You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રાણા સાંગા કોણ હતા, શું તેમણે બાબરને ભારત પર આક્રમણ કરવા આમંત્રણ આપેલું?
ઉત્તર પ્રદેશમાં રાણા સાંગા વિવાદ પર શરૂ થયેલું રાજકારણ સમાપ્ત થવાનું નામ નથી લેતું. રાણા સાંગા અંગે કરાયેલા નિવેદન પછી બુધવારે (26 માર્ચે) રાજ્યના આગરામાં સમાજવાદી પાર્ટીના રાજ્યસભા સાંસદ રામજીલાલ સુમનના ઘરની બહાર જબરદસ્ત હોબાળો થયો હતો.
કરણી સેનાના કાર્યકરો મોટી સંખ્યામાં રામજીલાલ સુમનના ઘરની બહાર ભેગા થયા અને તેમના ઘરમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો.
તેમના ઘરે થયેલા હોબાળા દરમિયાન પોલીસ અને કરણી સેના વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં ઘણા પોલીસ કર્મચારીઓ પણ ઘાયલ થયા હતા.
આ તોડફોડ પછી કરણી સેનાના નેતા મહિપાલ મકરાનાએ કહ્યું કે, "હજુ તો આ એક ટ્રેલર છે. આવા વ્યક્તિઓને આપણે ખૂબ પહેલાં જડબાંતોડ જવાબ આપવો જોઈતો હતો. એમાં આપણે મોડા પડ્યા છીએ. જો રામજીલાલ સુમનનું સભ્યપદ છીનવાશે નહીં, તો આખા દેશમાં એક મોટું વિરોધપ્રદર્શન જોવા મળશે."
આ વિવાદ સાંસદ રામજીલાલ સુમનની એક ટિપ્પણી પછી શરૂ થયો છે. 21 માર્ચે રાજ્યસભામાં તેમણે રાણા સાંગા અંગે એક ટિપ્પણી કરી હતી, જેમાં તેમણે રાણા સાંગાને ગદ્દાર ગણાવ્યા હતા.
તેમની આ ટિપ્પણી પછી કરણી સેનાના કાર્યકરોએ તેમની વિરુદ્ધ રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પણ વિરોધપ્રદર્શન શરૂ કર્યું છે.
રાણા સાંગા કોણ હતા?
મેવાડના રાજપૂત શાસક રહેલા સંગ્રામસિંહને લોકપ્રિય નામ રાણા સાંગાથી ઓળખવામાં આવે છે. તેઓ રાજા રાયમલ અને રાણી રતનકંવરના ઘરે જન્મ્યા હતા અને તેઓ તેમના ત્રીજા પુત્ર હતા.
તેમની સાચી જન્મતારીખ વિશે કોઈને કશી માહિતી નથી, પરંતુ એવું કહેવાય છે કે તેઓ 1482માં જન્મ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એવું કહેવાય છે કે, પરિસ્થિતિને જોતાં સત્તા મેળવવા માટે તેમણે પોતાના મોટા ભાઈઓ કંવર પૃથ્વીરાજ અને જગમલ સાથે યુદ્ધ કરવું પડ્યું હતું.
વર્ષ 1509માં તેઓ મેવાડની ગાદી મેળવવામાં સફળ થયા. જ્યારે તેઓ સફળતાના શિખરે હતા ત્યારે તેમનું સામ્રાજ્ય આખા રાજસ્થાન, ગુજરાતના કેટલાક ભાગ સુધી ફેલાયેલું હતું અને મધ્યપ્રદેશના થોડાક ભાગોની સાથોસાથ હરિયાણા અને ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં પણ તેમનું શાસન હતું.
રાણા સાંગાની પ્રશંસા ખુદ મોગલ સમ્રાટ બાબરે પણ કરી હતી. એ પણ એવા સમયે જ્યારે તેમને (રાણા સાંગાને) સામાન્ય રીતે રાજપૂતોને એક કરનાર રાજા ગણવામાં આવે છે.
એવું કહેવાય છે કે, ખાનવાના મેદાનમાં બાબર સામેના એક યુદ્ધ સિવાય રાણા સાંગા બીજું કોઈ મોટું યુદ્ધ નહોતા લડ્યા.
જોકે, તેમણે દિલ્હી સલ્તનતના સમયગાળા દરમિયાન લોદી સામ્રાજ્યના થોડાક વિસ્તારોમાં છાપા માર્યા, જેમાં તેઓ સફળ પણ થયા હતા.
રાજસ્થાનના દસમા ધોરણના ઇતિહાસના પુસ્તક અનુસાર રાણા સાંગાએ 1517માં ખતૌલીના યુદ્ધમાં ઇબ્રાહીમ લોદીને હરાવ્યા હતા. તે પછી તરત જ સાંગાની સેનાએ લોદીની સેનાને બાડી (ધૌલપુર)ની લડાઈમાં પણ હરાવી હતી.
નૅશનલ સ્કૂલ ઑફ ઓપન સ્કૂલિંગના અભ્યાસક્રમ અનુસાર, લોદી શાસન દરમિયાન પંજાબના મોટા ક્ષેત્રના ગવર્નર (અફઘાન) દૌલતખાં લોદીનો ઇબ્રાહીમ લોદી સાથેનો સંઘર્ષ વધી રહ્યો હતો. બીજી તરફ, રાણા સાંગા પણ ઉત્તર ભારતમાં પોતાના શાસનનો વિસ્તાર વધારવાની કોશિશ કરતા હતા.
નૅશનલ સ્કૂલ ઑફ ઓપન સ્કૂલિંગના અભ્યાસક્રમ અનુસાર, આ બંનેએ બાબરને ભારત પર આક્રમણ કરવાનું કહેલું અને રાણા સાંગા અને દૌલતખાં લોદીના આમંત્રણે જ કદાચ બાબરની મહત્ત્વાકાંક્ષા વધારી હશે.
નૅશનલ સ્કૂલ ઑફ ઓપન સ્કૂલિંગે લખ્યું છે કે, બાબરે ભીડા (1519-20), સિયાલકોટ (1520), લાહોર (1524) પર કબજો કરી લીધો અને અંતે 1526માં બાબર અને ઇબ્રાહીમ લોદીની સેનાનો પાણીપતના મેદાનમાં સામનો થયો, જેમાં ઇબ્રાહીમ લોદીની હાર થઈ હતી.
રાજસ્થાનના દસમા ધોરણના ઇતિહાસના પુસ્તક અનુસાર, રાણા સાંગાનું મૃત્યુ 30 જાન્યુઆરી 1528એ દૌસામાં થયું હતું. માંડલગઢમાં તેમનું એક સ્મારક પણ આવેલું છે.
રામજીલાલ સુમને રાણા સાંગા વિશે શું કહેલું?
21 માર્ચે રાજ્યસભામાં ગૃહ મંત્રાલયનાં કામકાજની સમીક્ષા પરની ચર્ચા થતી હતી. જ્યારે રામજીલાલ સુમને આ ચર્ચામાં ભાગ લીધો, ત્યારે તેમણે એક નિવેદન કર્યું, જેનાથી આ વિવાદ શરૂ થયો.
તેમણે કહ્યું કે, રાણા સાંગાએ ઇબ્રાહીમ લોદીને હરાવવા માટે મુગલ સમ્રાટ બાબરને ભારતમાં આમંત્રિત કર્યા હતા.
તેમણે કહ્યું કે, "એ તો ભાજપના લોકોનો તકિયાકલામ બની ગયો છે કે મુસલમાનોમાં બાબરનું ડીએનએ છે. પરંતુ, હિન્દુસ્તાનના મુસલમાન તો બાબરને પોતાનો આદર્શ નથી માનતા, તેઓ તો મોહમ્મદસાહેબને પોતાનો આદર્શ માને છે, સૂફી-સંતોની પરંપરાને પોતાનો આદર્શ માને છે."
આથી આગળ વધીને તેમણે સવાલ ઉઠાવ્યો કે, બાબરને ભારતમાં કોણ લાવ્યું હતું? અને કહ્યું કે, "ઇબ્રાહીમ લોદીને હરાવવા માટે રાણા સાંગાએ બાબરને ભારત બોલાવ્યા હતા; એટલે, મુસલમાન તો બાબરની ઔલાદ છે અને તમે ગદ્દાર રાણા સાંગાના વારસ છો. આ હિન્દુસ્તાનમાં નક્કી થઈ જવું જોઈએ."
તેમણે આગળ કહ્યું કે, "આપણે બધા બાબરની તો ટીકા કરીએ છીએ, પરંતુ રાણા સાંગાની ટીકા નથી કરતા."
ત્યાર પછી જ્યારે વિવાદ શરૂ થયો ત્યારે, સોમવારે, ન્યૂઝ એજન્સી એએનઆઇ સાથેની વાતચીતમાં રામજીલાલે પોતાના આ નિવેદન અંગે સ્પષ્ટતા પણ કરી હતી.
તેમણે કહ્યું, "શુક્રવારે સંસદમાં ગૃહ મંત્રાલયના કામકાજ દરમિયાન મેં કહ્યું હતું કે, હિન્દુસ્તાનમાં બાબરને રાણા સાંગાએ ઇબ્રાહીમ લોદીને હરાવવા માટે આમંત્રિત કર્યા હતા. મારો ઉદ્દેશ કોઈની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડવાનો નહોતો. મારું નિવેદન ન તો કોઈ જાતિ વિરુદ્ધ હતું, અને ન તો કોઈ ધર્મની વિરુદ્ધ હતું."
જોકે, તેઓ હજુ પણ પોતાના આ નિવેદન પર અડગ છે અને તેમનું કહેવું છે કે તેઓ પોતાના આ જીવનમાં તો માફી નહીં માગે.
ન્યૂઝ એજન્સી પીટીઆઇ સાથે વાત કરતાં તેમણે કહ્યું, "જ્યાં સુધી માફી માગવાનો સવાલ છે, તો આ જન્મમાં તો હું માફી નહીં માગું. માફી માગવાનો તો સવાલ જ ઊભો નથી થતો. લોકોએ સાચી વાતો સાંભળવાની ટેવ પાડવી જોઈએ."
ભાજપની નારાજગી
રામજીલાલ સુમનની આ ટિપ્પણી પછી તરત જ ભાજપે તેની નિંદા કરવાનું શરૂ કરી દીધું. ભાજપના ઘણા દિગ્ગજ નેતાઓએ તેમના આ નિવેદન સામે પોતાનો વિરોધ દર્શાવ્યો.
કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે કહ્યું, "ભારતના ઇતિહાસની સમીક્ષા કરનારા લોકો જ્યારે પણ સમીક્ષા કરશે, ત્યારે ક્યારેય બાબર અને રાણા સાંગા બંનેની તુલના કરીને એક પલ્લામાં નહીં રાખી શકે. રાણા સાંગાએ લોકોમાં સ્વતંત્રતાની જ્યોત જગાવી હતી."
ગજેન્દ્રસિંહ શેખાવતે કહ્યું, "તેમણે ભારતને તો ગુલામ બનવાથી બચાવ્યો જ હતો, સાથે જ ભારતની સંસ્કૃતિને સનાતન જાળવી રાખવામાં ખૂબ મોટું યોગદાન આપ્યું હતું. કેટલાક તુચ્છ બુદ્ધિ અને સંકુચિત હૃદય ધરાવતા લોકો આ પ્રકારની વાતો કરે છે, પરંતુ આ ચર્ચાઓને કશો અવકાશ નથી."
રાજસ્થાનનાં નાયબ મુખ્યમંત્રી દિયાકુમારીએ પણ રામજીલાલ સુમનની ટિપ્પણીની ટીકા કરી.
તેમણે કહ્યું, "સંસદમાં એ સાંસદનું નિવેદન ખોટું હતું અને તેમણે એવું નિવેદન નહોતું કરવું જોઈતું. તેમને ઇતિહાસની કંઈ માહિતી નથી. રાણા સાંગાએ મેવાડ અને રાજસ્થાન માટે ઘણું બધું કર્યું છે. વિપક્ષ કોઈ પણ પ્રકારના રિસર્ચ અને માહિતી વગર મહારાણા પ્રતાપ અને રાણા સાંગા વિરુદ્ધ એવાં નિવેદન કરે છે. તેઓ માતૃભૂમિ માટે એટલાં યુદ્ધ લડ્યા છે, એવાં વ્યક્તિત્વો માટે આવી અપમાનજનક ટિપ્પણી કરવી ઉચિત નથી."
ભાજપ સાંસદ જગદમ્બિકા પાલે પણ રામજીલાલ સુમનની ટિપ્પણીની ટીકા કરી.
તેમણે ન્યૂઝ એજન્સી એએનઆઇને કહ્યું, "આ એક ફૅશન બની ગઈ છે. એ કૉંગ્રેસ હોય, સમાજવાદી પાર્ટી હોય કે વિપક્ષમાં બીજું કોઈ… આ બધું પોતાને સમાચારોમાં રાખવા અથવા તો લોકોની લાગણીઓને ઠેસ પહોંચાડવા માટે છે."
"જે પ્રકારે દેશના મહાપુરુષોનું અપમાન કરવામાં આવે છે, એવું લાગે છે કે તેઓ માનસિક રીતે અસ્થિર થઈ ગયા છે. તેઓ દેશના ઇતિહાસને ખોટો ગણાવી રહ્યા છે. આ આક્રમણકારો—જેમણે ધર્માંતરણ કર્યું અને મંદિરો નષ્ટ કર્યાં—હવે તેમનું મહિમામંડન કરવામાં આવી રહ્યું છે."
રામજીલાલ સુમનની ટિપ્પણી પછી હવે કાયદેસર કાર્યવાહી પણ શરૂ થઈ ગઈ છે.
આર્ય સંસ્કૃતિ કન્ઝર્વેશન ટ્રસ્ટના અધ્યક્ષ ઍડ્વોકેટ અજયપ્રતાપસિંહે સુમન અને સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ વિરુદ્ધ સિવિલ સૂટ (દીવાની મુકદ્દમો) દાખલ કર્યો છે.
તેમણે ન્યૂઝ એજન્સી એએનઆઇને કહ્યું, "છેલ્લા થોડા દિવસોથી આપણને અખબારોના માધ્યમથી માહિતી મળી રહી છે કે, રામજીલાલ સુમન સતત, રાણા સાંગાને ગદ્દાર કહી રહ્યા છે. તેઓ લોકોમાં ખોટી વાતો ફેલાવી રહ્યા છે. આ સંબંધમાં મેં સિવિલ મુકદ્દમો દાખલ કર્યો છે, જેમાં મેં સપા પ્રમુખ અખિલેશ યાદવ અને રામજીલાલ સુમનનાં નામનો ઉલ્લેખ કર્યો છે."
અખિલેશ યાદવે શું કહ્યું?
રામજીલાલ સુમન સમાજવાદી પાર્ટીના વર્તમાન રાજ્યસભા સાંસદ છે. જ્યારે તેમની ટિપ્પણી પર વિવાદ શરૂ થયો, ત્યારે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે તેમનો બચાવ કર્યો.
તેમણે કહ્યું, "રામજીલાલ સુમને જે કહ્યું તે એટલા માટે કહ્યું, કેમ કે, બધા ઇતિહાસનાં પાનાં ફેરવી રહ્યા છે. ભાજપના નેતા ઔરંગઝેબ પર ચર્ચા કરવા માગે છે, તો રામજીલાલ સુમને પણ ઇતિહાસનું એ પાનું ખોલી નાખ્યું, જ્યાં કશુંક એવું લખ્યું હતું."
ત્યાર પછી બુધવારે જ્યારે રામજીલાલ સુમનના ઘર બહાર તોડફોડ થઈ, ત્યારે પણ અખિલેશ યાદવે એ બાબતે ભાજપ પર વાક્પ્રહાર કર્યો હતો.
તેમણે કહ્યું, "ભાજપે હંમેશાં પોતાના રાજકીય ફાયદા અને નફરત ફેલાવવા માટે ઇતિહાસનાં પાનાં ખોલ્યાં છે. સમાજવાદી પાર્ટીના સાંસદ રામજીલાલ સુમનના ઘરની બહાર થયેલી ઘટના નિંદનીય છે."
અખિલેશ યાદવે કહ્યું, "રામજીલાલ સુમન દલિત સાંસદ છે અને તેઓ ઘણા અનુભવી છે. તેમના ઘર પર ત્યારે હુમલો થયો, જ્યારે ખુદ મુખ્ય મંત્રી જિલ્લામાં હતા. એનો મતલબ એ કે હુમલો યુપીના મુખ્ય મંત્રીની સંમતિથી થયો. ઝીરો ટોલરન્સની વાત કરનારાઓનો ટોલરન્સ જ ઝીરો થઈ ગયો છે."
સમાજવાદી પાર્ટીનાં સાંસદ ડિમ્પલ યાદવે પણ રામજીલાલ સુમનના ઘરે થયેલી તોડફોડની નિંદા કરી.
તેમણે કહ્યું, "જો આપણે ઉત્તર પ્રદેશની સ્થિતિ જોઈએ, તો અહીં રસ્તા પર બૉમ્બ ફૂટી રહ્યા છે, અહીં મહિલાઓ સુરક્ષિત નથી; આ બધી સરકારની જવાબદારી છે. જો આવી ઘટનાઓ થતી રહી, તો એ ખૂબ દુર્ભાગ્યપૂર્ણ છે. તમે સમાજ અને યુવા પેઢીને શો સંદેશો આપવા માંગો છો? જે પ્રકારના ઉપદ્રવ આખા ઉત્તર પ્રદેશમાં કરાઈ રહ્યા છે, તેની સામે સરકારે સખત કાર્યવાહી કરવી જોઈએ. કોઈક રીતે આ સરકાર દ્વારા કરાવાયેલી પ્રવૃત્તિ છે."
કોણ છે રામજીલાલ સુમન?
આ વિવાદના મુખ્ય પાત્ર રામજીલાલ સુમન સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા છે. ગયા વર્ષે રાજ્યસભામાં તેમની નિમણૂકે અખિલેશ યાદવની 'પીડીએ' ફૉર્મ્યુલાને મજબૂત બનાવી હતી. ઉત્તર પ્રદેશમાં દલિતો સુધી પાર્ટીની પહોંચને મજબૂત કરવા અખિલેશ યાદવનું આ એક વ્યૂહાત્મક પગલું હતું.
રામજીલાલ સુમનની રાજકીય કારકિર્દી ખૂબ લાંબી અને વિવિધતાભરી રહી છે. 1977માં પહેલી વાર તેઓ ભારતીય જનતા પાર્ટીની ટિકિટ પર ફિરોઝાબાદ લોકસભા સીટ પરથી સંસદમાં પહોંચ્યા હતા.
ત્યાર પછી આ બેઠક પરથી તેઓ જનતાદળની ટિકિટ પર ચૂંટણી લડ્યા અને 1989માં પણ અહીંથી જ સાંસદ બન્યા. ત્યાર પછી તેઓ સમાજવાદી પાર્ટીમાં જોડાયા અને સમાજવાદી પાર્ટી તરફથી ચૂંટણી લડીને ફિરોઝાબાદ લોકસભા સીટ પરથી 1999 અને 2004માં સાંસદ તરીકે ચૂંટાયા.
ત્યાર પછી સમાજવાદી પાર્ટીએ તેમને 2014 અને 2019માં હાથરસ લોકસભા સીટ માટે ચૂંટણીમાં ઊભા રાખ્યા હતા, પરંતુ તેઓ જીતવામાં નિષ્ફળ રહ્યા.
1990-91માં તેઓ ચંદ્રશેખર સરકારમાં કૅબિનેટ મંત્રી પણ હતા. આ ઉપરાંત, ગયા વર્ષે તેમણે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીનો અલ્પસંખ્યકનો દરજ્જો પુનઃસ્થાપિત કરાવવા રાજ્યસભામાં એક પ્રાઇવેટ બિલ પણ રજૂ કર્યું હતું.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન