ટેકાના ભાવ નહીં પરંતુ આ પાંચ પગલાંથી વધી શકે ખેડૂતોની આવક?

ઇમેજ સ્રોત, ABHINAV GOYAL/BBC
- લેેખક, દીપક મંડલ
- પદ, બીબીસી સંવાદદાતા
પોતાના પાક માટે લઘુતમ સમર્થન મૂલ્ય (એમએસપી)ની ગૅરંટી માગી રહેલા ખેડૂતોએ સરકારના પ્રસ્તાવને ફગાવી દીધો છે. હાલમાં ખેડૂતોનું આંદોલન ચાલુ છે અને પંજાબ અને હરિયાણાના અનેક વિસ્તારોમાં ઇન્ટરનેટ બંધ છે.
21 ફેબ્રુઆરીએ ખનૌરી બૉર્ડર પર એક ખેડૂતનું કથિત ગોળીબારમાં મોત થવાની ખેડૂતોએ દિલ્હી કૂચને બે દિવસ માટે સ્થગિત કરી દીધી છે.
કેન્દ્ર સરકારના મંત્રીઓની એક સમિતિએ 23 પાકોની એમએસપી ગૅરંટી અને અન્ય કેટલીક માગણીઓ માટે છેલ્લા એક સપ્તાહથી આંદોલન કરી રહેલા ખેડૂતોને કહ્યું હતું કે જો તેઓ કઠોળ, તેલીબિયાં, મકાઈ અને કપાસ ઉગાડે છે તો સરકારી એજન્સીઓ એમએસપી પર તેમનો પાક ખરીદશે.
પણ ખેડૂત સંગઠનોના પ્રતિનિધિઓનું કહેવું છે કે સરકારે જે પ્રસ્તાવ આપ્યો છે તેમાં તેમને કોઈ લાભ નથી દેખાઈ રહ્યો.
ખેડૂતોને હાલ ભારે પોલીસદળને તહેનાત કરી દિલ્હીથી બહાર જ રોકી દેવાયા છે. આ વાતની આશંકા પણ વ્યક્ત કરાઈ રહી છે કે આગામી દિવસોમાં આંદોલન કરી રહેલા ખેડૂતો અને સરકાર વચ્ચે વધુ સંઘર્ષ જોવા મળી શકે છે.
શું ટેકાના ભાવ જૂનો આઇડિયા છે, જે હવે કામનો નથી રહ્યો

ઇમેજ સ્રોત, ANI
ભારતમાં આંદોલન કરી રહેલા આ ખેડૂતોને ઘણું સમર્થન મળી રહ્યું છે. પરંતુ ખેડૂતોનો એક મોટો વર્ગ ખેડૂતોની 23 પાક પર એમએસપીની ગૅરંટીની માગ પર પ્રશ્ન પણ ઊભા કરી રહ્યો છે.
ભારતમાં કૃષિ અર્થવ્યવસ્થાના જાણકારો અને નિષ્ણાતોનું કહેવું છે કે એમએસપી 1960ના દાયકાનો વિચાર છે, જ્યારે દેશ અનાજની ભારે ઊણપની સમસ્યા સાથે ઝઝૂમી રહ્યો હતો.
આ સમયે સરકારે ખેડૂતોને વધારે પાક ઉગાડવા માટે પ્રોત્સાહિત કરવાની દિશામાં એક પ્રયાસના ભાગરૂપે એમએસપીની વ્યવસ્થા લાગુ કરી હતી. હવે ફૂડ સરપ્લસનો સમય છે અને એમએસપીની જરૂર રહી નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પહેલી એમએસપી 1964-65માં અનાજ માટે અપાઈ હતી. તે સમયે અનાજ માટે પ્રતિ ક્વિન્ટલ એમએસપી 33.50થી 39 રૂપિયા સુધી નક્કી કરાઈ હતી. તો 1966-67માં ઘઉં માટે પ્રતિ ક્વિન્ટલ 54 રૂપિયાની એમએસપી નક્કી કરાઈ હતી.
નિષ્ણાતોનું કહેવું છે કે દેશ હવે ખાદ્ય સુરક્ષાના મામલામાં આત્મનિર્ભર થઈ ગયો છે. આથી એમએસપીની ભૂમિકા પૂરી થઈ ગઈ છે. આ વ્યવસ્થા હંમેશાં માટે ન ચાલી શકે.
23 પાક એમએસપી પર ખરીદવાની જરૂરિયાત હોવા છતાં સરકાર માત્ર ઘઉં અને અન્ય અનાજની ખરીદી જ એમએસપી પર કરે છે.
સત્તાવાર આંકડા મુજબ, 2021-22 અગાઉ ત્રણ વર્ષ સુધી દેશમાં એમએસપીની વ્યવસ્થા હેઠળ 1,340 લાખ ટન અનાજ ખરીદવામાં આવ્યું હતું. આ ખરીદી માટે સરકારે 2.75 લાખ કરોડ રૂપિયા ખર્ચ્યા હતા.
દેશમાં જરૂર કરતા વધારે પ્રમાણમાં અનાજનો ભંડાર છે અને તેનો સંગ્રહ કરવાની જગ્યા ઓછી હોવાના કારણે મોટા પ્રમાણમાં અનાજ ખરાબ થઈ જાય છે.
એમએસપીની તરફેણ અને વિરોધમાં તર્ક

ઇમેજ સ્રોત, ICRIER
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
કૃષિ અર્થવ્યવસ્થાના જાણકારોનું કહેવું છે કે ભારત પોતાના ખેડૂતો પાસેથી જરૂર કરતાં વધારે અનાજ ખરીદી રહ્યું છે.
ઉદાહરણ તરીકે સરકારે 2022માં જણાવ્યું કે તેણે 600 લાખ ટન ચોખા ખરીદ્યા છે.
પણ રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદાઓ હેઠળ 350 લાખ ટન ચોખાની ખરીદી જ પૂરતી હતી. આટલા અનાજને સંગ્રહિત કરવાની વ્યવસ્થા ભારતમાં નથી. આથી મોટા પ્રમાણમાં અનાજ સડી જાય છે.
કેટલાય નિષ્ણાતોનું માનવું છે કે આ વ્યવસ્થા હવે જૂની થઈ ગઈ છે અને આ પ્રક્રિયામાં દેશના મહત્ત્વનાં સંસાધનનો વ્યય થઈ રહ્યો છે.
થિંક ટૅન્ક આઈસીઆરઆઈઈઆરમાં ઇન્ફોસિસ એગ્રિકલ્ચર પ્રોફેસર અને કમિશન ફૉર એગ્રિકલ્ચર કોસ્ટ્સ ઍન્ડ પ્રાઇસ (CACP)ના ભૂતપૂર્વ અધ્યક્ષ અશોક ગુલાટીએ તાજેતરમાં 'ધ વાયર' માટે વરિષ્ઠ પત્રકાર કરણ થાપરને આપેલા એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે એમએસપીમાં માત્ર દસ ટકા ખેડૂતો જ તેમના પાકનું વેચાણ કરી શકે છે.
તેઓ કહે છે કે જે 23 પાકોને એમએસપી આપવાની કાયદાકીય રીતે જરૂર છે તે ભારતની કુલ કૃષિપેદાશનો માત્ર 27.8 ટકા ભાગ છે.
એમએસપી પર ચોખા અને ઘઉંની ખરીદી પંજાબ અને હરિયાણા સહિત માત્ર છ કે સાત રાજ્યોમાં જ થાય છે.
છત્તીસગઢ, તેલંગણા અને આંધ્રપ્રદેશ આમાં નવાં રાજ્યો છે. પૂર્વ ભારતનો મોટા ભાગનો વિસ્તાર આ પ્રકારની ખરીદ વ્યવસ્થાની બહાર છે.
પણ અશોક ગુલાટીના આ તર્ક સાથે અર્થશાસ્ત્રી અરુણકુમાર સંમત નથી.
બીબીસી સાથે વાતચીતમાં તેમણે કહ્યું, ''સરકાર 23 પાકો માટે એમએસપી નક્કી કરે છે પણ તે લાગુ માત્ર ઘઉં અને ચોખા પર જ થાય છે. તકલીફનું કારણ આ જ છે. આ કારણે જ ખેડૂતો કાયદાકીય ગૅરંટીની માગ કરી રહ્યા છે. જો સરકાર આવું કરે તો બે પાકને મહત્ત્વ અપાય છે તે બંધ થઈ શકે છે. આનાથી પાકોમાં વિવિધતા આવી શકે છે. ગોડાઉનમાં જરૂર કરતાં વધારે અનાજ રાખવાથી જે પાક બરબાદ થઈ જાય છે તેનાથી પણ બચી શકાય છે.''
અરુણકુમાર કહે છે, ''ઘણી વાર સરકારી એકમોમાં એ સવાલ ઉઠાવાય છે કે એમએસપી આપીને ખેડૂતોને સબસિડી કેમ અપાય છે. જ્યારે ઓઈસીડીનો અહેવાલ કહે છે કે 2022માં ખેડૂતોને 14 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે, કારણ કે તેમના પાકની જે કિંમત મળવી જોઈતી હતી તે ના મળી. તો ખેડૂતોને આ સબસિડી આપવામાં આવે છે. સમાજ કે સરકાર ખેડૂતોને સબસિડી નથી આપી રહ્યાં.''
તેઓ કહે છે કે જો સરકાર દેશમાં વ્યક્તિદીઠ મજૂરી નક્કી કરી દે જેનું વચન સંવિધાનમાં અપાયું છે તો માગ અને પુરવઠા સાથે જોડાયેલી સમસ્યા પર તેની ભારે અસર થશે. ગોડાઉનમાં આટલું અનાજ સંગ્રહિત નહીં રાખવું પડે. લોકોની ખરીદશક્તિ વધશે અને તે વધારે ફળો, શાકભાજી અને અનાજનો ઉપયોગ કરી શકશે.
સરકારનો પ્રસ્તાવ શું હતો?

ઇમેજ સ્રોત, ANI
આંદોલનકારી ખેડૂતો પોતાના પાકના લઘુતમ સમર્થન મૂલ્યની ગૅરંટીની માગ કરી રહ્યા છે.
આ સાથે તે પાકની કિંમત નક્કી કરવા માટે સ્વામીનાથન પંચના અહેવાલમાં રજૂ કરાયેલી પદ્ધતિને લાગુ કરવાની માગ કરી રહ્યા છે. આ પદ્ધતિ પ્રમાણે ખેડૂતોને તેમના પાકની કિંમત દોઢ ગણી મળવી જોઈએ.
પણ સરકારે આપેલા પ્રસ્તાવમાં એમએસપી પર ગૅરંટી આપવાની વાત નહોતી. આનાથી ઊલટું મંત્રીઓની સમિતિએ તેમને પાકમાં વિવિધતા મતલબ માત્ર ઘઉં અને અન્ય અનાજના બદલે તેલીબિયાં અને કઠોળની ખેતી કરવાની સલાહ આપી છે.
ગોયલે જણાવ્યું કે મંત્રીઓની સમિતિએ ખેડૂતોને કઠોળ ઉગાડવા કહ્યું છે. આનાથી દાળ માટે ભારતની આયાત પર નિર્ભરતા ઓછી થશે.
ઘરેલુ ઉત્પાદનથી જ દાળની માગને પહોંચી વળાશે. આનાથી પંજાબ અને હરિયાણા જેવા પ્રદેશોમાં સતત નીચે જતાં જળસ્તરની સમસ્યાનું નિવારણ પણ થશે.
આ મામલે ખેડૂતો અને મંત્રીઓ વચ્ચેની બેઠક પછી પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે ખેડૂત નેતાઓએ કહ્યું કે ખેડૂત મકાઇ, કઠોળ અને તેલીબિયાં તથા કપાસ જેવા પાકોની ખેતી કરવાથી ખચકાય છે.
ખેડૂતોને લાગે છે કે આનાથી ભારે નુકસાન થઈ શકે છે, કારણ કે પાક એમએસપી પર નથી ખરીદવામાં આવતા.
ગોયલ મુજબ, ખેડૂતોની આ ચિંતાને જોતા મંત્રીઓની સમિતિએ તેમને પ્રસ્તાવ આપ્યો હતો કે જો ખેડૂત મકાઈ કે કઠોળ ઉગાડશે તો નેશનલ કૉ-ઑપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઑફ ઇન્ડિયા (એનસીસીએફ) અને નેચરલ એગ્રિકલ્ચરલ કૉ-ઑપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઑફ ઇન્ડિયા (નાફેડ) ખેડૂતો સાથે પાંચ વર્ષનો કરાર કરશે.
કરાર હેઠળ તે એમએસપી પર આ પાકોની ખરીદી કરશે. ખરીદીની કોઈ સીમા મર્યાદા નહીં હોય.
કપાસની ખરીદી માટે ખેડૂતો સાથે આવા જ પ્રકારનો કરાર ભારતીય કપાસ નિગમ લિમિટેડ કરશે.
ખેડૂતોનું શું કહેવું છે?

ઇમેજ સ્રોત, BKU EKTA (SIDHUPUR)
ખેડૂત આંદોલનની આગેવાની કરી રહેલાં ખેડૂત સંગઠનોના નેતાઓનું કહેવું છે કે સરકાર પાકના વૈવિધ્ય પર ભાર આપે છે. એ પણ સરકારના વલણ પર આધાર રાખે છે.
ભારતીય કિસાન યુનિયન એકતા (સિદ્ધુપુર)ના અધ્યક્ષ જગજિતસિંહ દલ્લેવાલ કેન્દ્રીય મંત્રીઓ સાથે વાતચીતમાં સામેલ હતા.
બીબીસી સાથ વાત કરતા તેમણે કહ્યું, ''ખેડૂતો ઇચ્છે છે કે સરકાર તમામ પાકો માટે જે એમએસપી જાહેર કરે છે તેની ખાતરી આપવામાં આવે. જો સરકાર આવી ખાતરી આપે તો પાકમાં વિવિધતા આપોઆપ આવી જશે. સરકારે તેની ચિંતા કરવાની જરૂરી નથી.''
તેમણે કહ્યું, ''જો કઠોળ અને તેલીબિયાં વેચવાથી ખેડૂતોને વધારે ફાયદો થશે તો તેઓ અનાજ અને ઘઉં કેમ ઉગાડે. સરકાર અને આ દેશના બૌદ્ધિક લોકો ઇચ્છે છે કે પાકમાં વિવિધતા આવે. એ સારી વાત છે. પણ ખેડૂતોને એ ખાતરી પણ મળવી જોઈએ કે તેમનો પાક એમએસપી પર ખરીદવામાં આવે."
"સરકાર જો આની જવાબદારી ન લે તો ખેડૂતોનો પાક નહીં વેચાય. તો પછી ખેડૂત એ જ એક-બે પાક ઉગાડશે જેની ખરીદી એમએસપી પર થતી હોય."
દલ્લેવાલ કહે છે કે ખેડૂતોને કંપનીઓના ભરોસે ના છોડી શકાય.
અગાઉ પણ ખેડૂતો ખેતી કરાવનારી એગ્રિ કૉમૉડિટી કંપનીઓના કહેવા પ્રમાણે બટાકાં, ટામેટાં અને બાસમતી અનાજની ખેતી કરી ચૂક્યા છે.
પણ આ કંપનીઓ કરારભંગ કરે છે અને નુકસાન ખેડૂતોને ભોગવવું પડે છે. કંપનીઓ ખરીદીનો વાયદો કરે છે પણ ઘણી વાર એવું થાય છે કે આવા વાયદાઓ પૂરા કરવામાં નથી આવતા.
દલ્લેવાલ કહે છે, ''ખરીદીની જવાબદારી સરકારી એજન્સીઓએ લેવી પડશે. ખેડૂતો જેટલું ઉત્પાદન કરશે તે બધું આ એજન્સીઓએ એક નક્કી કિંમતે ખરીદવું પડશે. જો આમ થશે તો પાક વૈવિધ્ય પોતાની જાતે જ થઈ જશે.''
ખેડૂતોની આવક કેવી રીતે વધશે?

ઇમેજ સ્રોત, ANI
ગુલાટી કહે છે કે એમએસપીની કાયદાકીય ખાતરી ખેડૂતોનું અહિત કરશે. જો સ્વામીનાથન પંચ અનુસાર પાકનો ભાવ વધશે તો ખાદ્યચીજોના ભાવ 25થી 30 ટકા વધી જશે અને સરકાર માટે મોંઘવારી નિયંત્રણ કપરું કામ બની જશે.
તેમનું કહેવું છે કે સરકાર પાસે આવક વધારવાના કેટલાય ઉપાયો હોઈ શકે છે. જેમાં એક છે મૂલ્ય સ્થિરતા કોષ બનાવવું. એટલે કે જ્યારે પાકની બજારકિંમત એમએસપીથી નીચે જાય તો સરકાર તેની ભરપાઈ કરે. ચીનમાં આ વ્યવસ્થા કારગત છે.
તેમનું કહેવુ છે કે ખેડૂતોને ઘઉં અને અન્ય ધાન્ય પાકો સિવાય વધારે કિંમત આપનારા પાકોની ખેતી કરવા પ્રોત્સાહિત કરવા જોઈએ.
ખેડૂતોને ફળ, શાકભાજી તથા પશુપાલન અને મત્સ્યપાલનને પ્રોત્સાહિત કરવા જોઈએ.
ભારતમાં કૃષિ અર્થવ્યવસ્થામાં સુધારાની તરફેણ કરનારાઓનું કહેવું છે કે એમએસપી વ્યવસ્થાનો દબદબો આ સૅક્ટરમાં ઇનોવેશનને હતોત્સાહિત કરશે.
આનાથી ખેડૂત સરકારી વ્યવસ્થા પર નિર્ભર થઈને રહી જશે અને જોખમ લેતા ડરશે. આ માટે ખેડૂતોને ચોખા-ઘઉંની એમએસપી પર ખરીદીના ચક્રમાંથી છોડાવવાની જરૂર છે.














