગળ લઈ ગયો હતો. ત્યાં ટોળકીના મોટાભાગના લોકો રાહ જોતા હતા. તેમણે ટ્રેનના આઠ કે નવ કોચને અલગ કરી નાખ્યા હતા, પણ ટ્રેનનો મુખ્ય હિસ્સો આગળ ચાલ્યો ગયો છે તેની તેમને ખબર ન હતી."
જૅક મિલ્સ લોહીલુહાણ હતા. તેને આગળના બે ડબ્બા બ્રાઈડેગો બ્રિજ પાસે રોકવાનું કહેવામાં આવ્યું હતું.
ત્યાં ટોળકીના બાકીના લોકો ગાડીમાં ઘૂસી ગયા હતા. તેમણે ડબ્બામાં કામ કરતા પોસ્ટ ઑફિસ સ્ટાફ પર કબજો જમાવ્યો હતો અને તેમને જમીન તરફ મોઢું રાખીને સૂવા માટે દબાણ કર્યું હતું.
તેઓ મિલ્સ અને વ્હિટબીને પણ અંદર લાવ્યા હતા. બન્નેને એકસાથે હાથકડી પહેરાવવામાં આવી હતી.
લૂંટારાઓની ટોળકીએ લૂંટનો માલ ફક્ત પંદર મિનિટમાં જ ઉતારી લેવાનું નક્કી કર્યું હતું. એ પછી જે કંઈ બચશે તેને છોડી દેવામાં આવશે. તેમણે માનવ સાંકળ રચીને અઢી ટન પૈસા ભરેલી 120 બોરીઓ નજીક પાર્ક કરેલી લેન્ડ રોવરમાં ભરી દીધી.
15 મિનિટ પછી કામ બંધ કર્યું અને ગભરાયેલા પોસ્ટ ઑફિસ સ્ટાફને શાંત રહેવા તથા 30 મિનિટ સુધી પોલીસના સંપર્કનો પ્રયાસ નહીં કરવાનો આદેશ આપ્યો હતો. ત્યાર બાદ લૂંટારા અંધારામાં તેમનાં વાહનો હંકારી ગયાં હતાં.
હિંમતભરી લૂંટ અને તેમાં સામેલ જંગી નાણાથી બ્રિટિશ જનતા ચકિત થઈ ગઈ હતી. એ પછીનાં અઠવાડિયાંમાં ગુનેગારોના શોધવાના પોલીસના પ્રયાસોની વિગતના સનસનાટીભર્યા સમાચારોથી દેશ ઘેરાઈ ગયો હતો.
અલબત, લૂંટના ઝીણવટભર્યા આયોજન અને તેના કુશળ અમલ છતાં ટોળકીના મોટાભાગના ગુનેગારોને એક વર્ષમાં પકડી પાડવામાં આવ્યા હતા. તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
લૂંટની તપાસનું નેતૃત્વ કરી ચૂકેલા ભૂતપૂર્વ ડિટેક્ટિવ સુપ્રિટેન્ડન્ટ માલ્કમ ફેવટ્રેલે 1964માં બીબીસી ન્યૂઝને કહ્યું હતું, "આ લૂંટ અત્યંત સુનિયોજિત હતી, પરંતુ લૂંટમાં એક જબરી ગડબડ થઈ હતી. લૂંટારાઓ ખુદને જેટલા હોશિયાર ગણતા હતા એટલા હોશિયાર વાસ્તવમાં ન હતા."
લૂંટારાઓની કામગીરીને કેટલાક લોકો "રોમેન્ટિક" માનતા હતા, પરંતુ આ મુકદ્દમામાં ન્યાયાધીશે તેને "રોમેન્ટિક" ગણી ન હતી. ન્યાયાધીશે જણાવ્યું હતું કે તેઓ દોષિતો પ્રત્યે કોઈ પણ પ્રકારની ઉદારતા દેખાડશે તો તે "નિશ્ચિત રીતે દુષ્ટ" કૃત્ય હશે.
ગુનો અને સજા
એબિસે 2023માં બીબીસી વિટનેસ હિસ્ટ્રીને કહ્યું હતું, "મને યાદ છે કે ન્યાયાધીશનું નામ લૉર્ડ જસ્ટિસ ઍડમંડ ડેવિસ હતું. તેમણે અડધા કલાકમાં 307 વર્ષની સજા ફટકારી ત્યારે કોર્ટરૂમમાં આઘાતની લહેર ફરી વળી હતી."
ખાસ કરીને આ કિસ્સામાં કોઈની હત્યા કરવામાં આવી ન હતી અને કોઈ હથિયારનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો.
તેથી એ સમયે લૂંટ માટે કરવામાં આવેલી સજા બ્રિટિશ ક્રિમિનલ ઇતિહાસમાં સૌથી કઠોર હતી.
ટૉમી વિસ્બે નામના એક લૂંટારુએ 1978માં મેન અલાઇવ કાર્યક્રમમાં કહ્યું હતું, "હું એકદમ સુન્ન થઈ ગયો હતો. મને 30 વર્ષ સિવાય બીજું કંઈ જ યાદ ન હતું. અમે ક્યારે જેલની બહાર નીકળીશું? અમે કદાચ ક્યારેય બહાર નહીં નીકળીએ."
લૂંટારુ ટોળકીના એક અન્ય સભ્ય ગૉર્ડન ગુડીએ બીબીસીને કહ્યું હતું, "મને લાગે છે કે તેની ગંભીરતા થોડા દિવસ બાદ સમજાય છે અને તમને ખબર પડે છે કે કેવી સજા કરવામાં આવી છે. મજાક-મશ્કરી જેવું લાગતું હતું, પણ મને લાગે છે કે તે રૂગ્ણતા હતી."
કઠોર સજાનું કારણ ડ્રાઇવર મિલ્સ પરનો હુમલો હોવાનું ન્યાયાધીશે જણાવ્યું હતું. જસ્ટિસ ડેવિસે નોંધ્યું હતું, "જેમણે એન્જિન ડ્રાઇવરની અત્યંત વિક્ષિત હાલત જોઈ હશે તેમને એ બાબતે કોઈ શંકા નહીં હોય કે સશસ્ત્ર લૂંટારાઓ દ્વારા કરવામાં આવેલા હુમલાની કાયદાનું પાલન કરતા નાગરિકો પર કેટલીક ભયાનક અસર થાય છે."
ડ્રાઇવર મિલ્સે એ પછી ફરી ક્યારેય કામ કર્યું ન હતું અને 1970માં લ્યુકેમિયાને કારણે મૃત્યુ પામ્યા હતા. તેમના સહચાલક વ્હિટબીનું એ પછીનાં વર્ષે 34 વર્ષની વયે હૃદયરોગના હુમલાને કારણે અવસાન થયું હતું.
જોકે, લૂંટારુઓ પૈકીનો કમસેકમ એક એવું માનતો હતો કે તેમને વધારે પડતી સજા કરવામાં આવી છે, કારણ કે એ લૂંટે બ્રિટિશ વહીવટીતંત્રને શરમજનક સ્થિતિમાં મૂક્યું હતું.
લૂંટારુ પૈકીના એક જેમ્સ રૉયે 1978માં બીબીસીને કહ્યું હતું, "એ ક્ષણે સમગ્ર ખટલા દરમિયાનની મારી શરમ દૂર થઈ ગઈ, કારણ કે મને એવું લાગ્યું હતું કે એડમંડ ડેવિસે હાઇકોર્ટના ન્યાયાધીશ તરીકેના તેમના પદનો, સરકારના સમર્થનનો ઉપયોગ બદલો લેવા માટે કર્યો હતો. તેમણે પોતાને મારી અને તેમણે જે કહ્યું હતું તે બધું જ મારી સમકક્ષ કર્યું હતું."
એબિસે કહ્યું હતું, "જસ્ટિસ ડેવિસે બે કારણસર આકરો નિર્ણય કર્યો હતો. એક તો ડ્રાઇવર પર આચરવામાં આવેલી હિંસા અને બીજું કારણ વહીવટીતંત્ર, સરકાર, પોસ્ટ ઑફિસ અને બ્રિટિશ રેલ ઊંઘતા ઝડપાયા એ હતું. તે દર્શાવે છે કે વહીવટીતંત્રમાં એવા લોકો પણ હોય છે, જે કાયમ સતર્ક નથી હોતા."
ટોળકીના બે સભ્યો જેલમાંથી નાટકીય રીતે નાસી છૂટ્યા ત્યારે ગુનેગારોની આ કુખ્યાત સજામાં વધારો થયો હતો.
ટોળકીના ખજાનચી ચાર્લ્સ વિલ્સન ખટલાના માત્ર ચાર મહિના પછી જ જેલમાંથી ભાગી ગયા હતા.
ચાર વર્ષ ભાગતા ફર્યા પછી તેમને કૅનેડામાંથી ફરી પકડી પાડવામાં આવ્યા હતા અને તેમણે વધુ 10 વર્ષ જેલમાં વિતાવ્યાં હતાં.
સજા થયાના 15 મહિના પછી રૉની બિગ્સ લંડનની વાન્ડ્સવર્થ જેલમાંથી દોરડાની કામચલાઉ સીડીનો ઉપયોગ કરીને ભાગી ગયા હતા.
ફરી ધરપકડ ટાળવા માટે તેમણે પ્લાસ્ટિક સર્જરી કરાવી અને 40 વર્ષ સુધી સ્પેન, ઑસ્ટ્રેલિયા તથા બ્રાઝિલમાં રહ્યા હતા. 2001માં તબીબી સારવાર માટે તેઓ સ્વેચ્છાએ બ્રિટન પાછા ફર્યા હતા અને બાકીની જેલસજા ભોગવી હતી.
ભાગેડુ ગુનેગારો
ખટલા માટે ઉપસ્થિત ન થયેલા ટોળકીના ત્રણ સભ્યોને પણ કાયદાએ આખરે પકડી પાડ્યા હતા.
લૂંટના માસ્ટરમાઇન્ડ બ્રુસ રેનૉલ્ડ્સ પાંચ વર્ષ સુધી ભાગતા રહ્યા હતા.
તેઓ ઇંગ્લૅન્ડ પરત ફર્યા ત્યારે તેમની ધરપકડ કરવામાં આવી હતી. તેમને 25 વર્ષની જેલસજા ફટકારવામાં આવી હતી, પરંતુ તેમણે ફક્ત 10 વર્ષની સજા ભોગવી હતી.
પિતા બ્રુસ મેક્સિકો અને કૅનેડામાં છુપાયા હતા ત્યારે પુત્ર નિકે જીવનના આરંભિક વર્ષો તેમની સાથે પસાર કર્યાં હતાં. તેઓ પણ આડે રસ્તે ચડ્યા હતા. તેમના બૅન્ડ અલબામા થ્રીએસનું વોક અપ ધીસ મોર્નિંગ ગીત સોપ્રાનોસ ટીવી શ્રેણીની ઓપનિંગ થીમ બન્યું હતું.
રોનાલ્ડ 'બસ્ટર' ઍડવર્ડ્સ લૂંટ પછી મેક્સિકો ભાગી ગયા હતા. તેઓ 1966માં શરણે આવ્યા હતા અને નવ વર્ષ જેલમાં રહ્યા બાદ તેમને મુક્ત કરવામાં આવ્યા હતા.
1988ની ફિલ્મ બસ્ટરમાં જિનેસિસના ગાયક ફિલ કૉલિન્સે તેમનું પાત્ર ભજવ્યું હતું.
લૂંટના ક્વાર્ટર માસ્ટર તરીકે કામ કરનાર જેમ્સને વ્હાઇટ કેન્ટમાંથી પકડી પાડવામાં આવ્યા હતા.
ત્રણ વર્ષ ભાગતા રહેલા જેમ્સને જેલમાં મોકલવામાં આવ્યા હતા અને 1975માં મુક્ત કરવામાં આવ્યા હતા.
લાંબી જેલસજા કરવામાં આવી હોવા છતાં ધ ગ્રેટ ટ્રેન રૉબરીના તમામ દોષિતોને વહેલા મુક્ત કરવામાં આવ્યા હતા.
એકેય ગુનેગારે 13 વર્ષથી વધુની સજા ભોગવી ન હતી. જોકે, એ પૈકીનાં પછીનાં ઘણાં વર્ષોમાં વિવિધ ગુનાઓ સબબ જેલમાં પાછા ફર્યા હતા.
લૂંટ દરમિયાન ઉઠાવી જવામાં આવેલા મોટા દલ્લાની વાત કરીએ તો એ દલ્લા સંબંધી માહિતી માટે 10 ટકા વળતર આપવાની ઑફર પોલીસે કરી હોવા છતાં મોટાભાગના પૈસા ક્યારેય મળ્યા નહીં.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન