You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સેક્સ સ્કૅન્ડલ : જેનો ફાયદો ઇંદિરાને થયો અને જગજીવનરામ વડા પ્રધાન ન બની શક્યા
- લેેખક, રેહાન ફઝલ
- પદ, બીબીસી સંવાદદાતા
વર્ષ 1977ની ચૂંટણીમાં પરાજયના ચાર મહિનાની અંદર જ ઇંદિરા ગાંધી એમને મળેલી હારના આઘાતમાંથી બહાર આવી ગયાં હતાં. જનતા સરકારને જબરદસ્ત અવસર મળ્યો હતો પરંતુ એ અવસરને વેડફી દેવામાં તેમણે કોઈ કસર છોડી નહોતી. મોરારજી દેસાઈ, જગજીવન રામ અને ચરણસિંહ – આ ત્રણેય સરકારને અલગઅલગ દિશામાં ખેંચી રહ્યા હતા. જેના કારણે ઇંદિરા ગાંધી માટે અનુકૂળ પરિસ્થિતિ ઊભી થઈ અને જાણે કે આ ત્રણેય લોકોએ તૈયાર થાળીમાં જ તેમને ભોજન પીરસી દીધું હતું એવું કહેવામાં કોઈ અતિશયોક્તિ નહીં ગણાય.
ઇંદિરા ગાંધીને રાજકીય પુનરાગમન કરવાનો પહેલો મોકો ત્યારે મળ્યો કે જ્યારે મે, 1977માં બિહારના બેલછી ગામમાં ઉચ્ચ વર્ગના જમીનદારોએ દસથી વધુ દલિતોની હત્યા કરી નાખી. જ્યારે આ ઘટના ઘટી ત્યારે બહુ ઓછા લોકોનું ધ્યાન એ તરફ ગયું પરંતુ જુલાઈમાં ઇંદિરા ગાંધીએ દલિતો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરવા માટે ત્યાં જવાનો નિર્ણય કર્યો.
હાલમાં જ પ્રકાશિત થયેલ પુસ્તક ‘હાઉ પ્રાઈમ મિનિસ્ટર્સ ડિસાઈડ’ નાં લેખિકા નીરજા ચૌધરી કહે છે, "એ સમયે સમગ્ર બિહારમાં ભારે વરસાદ વરસી રહ્યો હતો. બેલછી જવાના બધા જ રસ્તાઓ પર કાદવ અને પૂરનાં પાણી હતાં. ઇંદિરાએએ પોતાનું વાહન અધવચ્ચે જ છોડવું પડ્યું પરંતુ તેમણે પ્રવાસ અટકાવ્યો નહોતો. તેઓ હાથી પર સવાર થઈને પૂરગ્રસ્ત બેલછી ગામમાં પહોંચ્યાં હતાં. અખબારોમાં હાથી પર સવાર ઈન્દિરા ગાંધીની તસવીરે સંદેશ આપ્યો કે 'તેઓ હજુ પણ મુકાબલો કરવા તૈયાર છે!"
હાથીની પીઠ પર સાડા ત્રણ કલાકની યાત્રા
બેલછીના દલિતોએ ઇંદિરા ગાંધીને વધાવી લીધાં. ઇંદિરાએ ત્યાં બેસીને તેમની વ્યથા સાંભળી અને તેમને આશ્વાસન આપતાં કહ્યું કે, ‘હું છુંને!’
ઇંદિરા ગાંધીની બેલછી યાત્રાનો ઉલ્લેખ વરિષ્ઠ પત્રકાર જનાર્દન ઠાકુરે પણ તેમના પુસ્તક ‘ઇંદિરા ગાંધી ઍન્ડ ધ પાવર ગેમ’ માં કર્યો છે. ઠાકુર લખે છે કે, 'ઇંદિરા ગાંધીની સાથે કેદાર પાંડે, પ્રતિભાસિંહ, સરોજ ખાપર્ડે અને જગન્નાથ મિશ્ર પણ ત્યાં ગયાં હતાં. કૉંગ્રેસનાં નેતા કેદાર પાંડેએ કહ્યું કે બેલછી સુધી કોઈ ગાડી પહોંચી જ શકે નહીં. ઇંદિરા ગાંધીએ કહ્યું કે 'આપણે ચાલીને જઇશું. ભલે આખી રાત ચાલવું પડે. '
અંદાજ પ્રમાણે જ ઇંદિરા ગાંધીની જીપ કાદવમાં ફસાઈ ગઈ; તેને બહાર કાઢવા માટે એક ટ્રેક્ટર બોલાવવું પડ્યું અને તે પણ ફસાઈ ગયું. ઇંદિરા ગાંધીએ તેમની સાડી ગોઠણ સુધી બાંધી અને પાણીમાં થઈને ચાલવા લાગ્યાં. ત્યારે જ એ વિસ્તારની એક વ્યક્તિએ તેમના માટે હાથી મોકલ્યો.
ઇંદિરા એ હાથી પર ચડી ગયાં અને પ્રતિભાસિંહ પણ ડરતાંડરતાં ચડ્યાં. ઇંદિરાએ ત્યાંથી બેલછી સુધીનો સાડા ત્રણ કલાકનો રસ્તો હાથીની પીઠ પર બેસીને પસાર કર્યો. અડધી રાત્રે ત્યાંથી પરત ફળતાં ઇંદિરાએ સડકકિનારે એક સ્કૂલમાં ભાષણ પણ આપ્યું હતું.
પટણામાં જયપ્રકાશ સાથે મુલાકાત
બીજા દિવસે ઇંદિરા ગાંધી જેપીને પટણામાં કદમકુઆં ખાતેના તેમના નિવાસસ્થાને મળવા ગયાં. ઇંદિરા એ બૉર્ડરવાળી સફેદ સાડી પહેરી હતી. સર્વોદય નેતા નિર્મલા દેશપાંડે તેમની સાથે હતાં. જેપી તેમને પોતાના નાના રૂમમાં લઈ ગયા જ્યાં એક પલંગ અને બે ખુરશીઓ હતી. આ બેઠકમાં ઇંદિરા જેપી સાથે રાજનીતિની ચર્ચા કરી શકે એમ નહોતાં. ઉપરાંત તેમણે એ સમય દરમિયાન જે સમસ્યાઓનો સામનો કરી રહ્યાં હતાં તેનો ઉલ્લેખ પણ ના કર્યો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઇંદિરા જેપીને મળ્યાં તે પહેલાં સંજય ગાંધીનાં પત્ની મેનકા જેપીને મળ્યાં હતાં. તેમણે તેમને ફરિયાદ કરી હતી કે તેમનો ફૉન ટૅપ થઈ રહ્યો છે અને તેમની ટપાલો ખોલીને વાંચવામાં આવી રહી છે.
આ સાંભળીને જેપી ખૂબ ગુસ્સે થઈ ગયા હતા. મેનકાના ગયા પછી જેપીના એક સાથીદાર પોતાને એમ કહેતાં રોકી શક્યા ન હતા કે ઇંદિરાએ તેમના વિરોધીઓ સાથે પણ આ બધું કર્યું હતું. આ વિશે જેપીનો જવાબ હતો કે, 'પરંતુ હવે દેશમાં લોકશાહી પુનઃસ્થાપિત થઈ ગઈ છે.'
ઇંદિરા સાથે જેપીની મુલાકાત 50 મિનિટ સુધી ચાલી હતી. નીરજા ચૌધરી કહે છે, "જેપી ઇંદિરા ગાંધીને મૂકવા માટે સીડીઓ સુધી આવ્યા હતા." જ્યારે બહાર ઊભેલા પત્રકારોએ તેમને પૂછ્યું કે શું વાતચીત થઈ ત્યારે ઇંદિરાએ હસીને જવાબ આપ્યો કે આ એક ખાનગી બેઠક હતી.
જ્યારે પત્રકારોએ તેમની ટિપ્પણીઓ મેળવવા માટે જેપીનો સંપર્ક કર્યો ત્યારે તેમણે કહ્યું, "મેં ઇંદિરાને કહ્યું હતું કે તમારો ભૂતકાળ જેટલો ઉજ્જવળ રહ્યો છે, તમારું ભવિષ્ય પણ એટલું જ ઉજ્જવળ થાય."
જેવા આ સમાચાર બહાર આવ્યા કે જનતા પાર્ટીના ઘણા નેતાઓ અસહજ થઈ ગયા. કુલદીપ નૈયરે નારાજ થઇને જેપીના સહયોગી કુમાર પ્રશાંતને પૂછ્યું, "જેપીએ ઇંદિરા વિશે આવું કઈ રીતે કહ્યું? તેમનો ભૂતકાળ તો કાળો અધ્યાય છે, ઉજ્જ્વળ તો જરાય નથી."
જ્યારે કુમાર પ્રશાંતે જેપીને આ સંદેશ આપ્યો ત્યારે તેમણે કહ્યું કે, "ઘર આયે કો દુઆ દી જાતી હૈ કી બદદુઆ દી જાતી હૈ?" નીરજા ચૌધરી કહે છે, "જેપીની આ ટિપ્પણીને એ સંદર્ભમાં પણ જોવી જોઈએ કે ત્યાં સુધીમાં જેપીનો જનતા પાર્ટીના નેતાઓથી મોહભંગ થઈ ગયો હતો અને તેઓ ઇંદિરા ગાંધી કરતાં જનતા પાર્ટીના નેતાઓથી વધુ નારાજ હતા."
રાજનારાયણ અને સંજય ગાંધી વચ્ચે મુલાકાતોનો સિલસિલો
ઇંદિરા ગાંધીને પુનરાગમન માટે ત્રીજો બ્રેક ત્યારે મળ્યો કે જ્યારે તેમને ચૂંટણીમાં હરાવનાર રાજનારાયણને એવું લાગવા માંડ્યું કે જનતા પાર્ટીની સરકારમાં તેમને જે સ્થાન મળવાનું હતું તે તેમને મળ્યું નથી. પોતાને પદ પરથી હઠાવી દેવાને કારણે તેમણે મોરારજી દેસાઈને ક્યારેય માફ નહોતા કર્યા.
તેમણે ઇંદિરા ગાંધીને મળવાની ઇચ્છા વ્યક્ત કરી. ઇંદિરા પોતે તેમને મળ્યાં નહોતાં પરંતુ તેમણે તેમના પુત્ર સંજય ગાંધીને તેમને મળવા મોકલ્યા હતા. બંને વચ્ચે મોહન મીકેન્સના માલિક કપિલ મોહનના પુસા રોડસ્થિત ઘરે મુલાકાતો થવા લાગી હતી. કમલનાથ અથવા અકબર અહમદ ડંપી સંજય ગાંધીને તેમની કારમાં બેસાડીને રાજનારાયણને મળવા લઈ જતા હતા. આ બેઠકોમાં મોરારજી દેસાઈની સરકારને તોડી પાડવા અને ચૌધરી ચરણસિંહને વડા પ્રધાન બનાવવાની રણનીતિ પર ચર્ચાઓ થતી હતી.
બંને લોકો જાણતા હતા કે ચરણસિંહને વડા પ્રધાન બનાવવા માટે જનતા પાર્ટીને તોડવી પડશે. નીરજા ચૌધરી લખે છે કે, "રાજનારાયણને ખુશ કરવા માટે એક દિવસ સંજય ગાંધીએ તેમને કહ્યું, 'તમે પણ વડા પ્રધાન બની શકો છો. ' રાજનારાયણે માથું હલાવ્યું પણ તેઓ સંજય ગાંધીની વાતમાં આવ્યા નહીં. તેમણે કહ્યું કે 'આ સારી વાત છે પણ અત્યારે ચૌધરીસાહેબને વડા પ્રધાન બનવા દો.'"
જગજીવન રામનાં પુત્રનું સેક્સ સ્કેન્ડલ
વર્ષ 1978 પૂર્ણ થતાં નસીબે ફરી ઇંદિરા ગાંધીનો સાથ આપ્યો. 21 ઑગસ્ટ, 1978ના રોજ ગાઝિયાબાદના મોહનનગરમાં મોહન મીન્કેસના કારખાનાની બહાર એક કારઅકસ્માત થયો. એ એક મર્સિડીઝ કાર હતી અને એક વ્યક્તિને કચડી નાખી હતી. અકસ્માતનો ભોગ બનનારનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.
કારની અંદર બેઠેલી વ્યક્તિએ લોકો તેને મારવાનું શરૂ કરી શકે એમ હોવાના ડરથી મોહન મીકેન્સના ગેટની અંદર કાર ઘુસાડી દીધી. ગેટ પર હાજર કૉન્સ્ટેબલે અંદર ફૉન કરીને અકસ્માતની જાણ કરી. એ બાદ કપિલ મોહનનો ભત્રીજો અનિલ બાલી બહાર આવ્યા. તેમણે કારમાં બેઠેલી વ્યક્તિને ઓળખી લીધી. તેઓ સંરક્ષણમંત્રી જગજીવન રામના પુત્ર સુરેશ રામ હતા. સુરેશ રામે બાલીને કહ્યું કે તેની કારનો પીછો કરવામાં આવી રહ્યો છે. કારની પાછળ રાજનારાયણના બે શિષ્યો અને જનતા પાર્ટીના કાર્યકરો કેસી ત્યાગી અને ઓમપાલ સિંહ પડ્યા હતા. અનિલ બાલીએ સુરેશ રામને તેમની કંપનીની કારમાં તેમના ઘરે મોકલી દીધા.
બીજા દિવસે સુરેશ રામે કાશ્મીરી ગૅટ પૉલીસ સ્ટેશનમાં એફઆઇઆર લખાવી, જેમાં તેમણે બાલીને જે વાત કહી હતી તેનાથી સંપૂર્ણપણે અલગ વાર્તા કહી. તેણે કહ્યું કે '20 ઑગસ્ટના રોજ લગભગ એક ડઝન લોકોએ તેનું અપહરણ કર્યું હતું. તેઓ તેમને બળજબરીથી મોદીનગર લઈ ગયા, જ્યાં તેને કેટલાક કાગળો પર સહી કરવા દબાણ કરવામાં આવ્યું. જ્યારે તેણે તેમ કરવાની ના પાડી ત્યારે માર મારવામાં આવ્યો અને તેઓ બેભાન થઈ ગયા. જ્યારે તેઓ હોશમાં આવ્યા ત્યારે તેમને કહેવામાં આવ્યું કે તેની સાથે કારમાં બેઠેલી મહિલા સાથે વાંધાજનક સ્થિતિમાં તેમની તસવીરો ક્લિક કરી લેવામાં આવી છે.'
...અને એ તસવીરો રાજનારાયણના હાથમાં આવી
નીરજા ચૌધરી કહે છે, "ઓમપાલસિંહ અને કેસી ત્યાગી ઘણા દિવસોથી સુરેશ રામનો પીછો કરતા હતા કારણ કે તે અનેક ગતિવિધિઓમાં સામેલ હતા. તેઓ જાણતા હતા કે દિલ્હી કૉલેજની એક વિદ્યાર્થિની સુરેશ રામની ગર્લફ્રેન્ડ છે. તેઓ પૉલૉરોઇડ કૅમેરા વડે ગર્લફ્રેન્ડની નગ્ન તસવીરો ક્લિક કરતા હતા. આ બંનેએ સુરેશ રામ અને તેમની ગર્લફ્રેન્ડની તસવીરો હાથમાં આવે તે માટે પૂરો પ્રયાસ કર્યો હતો."
સુરેશ રામ જે કાર ચલાવી રહ્યા હતા, તેમાંથી તેમને આ તસવીર મળી આવી હતી. તસવીરો મળતાં જ બંને રાજનારાયણ પાસે ગયા હતા. એ જ રાત્રે જગજીવન રામ રાજનારાયણને મળવા કપિલ મોહનના ઘરે આવ્યા. બંને વચ્ચે લગભગ 20 મિનિટ સુધી વાતચીત થઈ હતી. જોકે, વાતચીતમાંથી કોઈ સાર્થક પરિણામ ન આવ્યું અને જગજીવન રામ રાત્રે 11.45 વાગ્યે તેમના ઘરે પાછા ગયા. તેમના ગયા પછી રાજનારાયણે કપિલ મોહનને કહ્યું, 'હવે તે આપણા નિયંત્રણમાં છે'. બીજા દિવસે રાજનારાયણ દ્વારા પત્રકારપરિષદમાં સમગ્ર ઘટનાની વિગતો આપવામાં આવી હતી.
પત્રકાર ફરઝંદ અહમદ અને અરૂલ લુઈસે 'ઇન્ડિયા ટુડે'ના 15 સપ્ટેમ્બર, 1978ના અંકમાં લખ્યું છે, "રાજનારાયણને પૂછવામાં આવ્યું કે ઓમપાલસિંહને તે તસવીરો કેવી રીતે મળી? રાજનારાયણે કહ્યું કે ઓમપાલસિંહે સુરેશ રામ પાસેથી સિગારેટ માગી હતી. જ્યારે તેણે સિગારેટ આપવા માટે તેની કારનું ગ્લૉવ બૉક્સ ખોલ્યું ત્યારે તે તસવીરો સિગારેટના પૅકેટની સાથે નીચે પડી ગઈ હતી."
"ઓમપાલસિંહે તે તસવીરો લઇ લીધી હતી અને તેને સુરેશ રામને પરત કરી નહોતી. જોકે, સુરેશ રામે તેને પરત મેળવવા માટે પૈસાની ઓફર કરી હતી."
તસવીરો જ્યારે સંજય ગાંધી પાસે પહોંચી
રાજનારાયણ પાસે સુરેશ રામ અને તેમની ગર્લફ્રેન્ડની અંદાજે 40થી 50 તસવીરો હતી. તેમણે અંદાજે 15 તસવીરો કપિલ મોહનને આપી દીધી અને બાકીની પોતાની પાસે રાખી લીધી હતી.
નીરજા ચૌધરી આગળ કહે છે, "જેવા રાજનારાયણ પોતાના ઘરે ગયા કે કપિલ મોહને તેમના ભત્રીજા અનિલ બાલીએ કહ્યું કે આ સમયે આ તસવીરો સંજય ગાંધી પાસે લઈ જાઓ. બાલી 12 વિલિંગ્ટન ક્રૅસેન્ટ રૉડ પર રાત્રે એક વાગ્યે પહોંચ્યા. સંજય ગાંધી એ સમયે ઊંઘી ગયા હતા અને તેમને જગાડવામાં આવ્યા હતા."
"સંજય ગાંધીએ એમને પૂછ્યું કે શું આ કોઈ આવવાનો સમય છે? બાલીએ સુરેશ રામની તસવીરો તેમના હવાલે કરી હતી. સંજય ગાંધી એક પણ શબ્દ કહ્યા વગર ઘરની અંદર ગયા અને તેમણે ઇંદિરા ગાંધીને જગાડ્યાં હતાં."
બીજા દિવસે એટલે કે 22 ઑગસ્ટના દિવસે સવારે 9 વાગ્યે જનતા પાર્ટીના સાંસદ કૃષ્ણકાંતના ટેલીગ્રાફ લેનસ્થિત ઘરમાં ટેલિફોનની ઘંટડી રણકી. સામે છેડે જગજીવન રામ હતા. ફોન મૂકતાં જ તેમણે પરિવારજનોને કહ્યું, ‘એક છોકરાએ પોતાના બાપને ડુબાડી દીધો.’
મેનકા ગાંધીએ તસવીરો તેમની પત્રિકામાં છાપી
દસ મિનિટ પછી સંરક્ષણમંત્રીની સત્તાવાર કાર કૃષ્ણકાંતના ઘરે આવીને ઊભી રહી. પોતાની કારમાં બેસીને તેઓ કૃષ્ણ મેનન માર્ગ પર જગજીવન રામના ઘરે ગયા. જગજીવન રામે બધાને રૂમમાંથી બહાર જવા કહ્યું. નીરજા ચૌધરી લખે છે, "જ્યારે તેઓ રૂમમાં એકલા હતા ત્યારે જગજીવન રામ પોતાની બેઠક પરથી ઊભા થયા અને કૃષ્ણકાંતના પગ પાસે ટોપી મૂકીને કહ્યું કે 'હવે મારું સન્માન તમારા હાથમાં છે.'
કૃષ્ણકાંતે મીડિયામાં તેમના સંપર્કો દ્વારા જગજીવન રામને મદદ કરવાનો પ્રયાસ કર્યો. 'ઇન્ડિયન ઍક્સપ્રેસ'ના પહેલા પાના પર સઈદ નકવીનો એક લેખ પ્રકાશિત થયો હતો જેમાં સુરેશ રામ પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવામાં આવી હતી
ભારતનાં દરેક અખબારે આ સમાચાર પર મૌન સેવ્યું હતું, પરંતુ સંજય ગાંધીનાં પત્ની મેનકા ગાંધીએ 46 વર્ષીય સુરેશ રામ અને તેની ગર્લફ્રેન્ડની તે તસવીરો પોતાના મૅગેઝિન 'સૂર્યા'માં પ્રકાશિત કરી હતી.
તે અહેવાલનું શીર્ષક હતું 'રિયલ સ્ટોરી'. સૂર્યાનો તે અંક બ્લૅકમાં વેચાઈ ગયો અને જગજીવન રામની ભારતના વડા પ્રધાન બનવાની ઇચ્છા કાયમ માટે અધૂરી રહી ગઈ.
ખુશવંતસિંહ પાસે એ તસવીરો પહોંચી
પ્રખ્યાત લેખક ખુશવંતસિંહે પણ તેમની આત્મકથા 'ટ્રુથ, લવ ઍન્ડ લિટલ મેલીસ'માં આ ઘટનાનો ઉલ્લેખ કરતાં કહ્યું છે કે 'એક બપોરે મારા ડૅસ્ક પર એક પૅકેટ આવ્યું જેમાં જગજીવન રામનો પુત્ર સુરેશ રામ અને એક કૉલેજ ગર્લની અંતરંગ તસવીરો હતી.'
ખુશવંતસિંહ લખે છે, "તે જ સાંજે એક માણસ મારી પાસે આવ્યો અને તેણે પોતે જગજીવન રામનો સંદેશવાહક હોવાનો દાવો કર્યો. તેણે કહ્યું કે જો તે તસવીરો 'નેશનલ હેરાલ્ડ' અને 'સૂર્યા'માં પ્રકાશિત ન થાય તો બાબુજી મોરારજી દેસાઈનો પક્ષ છોડીને ઇંદિરા ગાંધીના પક્ષમાં આવી શકે છે. હું તે તસવીરો લઈને ઇંદિરા ગાંધી પાસે ગયો"
ખુશવંતે લખ્યું છે, "જ્યારે મેં જગજીવન રામની ઑફરનો ઉલ્લેખ કર્યો ત્યારે ઇંદિરા ગાંધીએ કહ્યું, મને તે વ્યક્તિમાં જરાય વિશ્વાસ નથી. જગજીવન રામે મને અને મારા પરિવારને અન્ય કોઈ વ્યક્તિ કરતાં વધુ નુકસાન પહોંચાડ્યું છે. તેને કહો કે પહેલાં તેણે પોતાનો પક્ષ બદલવો પડશે તો જ હું મેનકાને તે તસવીરો પ્રકાશિત ન કરવા કહીશ."
'સૂર્યા' અને 'નેશનલ હેરાલ્ડ' બંનેએ ચોક્કસ સ્થળોએ કાળી પટ્ટીઓ દોરતાં તે તમામ ફોટોગ્રાફ્સ પ્રકાશિત કર્યા હતા.
ઇંદિરા ગાંધી અને ચરણસિંહ બંને જાણતાં હતાં કે મોરારજી દેસાઈના રાજીનામા બાદ જગજીવન રામ વડા પ્રધાનપદના સૌથી મોટા દાવેદાર બની શકે છે, પરંતુ આ સ્કૅન્ડલ સામે આવતાં જ તેઓ હાંસિયામાં ધકેલાઈ ગયા હતા અને પછી ક્યારેય તેમાંથી બહાર નીકળી શક્યા નહોતા.
ઇંદિરા ગાંધી ચરણસિંહને મળવા માટે તેમના ઘરે ગયાં
ગૃહની અવમાનનાના આરોપમાં ઇંદિરા ગાંધી પાસેથી લોકસભાનું સભ્યપદ લઈ લેવામાં આવ્યું હતું અને સત્ર પૂરું થાય ત્યાં સુધી તેમને તિહાર જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા. તિહાર જેલમાંથી જ તેમણે ચરણસિંહના જન્મદિવસ 23 ડિસેમ્બરે ફૂલોનો ગુલદસ્તો મોકલ્યો હતો. 27 ડિસેમ્બરે તેમને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા.
છૂટતી વખતે તિહાર જેલના અધિકારીઓ અને સૈનિકોએ તેમને સન્માનપૂર્વક સલામી આપી હતી. એ જ દિવસે ચરણસિંહના પુત્ર અજિતસિંહના પુત્ર જયંતનો અમેરિકામાં જન્મ થયો હતો. ચરણસિંહે સત્યપાલ મલિક મારફત ઇંદિરા ગાંધીને સંદેશો મોકલ્યો, "જો શ્રીમતી ગાંધી અમારે ત્યાં ચા પીશે તો મોરારજી આપોઆપ સમજી જશે."
જ્યારે ઇંદિરા ગાંધી ચરણસિંહના ઘરે પહોંચ્યાં ત્યારે તેમણે ગેટ પર તેમનું સ્વાગત કર્યું. આ બેઠક દ્વારા ચરણસિંહ મોરારજી દેસાઈને એ સંદેશ આપવા માગતા હતા કે જો જરૂર પડે તો તેઓ ઇંદિરા ગાંધી સાથે મિત્રતા કરી શકે છે.
બીજી બાજુ, ઇંદિરા ગાંધી એ પણ દર્શાવવા માગતાં હતાં કે તેઓ પણ જનતા પાર્ટીના અસંતુષ્ટ નેતાને મળીને તેમના માટે મુશ્કેલી ઊભી કરી શકે છે.
ઇંદિરાએ સમર્થન પાછું ખેંચ્યું
બધી ઘટનાઓનું પરિણામ હતું મોરારજી દેસાઈનું વડા પ્રધાનપદ પરથી રાજીનામું અને ચરણસિંહનું વડા પ્રધાન બનવું. શપથ લીધા પછી ચરણસિંહે ઇંદિરા ગાંધીને ફોન કર્યો કે તેઓ તેમના નિવાસસ્થાન વિલિંગ્ટન ક્રૅસન્ટ પર આવીને તેમનો આભાર માનશે.
નીરજા ચૌધરી કહે છે, "ચરણસિંહ બીજુ પટનાયકના ખબર પૂછવા માટે રામમનોહર લોહિયા હૉસ્પિટલ જઈ રહ્યા હતા. ત્યાંથી પાછા ફરતી વખતે તેઓ ઇંદિરા ગાંધીના ઘરે રોકાવાના હતા પરંતુ આ દરમિયાન તેમના એક સંબંધીએ તેમને સલાહ આપી કે તમે તેમના ઘરે કેમ જાઓ છો? હવે તમે વડા પ્રધાન છો, તેમણે તમને મળવા આવવું જોઈએ. ચરણસિંહે ઇંદિરા ગાંધીના ઘરે ન જવાનું નક્કી કર્યું". જે રીતે આ બધું થયું એ કોઈ ફિલ્મી સીનથી કમ નહોતું!
નીરજા કહે છે કે, " ઇંદિરા ગાંધી હાથમાં ગુલદસ્તો લઈને તેમના ઘરના આંગણામાં ચરણસિંહની રાહ જોઈ રહ્યાં હતાં. તે સમયે સત્યપાલ મલિક પણ ઇંદિરા ગાંધીના નિવાસ પર હાજર હતા. લગભગ 25 કૉંગ્રેસી નેતાઓ ત્યાં ચરણસિંહની રાહ જોઈ રહ્યા હતા.ઇંદિરાની નજર સામે જ તેમના ઘરમાં પ્રવેશવાને બદલે ચરણસિંહની ગાડીઓનો કાફલો તેમના ઘરની સામેથી પસાર થઈ ગયો. ઇંદિરા ગાંધીનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો."
સ્થળ પર હાજર લોકોએ જોયું કે તેમણે ગુલદસ્તો જમીન પર ફેંકી દીધો અને ઘરની અંદર ચાલ્યાં ગયાં. સત્યપાલ મલિકે કહ્યું કે, "મને તે જ સમયે લાગ્યું હતું કે ચરણસિંહની સરકાર હવે થોડા દિવસોની જ મહેમાન છે."
બાદમાં ચરણસિંહે પોતાની ભૂલ સુધારવાનો પ્રયાસ કર્યો પરંતુ ઇંદિરાએ તેમને 'હવે નહીં' એવો સંદેશ મોકલ્યો. ચરણસિંહના વડા પ્રધાન બન્યાના 22 દિવસ પછી જ ઇંદિરા ગાંધીએ તેમની સરકારમાંથી તેમનો ટેકો પાછો ખેંચી લીધો.