'અમેરિકા પાર્ટી'ની જાહેરાત કરીને રાજકારણના અખાડામાં કૂદ્યા ઇલૉન મસ્ક, પરંતુ શું લડી શકશે રાષ્ટ્રપતિની ચૂંટણી?

અમેરિકન ઉદ્યોગપતિ ઇલૉન મસ્કે પોતાનો રાજકીય પક્ષ બનાવવાની જાહેરાત કરી છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેના વિવાદનાં થોડાં અઠવાડિયા બાદ તેમણે આ જાહેરાત કરી છે.

મસ્કે તેમના સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર જણાવ્યું હતું કે તેમણે 'અમેરિકા પાર્ટી'ની રચના કરી છે, જે અમેરિકામાં રિપબ્લિકન અને ડેમૉક્રેટિક પક્ષનાં બે-પક્ષીય રાજકારણને પડકાર આપશે.

ઇલૉન મસ્ક 'અમેરિકા પાર્ટી' ને એ 80 ટકા મતદારોનો અવાજ ગણાવે છે જેઓ બંને મુખ્ય પક્ષો (રિપબ્લિકન-ડેમૉક્રેટ્સ) થી સંતુષ્ટ નથી.

જોકે હજુ સુધી એ સ્પષ્ટ નથી કે આ પક્ષ યુએસના ચૂંટણી પંચમાં ઔપચારિક રીતે નોંધાયેલ છે કે નહીં. મસ્કે એ પણ નથી કહ્યું કે પાર્ટીનું નેતૃત્વ કોણ કરશે અથવા તેનું માળખું કેવું હશે?

મસ્કે સૌપ્રથમ વાર નવા પક્ષનો વિચાર ત્યારે રજૂ કર્યો જ્યારે તેમનો ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વિવાદ થયો હતો. આ ઝઘડા બાદ મસ્ક ટ્રમ્પ વહીવટીતંત્રથી અલગ થઈ ગયા અને પછી ટ્રમ્પ સાથે ગરમાગરમ જાહેર ચર્ચામાં ઊતરી પડ્યા.

મસ્કે તેમની પાર્ટીની જાહેરાત સાથે કહ્યું કે હાલ પૂરતું તેઓ ફક્ત 2 કે 3 સેનેટ બેઠકો અને 8 થી 10 હાઉસ ડિસ્ટ્રિક્ટ પર ધ્યાન કેન્દ્રિત કરશે.

યુએસ હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સની તમામ 435 બેઠકોની દર બે વર્ષે ચૂંટણી યોજાય છે. આ ઉપરાંત સેનેટના 100 સભ્યોમાંથી લગભગ એક તૃતીયાંશ સભ્યો જેમની છ વર્ષની મુદત પૂરી કરે છે, તે દર બે વર્ષે ચૂંટાય છે. મસ્કની નજર આ સભ્યો પર છે.

ઇલૉન મસ્કે પાર્ટી કેમ બનાવી?

ટ્રમ્પ સાથેના વિવાદ બાદ ઇલૉન મસ્કે ઍક્સ પર એક પોલ ચલાવ્યો હતો. જેમાં તેમણે લોકોને પૂછ્યું કે શું અમેરિકામાં કોઈ નવો રાજકીય પક્ષ હોવો જોઈએ? મોટાભાગના યુઝર્સે નવી પાર્ટીનું સર્મથન કર્યું.

શનિવારે આ જ મતદાનનો ઉલ્લેખ કરતા મસ્કે લખ્યું, "પોલ મુજબ તમે લોકો એક નવી પાર્ટી ઇચ્છો છો અને તે હવે તમને મળશે!"

"બિનજરૂરી ખર્ચ અને ભ્રષ્ટાચારથી દેશને બરબાદ કરી રહેલી એક પક્ષીય વ્યવસ્થામાં આપણે રહીએ છીએ જે છે, નહીં કે લોકતંત્રમાં. આજે 'અમેરિકા પાર્ટી' બનાવવામાં આવી છે જેથી તમને ફરીથી આઝાદી મળે."

શનિવાર સુધીમાં યુએસ ફેડરલ ઇલેક્ટોરલ કમિશને (FEC) એવો કોઈ દસ્તાવેજ પ્રકાશિત નથી કર્યો જેનાથી જાણ થાય કે આ પક્ષ ઔપચારિક રીતે નોંધાયેલ છે.

2024ની ચૂંટણીમાં મસ્ક ટ્રમ્પના મુખ્ય સમર્થક હતા અને ટ્રમ્પની જીત માટે લગભગ 250 મિલિયન ડૉલરનો ખર્ચ કર્યો હતો.

ચૂંટણી પછી મસ્કને ડિપાર્ટમેન્ટ ઑફ ગવર્નમેન્ટ ઍફિસિયન્સી (DOG)ના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા, જેનું કામ ફેડરલ બજેટમાં મોટા પાયે કાપ મૂકવાનું હતું.

મે મહિનામાં વહીવટ છોડ્યા બાદ અને ટ્રમ્પની કર અને ખર્ચ યોજનાઓની જાહેરમાં ટીકા કર્યા પછી મસ્ક અને ટ્રમ્પ વચ્ચે મતભેદો શરૂ થઇ ગયા.

ટ્રમ્પે જેને "બિગ, બ્યૂટીફૂલ બિલ (મોટું, સુંદર બિલ)" ગણાવ્યું તે બિલને કૉંગ્રેસે મુશ્કેલીથી પસાર કર્યું અને આ અઠવાડિયે રાષ્ટ્રપતિએ તેના પર હસ્તાક્ષર કરી તેને કાયદો બનાવી દીધો. મસ્કે આ બિલને દેશનું દેવાળું ફુંકનાર બિલ કહ્યું હતું.

જવાબમાં ટ્રમ્પે મસ્કની કંપનીઓ (જેમ કે ટેસ્લા, સ્પેસઍક્સ)ની સબસિડી બંધ કરવાની અને તેમને દેશમાંથી દેશનિકાલ કરવાની ધમકી આપી હતી.

'બિગ, બ્યૂટીફૂલ' કાયદામાં ભારે સરકારી ખર્ચ અને ટૅક્સ ઘટાડાનો સમાવેશ થાય છે. એવો અંદાજ છે કે આનાથી આગામી 10 વર્ષમાં યુએસની બજેટ ખાધમાં 3 ટ્રિલિયન ડૉલર જેટલી વધશે.

ઇલૉન મસ્કે પાર્ટીની જાહેરાત ટ્રમ્પ પર દબાણ ઊભું કરવા કરી છે?

સીએનએન, સીબીએસ અને ન્યૂ યૉર્ક ટાઇમ્સ જેવા અમેરિકનાં મુખ્ય મીડિયા સંસ્થાનો માને છે કે મસ્ક અને ટ્રમ્પ વચ્ચેની કડવાશ જ આ પાર્ટીની જાહેરાત પાછળનું કારણ બની.

વૉશિંગ્ટન પોસ્ટે લખ્યું છે કે મસ્કનું ટ્રમ્પ સમર્થકમાંથી ટીકાકારમાં પરિવર્તન તેમના રાજકીય વલણમાં એક મોટો બદલાવ દર્શાવે છે, કારણ કે તેઓ અગાઉ રિપબ્લિકન પાર્ટી તરફ ઝુકાવ ધરાવતા હતા. આ બદલાવ 'ડોજ'ની ટીકા અને વિસ્કૉન્સિન સુપ્રીમ કોર્ટની ચુંટણીમાં અસફળ હસ્તક્ષેપ બાદ આવ્યો હતો.

ન્યૂઝવીક મૅગેઝિને ઍક્સ અને ટ્રૂથ સોશિયલ પર મસ્ક અને ટ્રમ્પ વચ્ચે થયેલી જાહેર ચર્ચાનો અહેવાલ આપ્યો હતો.

તેમણે લખ્યું કે ટ્રમ્પે દાવો કર્યો હતો કે મસ્કનો વિરોધ ઇલેક્ટ્રિક વાહનો પર અપાતી કર મુક્તિની સમાપ્તિ સાથે સંબંધિત હતો, જેનાથી ટેસ્લાને નુકસાન થઈ શકે છે.

કતારના મીડિયા આઉટલેટ અલ જઝીરા એ રાજકીય નિષ્ણાત થોમસ ગિફ્ટનો હવાલો આપતા જણાવ્યું કે, જેમણે મસ્કની પાર્ટીની યોજનાને એક "ચાલ" ગણાવી હતી. જેનો અર્થ એ થાય કે મસ્ક હકીકતમાં પાર્ટી બનાવવા માંગતા નથી, પરંતુ આનાથી તેઓ રિપબ્લિકન પર દબાણ લાવવા માંગે છે.

થોમસ ગિફ્ટે અલ જઝીરાને કહ્યું કે, "આ ઇલૉન મસ્કની એક યુક્તિ છે. તે સારી રીતે જાણે છે કે ડેમૉક્રેટિક અને રિપબ્લિકન પક્ષોની મજબૂત સંગઠનાત્મક તાકાતને દૂર રાખવી ખૂબ મુશ્કેલ છે."

ગિફ્ટે કહ્યું કે જ્યારે પાર્ટી બનાવવી શક્ય છે પરંતુ યુએસ કૉંગ્રેસમાં બેઠકો જીતવી એ સંપૂર્ણપણે અલગ બાબત છે.

આ મુદ્દા પર સીબીએસ ન્યૂઝે ચૂંટણી નિષ્ણાત બ્રેટ કૅપલ સાથે વાત કરી.

કૅપલે કહ્યું કે, "યુએસ કાયદાઓ ડેમૉક્રેટ્સ અને રિપબ્લિકનને ફાયદો પહોંચાડે છે."

"મસ્કને કાનૂની પડકારોનો સામનો કરવો પડશે, જેમ કે બૅલેટ મેળવવા માટે સહીઓ એકત્રિત કરવા અંગે સામનો કરવો પડશે. એક રાષ્ટ્રીય પક્ષ બનાવવામાં વર્ષો લાગી શકે છે, તેથી 2026 માટેની તેમની યોજના અવ્યવહારુ લાગે છે."

મસ્ક સામેના પડકારો

ઇલૉન મસ્કે પાર્ટીની જાહેરાત કરી છે પરંતુ અમેરિકામાં બે-પક્ષીય વ્યવસ્થા, રાજ્યવાર મતદાન વ્યવસ્થા, નોંધણી પ્રક્રિયા, ભંડોળ એકત્રીકરણ અને મતદારોનાં સમર્થનનો અભાવ જેવી સમસ્યાઓ છે.

નિષ્ણાતો કહે છે કે મસ્ક પાસે સંસાધનો છે, પરંતુ રાજકીય ધીરજ અને જમીની સ્તરનાં સંગઠનોનો અભાવ એ એક મોટો અવરોધ બની શકે છે.

ન્યૂ યૉર્ક ટાઇમ્સ કહે છે કે ઇલૉન મસ્કે બતાવી દીધં છે કે તે મોટા નિર્ણયો લેવા માટે પોતાનાં સંસાધનોનો ઉપયોગ કરી શકે છે, પરંતુ તેમનો વચનો પૂરા ન કરવાનો પણ લાંબો ઇતિહાસ છે.

જ્યારે મસ્ક 'ડોજ'ના વડા હતા ત્યારે તેમણે ઘણી સરકારી યોજનાઓ અને બજેટમાં ઘટાડો કર્યો હતો. પરંતુ પાછળથી જ્યારે તેમની ટ્રમ્પ સાથે અથડામણ થઈ ત્યારે તેમણે ઘરેલું નીતિઓ સંબંધિત રાષ્ટ્રપતિના મુખ્ય બિલ પર નારાજગી વ્યક્ત કરી હતી.

ગયા મહિને મસ્કે સોશિયલ મીડિયા પર આ કાયદાને "ઘૃણાસ્પદ અને ભયાનક" ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે આનાથી 'અમેરિકાની પહેલેથી જ મોટી એવી બજેટ ખાધમાં વધારો થશે.'

અમેરિકન ચૂંટણી પ્રણાલી 'વિનર ટૅક ઑલ' ના સિદ્ધાંત પર આધારિત છે, જેમાં ત્રીજા પક્ષ માટે પોતાનું સ્થાન બનાવવું ખૂબ મુશ્કેલ છે.

જ્યૉર્જટાઉન યુનિવર્સિટીના પ્રોફેસર હંસ નોએલે જણાવ્યું હતું કે "અમેરિકામાં બહુપક્ષીય પ્રણાલીને અસરકારક રીતે સફળ થવા દે તેવી સંસ્થાઓ નથી. અન્ય લોકશાહી દેશોથી વિપરીત અહીં 20-30 ટકા મત મેળવવાથી પણ તમને કોઈ બેઠક મળતી નથી, તેથી નાના પક્ષો માટે ટકી રહેવું ખૂબ મુશ્કેલ છે."

ઇલૉન મસ્કે શનિવારે ઍક્સ પર લખ્યું કે તેઓ આવતા વર્ષની મધ્યસત્ર ચૂંટણીઓને લક્ષ્ય બનાવવાની યોજના ધરાવે છે.

તેમણે પોતાની વ્યૂહરચનાની તુલના ગ્રીક કમાન્ડર ઍપામિનોન્ડાસની યુદ્ધ નીતિ સાથે કરી, જેમાં દુશ્મનને એક ચોક્કસ સ્થળે તમામ બળ કેન્દ્રિત કરીને હરાવવામાં આવતો હતો.

વિજેતા-ટૅક-ઑલ સિસ્ટમ ઉપરાંત, જો મસ્ક ભવિષ્યમાં વિવિધ રાજ્યોમાં ફેડરલ ઉમેદવારોને ચૂંટણી લડાવવા માંગે અથવા ત્રીજા પક્ષમાંથી રાષ્ટ્રપતિપદના ઉમેદવારને ચૂંટણી લડાવવા માંગે તો તેમણે દરેક રાજ્યના અલગ-અલગ મતદાન નિયમોનું પાલન કરવું પડશે.

રાજ્યો અને ફેડરલ ચૂંટણી પંચ (FEC) પાસે નવા પક્ષની નોંધણી માટે અલગ-અલગ નિયમો છે. આમાં ઘણીવાર રહેઠાણનો પુરાવો અને મતદારો તરફથી અરજીની સહીઓ જેવી શરતોનો સમાવેશ થાય છે.

મૅક મેકકૉર્કલ ડ્યૂક યુનિવર્સિટીની સૅન્ફર્ડ સ્કૂલ ઑફ પબ્લિક પૉલિસીમાં પ્રોફેસર છે. તેઓ અગાઉ ડેમૉક્રેટિક પાર્ટીના સલાહકાર તરીકે પણ કામ કરી ચૂક્યા છે.

અમેરિકન અખબાર વૉશિંગ્ટન પોસ્ટ સાથે વાત કરતા પ્રોફેસર મૅક મેકકૉર્કલે કહ્યું કે આ નિયમો એક મોટો પડકાર બની શકે છે, જોકે મસ્ક પાસે એટલા પૈસા છે કે તેઓ આ કામ કરાવી શકે છે.

નતાશા લિન્ડસ્ટૅન્ડ યુનિવર્સિટી ઑફ ઍસેક્સમાં સરકાર વિભાગમાં પ્રોફેસર છે.

અલ જઝીરા સાથે વાત કરતાં નતાશા લિન્ડસ્ટૅન્ડે કહ્યું, "મસ્ક પાસે ચોક્કસપણે એવી નાણાકીય તાકાત છે કે તે ત્રીજો પક્ષ બનાવી શકે જે રિપબ્લિકન પાર્ટી માટે સમસ્યાઓ ઊભી કરી શકે, પરંતુ તે આવું જોખમ લેશે કે નહીં તે ચોક્કસ નથી."

તેમણે એમ પણ ઉમેર્યું કે અમેરિકન મતદારોમાં નવી પાર્ટી માટે ઘણો ઉત્સાહ છે.

નતાશા કહે છે, "આ બિલ અમેરિકાને ફક્ત વ્યાજ પાછળ સેંકડો અબજો ડૉલર ખર્ચવા મજબૂર કરશે. જેમ જેમ લોકો આ સમજશે તેમ તેમ તેઓ કંઈક નવું ઇચ્છવા લાગશે. પરંપરાગત પક્ષો સામે જાહેર ગુસ્સો ચરમસીમાએ છે અને મસ્ક આનો લાભ લઈ શકે છે."

અમેરિકામાં પહેલાં કોઈ ત્રીજા પક્ષને સમર્થન મળ્યું હતું?

બે મુખ્ય પક્ષો (રિપબ્લિકન અને ડેમૉક્રેટ્સ) સિવાયના રાજકીય પક્ષો લાંબા સમયથી યુનાઇટેડ સ્ટેટ્સમાં અસ્તિત્વમાં છે, પરંતુ હાલનાં વર્ષોમાં તેમને મર્યાદિત જ રાષ્ટ્રીય સમર્થન મળ્યું છે.

છેલ્લી વખત જ્યૉર્જ વૉલેસ નામના ત્રીજા પક્ષના ઉમેદવારને રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઇલેક્ટોરલ વોટ મળ્યા હતા, તે સમયે 1968માં અમેરિકાનાં પાંચ દક્ષિણ રાજ્યોએ જ્યૉર્જ વૉલેસને મત આપ્યા હતા, જે અમેરિકન ઇન્ડિપેન્ડન્ટ પાર્ટીના ઉમેદવાર હતા.

અબજોપતિ ઉદ્યોગપતિ રૉસ પેરોટને 1992માં લગભગ 19 ટકા લોકપ્રિય મત મળ્યા હતા અને કોઈ ઇલેક્ટોરલ કૉલેજના મત મળ્યા ન હતા.

"પેરોટે આશ્ચર્યજનક રીતે સારું પ્રદર્શન કર્યું હતું... પરંતુ તેઓ કોઈપણ રાજ્યમાં પ્રથમ સ્થાને ન આવ્યા, અને જે રીતે ચૂંટણી પ્રણાલી કાર્ય કરે છે તેનો અર્થ એ છે કે તેમને કંઈ મળ્યું નહીં," નોએલે કહ્યું.

રાલ્ફ નાડરની ગ્રીન પાર્ટીએ 2000ના રાષ્ટ્રપતિ પ્રચાર દરમિયાન ફ્લૉરિડામાં પ્રભાવ પાડ્યો હતો પરંતુ તેઓ કોઈ પણ ઇલેક્ટ્રોલ વોટ મેળવવામાં નિષ્ફળ રહ્યા હતા.

1912માં પ્રોગ્રેસિવ પાર્ટીના થિયોડોર રૂઝવેલ્ટે 27.4% લોકપ્રિય મત અને 88 ઇલેક્ટ્રોલ વોટ મેળવ્યા હતા, જે અમેરિકન ઇતિહાસમાં ત્રીજા પક્ષનાં શ્રેષ્ઠ પ્રદર્શનોમાંનું એક હતું.

ઘણી ચૂંટણીઓમાં ત્રીજા પક્ષોએ મત વિભાજન કરી મુખ્ય પક્ષોને ફાયદો કે નુકસાન પહોંચાડ્યું હતું. 1920 બાદ ફક્ત થોડા જ કિસ્સાઓમાં ત્રીજા પક્ષે રાજ્યોમાં જીત નોંધાવી હતી.

અમેરિકામાં નવા રાજકીય પક્ષની રચના સામેના પડકારો

અમેરિકામાં નવો રાજકીય પક્ષ બનાવવાનું સાંભળવામાં સરળ લાગે છે. વાસ્તવમાં તે ખૂબ જ જટિલ અને લાંબી પ્રક્રિયા છે.

ઇલૉન મસ્ક દ્વારા તાજેતરમાં 'અમેરિકા પાર્ટી' ની જાહેરાત પછી ફરી એક પ્રશ્ન ઊભો થયો છે કે શું કોઈ નવો પક્ષ ખરેખર અમેરિકન રાજકારણમાં પગપેસારો કરી શકશે?

કોઈપણ નવા પક્ષે પહેલા ઔપચારિક નામ નક્કી કરવું પડશે. આ ઉપરાંત તેને એક મૅનિફેસ્ટો અને સંગઠનાત્મક માળખાની જરૂર છે - જેમ કે પાર્ટી પ્રમુખ, ખજાનચી અને અન્ય પદાધિકારીઓ. આ માળખું રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે કામ કરવા માટે રચાયેલું હોવું જોઇએ.

જો કોઈ પક્ષ યુએસમાં રાષ્ટ્રપતિ, સેનેટ અથવા પ્રતિનિધિ ગૃહ જેવી ફેડરલ ચૂંટણીઓ લડવા માંગતો હોય તો તેણે ફેડરલ ચૂંટણી પંચ (FEC) માં નોંધણી કરાવવી આવશ્યક છે. વધુમાં પાર્ટીએ ભંડોળ એકત્ર કરવા અને ખર્ચ કરવા માટે પારદર્શક નિયમોનું પાલન કરવું પડે છે.

અમેરિકામાં સૌથી મોટો પડકાર મતપત્રકના ઍક્સેસનો છે, એટલે કે ચૂંટણી મતપત્રક પર પક્ષનું નામ મેળવવું. આ માટે દરેક રાજ્યના અલગ અલગ કાનૂની નિયમો છે.

ઘણાં રાજ્યોમાં આના માટે હજારો માન્ય નાગરિકોની સહીઓ એકત્રિત કરવી ફરજિયાત છે.

કેટલાંક રાજ્યોમાં છેલ્લી ચૂંટણીમાં ચોક્કસ ટકાવારી મત મેળવવાની શરત છે.

પાર્ટી ચલાવવા ઉમેદવારો ઊભા કરવા અને પ્રચાર કરવા માટે ઘણા પૈસાની જરૂર પડે છે. આ માટે તેમણે ખાનગી દાતાઓ અને સમર્થકો પાસેથી ભંડોળ એકત્ર કરવું પડશે. વધુમાં પારદર્શિતા જાળવવા માટે પ્રચારનો ખર્ચ મર્યાદિત હોવો જોઈએ અને કડક FEC નિયમોનું પાલન કરવું પડશે.

આ ઉપરાંત રાષ્ટ્રપતિ ચૂંટણી પ્રચાર દરમિયાન ટીવી પર રાષ્ટ્રીય ચર્ચાઓમાં ભાગ લેવા માટે ઉમેદવારે 15 ટકા રાષ્ટ્રીય સમર્થન (મતદાન સર્વેક્ષણના આધારે) દર્શાવવું જરૂરી છે.

ઇલૉન મસ્ક પાસે પૈસાની કોઈ અછત નથી પરંતુ છતાં તેમના માટે નવી પાર્ટી બનાવીને ચૂંટણી લડવી એ સરળ નહીં હોય.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન