મજરૂહ સુલતાનપુરીને જ્યારે જવાહરલાલ નહેરુ વિરુદ્ધ કવિતા લખવા બદલ એક વર્ષની સજા થઈ

    • લેેખક, રેહાન ફઝલ
    • પદ, બીબીસી હિન્દી

પોતાની શાયરી માટે મજરૂહ સુલતાનપુરી કહેતા રહેતા કે, "આ કામ મેં કોઈક રીતે નિભાવી તો લીધું, પરંતુ એ વાત જરૂર છે કે ન તો હું સંપૂર્ણ શાયર બની શક્યો, ન પૂરો ગીતકાર."

કૉમર્શિયલ ફિલ્મોમાં લેખનની બાબતમાં તેમના મનમાં કોઈ પ્રકારની શરમ નહોતી, તોપણ તેમણે પોતાને મળેલી ફિલ્મી ટ્રૉફીઝ સાથે ક્યારે તસવીર નથી પડાવી. તેઓ કહેતા કે, "હું ફિલ્મી માણસ નથી."

1 ઑક્ટોબર, 1919એ જન્મેલા મજરૂહ સુલતાનપુરીનું આખું નામ અસરાર-ઉલ હસન ખાન હતું. તેમના પિતા મોહમ્મદ હુસૈન પોલીસમાં કૉન્સ્ટેબલ હતા.

તેમનું શરૂઆતનું શિક્ષણ અરબી, ફારસી અને ઉર્દૂમાં થયું હતું. ઈ.સ. 1913માં તેઓ મૌલવી, આલિમ અને ફાઝિલનો અભ્યાસ કરવા અલાહાબાદ ગયા હતા, પરંતુ ત્યાંથી તેમને કાઢી મૂકવામાં આવ્યા હતા. ત્યાર પછી તેમણે હકીમ બનવાનો નિશ્ચય કર્યો.

ત્રણ વર્ષ સુધી તેમણે લખનૌમાં યુનાની દવાઓનો અભ્યાસ કર્યો. પછી તેમણે ત્યાં એક ક્લિનિક પણ ખોલ્યું, પરંતુ તે થોડાક મહિના જ ચાલ્યું, કેમ કે, તેમના ભાગ્યમાં તો શાયર બનવાનું લખ્યું હતું.

જિગર મુરાદાબાદીએ શિષ્ય બનાવ્યા

એ જમાનામાં લખનૌ અધ્યયન અને સંસ્કૃતિનું કેન્દ્ર હતું. મજરૂહે મુશાયરાઓમાં જવાનું શરૂ કરી દીધું અને ત્યાંથી પ્રેરાઈને લખવાનું પણ શરૂ કરી દીધું.

પહેલી વાર જ્યારે તેમણે મંચ પર પોતાની રચના વાંચી ત્યારે તેમને ખૂબ જ વાહવાહી મળી.

ઉર્દૂના પ્રખ્યાત શાયર જિગર મુરાદાબાદી તેમનાથી એટલા બધા પ્રભાવિત થયા કે તેમણે તેમને પોતાના શિષ્ય બનાવી દીધા.

માણેક પ્રેમચંદ પોતાના પુસ્તક 'મજરૂહ સુલતાનપુરી ધ પોએટ ફૉર ઑલ રીજન્સ'માં લખે છે, "1939માં જિગર મજરૂહને પોતાની સાથે લઈને અલીગઢ ગયા, જ્યાં તેમણે યુવા શાયરને શહેરના શાયરાના વાતાવરણનો પરિચય કરાવ્યો. 1945માં તેઓ પ્રોગ્રેસિવ રાઇટર્સ ઍસોસિયેશન (પીડબ્લ્યુએ)ના સભ્ય બની ગયા."

કુલદીપકુમારે 'ધ હિન્દુ'ના ફેબ્રુઆરી 2020માં છપાયેલા પોતાના લેખમાં 'મજરૂહ સુલતાનપુરી ધ વૂંડેડ હાર્ટ'માં લખ્યું, "અસરાર-ઉલ હસને ખૂબ નાની ઉંમરે શાયરી શરૂ કરી દીધી હતી. તે સમયે તેઓ 'નાસેહ' નામથી શાયરી કરતા હતા. પછી તેઓ એક છોકરીના પ્રેમમાં પડી ગયા પરંતુ તેમને તેનો પ્રેમ ન મળ્યો. ત્યાર પછી તેમણે પોતાનું નામ 'મજરૂહ' રાખી લીધું. જેનો અર્થ થાય છે ઘાયલ."

મજરૂહે લખેલું ગીત જબ દિલ હી ટૂટ ગયા સહગલે ગાયું

1944માં અનેક મોટા શાયરો, જેવા કે, આહ સીતાપુરી, જિયા સરહદી અને જોશ મલીહાબાદી મુંબઈમાં નામ કમાઈ રહ્યા હતા. તેથી, બીજા વર્ષે જ્યારે જિગરે મજરૂહને પોતાની સાથે મુંબઈ આવવાનું કહ્યું ત્યારે તેઓ તરત તૈયાર થઈ ગયા.

મજરૂહ મુંબઈમાં ફિલ્મોના લીધે નહીં, પરંતુ ત્યાં થતા મુશાયરાના કારણે ગયા હતા.

એ જ દિવસોમાં ફિલ્મ નિર્માતા એઆર કારદાર અને સંગીતકાર નૌશાદ નવા ગીતકારોને શોધતા હતા, કેમ કે, સ્થાપિત થઈ ગયેલા ગીતકારોએ વધારે પૈસા માગવાનું શરૂ કરી દીધું હતું.

કારદાર અને નૌશાદે તેમને એક મુશાયરામાં સાંભળ્યા અને તેમના ચાહક બની ગયા. તેમણે તેમને પોતાની ફિલ્મ 'શાહજહાં'માં ગીત લખવા માટે આમંત્રિત કર્યા.

મજરૂહે પહેલાં તો ઇનકાર કર્યો, પરંતુ પછી જિગર મુરાદાબાદીના કહેવાથી ફિલ્મ માટે ગીત લખવા માટે તૈયાર થયા.

માણેક પ્રેમચંદ લખે છે, "ખુમાર બારાબંકી અને મજરૂહ સુલતાનપુરી બંનેને જિગર મુરાદાબાદીએ શોધ્યા એટલું જ નહીં, બલકે તેમને પોતાના શિષ્ય પણ બનાવ્યા હતા. આ બંને શાયર 1945માં મુશાયરામાં ભાગ લેવા મુંબઈ પહોંચ્યા હતા, જ્યાં કારદાર અને નૌશાદની નજર તેમના પર પડી હતી અને તેમણે આ બંનેને સાઇન કરી લીધા હતા."

"ખુમારે સહગલ માટે લખ્યું હતું, 'ઐ દિલ-એ-બેકરાર ઝૂમ', જ્યારે મજરૂહે સહગલ માટે લખ્યું હતું, 'જબ દિલ હી ટૂટ ગયા'. સહગલે તો એવી ઇચ્છા પણ પ્રગટ કરી હતી કે જ્યારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવે ત્યારે 'જબ દિલ હી ટૂટ ગયા, હમ જી કે ક્યા કરેંગે' વગાડવામાં આવે."

મજરૂહે એક વર્ષ જેલમાં વિતાવ્યું

મજરૂહને ભારતના ભવિષ્ય વિશે ખૂબ જ ચિંતા રહેતી હતી. તેમનું માનવું હતું કે દેશનું નેતૃત્વ ખોટા હાથમાં છે.

એ જ દિવસોમાં તેમણે એક રચના લખી હતી, જેમાં તેમણે નહેરુની તુલના હિટલર સાથે કરી હતી. તેમણે લખેલું–

અમન કા ઝંડા ઇસ ધરતી પે કિસને કહા લહરાને ના પાએ

યે ભી કોઈ હિટલર કા હૈ ચેલા, માર લે સાથી, જાને ન પાએ

કૉમનવેલ્થ કા દાસ હૈ નહેરુ, માર લે સાથી, જાને ના પાએ

માણેક પ્રેમચંદ લખે છે, "તે દિવસોમાં મુંબઈમાં મજૂર આંદોલન ચાલી રહ્યું હતું. એક મજૂર રેલીમાં મજરૂહે નહેરુ વિરુદ્ધ આ કવિતા કહી. મુંબઈ સરકારે તેમની વિરુદ્ધ ધરપકડ વૉરંટ જાહેર કર્યો."

"મજરૂહ ભૂગર્ભમાં ચાલ્યા ગયા અને પોલીસ તેમને પકડી ન શકી. આ દરમિયાન મશહૂર લેખક રાજેન્દરસિંહ બેદી—જેમણે પછી 'દસ્તક' અને 'ફાગુન' ફિલ્મ બનાવી—ચૂપચાપ તેમના પરિવારને પૈસા મોકલતા રહ્યા."

"આ જ દિવસોમાં રાજ કપૂરે પણ તેમને એક ગીતના 1,000 રૂપિયા આપ્યા, જ્યારે એ દિવસોમાં ટોચના ગીતકારને એક ગીતના 500 રૂપિયા મળતા હતા. એ ગીત હતું – 'દુનિયા બનાને વાલે ક્યા તેરે મન મેં સમાઈ'. પછીથી આ ગીતના મુખડાનો 1966માં શૈલેન્દ્રની ફિલ્મ 'તીસરી કસમ'માં મુખડા તરીકે ઉપયોગ કરાયો."

પરંતુ, 1951માં જ્યારે કૉમ્યુનિસ્ટ લેખકો સજ્જાદ ઝહીર અને ફૈઝ અહમદ ફૈઝની રાવલપિંડી કોન્સ્પિરસી કેસમાં ધરપકડના વિરોધમાં પ્રોગ્રેસિવ રાઇટર્સની બેઠક મળી ત્યારે મજરૂહે તેમાં ભાગ લીધો.

તેમની મંચ પરથી જ ધરપકડ કરવામાં આવી અને એક વર્ષ સુધી મુંબઈની આર્થર રોડ જેલમાં રાખવામાં આવ્યા હતા.

ત્યારે મુંબઈના ગૃહમંત્રી મોરારજી દેસાઈએ તેમને એ રચના માટે માફી માગવા કહેલું, પરંતુ મજરૂહે એવું કરવાનો ઇનકાર કરી દીધો હતો.

મજરૂહની સાથે પ્રખ્યાત અભિનેતા બલરાજ સાહનીને પણ કૉમ્યુનિસ્ટ પાર્ટીની રેલીમાં લોકોને ઉશ્કેરવાના આરોપમાં જેલમાં મોકલવામાં આવ્યા હતા.

પીડબ્લ્યુએની બેઠકોમાં આગળ પડતો ભાગ લીધો

જેલમાં રહીને પણ તેમણે ફિલ્મો માટે ગીતો લખવાનું ચાલુ રાખ્યું હતું.

1952માં જેવા તેઓ જેલમાંથી મુક્ત થયા, કમાલ અમરોહીએ તેમને પોતાની ફિલ્મ 'દાયરા' માટે ગીત લખવા સાઇન કરી લીધા.

એ જમાનામાં દર રવિવારે પીડબ્લ્યુએ સાથે જોડાયેલા લેખકોની બેઠક યોજાતી હતી. એમાં જ મજરૂહે બે પંક્તિઓ કહી હતી, જેણે તેમને આખા ભારતમાં ખ્યાતનામ બનાવી દીધા હતા–

મૈં અકેલા હી ચલા થા જાનિબ-એ-મંજિલ મગર

ગૈર સાથ આતે ગયે ઔર કારવાં બનતા ગયા

જ્યારે આ પંક્તિઓ અંગે ત્યાં હાજર લેખકોનો અભિપ્રાય પૂછવામાં આવ્યો તો યુવા કવિ ઝફર ગોરખપુરીએ પોતાનો હાથ ઊંચો કરી દીધો. તેમણે કહ્યું કે, મજરૂહની લાઇનોમાં 'ગૈર' શબ્દ યોગ્ય નથી. કવિ માટે કોઈ પણ 'ગૈર' ન હોઈ શકે.

ત્યાં હાજર અલી સરદાર ઝાફરીએ કહ્યું કે તેઓ ગોરખપુરીના વિચાર સાથે સહમત છે. તેમણે મજરૂહને સલાહ આપી કે તેઓ 'ગૈર'ની જગ્યાએ કોઈ બીજા શબ્દનો ઉપયોગ કરે.

ત્યારે મજરૂહે 'ગૈર' શબ્દની જગ્યાએ 'લોગ' શબ્દનો ઉપયોગ કર્યો.

મજરૂહની જબરજસ્ત રેન્જ

ઉર્દૂ સાહિત્યમાં મજરૂહ સુલતાનપુરીને એ સ્થાન ન મળી શક્યું જેના તેઓ હકદાર હતા. પરંતુ મજરૂહ સુલતાનપુરી એ ગીતકાર હતા, જેમણે દરેક યુગના હિસાબે ગીતો લખ્યાં.

એ પછી 'જબ દિલ હી ટૂટ ગયા', 'ઇક લડકી ભીગી ભાગી સી', 'બાબુજી ધીરે ચલના પ્યાર મેં જરા સંભલના', 'તેરે-મેરે મિલન કી યે રૈના', 'આજા પિયા તોહે પ્યાર દૂં', 'ચુરા લિયા હૈ તુમને જો દિલ કો', 'ઓ મેરે દિલ કે ચૈન' જેવાં ગીતો હોય કે 1990ના દાયકાનાં લોકપ્રિય ગીતો 'રાજા કો રાની સે પ્યાર હો ગયા', 'પહલા નશા પહલા ખુમાર', 'આજ મૈં ઉપર આસમાં નીચે' – આ બધાંને મજરૂહ સુલતાનપુરીએ જ શબ્દ આપ્યા.

ઉર્દૂના જાણીતા સમીક્ષક પ્રોફેસર વારિસ કિરમાની પોતાના પુસ્તક 'કુલહ કાજ કા બાંકપન'માં લખે છે, "આ જ સ્થિતિ અંગ્રેજી સાહિત્યમાં સેમ્યુઅલ જૉન્સન અને ટૉમસ ગ્રેની હતી. ઉર્દૂ સાહિત્યમાં મજરૂહને ઉચ્ચ સ્થાન ન મળવાનું કારણ છે, તેમણે ઓછું સાહિત્ય લખ્યું તે. ફિલ્મો માટે તેમણે અતિશય લખ્યું, પરંતુ ફિલ્મો સિવાયની તેમની રચનાઓની સંખ્યા 150થી પણ ઓછી છે."

જાણીતા પત્રકાર સુભાષ રાવ 'યુગ્વેતર'ના જાન્યુઆરી-માર્ચ 2020ના અંકમાં લખે છે, "સાહિત્યકાર લોકો ઘણી વાર ફિલ્મી ગીતકારોને ગંભીરતાથી નથી લેતા. મારું માનવું છે કે તે યોગ્ય નથી."

"શૈલેન્દ્ર, સાહિર, શકીલ બદાયૂંની અને મજરૂહ સુલતાનપુરીની રચનાઓ સામાન્ય લોકોનાં દિલમાં માત્ર એટલા માટે નથી વસી ગઈ કે તેઓ તુકબંધી કરતા હતા."

અલી સરદાર ઝાફરી લખે છે, "સામાન્ય રીતે ગઝલકાર શાયર સામાજિક અને રાજકીય સમસ્યાની રજૂઆતમાં મોળા-ફીકા પડી જાય છે અથવા તેમનો અંદાજ-એ-બયાં (રજૂઆતશૈલી) એવો થઈ જાય છે કે નજમ અને ગઝલ વચ્ચે તફાવત નથી રહેતો. મજરૂહમાં આ વાત નથી."

મજરૂહ પહેલા ગીતકાર હતા, જેમને દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

મજરૂહ અશ્લીલ અને દ્વિઅર્થી ગીતોથી હંમેશાં દૂર રહ્યા

મજરૂહ સુલતાનપુરીએ 1948માં રાજ કપૂરની ફિલ્મ 'આગ' માટે ગીતો લખ્યાં હતાં.

રાજીવ વિજયકર પોતાના પુસ્તક 'મૈં શાયર તો નહીં'માં લખે છે, "એક વાર મજરૂહ નરગિસની સાથે 'આગ'ના સેટ પર ગયા. જ્યારે તેમને રાજ કપૂરને મળાવાયા ત્યારે તેમણે તેમની સમક્ષ ગીત લખવાની ફરમાઇશ કરી. તેમણે એ જ સમયે એ ગીત લખ્યું – રાત કો જી ચમકે તારે."

60 અને 70ના દાયકામાં મજરૂહ પોતાની કરિયરની ટોચે પહોંચી ગયા. તે દરમિયાન તેમણે આરડી બર્મન, લક્ષ્મીકાંત પ્યારેલાલ, ઓપી નૈયર, રોશન અને એસડી બર્મન જેવા સંગીતકારો સાથે કામ કર્યું.

રાજીવ વિજયકર લખે છે, "જ્યારે તેમણે આ દુનિયાને અલવિદા કહ્યું ત્યારે, તે સમયે, તેમનાં લખેલાં ગીતો એવા યુવા ગાઈ રહ્યા હતા જેઓ તેમના પૌત્ર-દોહિત્રની ઉંમરના હતા. હું જ્યારે જ્યારે મજરૂહને મળ્યો ત્યારે હું તેમના શિષ્ટાચારથી ખૂબ પ્રભાવિત થયો હતો. તેમનું કહેવું હતું કે હું મારાં ગીતોના સાહિત્યિક સ્વભાવ સાથે સમાધાન કરવા ભલે તૈયાર છું, પરંતુ હું ક્યારેય કોઈ સસ્તું, અશ્લીલ અને દ્વિઅર્થી ગીત નહીં લખું."

સાથી ગીતકારોને જવાબ

મજરૂહે પોતાના સમકાલીન ગીતકારો, સાથીઓ અને તેમના પર પડેલા પ્રભાવ વિશે ખૂબ ઇમાનદારીથી વાત કરી છે.

એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહેલું, "જ્યારે શકીલ બદાયૂંનીએ 'ચૌદહવીં કા ચાંદ' લખ્યું ત્યારે હું તેમના કરતાં આગળ નીકળવા માગતો હતો. તેથી મેં 'અબ ક્યા મિસાલ દૂં મૈં તુમ્હારે શબાબ કી' લખ્યું. જ્યારે સાહિરે લખ્યું, 'ચુરા લે ના તુમકો યે મૌસમ સુહાના', મેં તેની ટક્કરમાં લખ્યું – 'ઇન બહારોં મેં અકેલે ન ફિરો, રાહ મેં કાલી ઘટા રોક ના લે'."

મદન મોહન અને સચીન દેવ બર્મનનું સંગીત તેમને ખૂબ ગમતું હતું. તેમને દેવ આનંદ પર ફિલ્માવાયેલું ગીત 'હમ બેખુદી મેં તુમકો પુકારે ચલે ગયે' પણ ખૂબ જ પસંદ હતું. પરંતુ, એ ગીતને કશો પુરસ્કાર ન મળ્યો, એ વાતે એમને નિરાશા થઈ હતી.

ફિલ્મજગતના ઘણા ગાયકોએ પોતાનું પહેલું ગીત મજરૂહે લખેલું ગાયું હતું. સુધા મલ્હોત્રાની ફિલ્મી કરિયરનું પહેલું ગીત 'મિલા ગયે નૈન' મજરૂહે લખ્યું હતું. એ જ રીતે સંગીતકાર તરીકે ઉષા ખન્નાની પહેલી ફિલ્મ 'દિલ દેકે દેખો'નાં બધાં ગીત મજરૂહે જ લખ્યાં હતાં. મોહમ્મદ રફીની સાથે ગાયેલું કેએલ સહગલનું એકલ ગીત 'મેરે સપનોં કી રાની' મજરૂહે જ લખ્યું હતું.

સચીન દેવ બર્મન અને મજરૂહની જુગલબંધી

સચીન દેવ બર્મનની સાથે મજરૂહે ઘણી ફિલ્મો કરી હતી. બંનેનો જન્મ એક જ દિવસ, 1 ઑક્ટોબરે થયો હતો. બંને પાન અને મસ્તીખોર ગીતો બનાવવાના શોખીન હતા.

અંતારા નંદા મંડલ પોતાના લેખ 'મિસચિફ ઍન્ડ મેલોડીઝ વિથ એસડી બર્મન'માં લખે છે, "કલ્પના કરો કે હીરો પૂછી રહ્યો છે, 'આંચલ મેં ક્યા જી' અને હીરોઇન જવાબ આપી રહી છે, 'અજબ સી હલચલ જી' અને તે દિવસોમાં કડક સેંસર તેને પાસ પણ કરી રહ્યું છે. આ રીતનું મજરૂહ-બર્મન જોડીનું એક ગીત રાજ ખોસલાએ 'કાલા પાની' ફિલ્મમાં ફિલ્માવ્યું હતું – અચ્છા જી મૈં હારી ચલો માન જાઓ ન."

આ પરંપરા 'ચલતી કા નામ ગાડી'માં પણ ચાલી હતી, જ્યારે મજરૂહે 'એક લડકી ભીગી ભાગી સી' લખ્યું હતું. આ ફિલ્મમાં મજરૂહે સામાન્ય શબ્દોનો બે-બે વાર ઉપયોગ કર્યો હતો, 'ડગમગ-ડગમગ લહકી-લહકી, ભૂલી-ભટકી, બહકી-બહકી'.

બર્મન મજરૂહને 'મુજરૂ' કહીને બોલાવતા હતા.

બંગાળી ફિલ્મોના સ્ક્રીનપ્લે લેખક નબેન્દુ ઘોષે એક સંસ્મરણ લખ્યું છે, "સચીનદાએ આંખો બંધ કરી હાર્મોનિયમ પર આંગળીઓ ફેરવતાં ગાવાનું શરૂ કર્યું. દાદા ઉર્દૂના શબ્દ 'કી' અને 'કા' બોલવામાં ભૂલ કરતા રહ્યા. મજરૂહ તેમને વારેવારે સરખું કરાવતા હતા. બર્મન સાચું-ખરું ગાવા લાગ્યા હતા. ત્યારે જ તેમનાથી ફરી ભૂલ થઈ. મજરૂહે તેમને ટોક્યા. દાદાએ ચિડાઈને કહ્યું, 'ઓહહ મુજરૂ, ઉર્દૂમાં જેન્ડરની સમસ્યા વારેવારે કેમ આવી જાય છે? હવે પછી પોતાનાં ગીતો બંગાળીમાં લખજે.' મજરૂહ જોરથી હસી પડ્યા."

કાર ચલાવવાનો શોખ

મજરૂહ પોતાનાં પુત્રી સબાને ખૂબ પ્રેમ કરતા હતા. જ્યારે સબા પોતાની સ્કૂલેથી પાછાં આવતાં ત્યારે મજરૂહ તેમને જોઈને ગાવા લાગતા હતા, 'યે કૌન આયા રૌશન હો ગઈ મહફિલ કિસકે નામ સે'.

સબા જણાવે છે, "એક હાલરડું 'નન્હી કલી સોને ચલી' તેમણે મારા માટે લખ્યું હતું. મારી મા મને સુવડાવવાની કોશિશ કરતી હતી. તેમણે બે મિનિટમાં એ હાલરડું લખી નાખ્યું હતું."

તેમના પુત્ર અંદલીબ સુલતાનપુરી જણાવે છે, "અબ્બા પાસે એક શેવોર્લે કાર હતી. તે દિવસોમાં ફિલ્મ ગીતકાર માટે કાર રાખવી મોટી વાત ગણાતી હતી. તેમને પોતાની કારમાં ફરવાનો ખૂબ શોખ હતો. તેઓ પોતાની શેવોર્લે કાઢતા હતા અને ડ્રાઇવરને બાજુમાં બેસાડી જાતે ચલાવતા હતા."

80 વર્ષની ઉંમરે અવસાન

મજરૂહને માંસાહારનો ખૂબ શોખ હતો—ખાસ કરીને કીમા, કબાબ અને કોરમા. પરંતુ, તેઓ ઓછું ખાતા હતા. જ્યારે તેમને 17 મે 2000એ લીલાવતી હૉસ્પિટલમાં દાખલ કરાયા ત્યારે તેઓ ખૂબ પરેશાન થઈ ગયા. તેઓ શાકાહાર કરીને કંટાળી ગયા હતા.

ત્રણ દિવસ પછી જ્યારે તેમને ઘરે જવાની રજા આપવામાં આવી ત્યારે તેમના જીવમાં જીવ આવ્યો. તેમણે હજુ તો પોતાને પ્રિય ભોજન ખાધું જ હતું કે બીજા દિવસે તેમને ફરી હૉસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. 24 મે 2000એ આ ગીતકારે અંતિમ શ્વાસ લીધા.

ઉર્દૂના જાણીતા વિવેચક ગોપીચંદ નારંગે લખ્યું, "એ દુઃખની વાત છે કે મજરૂહના જવાની સાથે પ્રોગ્રેસિવ યુગની ગઝલોનો મીર તકી મીર ચાલ્યો ગયો."

1953માં તેમણે 'બાગી' ફિલ્મ માટે એક ગીત લખ્યું હતું, જે તેમને સંપૂર્ણ લાગુ પડતું હતું–

હમારે બાદ અબ મહફિલ મેં અફસાને બયાં હોંગે

બહારેં હમકો ઢૂંઢેંગી ન જાને હમ કહાં હોંગે

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન