રાજકોટ શહેરનું ગંદું પાણી ખેતીમાં વાપરી આ ખેડૂતો કેવી રીતે બમણું ઉત્પાદન મેળવી રહ્યા છે?

આણંદપર ગામમાં વેસ્ટ વૉટરને ટ્રીટ કર્યા બાદ ખેતી માટે ઉપયોગમાં લેવામાં આવે છે

ઇમેજ સ્રોત, ALKA PALRECHA

ઇમેજ કૅપ્શન, આણંદપર ગામમાં વેસ્ટ વૉટરને ટ્રીટ કર્યા બાદ ખેતી માટે ઉપયોગમાં લેવામાં આવે છે
    • લેેખક, અલકા પાલરેચા અને સંજય દવે
    • પદ, બીબીસી ગુજરાતી માટે

"રાજકોટ શહેરના લોકો જેટલું વધારે પાણી વાપરે એટલું વધારે પાણી અમને મળે, શહેરમાં પાણીની જેટલી માગ વધે એટલો અમને ફાયદો થાય."

સામાન્ય રીતે કોઈ ગામનો ખેડૂત શહેરમાં વધી રહેલી પાણીની માગ અંગે આવી વાત કરે તો ચોક્કસથી આશ્ચર્ય થાય.

જોકે, રાજકોટ જિલ્લાના ઈશ્વરિયા ગામના ખેડૂત ભીખાભાઈ છનાભાઈ મોલિયા આવો મત ધરાવે છે અને તેઓ રાજકોટ શહેરમાંથી છોડવામાં આવતાં ગંદાં પાણીના વિશે આ વાત કરે છે.

રાજકોટ શહેર દ્વારા છોડવામાં આવતું ગંદું પાણી રાજકોટ જિલ્લાના ખેડૂતો માટે વરદાનરૂપ બન્યું છે.

ઈશ્વરિયા એ રાજકોટ શહેરને અડીને આવેલું ગામ છે. પેરી-અર્બન એરિયા તરીકે ઓળખાતા આ વિસ્તારમાં સવલતો-સંસાધનોનો અભાવ છે.

ઈશ્વરિયાની એક તરફ મોટું શહેર રાજકોટ અને બીજી તરફ ગ્રામીણ વિસ્તાર છે. અહીંની ખેતી વરસાદ અને ભૂગર્ભ જળ આધારિત છે, કારણ કે સૌરાષ્ટ્રની 71 નદીઓ ઋતુ આધારિત છે તેમ જ સૌરાષ્ટ્રમાં ખૂબ ઓછા ડૅમ હોવાથી કૅનાલનું નેટવર્ક મર્યાદિત છે.

એવામાં, આબોહવા પરિવર્તનના કારણે વરસાદની અણધારી સ્થિતિ, ભૂગર્ભજળનાં નીચાં ગયેલાં સ્તર અને બધાને લીધે સિંચાઈના પાણીની અનિશ્ચિતતાથી ઈશ્વરિયા ગામના ખેડૂતો ચિંતિત છે.

રાજકોટ જિલ્લામાં આબોહવા પરિવર્તનની અસરો

ગંદાં પાણીને એક મૂલ્યવાન સ્રોત તરીકે જોવાની જરૂર છે. આ એક ભરોસાપાત્ર સંસાધન છે

ઇમેજ સ્રોત, ALKA PALRECHA

ઇમેજ કૅપ્શન, ગંદાં પાણીને એક મૂલ્યવાન સ્રોત તરીકે જોવાની જરૂર છે. આ એક ભરોસાપાત્ર સંસાધન છે

ભૌગોલિક રીતે રાજકોટ ગરમ અર્ધ-સૂકી આબોહવાનો વિસ્તાર ગણાય છે. રાજકોટ જિલ્લામાં વરસાદની અનિશ્ચિતતા રહે છે અને પાણીના બાષ્પીભવનનું પ્રમાણ બહુ ઊંચું રહે છે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

વરસાદની વર્ષોની પેટર્ન જોઈએ તો, રાજકોટમાં વર્ષ દરમિયાન આશરે 29 દિવસના વરસાદી દિવસોમાં 655 મીમી જેટલો સરેરાશ વરસાદ નોંધાય છે.

જોકે, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના આંકડા પ્રમાણે, વર્ષ 2015-16 દરમિયાન રાજકોટ જિલ્લામાં કુલ 35 દિવસ વરસાદ પડ્યો અને તેની સરેરાશ 807.26 મિમી હતી. જ્યારે વર્ષ 2022માં કુલ 86 દિવસ વરસાદ પડ્યો હતો. એનો અર્થ એ કે, વર્ષ 2015-16ની સરખામણીમાં વર્ષ 2022માં વરસાદ 51 દિવસ વધુ પડ્યો.

વરસાદની પેટર્ન બદલાય તેમાં વૈશ્વિક અને સ્થાનિક ભૌગોલિક પરિસ્થિતિ એમ અનેક પરિબળો ભાગ ભજવતાં હોય છે.

હવામાન ખાતાના જણાવ્યાનુસાર છેલ્લાં પાંચ વર્ષથી વરસાદની પેટર્ન બદલાઈ છે અને એ અનુસાર રાજકોટમાં આ વર્ષો દરમિયાન સરેરાશ 1000 મિમી વરસાદ પડ્યો છે. જોકે, આમાં અપવાદ રૂપે ચાલુ વર્ષે માત્ર 464 મિમી જ વરસાદ નોંધાયો છે.

છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન આ વર્ષે ઑગસ્ટ માસમાં સૌથી ઓછો વરસાદ (1.24 ઈંચ) નોંધાયો છે, જ્યારે સૌથી વધુ વરસાદ ગત વર્ષે (27.48 ઈંચ) નોંધાયો હતો.

જોકે, અહીં નોંધવા જેવી વાત એ છે કે વાર્ષિક વરસાદના આંકડાની સામે પાણીનું બાષ્પીભવન થવાનું પ્રમાણ રાજકોટ જિલ્લામાં 2,103 મિમી નોંધાયું છે, જે આખા દેશમાં સૌથી વધારે છે. તેથી, સ્થાનિક ખેડૂતોને શિયાળુ પાક લેવા માટે સિંચાઈનું પાણી મેળવવું પડકારરૂપ બની જાય છે.

વળી, ઐતિહાસિક રીતે પશ્ચિમ રાજસ્થાનની જેમ સૌરાષ્ટ્ર પ્રદેશ, દેશમાં સૌથી વધુ દુષ્કાળગ્રસ્ત વિસ્તાર રહ્યો છે. છેલ્લાં 130 વર્ષના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રમાં દુષ્કાળના 31 કેસ નોંધાયા હતા. તેમાંથી લગભગ અડધા અતિગંભીર દુષ્કાળ હતા. 1986માં રાજકોટ શહેરમાં પીવા માટે ટ્રેનમાં પાણી લાવવું પડ્યું હોવાના દાખલા પણ મોજૂદ છે.

સિંચાઈ માટે ગંદું પાણી વાપરવાથી ઓછા ખર્ચે બમણું ઉત્પાદન મળી રહ્યું છે

ઇમેજ સ્રોત, ALKA PALRECHA

ઇમેજ કૅપ્શન, સિંચાઈ માટે ગંદું પાણી વાપરવાથી ઓછા ખર્ચે બમણું ઉત્પાદન મળી રહ્યું છે

અણધાર્યા વરસાદ જેવી આત્યંતિક હવામાન પરિસ્થિતિઓ અને ખેતીનાં પાણી પરની ઉપલબ્ધતા પર પડી રહેલી અસરોને પગલે ઈશ્વરિયાના ખેડૂતો સિંચાઈ માટે ગંદાં પાણીનો ઉપયોગ કરવા તરફ વળ્યા છે અને એમાં રાજકોટ શહેરના વહીવટી તંત્રનો સહયોગ પણ ઉમેરાયો છે.

રાજકોટ શહેરના વિકાસ માટે જેમ મીઠા પાણીની ઉપલબ્ધતા જરૂરી છે, એ જ રીતે ઉપયોગ કર્યા બાદ એ પાણીનો નિકાલ કરવો પણ અનિવાર્ય છે.

એવામાં જો એનો ઉપયોગ ખેતી માટે કરવામાં આવે તો સારા પ્રમાણમાં પાક-ઉત્પાદન લઈ શકાય. આ વાત ધ્યાનમાં રાખીને રાજકોટ શહેર મહાનગરપાલિકા (આરએમસી)એ ખેડૂત-સભ્યોની બનેલી એક સહકારી મંડળીના માધ્યમથી ગંદાં પાણીના ઉપયોગ બાબતે ખેડૂતો સાથે કરાર કર્યો.

1989માં આરએમસીની સ્થાયી સમિતિમાં ઠરાવ કર્યો હતો કે ખેડૂતોની સહકારી મંડળીઓને તેમનાં ખેતરોમાં પાઇપલાઇન નાખવાના બદલે સિંચાઈ માટે ગટરનું પાણી પૂરું પાડવામાં આવશે.

'શ્રી સુલજ પાણી સહકારી મંડળી લિમિટેડ' તરીકે ઓળખાતી ખેડૂતોની આ મંડળી ગુજરાતમાં આ રીતે ગટરનું ગંદું પાણી વાપરનારી પહેલી સહકારી મંડળી છે. ત્યારથી આરએમસી ગંદાં પાણીનો પુનઃઉપયોગ કરવા માટેના તમામ પ્રયાસો કરી રહી છે અને ખેડૂતોને સિંચાઈ માટે તે પૂરું પાડવા માટે તેના નિયમોમાં ખાસ સુધારા કરી રહી છે.

રાજકોટ મ્યુનિસિપલ કૉર્પોરેશનના રિસર્ચ વિભાગના નિવૃત્ત મૅનેજર ભરત ઢોલરિયા કહે છે, "આજે પાણીની ભારે તંગી વર્તાય છે ત્યારે ખેડૂતો ખેતીના ઉપયોગ માટે ગંદાં પાણીના ખાતરીભર્યા પુરવઠા માટે પૈસા ચૂકવવા પણ તૈયાર થયા છે. ગંદું પાણી મેળવવાની ખેડૂતોની માગ નોંધપાત્ર છે, પરંતુ આ મૂલ્યવાન સંસાધનને કૃષિક્ષેત્રો સુધી પહોંચાડવા માટે માળખાકીય સુવિધાઓની જોગવાઈ કરવી જરૂરી છે.”

ગંદા પાણીમાં રહેલાં પોષક-તત્ત્વો ખેતી માટે ઉપયોગી નીવડી રહ્યાં છે

ઇમેજ સ્રોત, ALKA PALRECHA

ઇમેજ કૅપ્શન, ગંદાં પાણીમાં રહેલાં પોષકતત્ત્વો ખેતી માટે ઉપયોગી નીવડી રહ્યાં છે

તેઓ ઉમેરે છે, "ગંદાં પાણીમાં પોષકતત્ત્વો રહેલાં હોવાથી તેમને ખાતરનો ખૂબ ઓછો ઉપયોગ કરવો પડે છે. તેથી તેમને સિંચાઈ માટે ગંદું પાણી વાપરવાથી ઓછા ખર્ચે બમણું ઉત્પાદન મળી રહ્યું છે. આ ખેડૂતોને ગંદાં પાણીના પમ્પિંગ માટે પણ નજીવો ખર્ચમાં કરવો પડે છે, કારણ કે ભૂગર્ભજળનાં ઊંડાં સ્તરમાંથી પાણી મેળવવાની સરખામણીમાં ગંદું પાણી ખેતર સુધી પહોંચાડવાનું અંતર ઘણું ઓછું છે.”

તેઓ વધુમાં કહે છે કે, “આબોહવા પરિવર્તનના સંકટના સમયમાં વધુને વધુ ખેડૂતોની આજીવિકા આ રીતે ટકી રહે તે માટે આ સંસાધનનાં પરિવહન અને સંગ્રહનાં માળખાં પર ધ્યાન કેન્દ્રિત કરવાની તાતી જરૂર છે.”

'ઈશ્વરિયા પિયત સહકારી મંડળી' વર્ષ 2013થી ચાલી રહી છે. તેમને વેસ્ટ વૉટરથી થયેલા ફાયદા જોઈને 2019માં 'આણંદપર પિયત મંડળી' રચાઈ છે. તે ગૌરીદડ એસટીપી (સીવરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ)માંથી ગંદું પાણી મેળવે છે. આ મંડળી રચાઈ ત્યારથી તેનો પિયત વિસ્તાર 600 હૅક્ટરથી વધીને 1271 હૅક્ટર, એટલે કે બમણો થયો છે.

આબોહવા પરિવર્તનની તોળાઈ રહેલી કટોકટીમાં ગંદા પાણીથી સિંચાઈની આ પ્રથા ખેડૂતો માટે આશીર્વાદરૂપ નીવડી છે, કારણ કે તે ખેતીમાં સિંચાઈ માટે ભરોસાપાત્ર અને પૂરતું પાણી પૂરું પાડે છે.

ગંદું પાણી એ માત્ર એવું પાણી છે, જેના જથ્થામાં પાણીની વધતી માગ સાથે વધારો થાય છે. ખેતી માટેના તાજા પાણીને બદલે ગંદું પાણી મેળવવું એ એક રીતે ખેડૂતો માટે બૉનસ સમાન બન્યું છે, કારણ કે તેમાં રહેલાં પોષકતત્ત્વો ખેતી માટે ઉપયોગી નીવડી રહ્યાં છે.

આરએમસી દ્વારા નક્કી કરવામાં આવેલા વેસ્ટ વૉટરના ભાવ, સિંચાઈગ્રસ્ત વિસ્તાર અને ઈશ્વરિયા અને આણંદપર પિયત મંડળીના સભ્યોની વિગત

સિંચાઈ

ગંદાં પાણીની માગ વધી રહી છે

ટ્રીટેડ ગંદું પાણી, પાઈપલાઈન દ્વારા જે-તે ખેડૂતના ખેતર સુધી પહોંચે છે

ઇમેજ સ્રોત, ALKA PALRECHA

ઇમેજ કૅપ્શન, ટ્રીટેડ ગંદું પાણી, પાઇપલાઇન દ્વારા જે-તે ખેડૂતના ખેતર સુધી પહોંચે છે

આણંદપરના ખેડૂતોએ રાજ્યના સિંચાઈ વિભાગ પાસેથી એક વખતની ચુકવણી કરીને પરમિટ મેળવ્યા બાદ આણંદપર ડૅમના કિનારે પોતાના ઇલેક્ટ્રિક પંપ મૂક્યા છે, જે વીજજોડાણ મેળવવા માટેની પૂર્વશરત છે. ત્યારથી સિંચાઈ વિભાગે ડૅમમાંથી પાણી ખેંચવા માટે ખેડૂતો પાસેથી અન્ય કોઈ ચાર્જ વસૂલ્યો નથી.

એ બાદ ટ્રીટેડ ગંદું પાણી, પાઇપલાઇન દ્વારા જે તે ખેડૂતના ખેતર સુધી પહોંચે છે. ખેડૂતો હવે પહેલાં કરતાં વધારે ગંદાં પાણીની માગ કરી રહ્યા છે.

'આણંદપર પિયત મંડળી'ના પ્રમુખ દોલતભાઈ રાઠોડ કહે છે, “અમારી મંડળીના ખેડૂતોનાં ખેતર સુધી ગંદું પાણી પહોંચાડવા માટેની પાઇપલાઇન નાખવાનો ખર્ચ, રાજકોટ અર્બન ડેવલપમૅન્ટ ઑથૉરિટી (રુડા) દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો તે સરાહનીય છે. એ જ રીતે, ઈશ્વરિયા મંડળી માટે ગંદાં પાણીના પરિવહન માટેની પાઇપલાઇન આરએમસી દ્વારા નાખવામાં આવી હતી એ પણ નોંધપાત્ર છે.”

આવા પ્રોજેક્ટ્સનું અનુસરણ કરવું જોઈએ, કારણ કે તે શહેરના લોકો તેમ જ ગામના ખેડૂતો, એમ બન્ને માટે જીતો-જિતાડો (વીન-વીન)ની સ્થિતિ છે.

ખેતી માટેના તાજા પાણીને બદલે, ગંદું પાણી મેળવવું એ એક રીતે ખેડૂતો માટે બૉનસ સમાન બન્યું છે

ઇમેજ સ્રોત, ALKA PALRECHA

ઇમેજ કૅપ્શન, ખેતી માટેના તાજા પાણીને બદલે, ગંદું પાણી મેળવવું એ એક રીતે ખેડૂતો માટે બૉનસ સમાન બન્યું છે

રાજકોટ શહેરમાંથી સર્જાતાં ગંદાં પાણીની સિંચાઈની ક્ષમતા બહુ મોટી છે. એક અભ્યાસ (વૉટર ઑલ્ટરનેટિવ્સ, વૉલ્યુમ 16, અંક 2) કહે છે કે, રાજકોટ લગભગ દૈનિક 275 મિલિયન લિટર ગંદું પાણી સર્જે છે. તેમાંથી દૈનિક 210 મિલિયન લિટર ગંદું પાણી વપરાવાનો અંદાજ છે.

આ પાણીથી એક વર્ષમાં ત્રણથી ચાર પાક પકવતી લગભગ 7000 હૅક્ટર જમીનમાં સિંચાઈ થાય છે તેમજ તેમાંથી 16,500 ટન શાકભાજી, 1,100 ટન ફૂલો અને 8,200 ટન અન્ય પાકોનું ઉત્પાદન થાય છે અને તે 9300 ખેડૂતોની આજીવિકા સુરક્ષિત કરે છે.

વૈશ્વિક જળસંકટ અને આબોહવા પરિવર્તન દ્વારા ઊભા થયેલા પડકારોએ ટકાઉ જળસંસાધન વ્યવસ્થાપન માટે નવીન રણનીતિઓ તો બનાવવાની ફરજ પાડી છે. પરંતુ, ગંદાં પાણીને આજે પણ એક બોજ કે જવાબદારી ગણવામાં આવે છે તેને બદલે તેને એક મૂલ્યવાન સ્રોત તરીકે જોવાની જરૂર છે.

આ એક ભરોસાપાત્ર સંસાધન છે, જે પાણીના વપરાશના ચક્રમાં બંધબેસતું છે અને તેથી તે તાજા પાણીની માગમાં ઘટાડો કરે છે.