ગુજરાતમાં આજે ગરમીને લઈને ઍલર્ટ, મતદાન વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતમાં મંગળવારે લોકસભાની 25 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે અને બીજી તરફ ગુજરાતમાં ગરમીને લઈને ઍલર્ટ આપવામાં આવ્યું છે.
ગુજરાતમાં હાલ અનેક વિસ્તારોમાં ભારે ગરમી પડી રહી છે અને દિવસ દરમિયાનનું તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી ઉપર જઈ રહ્યું છે.
ગુજરાતમાં મે અને જૂન મહિનાના શરૂઆતના દિવસોમાં વધારે ગરમી પડે છે. ઉનાળામાં સૌથી વધારે આકરી ગરમી રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં મે મહિનામાં પડતી હોય છે.
રાજ્યમાં ગરમીને લઈને ચૂંટણીપંચ અને રાજકીય પક્ષો પણ સતર્ક થઈ ગયાં છે અને ગરમીની અસર મતદાન પર ન પડે તેના માટે વ્યવસ્થાઓ કરી રહ્યાં છે.
ગુજરાતમાં હાલ જ હવામાનમાં પલટો આવ્યા બાદ ફરીથી ગરમીનો પારો ઊંચે જવા લાગ્યો છે અને આવનારા દિવસોમાં હજી ગરમી વધશે એવું અનુમાન દેખાઈ રહ્યું છે.
ગુજરાતમાં કેટલા દિવસ માટે ઍલર્ટ?

ઇમેજ સ્રોત, Getty Images
ભારતના હવામાન વિભાગે ગુજરાતમાં આગામી પાંચ દિવસ માટે હિટવેવની ચેતવણી આપી છે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં ભારે ગરમી પડી શકે છે.
રાજ્યના કેટલાક વિસ્તારોમાં તાપમાનનો પારો 40 ડિગ્રી સેલ્સિયસથી ઉપર જવાની શક્યતા છે.
આ ઉપરાંત દક્ષિણ ગુજરાત સહિત દરિયાકાંઠાના કેટલાક વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું હવામાન જોવા મળે તેવી શક્યતા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હવામાન વિભાગનું કહેવું છે કે 6 મેથી 10 મે સુધી સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોને ભારે ગરમીથી રાહત નહીં મળે અને આ દિવસોમાં વિવિધ વિસ્તારોમાં લૂ વાય તેવી શક્યતા છે.
ગુજરાતમાં થોડા દિવસ પહેલાં અમરેલીમાં તાપમાનનો પારો 44 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયો હતો.
ગુજરાતના કયા વિસ્તારોમાં પડશે ભારે ગરમી?

ઇમેજ સ્રોત, Getty Images
રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં આ અઠવાડિયા દરમિયાન ભારે ગરમી પડવાની શક્યતા છે. ભારત પર એક નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ 9મેની આસપાસ આવશે, પરંતુ તેની અસર ગુજરાતને ખૂબ ઓછો થવાની શક્યતા છે.
જેના લીધે 10થી 11 મે સુધી સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત તથા મધ્ય ગુજરાતના ઘણા વિસ્તારોમાં ભારે ગરમી પડવાની શક્યતા છે.
અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, વડોદરા, આણંદ, ખંભાત, પાલનપુર, ડિસા સહિતના વિસ્તારોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીથી ઉપર જાય તેવી શક્યતા છે.
રાજ્યમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં તાપમાન અન્ય વિસ્તારો કરતાં ઓછું રહેવાની સંભાવના છે, પરંતુ આ વિસ્તારોમાં ભેજવાળી હવા સાથે ગરમી પડશે. જેના કારણે દરિયાકાંઠાની આસપાસના વિસ્તારોમાં બફારો રહેવાની શક્યતા છે.
અમદાવાદ ખાતેના હવામાન કેન્દ્રએ દરિયાકાંઠાના વિસ્તારોની સાથે ભાવનગર અને સુરતમાં હિટવેવની ચેતવણી આપી છે.
ભારે ગરમીમાં મતદાન વખતે શું ધ્યાન રાખવું?

ચૂંટણીપંચે પણ રાજ્યમાં ભારે ગરમીને ધ્યાનમાં રાખીને તૈયારીઓ કરી રાખી છે અને મતદાનમથકોએ લોકોને ગરમીમાં ખુલ્લામાં ના ઊભા રહેવું પડે તે માટે શેડ તૈયાર કર્યા છે.
ચૂંટણીપંચે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીને મોકલેલા એક પત્રમાં કહ્યું છે કે ભારતીય હવામાન વિભાગ પ્રમાણે આવનારી ચૂંટણીમાં માર્ચથી જૂન મહિના સુધી ભારે ગરમી પડવાની શક્યતા છે.
આથી ચૂંટણીપંચે ડિઝાસ્ટર મૅનેજમૅન્ટ દ્વારા જાહેર થયેલી હિટવેવથી બચવા માટેની ગાઇડલાઇન જારી કરી છે.
હિટવેવની સ્થિતિમાં મતદાન કરવા જતી વખતે આટલી બાબતોનું ધ્યાન રાખો :
- ગરમી વધારે હોય તો પાણી પીવો, તરસ ના લાગી હોય તો પણ પાણી પીવું
- હળવાં, આછાં રંગના, સુતરાઉ કપડાં પહેરવાં
- તડકામાં જાવ ત્યારે ચશ્માં, ટોપી, ચપ્પલ કે શૂઝ પહેરીને જવું, તડકાથી બચવા છત્રી લઈ જવી
- મતદાન કરવા જાવ ત્યારે જરૂર પડે તો પાણી સાથે રાખવું
- હિટવેવની સ્થિતિમાં ચા, કોફી કે કાર્બોહાઇડ્રેટ ધરાવતાં પીણાં ના પીવાં
- ગરમીમાં મતદાન વખતે જરૂરી ના હોય તો બાળકોને સાથે ના લઈ જાવ
-જો વધારે ગરમી લાગી જાય તો તુરંત ડૉક્ટરને બતાવો
અતિશય ગરમીથી માણસના શરીર પર કેવી અસર થાય છે?

જેવું જ શરીર ગરમ થાય છે, શરીરની રક્તવાહિનીઓ ફૂલી જાય છે. તેના કારણે બ્લડ પ્રશર ઘટે છે અને શરીરમાં લોહીનું ભ્રમણ કરવામાં હૃદયને વધારે મહેનત કરવી પડે છે.
તેનાથી હળવા લક્ષણો જોવા મળે છે, જેમકે, ખંજવાળ, આવવી, ફોલ્લીઓ થવી, પગમાં સોજા આવવા.
તેની સાથે, પરસેવાથી શરીરમાંથી પ્રવાહી અને મીઠુંની માત્રા ઓછી કરી દે છે અને તેનાથી શરીર માટે અત્યંત જરૂરી છે તેવું પ્રવાહી અને મીઠાનું સંતુલન ખોરવાઈ જાય છે.
આ બંને કારણો અને તે સિવાય, ઘટતા બ્લડ પ્રેશરથી વ્યક્તિને ઝડપથી થાક લાગે છે.
તેનાં લક્ષણો છે:
ચક્કર આવવા
ઉબકા અવવા
બેહોશ થવું
સ્નાયું ખેંચાવા
માથું દુખવું
ખૂબ જ પરસેવો થવો
થાક લાગવો
ઠંડી લાગવી, ચામડી ફિક્કી અને ચીકણી થવી
જો બ્લડ પ્રેશર ખૂબ જ ઘટી જાય તો હાર્ટ ઍટેકનું જોખમ વધી જાય છે.
સૌથી મોટું જોખમ કોને છે?
વૃદ્ધાવસ્થા અથવા લાંબા ગાળાની બીમારી, જેવી કે, હૃદયની બીમારીથી લોકોની ગરમી સામે લડવાની
ક્ષમતા ઓછી થઈ જાય છે.
ડાયાબિટીસથી શરીરમાં પાણી ઝડપથી ઓછું થઈ જાય છે, જેનાથી શરીરની રક્તવાહિનીઓની કાર્યક્ષમતા અને પરસેવો ઉત્પન્ન કરવાની ક્ષમતામાં પણ બદલાવ આવી શકે છે.
બાળકો અને શારીરિક રીતે અક્ષમ, જે વધારે હલનચલન નથી કરી શકતાં. તેમના પર પણ વધારે જોખમ રહેલું છે. આવા લોકોને, મગજના રોગો, જેમ કે ઉન્માદ, લોકોને તેમનાં શરીરમાં થતા બદલાવથી અજાણ રાખે છે.
જે લોકો ઘરવિહોણા છે, તેઓ સૂર્યપ્રકાશના વધુ સંપર્કમાં આવશે, આથી તેમના પર જોખમ વધશે.
આ ઉપરાંત, ફ્લેટના છેલ્લા માળે રહેતા લોકોને પણ ઊંચા તાપમાનનો સામનો કરવો પડે છે.












