75 હજારના પગારની નોકરી છોડી શરૂ કરી ખેતી, હવે કઈ રીતે કરે છે લાખોની કમાણી?

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, NITIN NAGARKAR

ઇમેજ કૅપ્શન, કાવ્યા દાંતખિળે
    • લેેખક, શ્રીકાંત બંગાળે
    • પદ, બીબીસી મરાઠી

મેં નર્સિંગમાં બી.એસસી પૂરું કર્યા પછી બે વર્ષ માટે ટાટા હૉસ્પિટલમાં અને ત્રણ વર્ષ સુધી સાયન હૉસ્પિટલમાં કાયમી નોકરી કરી. 70-75 હજારે જેટલો પગાર હતો, પરંતુ કામથી કોઈ સંતોષ ન મળતો. હું આનું સમાધાન શોધવા ગામડે આવી.”

કાવ્યા દાતખિળે પુણે જિલ્લાના જુન્નર તાલુકાના દાતખિળેવાડી ગામનાં છે. દોઢ વર્ષ પહેલાં તેમણે નોકરી છોડી અને ગામડે આવીને માટીને કેન્દ્રમાં રાખી કામ શરૂ કર્યું.

તેમની પૈતૃક જમીન પર રાસાયણિક ખાતરનો ઉપયોગ થતો હતો, પરંતુ કાવ્યાને સમજાયું રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતી વખતે લોકો જમીનમાં રહેલા સૂક્ષ્મ જીવો વિશે ઝાઝું વિચારતા નથી.

કાવ્યાના મતાનુસાર આપણે માત્ર રોજગાર પેદા કરવા એવી નીતિ બનાવીએ છીએ જે માત્ર પેટ ભરવા અને પૈસા કમાવવાની વાતને કેન્દ્રમાં રાખે છે. તેઓ આ સ્થિતિ બદલવાની ઇચ્છા ધરાવે છે.

ગામડે આવ્યા પછી કાવ્યાએ બૅક્ટેરિયા અને ફૂગ સાથે કામ કરવાનું શરૂ કર્યુ.

આ માટે તેમણે ગામડાની નજીક અળસિયા ખાતર માટેનો પ્લાન્ટ બનાવ્યો. આ પ્લાન માટે શેડ પણ બનાવાયો.

ખેડૂતો માટે વીડિયો બનાવ્યો અને કમાણી થઈ શરૂ

વર્મીકમ્પોસ્ટ પ્લાન્ટ

ઇમેજ સ્રોત, Shrikant Bangale/BBC

જોકે, વર્મીકમ્પોસ્ટ બનાવીને વેચવું એ કોઈ સરળ કામ નથી. કાવ્યાને આ વાત શરૂઆતના મહિનાઓમાં જ સમજાઈ ગયેલી.

કાવ્યાએ કહ્યું, “શરૂઆતના અઢી મહિના અત્યંત ખરાબ રહ્યા, કારણ કે અમારી પાસે અઢી ટન માલ તૈયાર હોવા છતાં અમે તેનું વેચાણ ન કરી શક્યા. ત્યાર પછી મેં થોડો સમય વિચાર કર્યો અને કામ ફરીથી શરૂ કર્યું.”

વર્મીકમ્પોસ્ટનું વેચાણ સુનિશ્ચિત કરવા માટે પોતે શરૂઆતમાં અજમાવેલા ઉપાય અંગે વાત કરતાં તેઓ કહે છે કે, “મેં મારી એક યૂટ્યૂબ ચેનલ પર આ વર્મીકમ્પોસ્ટ વિશે 15 મિનિટનો વીડિયો અપલોડ કર્યો. મેં આ વિડિયોમાં વર્મીકમ્પોસ્ટ વિશે એટલી જ પ્રામાણિકતાથી જાણકારી આપી જેટલી પ્રામાણિકતા અમે આ કામ કરવામાં દાખવી રહ્યાં હતાં.. આ વીડિયો મારફતે ખેડૂતો પાસેથી અમને પાંચ ટનનો ઑર્ડર મળ્યો. જોકે, એ સમયે એટલો માલ પણ તૈયાર ન હતો.”

આ ઑર્ડર પછી કાવ્યાનો આત્મવિશ્વાસ વધ્યો અને તેમણે વર્મીકમ્પોસ્ટની સાથે વર્મીવૉશ અને વૉર્મ સીડનું ઉત્પાદન પણ શરૂ કર્યું. બે મહિનાની અંદર વર્મીકમ્પોસ્ટની એક બૅચ વેચાણ માટે તૈયાર થઈ જાય છે.

દરેક બૅચમાં 15 ટન માલ પેદા થાય છે, જેમાં 1.5 લાખ રૂપિયાનો નફો મળે છે.

કાવ્યાએ કહ્યું, “વર્મીવૉશમાંથી 100 ટકા નફો મળે છે કારણ કે તેમાંથી નીકળતાં લિક્વિડને અમે લિક્વિડ ખાતર તરીકે વેચીએ છીએ.”

વર્મીકમ્પોસ્ટના વેચાણમાં સોશિયલ મીડિયાની મદદ

 રાજેશ દાતખિળે

ઇમેજ સ્રોત, NITIN NAGARKAR

ઇમેજ કૅપ્શન, કાવ્યા અને તેમના પતિ રાજેશ દાતખિળે

કાવ્યા યૂટ્યૂબ અને ઇન્સટાગ્રામ જેવાં પ્લૅટફૉર્મ પર ઍક્ટિવ રહે છે. તેમને મોટા ઑર્ડર અહીંથી જ મળે છે. સોશિયલ મીડિયા પર કાવ્યા પોતાના કામમાં આવનારી તકલીફો વિશે પણ વાત કરે છે.

કાવ્યાએ જણાવ્યું, “મેં નક્કી કર્યું કે અમે ખેતી વિશે સોશિયલ મીડિયા પર જાણકારી અપલોડ કરીશું. સૌપ્રથમ મેં ખેડૂતોની સફળતાની કહાણીઓ અપલોડ કરવાનું શરૂ કર્યું. હું ખેડૂતો સાથે મુલાકાત કરીને પૂછતી કે તેમણે કેવી રીતે ઝેરી તત્ત્વોરહિત ખેતીની શરૂઆત કરી.”

કાવ્યાના પતિ રાજેશ એક મિકેનિકલ એન્જિનિયર છે. પોતાની પત્નીની મદદ કરવા માટે તેમણે પણ છ મહિના પહેલાં નોકરી છોડી દીધી.

કાવ્યાએ કહ્યું, “મેં મારી માટી માટે કામ કરવાનું શરૂ કર્યુ. મારા કામમાં ઘણી વખત મારા પતિ પણ સાથ આપતા. તેમણે જોયું કે આ કામમાં સંતોષ, પૈસા અને સન્માન છે. તેમણે પોતાની નોકરી છોડવાનો નિર્ણય કર્યો. મારી પાસે ખૂબ જ કામ હતું. ખેતી, પ્રોજેક્ટ અને વર્કશોપ એક સાથે સંભાળવાનું થોડું મુશ્કેલ હતું. હવે મારા પતિની મદદથી હું ખેતી અને વર્કશોપ બન્નેને આરામથી સંભાળી શકું છું.”

ખેતી માટે તાલીમ જરૂરી

ખેતી

ઇમેજ સ્રોત, NITIN NAGARKAR

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ઉત્પાદકો પ્રમાણે હાલ વર્મીકમ્પોસ્ટની માંગ વધુ છે, પરંતુ તેની સામે ઉત્પાદન ઓછું છે. જોકે, વર્મીકમ્પોસ્ટ બનાવવા માટે કેટલીક તકેદારી રાખવાની જરૂર છે. વર્મીકમ્પોસ્ટના શેડનું તાપમાન અને પાણીની વ્યવ્સથાનું ધ્યાન રાખવું જરૂરી છે.

કાવ્યાએ જણાવ્યું, “અળસિયા કે કોઈ પણ બૅક્ટેરિયાને વધુ પ્રમાણમાં પાણીની જરૂરિયાત નથી હોતી. આમ, પાણીની યોગ્ય વ્યવસ્થા થાય એ મહત્ત્વપૂર્ણ છે. તેમજ જો આ પ્રોજેક્ટ સૂર્યપ્રકાશમાં કરવામાં આવે તો નિષ્ફળ થવાની શક્યતા વધુ છે.”

કાવ્યા પાસે અઢી એકર જમીન છે, જેના પર તેઓ કેરી અને ચોખા ઉગાડે છે. તેમણે કહ્યું કે જો આપણે તાલીમ મેળવ્યા પછી ખેતીના ક્ષેત્રમાં ઝંપલાવાય તો આપણે ખેતી થકી પૈસા, માન-સન્માન અને સંતોષ મેળવી શકીએ છીએ.

તેમણે ઉમેર્યું કે સૌથી મહત્ત્વપૂર્ણ વાત છે કે આપણને ખેતીમાં શિક્ષણની જરૂરિયાત છે. આ ઉપરાંત લોકોમાં આયોજનની પણ આવડત હોવી જોઈએ, પછી ભલે એ ખાતર માટે હોય કે પાણી માટે. ત્રીજી સૌથી મહત્ત્વની વાત એ છે કે ઉત્પાદનનો ખર્ચ કેવી રીતે ઓછો કરી શકાય તેના પર ખાસ ધ્યાન રાખવું જોઈએ.