ઑપરેશન બ્લૂ સ્ટાર મુદ્દે સૈન્યના ટોચના અધિકારીઓમાં મતભેદ શા માટે હતા?

    • લેેખક, રેહાન ફઝલ

વડાં પ્રધાન ઇંદિરા ગાંધીએ 1984ની 25 મેએ આખરે નક્કી કરી લીધું હતું કે અમૃતસરના સુવર્ણ મંદિરમાંથી ઉગ્રવાદીઓને હટાવવા માટે સૈન્યની મદદ લેવામાં આવશે.

ઇંદિરા ગાંધીએ સૈન્યના વડા એ.એસ. વૈદ્યને બોલાવ્યા હતા અને તેમને જણાવ્યું હતું કે એલર્ટ રહેજો, કારણ કે પંજાબનું વહીવટીતંત્ર રાજ્યમાં પરિસ્થિતિના સામના માટે ગમે તે સમયે તેમની મદદ માંગી શકે છે.

ઇંદિરા ગાંધીના વડા સચિવ તરીકે કામ કરી ચૂકેલા પી.સી.ઍલેકઝેન્ડરે તેમના પુસ્તક 'થ્રુ ધ કૉરિડોર ઑફ પાવર'માં લખ્યું છે, "જનરલ વૈદ્યે વડાં પ્રધાનને ખાતરી આપી હતી કે શક્તિનું મહત્તમ પ્રદર્શન કરવામાં આવશે, પરંતુ તેનો ઓછામાં ઓછો ઉપયોગ કરવામાં આવશે."

"ઇંદિરા ગાંધીએ જનરલ વૈદ્યને વારંવાર તાકીદ કરી હતી કે ઑપરેશનથી મંદિરને અને ખાસ કરીને હરમંદિર સાહિબને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થવું જોઈએ. હું અહીં એકદમ સ્પષ્ટ કરવા ઇચ્છું છું કે વડાં પ્રધાને 25, મેએ જે ઑપરેશનની મંજૂરી આપી હતી અને જે બાબતે જનરલ વૈદ્યે અમારી સાથે ચર્ચા કરી હતી તે ગુરુદ્વારાઓને ઘેરીને ઉગ્રવાદીઓને બહાર કાઢવા પૂરતું મર્યાદિત રાખવામાં આવ્યું હતું."

જનરલ વૈદ્યે તેમની બદલાવેલી યોજના ઇંદિરા ગાંધીને જણાવી

જનરલ વૈદ્યે ચાર દિવસ પછી ઇંદિરા ગાંધીને તત્કાળ મળવાનો સમય માંગ્યો હતો.

29 મેના રોજ થયેલી તે બેઠકમાં તેમણે વડાં પ્રધાનને તેમની પરિવર્તિત યોજના અને તેનાં કારણો વિશે વિગતવાર જણાવ્યું હતું. એ બેઠકમાં (ભારતીય ગુપ્તચર એજન્સી રૉના ભૂતપૂર્વ પ્રમુખ) રામનાથ કાવ, પી. સી. ઍલેકઝેન્ડર અને રાજ્યકક્ષાના સંરક્ષણ પ્રધાન કે. પી. સિંહદેવ પણ હાજર હતા.

જનરલ વૈદ્યે કહ્યું હતું, "બીજા તમામ ગુરુદ્વારાઓની ઘેરાબંધી કરવી શક્ય હતી, પરંતુ સુવર્ણ મંદિરની નહીં. સુવર્ણ મંદિરમાં અચાનક ઘૂસીને ઓછામાં ઓછી તાકાતનો ઉપયોગ કરીને ઉગ્રવાદીઓને તાબામાં લઈ શકાય છે. તે ઑપરેશન સૈન્યના કમાન્ડો એટલી ઝડપથી હાથ ધરશે કે ઉગ્રવાદીઓને વિચારવાનો સમય નહીં મળે અને મંદિરની ઇમારતને પણ કશું નુકસાન નહીં થાય."

ઇંદિરા ગાંધીએ જનરલ વૈદ્યને પૂછ્યા અનેક આકરા સવાલ

પી.સી.ઍલેકઝેન્ડર લખે છે, "યોજનામાં થયેલા આ અચાનક ફેરફારથી વડાં પ્રધાન ઇંદિરા ગાંધી આશ્ચર્યચકિત થઈ ગયાં હતાં. તેઓ મંદિરમાં શક્તિના ઉપયોગથી બહુ ચિંતિત જણાયાં હતાં અને તેમણે જનરલ વૈદ્યને અનેક સવાલ પૂછ્યા હતા."

"તેમણે સવાલ કર્યો હતો કે ઉગ્રવાદીઓ જોરદાર પ્રતિરોધ કરશે તો તમે શું કરશો? તેઓ એ પણ જાણવા ઇચ્છતાં હતાં કે ઉગ્રવાદીઓ પર અંકુશ મેળવવામાં કેટલો સમય લાગશે અને ગુરુ ગ્રંથ સાહિબ રાખવામાં આવ્યા છે એ જગ્યાએ ઉગ્રવાદીઓ છૂપાઈ જશે તો તમે શું કરશો?"

"તેમણે એવો સવાલ પણ કર્યો હતો કે ઘેરાબંધીની યોજનાને આટલી ઝડપથી કેમ પડતી મૂકવામાં આવી રહી છે? ઇંદિરા ગાંધીએ આ ઑપરેશનમાં થનારા સંભવિત નુકસાન બાબતે પણ જનરલ વૈદ્યને સવાલ કર્યા હતા. તેઓ જનરલ વૈદ્ય પાસેથી એ જાણવા ઇચ્છતાં હતાં કે આ પ્રકારના ઑપરેશનથી ભારતીય સૈન્યમાં શીખ જવાનોની વફાદારી તથા શિસ્ત પર કોઈ અસર થશે કે કેમ?"

જનરલ સુંદરજીની ઇંદિરા ગાંધી સાથે મુલાકાત

ચાર દિવસ પછી વેસ્ટર્ન કમાન્ડના વડા લેફ્ટનન્ટ જનરલ સુંદરજી દિલ્હી આવીને ઇંદિરા ગાંધીને મળ્યા હતા. આ મામલે ઇંદિરા ગાંધીએ જનરલ વૈદ્ય કરતાં વધારે ભરોસો લેફ્ટનન્ટ જનરલ સુંદરજીની સલાહ પર કર્યો હોય એવું લાગે છે.

એ સમયે અમૃતસરના જિલ્લા મેજિસ્ટ્રેટ અને બાદમાં પંજાબના મુખ્ય સચિવ બનેલા રમેશ ઇંદર સિંહે તેમના પુસ્તક 'ટર્મૉઇલ ઇન પંજાબ બિફોર ઍન્ડ આફ્ટર બ્લૂ સ્ટાર'માં લખ્યું છે કે, "સુંદરજીએ ઝડપી 'બ્લિટ્ઝ'ની તરફેણ કરી હતી, જેને આજકાલની ભાષામાં 'સર્જિકલ સ્ટ્રાઇક' કહેવામાં આવે છે. રાજકીય નેતૃત્વએ તે વાત સ્વીકારી લીધી હતી."

"સુંદરજીને આ ઓપરેશન માટે ખુલ્લી છૂટ આપવામાં આવી હતી, કારણ કે એલેકઝેન્ડરના શબ્દોમાં 'ઇંદિરા ગાંધી જનરલોના પ્રોફેશનલ નિર્ણયોનો આદર કરતાં હતાં.' સુંદરજીના મૃત્યુ પછી પ્રકાશિત તેમની જીવનકથામાં તેમનાં પત્ની વાણીએ લખ્યું હતું કે ઇંદિરા ગાંધીને મળીને રાતે બે વાગ્યે સુંદરજી ઘરે પાછા ફર્યા ત્યારે તેમણે મને એટલું જ કહ્યું હતું કે ઇટ ઇઝ અ ટફ વન."

ચેઈન ઑફ કમાન્ડનું ઉલ્લંઘન

સુંદરજીએ દિલ્હીમાં ઇંદિરા ગાંધીની એક કરતાં વધુ વખત મુલાકાત લીધી હતી.

તેની પુષ્ટિ કરતાં મિલિટરી ઑપરેશન્શના તત્કાલીન ઍડિશનલ ડિરેક્ટર જનરલ લેફ્ટનન્ટ જનરલ વી. કે. નાયરે તેમના પુસ્તક 'ફ્રૉમ ફટીગ્ઝ ટુ સિવીઝ'માં લખ્યું છે, "જનરલ સુંદરજી અને તેમના ચીફ ઑફ સ્ટાફ જનરલ દયાલ ઘણી વખત વડાં પ્રધાનની ઑફિસ બહાર નીકળતા જોવા મળ્યા હતા, પરંતુ જનરલ વૈદ્ય ક્યાંય દેખાતા ન હતા. રાજકીય નેતૃત્વ ચેઈન ઑફ કમાન્ડને બાયપાસ કરીને ઑપરેશનલ કમાન્ડરોના સીધા સંપર્કમાં હતું."

"રાજકીય નેતૃત્વએ સેના અધ્યક્ષની અવગણના કરીને જૂનિયર જનરલ સાથે મસલત કરી હોય અને બન્ને વખતે સૈન્યએ માઠા પરિણામનો સામનો કરવો પડ્યો હોય એવું ભારતીય સૈન્યના ઇતિહાસમાં તે બીજી વખત બન્યું હતું. પહેલી વખત આવું 1962માં ચીન સામેના યુદ્ધ વખતે થયું હતું. ત્યારે લેફ્ટનન્ટ જનરલ બી. એમ. કૌલને સૈન્યના અધ્યક્ષ કરતાં વધારે મહત્ત્વ આપવામાં આવ્યું હતું. બીજી વખત આવું ઑપરેશન બ્લૂ સ્ટાર દરમિયાન થયું હતું."

સૈન્યના અનેક અધિકારીઓએ કર્યો ઑપરેશન બ્લૂ સ્ટારનો વિરોધ

લેફ્ટનન્ટ જનરલ સી.એન. સોમન્ના એ સમયે સંરક્ષણ સંબંધી મામલાઓની એક થિંક ટૅન્કના વડા હતા.

તેઓ માનતા હતા કે સૈન્યને માત્ર પ્રોફેશનલ કારણોસર પંજાબથી અલગ રાખવું જોઈએ. મેજર જનરલ વી. કે. નાયર પણ માનતા હતા કે પંજાબ એક ધાર્મિક-રાજકીય સમસ્યા છે. તેનું નિરાકરણ લશ્કરી કાર્યવાહીથી થઈ શકે નહીં. તેમણે તેમના વિચાર જનરલ વૈદ્ય સમક્ષ એકથી વધુ વખત જણાવ્યા હતા, પરંતુ જનરલ વૈદ્ય તરફથી કોઈ હકારાત્મક પ્રતિસાદ મળ્યો ન હતો.

જનરલ નાયરે તેમના પુસ્તકમાં લખ્યું છે, "કોઈ પણ સંકટ વિશે કોઈ પણ પ્રતિક્રિયા ન આપવી તે જનરલ વૈદ્યના વ્યક્તિત્વની ખાસિયત હતી. મને લાગતું હતું કે આટલા નાજુક સમયે એક ખોટી વ્યક્તિ સૈન્યનું નેતૃત્વ કરી રહી છે. તેઓ કોઈ સવાલ કર્યા વિના રાજકીય નેતૃત્વના આદેશનું પાલન કરતી વ્યક્તિ હતા."

"તેમનું કદ અને હિંમત ફિલ્ડ માર્શલ સૅમ માણેક શૉ જેવા ન હતા. જનરલ માણેક શૉએ એપ્રિલ, 1971માં બાંગ્લાદેશની આઝાદીની લડાઈમાં કૂદી પડવાના વડાં પ્રધાનના આદેશનો એમ કહીને અસ્વીકાર કર્યો હતો કે સૈન્ય કદાચ એ માટે તૈયાર નથી. તેનું કારણ કદાચ એ પણ હશે કે તેઓ સૈન્યના સૌથી વરિષ્ઠ જનરલ એસ. કે. સિન્હાને સુપરસીડ કરીને ભારતના તેરમા સેના અધ્યક્ષ બન્યા હતા."

'સંરક્ષણ મંત્રાલય અને સેના અધ્યક્ષ માત્ર દર્શકની ભૂમિકામાં'

પંજાબમાં સૈન્યને તો મોકલવામાં જ આવશે એવું લગભગ નક્કી થઈ ગયું ત્યારે જનરલ વી. કે. નાયરે મે, 1984માં કર્નલ જી. એસ. બાલ અને કર્નલ એસ. પી. કપૂરની મદદથી એક વૈકલ્પિક યોજના બનાવી હતી.

તેમાં સૈન્યનો ઉપયોગ ઑપરેશનલ ફોર્સને બદલે એક મનોવૈજ્ઞાનિક હથિયાર તરીકે કરવાનો હતો. તે વ્યૂહરચનાનો ઉદ્દેશ લોકમત પોતાની તરફેણમાં કરવાનો હતો.

રમેશ ઇંદર સિંહ લખે છે, "સુંદરજીએ સંરક્ષણ મંત્રાલયના પ્રસ્તાવ અને સૈન્યના ચેઈન ઑફ કમાન્ડની અવગણના કરીને વડાં પ્રધાનનો સીધો સંપર્ક કર્યો હતો. સંરક્ષણ મંત્રાલય અને સેના અધ્યક્ષ માત્ર દર્શકની ભૂમિકામાં રહી ગયા હતા."

જનરલ નાયર તેમના પુસ્તકમાં લખે છે, "આ બાબતે સૈન્યમાં ફેબ્રુઆરી, 1984થી ચર્ચા શરૂ થઈ ગઈ હતી. તમામ માહિતી એકઠી કર્યા પછી અને તેનું આકલન કર્યા બાદ બંધ ઓરડામાં મારી મુલાકાત સેના અધ્યક્ષ સાથે થઈ હતી. મેં તેમને સ્પષ્ટ સલાહ આપી હતી કે તેમણે વડાં પ્રધાનને મળીને સૈન્યના વિચારો જણાવવા જોઈએ. તેની પાછળનું એક કારણ એ હતું કે સૈન્ય માટે પંજાબ ઘણું જ મહત્ત્વપૂર્ણ હતું."

સૈન્ય મોકલવા સિવાયના વિકલ્પોની વિચારણા

એ સમયે બૉર્ડર સિક્યૉરિટી ફોર્સના ડિરેક્ટર જનરલ બીરબલ નાથે તેમના પુસ્તક 'ધ અનડિસ્ક્લોઝ્ડ પંજાબ ઇન્ડિયા બિસીઝ્ડ બાય ટેરર'માં રહસ્યોદ્ઘાટન કર્યું હતું કે "ભિંડરાવાલે સામે કામ પાર પાડવા માટે ઇઝરાયલ જેવી એક યોજનાની વિચારણા કરવામાં આવી હતી."

"તેનો સાર એ હતો કે એક શાર્પશૂટર ભિંડરાવાલેને દૂરથી નિશાન બનાવશે, પરંતુ જેને આ જવાબદારી સોંપવામાં આવી હતી તે કેન્દ્રીય એજન્સીએ પોતાના ઉઘાડા પડવાનું કારણ આપીને હાથ ઊંચા કરી દીધા હતા."

બીરબલ નાથે આ કામ માટે પૈસાના બદલામાં એક વિદેશી વ્યક્તિની મદદ લેવાનો પ્રસ્તાવ પણ મૂક્યો હતો, પરંતુ તેની પરવાનગી બહુ વિલંબે મળી હતી.

રૉના ભૂતપૂર્વ એડિશનલ ડિરેક્ટર જી બી એસ સિદ્ધુએ બીબીસી સાથે વાત કરતાં કહ્યું હતું, "એક ટૉપ સિક્રેટ હેલીબૉર્ન ઑપરેશન બાબતે બહુ ગંભીરતાથી વિચાર કરવામાં આવ્યો હતો, જેમાં ભિંડરાવાલેનું સુવર્ણ મંદિરના ગુરુ નાનક નિવાસથી અપહરણ કરવાનું હતું. એ ઑપરેશનને સન ડાઉન એવું નામ આપવામાં આવ્યું હતું, પરંતુ તેની બન્ને બાજુનો વિચાર કર્યા બાદ ઇંદિરા ગાંધીએ તેની પરવાનગી આપી ન હતી."

ઈંદિરા ગાંધીનો રાષ્ટ્રજોગ સંદેશ

સરકારના નિયંત્રણ હેઠળના આકાશવાણી અને દૂરદર્શને બીજી જૂને રાતે આઠ વાગ્યે તમામ નિયમિત કાર્યક્રમો રોકીને જાહેરાત કરી હતી કે વડાંપ્રધાન સાડા આઠ વાગ્યે દેશને સંબોધન કરશે.

પત્રકાર માર્ક ટલી અને સતીશ જેકબે તેમના પુસ્તક 'અમૃતસર મિસિસ ગાંધીઝ લાસ્ટ બેટલ'માં લખ્યું છે, "સાડા આઠ વાગી ગયા, પરંતુ કોઈ સંદેશો પ્રસારિત થયો નહીં. લગભગ 45 મિનિટના વિલંબ પછી સવા નવ વાગ્યે તેનું પ્રસારણ શરૂ થયું હતું."

"તેમણે તેમના ભાષણમાં છેલ્લી ઘડીએ કેટલાક ફેરફાર કર્યા હતા. તેમણે તમામ પંજાબવાસીઓને અપીલ કરી હતી કે લોહી વહાવશો નહીં, નફરત વહાવી દો. જોકે, વડાં પ્રધાને પહેલાંથી જ નક્કી કરી લીધું હતું કે તેઓ જરૂર પડ્યે લોહી વહેવડાવશે."

સુવર્ણ મંદિરમાં સૈન્ય મોકલવાના ઇંદિરા ગાંધીના પગલાનું રાજકીય જોખમ તો હતું જ. એ ઉપરાંત તેમની અને તેમના પરિવારની સલામતી પણ દાવ પર લાગી હતી.

માર્ક ટલી અને સતીશ જેકબ લખે છે, "વડાં પ્રધાનના સુરક્ષા સલાહકારોએ રાજીવ ગાંધીને પહેલેથી જ જણાવી દીધું હતું કે તેઓ તેમના દીકરા તથા દીકરીને બોર્ડિંગ સ્કૂલમાંથી પાછા બોલાવી લે."

"તેમનું કહેવું હતું કે બાળકો દિલ્હીમાં વડાં પ્રધાનના આવાસની અંદર રહે ત્યારે જ તેમની સલામતી સુનિશ્ચિત કરી શકાય."

જનરલ દયાલને બનાવવામાં આવ્યા રાજ્યપાલના સલાહકાર

એ દરમિયાન ઇંદિરા ગાંધીએ પંજાબના રાજ્યપાલ બી.ડી.પાંડેને દિલ્હી બોલાવીને જણાવી દીધું હતું કે સરકાર પંજાબમાં સૈન્ય મોકલી રહી છે. તેમને કહેવામાં આવ્યું હતું કે તેઓ આ વાત ગુપ્ત રાખે અને ગુપ્તચર બ્યુરોના ડિરેક્ટર સાથે પણ આ વાતની ચર્ચા ન કરે.

પાંડેએ પંજાબના મુખ્ય સચિવ અને ગૃહ સચિવને કેન્દ્ર સરકારના આ નિર્ણયની માહિતી બીજી જૂને આપી હતી. એ પછી વેસ્ટર્ન કમાન્ડના વડા લેફ્ટનન્ટ જનરલને આ વિશે પત્ર લખવામાં આવ્યો હતો.

રમેશ ઇંદર સિંહ લખે છે, "સૈન્યને જે પત્ર મોકલવાનો હતો તે જનરલ સુંદરજી પાસે પહોંચે તે પહેલાં લેફ્ટનન્ટ જનરલ આર.એસ.દયાલની નિમણૂક પંજાબના રાજ્યપાલ સુરક્ષા સલાહકાર તરીકે કરવામાં આવી હતી."

"સૈન્યમાં કામ કરતા કોઈ જનરલને કોઈ બિન-લશ્કરી જવાબદારી સોંપવામાં આવી હોય એવી તે કદાચ પહેલી ઘટના હતી. એ દિવસે જનરલ દયાલે પંજાબના પોલીસ વડા પી.એસ.ભિંડર સાથે એક પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું, પરંતુ સૈન્ય સુવર્ણ મંદિરમાં ઘૂસવાનું છે એ જણાવ્યું ન હતું."

સૈન્યના સર્વોચ્ચ સેનાપતિને ઑપરેશન બ્લૂ સ્ટારની ખબર નહીં

મેરઠ સ્થિત 9 ઈન્ફન્ટ્રી ડિવિઝનના સૈનિકો 300 માઈલનો પ્રવાસ કરીને 29 જૂને અમૃતસર પહોંચવા શરૂ થયા હતા. તેઓ સ્થાનિક વહીવટી તંત્રની મદદ કરવા આવ્યા હતા, પરંતુ સ્થાનિક વહીવટીતંત્રને તેની સત્તાવાર ખબર ન હતી.

સુવર્ણ મંદિર પરિસરનો વીજ અને પાણી પુરવઠો ત્રીજી જૂને કાપી નાખવામાં આવ્યો હતો. સૈન્યના સર્વોચ્ચ સેનાપતિ હોવા છતાં તત્કાલીન રાષ્ટ્રપતિ જ્ઞાની ઝૈલ સિંહને ઑપરેશન બ્લૂ સ્ટાર વિશે અગાઉથી કોઈ માહિતી આપવામાં આવી ન હતી.

તેમણે તેમની આત્મકથા 'મેમૉઇર્સ ઑફ જ્ઞાની ઝૈલ સિંહ'માં લખ્યું છે, "ઑપરેશન બ્લૂ સ્ટાર બાબતે મને વિશ્વાસમાં લેવામાં આવ્યો ન હતો. એ શરૂ થયું ત્યારે મને તેની ખબર પડી હતી."

પી.સી.ઍલેકઝેન્ડર તેનાં બે કારણ આપે છે. તેમણે લખ્યું છે, "ત્યાં સુધીમાં વડાં પ્રધાન સાથેના તેમના સંબંધ એટલા ખરાબ થઈ ગયા હતા કે વડાં પ્રધાનને તેમનામાં જરાય વિશ્વાસ રહ્યો ન હતો. બીજું, તેમને નુકસાનની ગંભીરતાનો અંદાજ ન હતો."

રાષ્ટ્રપતિ જ્ઞાની ઝૈલ સિંહની નારાજગી

ઇંદિરા ગાંધી 30 મેએ જ્ઞાની ઝૈલ સિંહને મળવા ગયાં હતાં અને તેમની સાથે બે કલાક પસાર કર્યા હતા એ સર્વવિદિત છે.

જ્ઞાની ઝૈલ સિંહે તેમની આત્મકથામાં લખ્યું છે, "મેં વડાં પ્રધાનને ભડકાઉ હસ્તક્ષેપ સામે સાવચેત કર્યાં હતાં અને તેમને સલાહ આપી હતી કે ઝીણવટભરી વ્યૂહરચના અપનાવીને બંદૂકધારીઓને મંદિરમાંથી બહાર કાઢવાના પ્રયાસ કરજો."

એ તો સ્પષ્ટ છે કે રાષ્ટ્રપતિની વાત માનવામાં આવી ન હતી. તેમના જણાવ્યા મુજબ, તેમને એવો આભાસ કરાવવામાં આવ્યો હતો કે પોલીસ કાર્યવાહીની યોજના બનાવવામાં આવી રહી છે. વાસ્તવમાં સૈન્યનું 9 ઇન્ફન્ટ્રી ડિવિઝન 29, મેએ જ અમૃતસર પહોંચી ગયું હતું.

જ્ઞાની ઝૈલ સિંહે તેમની આત્મકથામાં સવાલ કર્યો છે, "ઑપરેશન બ્લૂ સ્ટાર પછી મેં તેમને પૂછ્યું હતું કે આટલું મોટું પગલું લેતા પહેલાં તેમણે મને સૂચિત કરવાની જરૂર હતી, પરંતુ તેમની પાસે તેનો કોઈ જવાબ ન હતો."

ઇંદિરા ગાંધીએ પ્રણવ મુખરજીની દલીલ પણ સ્વીકારી નહીં

વાસ્તવમાં પંજાબમાં સૈન્ય મોકલવાનો નિર્ણય મેમાં યોજાયેલી પ્રધાનમંડળની રાજકીય મામલાઓની સમિતિની બેઠકમાં જ કરી લેવામાં આવ્યો હતો.

એ વખતે પ્રણવ મુખરજીએ આ બાબતે શંકા વ્યક્ત કરી હતી, પરંતુ ઇંદિરા ગાંધીએ એવું કહીને તેમની વાત માની ન હતી કે પરિણામથી હું વાકેફ છું.

પ્રણવ મુખરજીએ તેમના પુસ્તક 'ધ ટર્બ્યુલન્ટ યર્સ 1980-1996'માં લખ્યું છે, "પાણીપતની ત્રીજી લડાઈ પછી અહમદ શાહ અબ્દાલીએ સુવર્ણ મંદિરમાં કશુંક ખોટું કરવાના પ્રયાસ કર્યા ત્યારે ગંભીર પરિણામનો સામનો કરવો પડ્યો હતો. આ વાત મેં કૅબિનેટ કમિટીની બેઠકમાં યાદ કરાવી હતી."

"જોકે, ઇંદિરા ગાંધીનો જવાબ એવો હતો કે ક્યારેક ઇતિહાસની માંગ હોય છે કે એવાં પગલાં લેવામાં આવે, જે પાછળથી સાચા સાબિત ન થાય, પરંતુ તે સમયના સૌથી યોગ્ય પગલાં લાગે. આ નિર્ણયને ટાળી શકાય નહીં."

સૈન્ય અને જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓની બેઠક

સૈન્યના ગણવેશમાં સજ્જ એક સૈનિક મોટરસાયકલ પર સવાર થઈને ત્રીજી જૂને અમૃતસરના જિલ્લા મેજિસ્ટ્રેટની ઑફિસે પહોંચ્યો હતો. તેની પાસે જિલ્લા મેજિસ્ટ્રેટ ગુરદેવ સિંહ માટે 9 ઇન્ફેન્ટરી ડિવિઝનના મેજર જનરલ કે. એસ. બ્રારનો એક ડીઓ લેટર હતો.

પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે જનરલ બ્રાર અમૃતસર પહોંચી ગયા છે અને તેમણે સૈન્યના અલગ-અલગ એકમો તથા અર્ધસૈનિક દળોના કમાન્ડર તરીકે કાર્યભાર સંભાળી લીધો છે.

પત્રમાં એવું પણ લખવામાં આવ્યું હતું કે તેમણે સાંજે પાંચ વાગ્યે વહીવટીતંત્ર અને સૈન્યના વરિષ્ઠ અધિકારીઓની બેઠક યોજી છે, જેથી લોકો એકમેક વિશે જાણી શકે.

રમેશ ઇંદર સિંહ લખે છે, "ઑપરેશન બ્લૂ સ્ટાર વિશે અમે પહેલીવાર ત્રીજી જૂને સાંજે પાંચ વાગ્યે યોજાયેલી બેઠકમાં સાંભળ્યું હતું. મેં અમૃતસરના જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે વિધિવત કાર્યભાર સંભાળ્યો ન હતો, પરંતુ ગુરુદેવ સિંહ રજા પર જવાના હતા."

"તેથી સાતત્ય જાળવી રાખવા માટે હું તેમની સાથે બેઠકમાં સામેલ થવા ગયો હતો. કે. એસ. બ્રારે તેમને આપવામાં આવેલી જવાબદારી વિશે અમને માહિતી આપી હતી. તેમણે એવું પણ જણાવ્યું હતું કે ત્રીજી જૂને રાતે નવ વાગ્યાથી સમગ્ર રાજ્યમાં કર્ફ્યુ લાદવામાં આવશે."

જ્યારે જનરલ બ્રાર અને બૉર્ડર સિક્યૉરિટી ફોર્સના ડીઆઈજી જી. એસ. પંઢેર વચ્ચે તે બેઠકમાં તકરાર થઈ

રમેશ ઇંદર સિંહ લખે છે, "બ્રાર ઇચ્છતા હતા કે સૈન્ય ઘૂસે એ પહેલાં મંદિર પાસે તહેનાત કરવામાં આવેલા સીઆરપીએફ અને બૉર્ડર સિક્યૉરિટી ફોર્સના જવાનો ચોથી-પાંચમી જૂની મધરાતે પરિસરની અંદરની કિલ્લેબંધી પર ફાયરિંગ કરે, જેથી ઉગ્રવાદીઓ તેનો જવાબ ગોળીબારથી આપે અને એ રીતે ખબર પડે કે તેમણે ક્યાં-ક્યાં મોરચો બનાવી રાખ્યો છે."

"આવો લેખિત આદેશ નહીં મળે ત્યાં સુધી હું તેનું પાલન કરીશ નહીં, એવું કહીને પંઢેરે બ્રારના આદેશને માનવાનો ઇનકાર કર્યો હતો. તેમની દલીલ એવી હતી કે બૉર્ડર સિક્યૉરિટી ફોર્સના જવાનો ત્યારે જ ફાયરિંગ કરશે, જ્યારે ઉગ્રવાદીઓ તેમના પર ગોળીબાર કરે. બ્રાર એકદમ ગુસ્સે થઈને બરાડ્યા હતા કે 'ધિસ ઇઝ મ્યુટિની' એટલે કે આ તો વિદ્રોહ છે, પરંતુ પંઢેર પર તેની કોઈ અસર થઈ ન હતી."

સૈન્ય અને નાગરિક વહીવટીતંત્ર વચ્ચે સમન્વય નહીં

એ જાહેર છે કે જનરલ બ્રારે તેમના વરિષ્ઠ અધિકારીઓને ફરિયાદ કરતાં પંઢેરને હટાવવાની માંગ કરી હતી.

બીજી તરફ પંઢેર કોઈ જનરલના હાથ નીચે કામ કરવા ઇચ્છતા ન હતા. તેથી તેમણે તેમને વરિષ્ઠ અધિકારીઓને વાયરલેસ મૅસેજ મોકલ્યો હતો કે તેમને રજા પર જવાની પરવાનગી આપવામાં આવે.

બૉર્ડર સિક્યૉરિટી ફોર્સના તત્કાલીન ડિરેક્ટર જનરલ બીરબલ નાથે પંઢેરને હટાવવાની વિનંતીનો વિરોધ કર્યો ન હતો. પછી જનરલ બ્રારના મૌખિક આદેશનું પાલન ન કરવા બદલ પંઢેર વિરુદ્ધ ઇન્ક્વાયરી કરવામાં આવી હતી.

પંઢેર સામેના આરોપ સાબિત થઈ શક્યા ન હતા. પહેલાં તેમને મણિપુરમાં પોલીસના ડિરેક્ટર જનરલ અને બાદમાં બ્યુરો ઑફ પોલીસ રિસર્ચ ઍન્ડ ડેવલપમેન્ટના ડિરેક્ટર જનરલ બનાવવામાં આવ્યા હતા.

રમેશ ઇંદર સિંહ લખે છે કે, "નાગરિક વહીવટીતંત્ર પાસેથી સૈન્યને જે પ્રકારના સહકાર અને સમન્વયની આશા હતી એ વિશે અમને જણાવવામાં આવ્યું ન હતું. જનરલના વલણ પરથી સ્પષ્ટ હતું કે તેમનામાં વધારે પડતો આત્મવિશ્વાસ હતો. તેમને વાસ્તવિક પરિસ્થિતિની સમજ ન હતી અને તેઓ જિલ્લા વહીવટીતંત્રને સાથે લઈને આગળ વધવા ઇચ્છતા ન હતા."

સીઆઈડીના મૂલ્યાંકનની અવગણના

સીઆઈડીના એસપી હરજીત સિંહનું આકલન એવું હતું કે મંદિર પરિસરમાં 400થી 500 ઉગ્રવાદીઓ છે અને સૈન્ય પરિસરમાં ઘૂસશે તો ઉગ્રવાદીઓ છેલ્લા શ્વાસ સુધી તેમનો મુકાબલો કરશે.

તેમણે એવું પણ જણાવ્યું હતું કે ઉગ્રવાદીઓ પાસે હથિયારોની કમી નથી. હરજીત સિંહનું એવું આકલન પણ હતું કે મંદિર પરિસરમાં લગભગ 1,500 તીર્થયાત્રીઓ ફસાયેલા છે.

રમેશ ઇંદર સિંહ લખે છે, "જોકે, બ્રારે તેનો એવું કહીને ઇનકાર કર્યો હતો કે ઉગ્રવાદીઓ અમારા કાળા ભૂતો (કાળાં વસ્ત્રોમાં સજ્જ કમાન્ડોઝ)ને જોશે તો ડરીને ભાગી જશે. ઇતિહાસ જણાવે છે કે જનરલ બ્રારનું આકલન સંપૂર્ણપણે ખોટું સાબિત થયું હતું."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન