You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મક્કામાં ભારતીય વેપારીએ બનાવેલા ગેસ્ટ હાઉસનો વિવાદ શું છે અને કરોડોના ખજાનાનો માલિક કોણ?
- લેેખક, નિયાઝ ફારૂકી
- પદ, બીબીસી ન્યૂઝ
મક્કાનો એક જૂનો ખૂણો હજારો માઈલ દૂર ભારતમાં તોફાન મચાવી રહ્યો છે. તેના આધ્યાત્મિક મહત્ત્વ માટે નહીં, પરંતુ 50 વર્ષ જૂના વારસદારના વિવાદ માટે.
વિવાદના કેન્દ્રમાં કેઈ રૂબાથ છે, જે 19મી સદીનું ગેસ્ટ હાઉસ છે. આને 1870ના દાયકામાં મલાબાર (આધુનિક કેરળ)ના એક શ્રીમંત ભારતીય વેપારી મયંકુટ્ટી કેઈ દ્વારા બનાવવામાં આવ્યું હતું, જેનું વેપાર સામ્રાજ્ય મુંબઈથી પેરિસ સુધી ફેલાયેલું હતું.
ઇસ્લામના સૌથી પવિત્ર સ્થળ મસ્જિદ અલ-હરમ પાસે આવેલી આ ઇમારતને 1971માં મક્કાના વિસ્તરણ માટે તોડી પાડવામાં આવી હતી. સાઉદી અધિકારીઓએ વળતર તરીકે રાજ્યના ખજાનામાં 1.4 મિલિયન રિયાલ (આજે લગભગ 373,000 ડૉલર) જમા કરાવ્યા હતા. તેમનો દાવો છે કે જે તે સમયે તેઓ યોગ્ય વારસદારની ઓળખ કરી શક્યા નહોતા.
દાયકાઓ બાદ આ રકમ (જે હજુ પણ સાઉદી અરેબિયાના ખજાનામાં રાખવામાં આવી છે) અંગે કેઈ પરિવારની બે મોટી પેઢી વચ્ચે કડવો સંઘર્ષ શરૂ થયો છે. દરેક પોતાનો વંશજ સાબિત કરવાનો અને વારસાનો હકદાર તરીકે દાવો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
અત્યાર સુધી કોઈ પણ પક્ષ તેમાં સફળ થયો નથી. દાયકાઓથી કેન્દ્ર અને કેરળ બંનેમાં સતત ભારતીય સરકારો આ મડાગાંઠને ઉકેલવામાં નિષ્ફળ રહી છે.
હજુ એ પણ સ્પષ્ટ નથી કે સાઉદી સત્તાવાળાઓ વળતર આપવા પણ તૈયાર છે કે નહીં. કેટલાક પરિવારના સભ્યો હવે માગ કરે છે તેમ ફુગાવાને ઉમેરવાનું છોડી દો. કેટલાક દાવો કરે છે કે તે આજે આ રકમ 1 બિલિયન ડૉલરથી વધુ મૂલ્યની થઈ હોત.
કેસના જાણકારો નોંધે છે આ કે મિલકત વકફ હતી (એક ઇસ્લામિક ચેરિટેબલ ઍન્ડોમેન્ટ) જેનો અર્થ છે કે વંશજો તેનું સંચાલન કરી શકે છે, પરંતુ તેઓ તેના માલિક નથી.
સાઉદીનો વિભાગ જે અવકફ (દાન કરાયેલી મિલકતો) સંભાળે છે તેણે ટિપ્પણી માટે બીબીસીની વિનંતીનો જવાબ આપ્યો નથી અને સરકારે આ બાબતે કોઈ જાહેર નિવેદન આપ્યું નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મક્કામાં પડેલા ખજાનાનો વિવાદ શું છે?
આ ગેસ્ટ હાઉસ વિશે બહુ ઓછી માહિતી છે, પરંતુ વંશજોનો દાવો છે કે તે મસ્જિદ અલ-હરમથી થોડે જ દૂર અંતરે આવેલું હતું. જેમાં 22 રૂમ અને 1.5 એકરમાં ફેલાયેલા અનેક હૉલ હતા.
કૌટુંબિક દંતકથા અનુસાર કેઈએ તેને બનાવવા મલબારથી લાકડું મોકલ્યું હતું અને તેને ચલાવવા માટે મલબારીના મૅનેજરની નિમણૂક કરી હતી. આ એક મહત્ત્વાકાંક્ષી પહેલ હતી. જોકે તે સમય માટે આ બાબત અસામાન્ય નહોતી.
સાઉદી અરેબિયા તે સમયે પ્રમાણમાં ગરીબ દેશ હતો. તેનાં વિશાળ તેલક્ષેત્રોની શોધ હજુ થોડા દાયકાઓ દૂર હતી.
હજયાત્રા અને ઇસ્લામમાં શહેરના મહત્ત્વના કારણે ભારતીય મુસ્લિમો ઘણી વાર ત્યાં પૈસા દાન કરતા હતા અથવા માળખાકીય સુવિધાઓનું નિર્માણ કરતા હતા.
ઇતિહાસકાર ઝિયાઉદ્દીન સરદારે તેમના 2014ના પુસ્તક 'મક્કા: ધ સેક્રેડ સિટી'માં નોંધ્યું છે કે 18મી સદીના ઉત્તરાર્ધ દરમિયાન શહેરે એક વિશિષ્ટ ભારતીય ચરિત્ર પ્રાપ્ત કર્યું હતું. તેની અર્થવ્યવસ્થા અને નાણાકીય સુખાકારી ભારતીય મુસ્લિમો પર આધારિત હતી.
સરદારે લખ્યું હતું, "શહેરના લગભગ 20 ટકા રહેવાસીઓ, જે સૌથી મોટી બહુમતી હતી, તે ભારતીય મૂળના હતા. ગુજરાત, પંજાબ, કાશ્મીર અને ડેક્કનના લોકો, જે બધા સામૂહિક રીતે સ્થાનિક રીતે હિન્દી તરીકે ઓળખાતા હતા."
નકલી વંશજો બનીને છેતરપિંડી પણ આચરી
20મી સદીમાં સાઉદી અરેબિયાની તેલ સંપત્તિમાં વધારો થતાં મોટા પાયે વિકાસ પ્રોજેક્ટ્સે મક્કાને ફરીથી આકાર આપ્યો. કેઈ રૂબાથને ત્રણ વખત તોડી પાડવામાં આવ્યું. છેલ્લી વાર 1970ના દાયકાની શરૂઆતમાં તેને નેસ્તનાબૂદ કરી દેવાયું.
એ સમયે વળતર અંગે મૂંઝવણ શરૂ થઈ હોય તેવું લાગે છે.
ભારતના સેન્ટ્રલ વકફ કાઉન્સિલના ભૂતપૂર્વ સચિવ બીએમ જમાલના જણાવ્યા અનુસાર, જેદ્દાહસ્થિત ભારતીય કૉન્સ્યુલેટે તે સમયે સરકારને પત્ર લખીને મયંકુટ્ટી કેઈના કાનૂની વારસદારની વિગતો માગી હતી.
તેઓ કહે છે, "મારી સમજણ પ્રમાણે અધિકારીઓ મિલકત માટે મૅનેજરની નિમણૂક કરવા માટે વંશજો શોધી રહ્યા હતા, વળતરના પૈસા વહેંચવા માટે નહીં."
તેમ છતાં પરિવારનાં બે જૂથો આગળ આવ્યા, કેઈ - મયંકુટ્ટીનો પૈતૃક પરિવાર અને અરક્કલ, કેરળનો એક રાજવી પરિવાર, જેમાં તેમણે લગ્ન કર્યાં હતાં.
બંને પરિવારો પરંપરાગત રીતે માતૃવંશીય વારસાની પ્રણાલીનું પાલન કરતા હતા. આ રિવાજ જે સાઉદી કાયદા હેઠળ માન્ય નથી, જે આમાં વધુ જટિલતા ઉમેરે છે.
કેઈ લોકોનો દાવો છે કે મયંકુટ્ટી નિઃસંતાન મૃત્યુ પામ્યા હતા, જેના કારણે તેમનાં બહેનનાં બાળકોને માતૃવંશીય પરંપરા હેઠળ તેમના હકદાર વારસદાર બનાવાયાં હતાં.
પરંતુ અરક્કલનો દાવો છે કે તેમને એક પુત્ર અને એક પુત્રી હતાં અને તેથી ભારતીય કાયદા હેઠળ તેમનાં બાળકો કાનૂની વારસદાર હશે.
જેમ જેમ વિવાદ આગળ વધતો ગયો તેમ વાર્તાએ અલગ રૂપ લીધું. 2011માં વળતર લાખો રૂપિયાનું હોઈ શકે તેવી અફવા ફેલાયા પછી 2,500થી વધુ લોકોએ કન્નુરમાં એક જિલ્લા કાર્યાલયમાં ધસી આવીને પોતાને કેઈના વંશજ હોવાનો દાવો કર્યો હતો.
કેઈ પરિવારના એક વરિષ્ઠ સભ્યે નામ ન આપવાની શરતે બીબીસીને જણાવ્યું, "એવા લોકો પણ હતા જેમણે દાવો કર્યો હતો કે તેમના પૂર્વજોએ બાળપણમાં મયંકુટ્ટીને શિક્ષણ આપ્યું હતું. અન્ય લોકોએ દાવો કર્યો હતો કે તેમના પૂર્વજોએ ગેસ્ટ હાઉસ માટે લાકડાં પૂરાં પાડ્યાં હતાં."
રાજ્યના અધિકારીઓ કહે છે કે 2017માં કેઈના વંશજો તરીકે ઓળખાવીને કેટલાક લોકોએ છેતરપિંડી પણ કરી હતી. સ્થાનિક લોકોને વળતરનો હિસ્સો આપવાનું વચન આપીને પૈસાની છેતરપિંડી કરી હતી.
વિવાદનો અંત લાવવા વંશજોએ શું ઉપાય સૂચવ્યા?
કેટલાક વંશજોએ વિવાદનો અંત લાવવાનો શ્રેષ્ઠ માર્ગ એ સૂચવ્યો છે કે સાઉદી સરકારને વળતરના પૈસાનો ઉપયોગ હજયાત્રી માટે બીજું ગેસ્ટ હાઉસ બનાવવા કરવાનું કહેવામાં આવે, જેવો મયંકુટ્ટી કેઈનો હેતુ હતો.
પરંતુ અન્ય લોકો આ વાતને નકારી કાઢીને એવી દલીલ કરે છે કે ગેસ્ટ હાઉસ ખાનગી માલિકીનું હતું અને તેથી તેનું વળતર યોગ્ય પરિવારનો હક છે.
કેટલાક દલીલ કરે છે કે જો પરિવાર માલિકીના દસ્તાવેજો વિના મયંકુટ્ટી કેઈનો વંશ સાબિત કરે તો પણ તેમને કંઈ મળવાની શક્યતા નથી.
જોકે, કન્નુરના રહેવાસી મુહમ્મદ શિહાદ કેઈ અને અરક્કલ પરિવારોના ઇતિહાસ પર એક પુસ્તકમાં સહ-લેખક છે. તેઓ લખે છે કે તેમના માટે વિવાદ ફક્ત પૈસાનો નથી, પરંતુ પરિવારના મૂળનું સન્માન કરવાનો છે.
તેઓ કહે છે, "જો તેમને વળતર ન મળે, તો આ ઉમદા કાર્ય સાથે પરિવાર અને પ્રદેશના જોડાણને ખુલ્લેઆમ ઓળખાવું યોગ્ય રહેશે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન