આરએસએસ ઔરંગઝેબ કરતાં દારા શિકોહને વધુ મહત્ત્વ શા માટે આપે છે?

    • લેેખક, ઇમરાન કુરેશી
    • પદ, બીબીસી માટે બૅંગલુરુથી

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે (આરએસએસ) મુઘલ બાદશાહ ઔરંગઝેબ સંબંધી વિવાદને એક નવું પરિમાણ આપ્યું છે અને સવાલ ઉઠાવ્યો છે કે ઔરંગઝેબના ભાઈ દારા શિકોહને આદર્શ શા માટે બનાવી શકાય? ઔરંગઝેબે દારા શિકોહની હત્યા કરાવી હતી.

'ઔરંગઝેબ આજે પ્રાસંગિક શા માટે નથી,' એવા આરએસએસના વલણને સંગઠનના સરકાર્યવાહ દત્તાત્રેય હોસબાલેએ વાજબી ઠેરવ્યું છે અને દારા શિકોહને સ્થાને ઔરંગઝેબને આપવામાં આવેલા અયોગ્ય મહત્ત્વ સામે સવાલ ઉઠાવ્યો છે.

અખિલ ભારતીય પ્રતિનિધિ સભા (એબીપીએસ)ની ત્રણ દિવસની બેઠકના અંતે પરંપરાગત પત્રકારપરિષદને સંબોધન કરતાં દત્તાત્રેય હોસબાલેએ મુઘલ સમ્રાટ સામેના પોતાના સંગઠનના વિરોધને સ્પષ્ટ કર્યો હતો.

હોસબાલેએ સવાલ ઉઠાવ્યો હતો કે "ભારતમાં મુદ્દો એ છે કે શું આપણે એવી વ્યક્તિને આદર્શ (આઇકૉન) બનાવવી જોઈએ જે ભારતના સિદ્ધાંતોની વિરુદ્ધ (એટલે કે ઔરંગઝેબ) ગઈ હતી કે પછી આપણે એવા લોકોને આદર્શ બનાવવા જોઈએ, જે અહીં જન્મ્યા હતા અને ભારતની પ્રકૃતિની સાથે ચાલ્યા હતા (એટલે કે દારા શિકોહ)."

'આઝાદીની લડાઈ જ એકમાત્ર સ્વતંત્રતા સંગ્રામ નથી'

દત્તાત્રેય હોસબાલેએ કહ્યું હતું, "થયું છે એવું કે દારા શિકોહને ક્યારેય આદર્શ બનાવવામાં આવ્યા નહીં. જે લોકો ગંગા-જમના સંસ્કૃતિની વાત કરે છે તેઓ દારા શિકોહને મહત્ત્વ આપવાના પ્રયાસ ક્યારેય કરતા નથી."

સમ્રાટ શાહજહાંના ઉત્તરાધિકારી દારા શિકોહને ઉદારવાદી માનવામાં આવે છે, જ્યારે તેમના ભાઈ ઔરંગઝેબ વિશે કહેવામાં આવે છે કે તેમનો ઝુકાવ સૈન્ય વ્યૂહરચનાઓ પર વધારે હતો. દારા શિકોહે ઉપનિષદોનો ફારસી ભાષામાં અનુવાદ કર્યો હોવાનું પણ કહેવાય છે.

હોસબાલેએ કહ્યું હતું, "સ્વતંત્રતા પ્રાપ્ત કરી છે તે દરેક દેશને આ નિર્ણય લેવાનો અધિકાર છે. અંગ્રેજો વિરુદ્ધની આઝાદીની લડાઈ એકમાત્ર સ્વતંત્રતા સંગ્રામ નથી.

અંગ્રેજોના આવતા પહેલાં જેમણે આક્રમણકર્તાઓનો વિરોધ કર્યો હતો એ પણ એક સ્વતંત્રતા ચળવળ હતી. રાણા પ્રતાપે જે કર્યું તે પણ એક સ્વતંત્રતા ચળવળ હતી."

હોસબાલેનું કહેવું છે કે આ વિદેશી વિરુદ્ધ સ્વદેશી કે ધર્મનો સવાલ નથી.

તેમના કહેવા મુજબ, "વ્યક્તિ ખ્રિસ્તી કેમ ન હોય, દેશ વિશે આ જ ધારણા છે. તેથી જે લોકો આક્રમણકારી માનસિકતાથી પીડિત છે તેઓ આજે પણ આપણા દેશ માટે ખતરો છે."

તેમણે જણાવ્યું હતું કે ઔરંગઝેબ માર્ગ નામનો એક રસ્તો હતો, જેનું નામ બદલીને અબ્દુલ કલામ રોડ કરી નાખવામાં આવ્યું છે.

દારા શિકોહ કોણ હતા?

દારા શિકોહ ઔરંગઝેબના મોટા ભાઈ હતા. તેઓ તેમના દાદા અકબરની માફક વિદ્વાન હતા અને શાહજહાંના પ્રિય પુત્ર હતા.

તેમનો ઝુકાવ ફિલસૂફી અને રહસ્યવાદ તરફ વધુ હતો. ઉપનિષદોના કેટલાક હિસ્સાઓનો ફારસી ભાષામાં અનુવાદ કરવાનું શ્રેય તેમને જાય છે. તેમણે ઉપનિષદોના મુખ્ય હિસ્સાઓના અનુવાદ માટે નિષ્ણાતોની મદદ પણ લીધી હતી.

તેઓ એક સૂફી વિચારક હતા, જેમણે સૂફીવાદને વેદાંત ફિલસૂફી સાથે જોડ્યો હતો.

અનિરુદ્ધ કનિસેટ્ટી જેવા ઇતિહાસકારોએ પણ લખ્યું છે કે ઔરંગઝેબે તેમના પિતા મૃત્યુશૈયા પર હતા ત્યારે યુદ્ધમાં તેમના મોટા ભાઈની હત્યા ન કરી હોત તો ભારતીય ઉપખંડ આજે કરતાં અલગ હોત.

કેટલાક લોકોને 'ઔરંગઝેબ કી ઔલાદ' કહેવામાં આવે છે ત્યારે સમાજમાં સુમેળ કઈ રીતે હોઈ શકે, એવો સવાલ પૂછવામાં આવ્યો ત્યારે દત્તાત્રેય હોસબાલેએ કહ્યું હતું, "આવી લાગણીઓથી ઉપર ઊઠવા માટે આપણે એક સુમેળભર્યા સમાજનું નિર્માણ કરવું પડશે.

આપણે આપણા સાંસ્કૃતિક વારસા અને આપણા સિદ્ધાંતોમાંથી પ્રેરણા લઈએ છીએ. એ સિદ્ધાંતો રવીન્દ્રનાથ ટાગોર, બંકિમચંદ્ર ચેટરજી અને મહાત્મા ગાંધીના રામરાજ્ય દ્વારા પ્રતિપાદિત કરવામાં આવ્યા છે."

તેમણે ઉમેર્યું હતું, "કોઈ આક્રમણકર્તા પાસેથી પ્રેરણા લેવાનો પ્રયાસ કરી છે અને કોઈ વિકૃત કથા રજૂ કરવા ઇચ્છે છે તો આપણે તેમના મનમાંથી સંસ્થાનવાદને ખતમ કરવાની જરૂર છે."

ભારતીય જનતા પાર્ટીની કામગીરીને આરએસએસ કેવી રીતે મૂલવે છે?

ભારતીય જનતા પાર્ટીનાં 11 વર્ષના શાસનમાં સરકારની કામગીરીને આરએસએસ કેવી રીતે મૂલવે છે અને સરકારે હવે કયાં ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ?

આ સવાલના જવાબમાં દત્તાત્રેય હોસબાલેએ કહ્યું હતું, "આરએસએસ અને દેશ અલગ નથી. અમે સરકારને એ નહીં જણાવીએ કે તેણે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. આરએસએસમાંથી પ્રેરણા લેતાં અગ્રણી સંગઠનો છે, જે સરકાર સાથે સંવાદ કરશે. જરૂર પડ્યે કેટલીક વ્યવસ્થા છે, જે તેનું કામ કરશે. લોકોને તેમનો અભિપ્રાય વ્યક્ત કરવાની તક મળે છે."

આ વર્ષે આરએસએસને 100 વર્ષ થઈ ગયાં છે ત્યારે આ સંગઠન તેની કામગીરીને કયા માપદંડથી મૂલવશે?

આ સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું, "આ શૈક્ષણિક ચર્ચાનો વિષય છે. કામગીરીનું મૂલ્યાંકન કરવા માટે અમારી પાસે કોઈ માપદંડ નથી.

રામમંદિરનું નિર્માણ એક આરએસએસની સિદ્ધિ નથી, પરંતુ લોકોની સિદ્ધિ છે. તેણે ભારતીય ઓળખને પુનઃસ્થાપિત કરવામાં મદદ કરી છે."

"અમારા દૃષ્ટિકોણથી આરએસએસ એક હિન્દુ સંગઠન છે અને અમને ગર્વ છે કે અમે હિન્દુ છીએ. તે એક સાંસ્કૃતિક, આધ્યાત્મિક અને સભ્યતાગત અભિવ્યક્તિ છે. તે ધર્મ વિશે નથી. હિન્દુ સમાજને સંગઠિત કરવાનું તેની વિવિધતાને કારણે મુશ્કેલ કામ હતું, પરંતુ એમ કહેવું જોઈએ કે હિન્દુ સમાજમાં ફરી જાગૃતિ આવી રહી છે."

તેમણે સ્વીકાર્યું હતું કે "આંતરિક રીતે" ઘણા સુધારા કરવાની જરૂર છે.

"દાખલા તરીકે, અસ્પૃશ્યતા અને સ્ત્રીઓની સમાનતા માપદંડને અનુરૂપ નથી. સંઘ માને છે કે વધુ આંતર-જાતીય લગ્નો થવાં જોઈએ. આ માટેનો સંદેશ સંઘની શાખાઓ દ્વારા દરરોજ આપવામાં આવે છે," એમ તેમણે કહ્યું હતું.

ભાજપના આગામી અધ્યક્ષ કોણ હશે?

આરએસએસ પોતાને એક બિન-રાજકીય સાંસ્કૃતિક સંગઠન ગણાવે છે, પરંતુ તેને ભારતીય જનતા પાર્ટીના 'પાલક' માનવામાં આવે છે.

દત્તાત્રેય હોસબાલેએ સ્પષ્ટતા કરી હતી કે આરએસએસ તેની સાથે જોડાયેલાં સંગઠનોના મામલાઓમાં દખલ કરતો નથી.

ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીના મુદ્દે તેમણે કહ્યું હતું, "અધ્યક્ષ કે પદાધિકારી કોણ હશે તે નક્કી કરવાનું કામ ભાજપનું છે. નિર્ણય લેવા માટે તેઓ પૂરતા પરિપકવ છે."

મણિપુરના મુદ્દે તેમણે જણાવ્યું હતું કે મણિપુરમાં સરકારે કઈ પહેલ કરવી જોઈએ એ બાબતે આરએસએસે કોઈ સલાહ આપી નથી.

તેમણે કહ્યું હતું, "તેમણે રાષ્ટ્રપત શાસન લાદ્યું છે. લોકો પાસેથી હથિયાર જપ્ત કર્યાં છે અને રાજમાર્ગો ખોલી નાખ્યા છે. આ બધાને કારણે થોડી આશા જાગી છે. અમે ખુશ છીએ, કારણ કે ત્યાંના લોકોને લાગે છે કે ત્યાં એક સરકાર છે."

આરએસએસે તેના શતાબ્દી વર્ષની ઉજવણી માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું છે. તેની શરૂઆત આ વર્ષે બીજી ઑક્ટોબરે, વિજયાદશમીના દિવસથી થશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.