ઔરંગઝેબનો મકબરો તોડી પાડવાની માગ કેમ થઈ રહી છે, સ્થાનિકો શું કહે છે?

    • લેેખક, શ્રીકાંત બંગાળે
    • પદ, બીબીસી સંવાદદાતા

"ભારતમાં કેટલાક લોકોએ નફરતની દુકાન ખોલી છે. આ લોકોની સંખ્યા નગણ્ય છે. પણ તેઓ દરરોજ ચિંગારી પ્રગટાવવાનું કામ કરે છે."

આ શબ્દો છે ખુલ્તાબાદના એક વેપારી શેખ ઇકબાલના. ખુલ્તાબાદ એ છત્રપતિ સંભાજીનગર (અગાઉનું ઔરંગાબાદ)થી 25 કિમીના અંતરે આવેલું છે.

ઔરંગઝેબની મઝાર અથવા મકબરો આ શહેરમાં આવેલો છે. આજકાલ આ મકબરાને તોડી પાડવાની માંગણી વેગ પકડી રહી છે.

શેખ ઇકબાલ અહીં ફૂલ અને પ્રસાદની દુકાન ચલાવે છે.

13 માર્ચે અમે ખુલ્તાબાદમાં ઔરંગઝેબના મકબરાની જગ્યાએ પહોંચ્યા ત્યારે ત્યાં મોટી સંખ્યામાં પોલીસ હાજર હતી.

પોલીસે અમને જણાવ્યું કે મકબરાનું ફિલ્માંકન કરવાની મનાઈ છે. ઔરંગઝેબના મકબરાના પ્રવેશદ્વાર પર એક બોર્ડ લગાવ્યું હતું.

બોર્ડ પર લખાયેલું છે કે, "આ એક સંરક્ષિત ઇમારત છે અને જે કોઈ આને નુકસાન પહોંચાડશે તેને ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણના અધિનિયમ હેઠળ ત્રણ મહિનાની જેલ અથવા પાંચ હજાર રૂપિયા દંડ અથવા બંને કરવામાં આવશે."

પોલીસ દળો ગોઠવાયાં

પોલીસે અમારાં નામ, મોબાઇલ નંબર, સરનામાં અને આધાર નંબર પોતાના રજિસ્ટરમાં લખી લીધાં. ત્યાર પછી અમારી પાસેથી બધો સામાન લઈ લીધો જેમાં મોબાઇલ ફોન અને બૅગ સામેલ હતી. ત્યાર પછી અમને મકબરો જોવાની છૂટ આપી.

ઔરંગઝેબનો મકબરો બહુ સાદાઈથી બનાવવામાં આવ્યો છે. અહીં એક માટીની કબર છે જેના પર એક મોટું ઝાડ છે.

મકબરાના આ ભાગમાં ઘણી દુકાનો છે. તેમાં શેખ ઇકબાલની દુકાન પણ સામેલ છે. તેઓ માળા બનાવતા હતા.

તેમનું કહેવું છે કે, "ઔરંગઝેબ વિશેના નિવેદનો રાજકીય ઇરાદાથી કરવામાં આવે છે."

પરંતુ ઔરંગઝેબની આ મઝારને ધ્વસ્ત કરી નાખવી જોઈએ તેવી માંગણીને તમે કઈ રીતે જુઓ છો? આ સવાલના જવાબમાં ઇકબાલે કહ્યું કે, "અલ્લાહ જ જાણે છે કે 300 વર્ષ અગાઉ શું થયું હતું. અમે જાણીએ છીએ કે અફઝલ ખાનની કબરને છત્રપતિ શિવાજી મહારાજ અને તેમના વંશજોએ અત્યાર સુધી સુરક્ષિત રાખી છે. ઔરંગઝેબની કબર પણ 300 વર્ષથી સુરક્ષિત રાખવામાં આવી છે. તેથી તેને પણ સંરક્ષિત કરવી જોઈએ."

વિવાદાસ્પદ નિવેદનોનું ચલણ

અહીં અમારી મુલાકાત ખુલ્તાબાદના પૂર્વ મૅયર એડવોકેટ ખૈરુદ્દીન સાથે થઈ. તેઓ અહીં કેટલાક લોકો સાથે વાત કરતા હતા.

તેમને હાલના વિવાદ વિશે પૂછ્યું તો તેમણે કહ્યું કે, "ઔરંગઝેબ વિશે અગાઉ પણ વિવાદ થયા છે. પરંતુ હવે જે પ્રકારના નિવેદનો અપાય છે તેના પરથી લાગે છે કે આ રાજકીય સ્ટંટ છે. જેને નેતા બનવું હોય તે આવા વિવાદાસ્પદ નિવેદનો આપે છે અને રાતોરાત લોકપ્રિય બની જાય છે, હીરો બને છે. આજકાલ આ જ ચલણ છે."

અમે આ વિસ્તારના સ્થાનિક લોકો સાથે વાત કરતા હતા ત્યારે કેટલાક પર્યટકો ઔરંગઝેબનો મકબરો જોવા આવ્યા હતા. ત્યાં કેટલાક વિદેશી પર્યટક પણ આવ્યા હતા. જોકે, બપોરના સમયે હવામાન શુષ્ક થવા લાગ્યું હતું.

જોકે, ખુલ્તાબાદમાં કેટલાક લોકો મીડિયા સાથે વાત કરવા તૈયાર ન હતા. તેઓ કહેતા હતા, "અમે કંઈક બોલીએ છીએ અને મીડિયા કંઈક બીજું દેખાડે છે."

એક માણસે મીડિયાને ગાળો ભાંડી અને ત્યાંથી જતા રહ્યા. મીડિયામાં હિંદુઓ અને મુસ્લિમોને જે રીતે દેખાડવામાં આવ્યા તે તેમને પસંદ ન હતું.

રાજકારણીઓ માત્ર હિંદુ મુસ્લિમ કરે છે

શેખ સાદિક ખુલ્તાબાદના રહેવાસી છે. તેમના કહેવા પ્રમાણે રાજકારણીઓ ઔરંગઝેબ વિશે વાત કરીને રાજકીય વિવાદ પેદા કરવાની કોશિશ કરે છે.

શેખ સાદિકે કહ્યું કે વાસ્તવિક મુદ્દા પરથી લોકોનું ધ્યાન બીજે વાળવા માટે નેતાઓ આ પ્રકારનાં નિવેદનો આપે છે.

તેઓ કહે છે, "તેઓ માત્ર હિંદુ-મુસ્લિમ કરે છે. તેઓ આવું ન કરે તો તેમને કોણ વોટ આપશે? તેઓ ધર્મનિરપેક્ષ ચીજો વિશે વાત નહીં કરે. તેઓ શિક્ષણ, રોજગાર, ઉદ્યોગો વિશે વાત નહીં કરે. કારણ કે હિંદુ મુસ્લિમ કરવામાં જ તેમને ફાયદો થાય છે."

ખુલ્તાબાદમાં હિંદુ-મુસ્લિમ એકતા

ખુલ્તાબાદ એક ધાર્મિક અને ઐતિહાસિક પરંપરા ધરાવતું ગુમ છે. પ્રાચીનકાળમાં ખુલ્તાબાદને ધરતી પરનું સ્વર્ગ કહેવાતું હતું. વિખ્યાત ધાર્મિક સ્થળ ભદ્ર મારુતિ અહીં આવેલું છે.

ખુલ્તાબાદ ક્ષેત્રમાં એક ગિરિજી દેવી મંદિર અને એક દત્ત મંદિર છે.

દક્ષિણ ભારતમાં ઈસ્લામનો ગઢ અને સૂફી આંદોલનનું કેન્દ્ર હોવાના કારણે દેશ-વિદેશથી સૂફી અહીં આવે છે. તેમાંના બધાની કબર ખુલ્તાબાદમાં છે.

અહીંના મુસ્લિમ વેપારીઓનું કહેવું છે કે ખુલ્તાબાદમાં હિંદુ-મુસ્લિમ એકતાની મહાન પરંપરા છે.

શેખ ઈકબાલ કહે છે, "ખુલ્તાબાદમાં બ્રાહ્મણ વાડા, ભીલવાડા, કુંભારવાડા, ચમાર વાડા, ધોબીવાડા, સાલીવાડા, ઇમામવાડા સાબિત છે. અમે બધા હળીમળીને રહીએ છીએ. શિવજયંતિનું સરઘસ અહીંથી નીકળે ત્યારે અમે તેના પર ફૂલ અને જળ ચઢાવીએ છીએ. ઉર્સના તહેવાર વખતે હિંદુઓ અમને શુભેચ્છા પાઠવે છે. અમારા અંગત સંબંધો બહુ સારા છે."

શર્ફુદીન રમજાની 30 વર્ષથી 22 ખ્વાજા દરગાહ કમિટીના ચેરમેન છે. ઔરંગઝેબના મકબરાની નજીક તેમનું કાર્યાલય છે.

તેમણે કહ્યું કે, "ખુલ્તાબાદ બહુ જૂનું ગામ છે. અહીં હિંદુ-મુસ્લિમો વચ્ચે એકતા છે. અમે બધા સાથે મળીને તહેવાર ઊજવીએ છીએ. અમે શિવ જયંતિ, આંબેડકર જયંતિ, હોળી વખતે તેમને શુભેચ્છા પાઠવીએ છીએ. અમે તેમને ઈદ નિમિત્તે આમંત્રિત કરીએ છીએ."

બિઝનેસ પર અસર

છેલ્લા કેટલાક દિવસોથી રાજકીય હસ્તિઓ દ્વારા ઔરંગઝેબ અને તેમના મકબરા વિશે વિવાદાસ્પદ નિવેદનો આપવામાં આવ્યાં છે. કહેવાય છે કે તેના કારણે ખુલ્તાબાદના હિંદુ, મુસ્લિમ અને દલિત વેપારીઓ પર સીધી અસર પડી છે.

આ વિશે વાત કરતા એડવોકેટ ખૈસરુદ્દીન કહે છે કે, "ખુલ્તાબાદમાં હિંદુ, મુસ્લિમો અને દલિતો મળીને કુલ 1.40 લાખની વસતી છે. જ્યારે કોઈ વિવાદ થયો છે ત્યારે 1.40 લાખ હિંદુ, મુસ્લિમ કે દલિતોમાંથી કોઈએ ટિપ્પણી નથી કરી. આ અમારું સૌભાગ્ય છે."

તેઓ કહે છે, "પરંતુ જ્યારે વારંવાર તેને નિશાન બનાવાય ત્યારે અહીંના સ્થાનિક લોકોને નુકસાન થાય છે. અહીં જેટલાં પર્યટનસ્થળો છે, જેટલાં મંદિર, ગુફાઓ અને દરગાહ છે ત્યાં ચારથી પાંચ હજાર હિંદુ,મુસ્લિમ અને દલિત યુવાનો કામ કરે છે. તેનાથી લગભગ 25થી 30 હજાર લોકોની આજીવિકા ચાલે છે. વિવાદિત નિવેદન આપનારાઓને બોલવાની સ્વતંત્રતા છે, પરંતુ તેનાથી સ્થાનિક લોકોને નુકસાન થાય છે."

શેખ ઇકબાલ કહે છે, "વેરુલ ગુફાથી લઈને ઔરંગઝેબના મકબરા સુધી પર્યટકો અહીં આવે છે. પરંતુ આ પ્રકારનાં વિવાદાસ્પદ નિવેદનોની અસર પર્યટકો પર પડે છે અને અમારા વેપારને પણ અસર થાય છે."

વિશ્વ વિખ્યાત વેરુલ ગુફા ખુલ્તાબાદથી ત્રણ કિમીના અંતરે આવેલ છે.

યુવાનો વાંધાજનક પ્રકારની પોસ્ટ ન કરે

બપોરે લગભગ બે વાગ્યે અમારી મુલાકાત શેખ શાઝેબ નામના 26 વર્ષીય યુવાન સાથે થઈ, જેઓ બપોરની નમાજ માટે આવ્યા હતા.

તેમણે કહ્યું કે, "દિવસ જેમ જેમ ચઢતો જાય તેમ તેમ અમને ઔરંગઝેબ, ઔરંગઝેબ અને ઔરંગઝેબ સંભળાય છે. શું બીજો કોઈ સવાલ નથી? રાજકારણીઓએ વિકાસ પર ધ્યાન આપવું જોઈએ. તેમણે શિક્ષણ પર ધ્યાન આપવું જોઈએ. મારે યુવાનોને કહેવું છે કે આવી વિવાદાસ્પદ ચીજો પર વધુ ધ્યાન ન આપો. પોતાના મોબાઇલ અને વૉટ્સએપ પર કોઈ વાંધાજનક સ્ટેટસ ન નાખો. બધાએ શાંતિપૂર્વક રહેવું જોઈએ."

મહારાષ્ટ્રમાં કેટલીક જગ્યા પર ઔરંગઝેબની વૉટ્સએપ પોસ્ટ વિશે વિવાદ થયો છે.

ખુલ્તાબાદના મુસ્લિમ શાસકો પાસે તેઓ કેવી આશા રાખે છે, તેવું પૂછવામાં આવતા શેખ ઇકબાલ કહે છે કે, "મારી અપીલ છે કે આપણી ગંગા-યમુનાની વિરાસત છે. આપણે તેને જાળવવી જોઈએ. આપણે પ્રેમની વાત કરવી જોઈએ. યુવાનો માટે રોજગારની વાત કરવી જોઈએ, આપણે માનવી છીએ, અને આપણી માનવતા જળવાઈ રહેશે."

શર્ફુદીન રામજાની કહે છે, "હાલની સરકારે વિકાસની વાત કરવી જોઈએ. તેમણે રોજગાર, શિક્ષણ, બેરોજગારી જેવા મુદ્દા પર ધ્યાન આપવું જોઈએ. રાજકારણીઓએ વિવાદાસ્પદ નિવેદન ન આપવાં જોઈએ. અમારા ગામમાં શાંતિ છે અને અમે ઇચ્છીએ કે શાંતિ જળવાઈ રહે."

ઔરંગઝેબે ખુલ્તાબાદને શા માટે પસંદ કર્યું?

વર્ષ 1707માં અહલ્યાનગર (તે સમયનું અહમદનગર)માં દિલ્હીના બાદશાહ ઔરંગઝેબનું મૃત્યુ થયું. ત્યાર પછી તેમનો દેહ ખુલ્તાબાદ લાવવામાં આવ્યો.

ઔરંગઝેબે પોતાની વસિયતમાં લખ્યું હતું કે તેમના મૃત્યુ પછી તેમના ગુરુ સૈયદ જૈનુદ્દીન સિરાઝીની કબર નજીક તેમને દફનાવવામાં આવે.

ઔરંગઝેબના મૃત્યુ પછી તેમના પુત્ર આઝમ શાહે ખુલ્તાબાદમાં આ મકબરો બંધાવ્યો. ઔરંગઝેબનો મકબરો ઝૈનુદ્દીન સિરાઝીના મકબરા નજીક છે. ઔરંગઝેબ તેમને પોતાના ગુરુ માનતા હતા.

કહેવાય છે કે તે વખતે મકબરાના નિર્માણમાં 14 રૂપિયા અને 12 આનાનો ખર્ચ આવ્યો હતો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.