You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
200 વર્ષ જૂનો કૉન્ડોમ મ્યૂઝિયમમાં મુકાયો, શું છે ખાસિયત?
- લેેખક, બાર્બરા તાશ અને દાનાઈ નેસ્ટા કુપેમ્બા
- પદ, બીબીસી સમાચાર
એમ્સ્ટરડેમના રિજક્સ મ્યુઝિયમમાં 200 વર્ષ જૂનો કૉન્ડોમ પ્રદર્શનમાં મુકાયો છે. આ કૉન્ડોમ સારી સ્થિતિમાં છે.
એવું માનવામાં આવે છે કે તે ઘેટાની આંત્રપુચ્છમાંથી બનાવવામાં આવ્યો છે. તેના પર એક સાધ્વી અને ત્રણ પાદરીઓનું ચિત્ર છે.
આ દુર્લભ કલાકૃતિ 1830ની છે અને ગયા વર્ષે મ્યુઝિયમે એક હરાજીમાં તેને ખરીદ્યો હતો.
આ કૉન્ડોમ 19મી સદીમાં વેશ્યાવૃત્તિ અને જાતીયતા પરના પ્રદર્શનનો ભાગ છે. પ્રદર્શનમાં પ્રિન્ટ, ચિત્રો અને ફોટોગ્રાફ્સ પણ સામેલ છે.
રિજક્સ મ્યુઝિયમના ક્યુરેટર જોયસ ઝેલને બીબીસીને જણાવ્યું કે જ્યારે તેમણે પહેલી વાર હરાજીમાં કૉન્ડોમ જોયો ત્યારે તેઓ અને તેમના એક સહકર્મીને 'હસવું આવી રહ્યું હતું.'
તેમણે કહ્યું કે કોઈએ તેના પર ધ્યાન આપ્યું ન હતું. ફક્ત તેમણે જ તેના માટે બોલી લગાવી હતી.
કૉન્ડોમ મેળવ્યા પછી, તેમણે અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ હેઠળ તેની તપાસ કરી અને જાણવા મળ્યું કે તેનો ઉપયોગ થયો નથી.
ઝેલને કહ્યું, "એ સારી સ્થિતિમાં હતો."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કૉન્ડોમ ક્યાંથી આવ્યો?
તેમણે કહ્યું કે જ્યારથી આ કૉન્ડોમ પ્રદર્શિત કરવામાં આવ્યો છે, આવું થયું એ સમયથી મ્યુઝિયમમાં લોકોનો ધસારો છે. તેમને ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે, યુવાનો અને વૃદ્ધો બંને તેમાં રસ લઈ રહ્યા છે.
ઝેલેને જણાવ્યું હતું કે આ કૉન્ડોમ ફ્રાન્સના એક ભવ્ય વેશ્યાવૃત્તિ કેન્દ્રનાં વૈભવી "સ્મૃતિચિહ્નો" હોવાનું માનવામાં આવે છે. હવે આમાંથી ફક્ત બે જ બાકી હોવાનું કહેવાય છે.
મ્યુઝિયમે જણાવ્યું હતું કે આ અસામાન્ય વસ્તુ એવા યુગને દર્શાવે છે જ્યારે જાતીય આનંદ માણતા લોકોને અનિચ્છનીય ગર્ભાવસ્થા અને સિફિલિસનો ભય રહેતો હતો.
આ કૉન્ડોમ પર છપાયેલી તસવીરમાં એક સાધ્વી બેઠેલી જોવા મળે છે. તેનો ડ્રેસ ખુલ્લો છે. આ સાધ્વી પૂજારીઓ તરફ ઇશારો કરી રહી છે, અને ત્રણેય પાદરીઓ તેની સામે ઊભા છે.
આ કૉન્ડોમ પર લખ્યું છે, "વોયાલા મોન ચોઇસ" જેનો અર્થ થાય છે "આ મારી ઇચ્છા છે."
મ્યુઝિયમે જણાવ્યું હતું કે કૉન્ડોમ પરની છબી "બ્રહ્મચર્ય વિશેની ગ્રીક દંતકથા, જજમેન્ટ ઑફ પેરિસની પેરોડી તરીકે જોઈ શકાય છે."
વાસ્તવમાં આ પેરિસ નામના ટ્રોજન રાજકુમારની પૌરાણિક વાર્તા છે, જેણે નક્કી કરવાનું હતું કે એફ્રોડાઇટ, હેરા અને એથેનામાં સૌથી સુંદર દેવી કોણ છે.
આ મ્યુઝિયમે કહ્યું છે કે તેના પ્રિન્ટ કલેક્શન રૂમમાં 7.5 લાખ પ્રિન્ટ, પેઇન્ટિંગ્સ અને ફોટોગ્રાફ્સ છે. પરંતુ કૉન્ડોમ પર પ્રિન્ટનો આ પહેલો સંગ્રહ છે.
"અમે કહી શકીએ છીએ કે આ એકમાત્ર આર્ટ મ્યુઝિયમ છે જેમાં પ્રિન્ટેડ કૉન્ડોમ છે," ઝેલેને કહ્યું.
તેમણે કહ્યું કે તેમની સંસ્થા કલાકૃતિ અન્ય સંગ્રહાલયોને ઉધાર આપવા માટે હંમેશાં તૈયાર હોય છે, પરંતુ આ કૉન્ડોમ ખૂબ જ નાજુક હતો. તેમણે કહ્યું કે તે નવેમ્બરના અંત સુધી પ્રદર્શનમાં રહેશે.
કલેક્ટિવ ન્યૂઝરૂમ દ્વારા બીબીસી માટે પ્રકાશિત