ગુજરાતની આ 'ખેતમજૂર' બહેનોએ આવકમાં 400 ટકાનો વધારો કરવાની ‘કમાલ’ કેવી રીતે કરી?

દક્ષાબહેન

ઇમેજ સ્રોત, Sanjay Dave

ઇમેજ કૅપ્શન, વસુંધરા બાયો ઇનપુટ સેન્ટરનાં દક્ષાબહેન
    • લેેખક, સંજય દવે
    • પદ, બીબીસી ગુજરાતી માટે

“અમારા ગામના લોકોએ ક્યારેય ગામમાં બે માળની બસ (લક્ઝરી સ્લીપર કોચ) આવતી જોઈ નહોતી. પરંતુ, બહેનોના બનેલા અમારા જૂથ દ્વારા તૈયાર થતી જૈવિક દવાની સફળતાની કહાણી સાંભળવા હવે ગુજરાત અને બહારનાં રાજ્યોના લોકો અમારા ગામમાં બે માળની લક્ઝરી બસમાં આવતા થયા છે.”

આ શબ્દો છે ગામના મહિલા સ્વસહાય જૂથનાં આગેવાન સલમાબહેન સમીરભાઈ અબળાના. આ વાત છે જૂનાગઢ જિલ્લાના માળિયા હાટિના તાલુકાના લાઠોદ્રા ગામની જૂથળ અને ગામની બહેનોના જૂથે કરી બતાવેલા કમાલની.

દરેક ખેડૂતને પોતાના ખેતરમાં, છોડનો યોગ્ય વિકાસ થાય, પાકમાં આવતી જીવાતનું નિયંત્રણ થાય અને મબલખ પાક મળે એવી આશા હોય છે. ખેડૂતની આ આશાને ફલીભૂત કરવામાં સૌરાષ્ટ્રનાં આ બે ગામોની મહિલાઓ મહત્ત્વનું યોગદાન આપી રહી છે.

આ ગામોની મહિલાઓએ કુદરતી તત્ત્વોનો ઉપયોગ કરીને બનાવેલી જંતુનાશક દવાઓથી ખેડૂતો પાકને હાનિકારક જીવાતો પર નિયંત્રણ મેળવતા થયા છે. એટલું જ નહીં, દવા બનાવનારી બહેનો પણ તે જંતુનાશક દવાઓનાં વેચાણમાંથી નોંધપાત્ર આવક રળતી થઈ છે.

બહેનોના અનુસરણીય પ્રયાસની વાત હવે આખા ગુજરાતમાં અને બીજાં રાજ્યોના ખેડૂતો સુધી પણ પહોંચી છે.

ગુજરાતનાં લાઠોદ્રા અને જૂથળ ગામની મહિલાઓએ સરાહનીય સિદ્ધિ હાંસલ કરી બતાવી છે. આખરે મહિલાઓએ આ એકલા હાથે કેવી રીતે કરી બતાવ્યું? પહેલાં વાત કરીએ લાઠોદ્રા અને તે બાદ જૂથળના મહિલામંડળે શરૂ કરેલા અભિયાનની.

ગ્રે લાઇન

ખેડૂતોએ કુદરતી ખાતર વાપરવાનું શરૂ કર્યું

સલમાબહેનના જૂથે શરૂ કરી કુદરતી તત્ત્વોથી જંતુનાશક દવા બનાવવાની પહેલ

ઇમેજ સ્રોત, Sanjay Dave

ઇમેજ કૅપ્શન, સલમાબહેનના જૂથે શરૂ કરી કુદરતી તત્ત્વોથી જંતુનાશક દવા બનાવવાની પહેલ

3,500 લોકોની વસતિ ધરાવતા લાઠોદ્રા ગામનાં કુલ 540 ઘરોમાંથી 340 ખેડૂતો છે. આટલા બધા ખેડૂતો દ્વારા તેમની વિશાળ ખેતીની જમીનમાં વર્ષોથી રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓનો આડેધડ ઉપયોગ થતો. પરંતુ હવે 270 ખેડૂતોએ કુદરતી તત્ત્વોથી બનેલી જૈવિક દવા અને કુદરતી ખાતર વાપરવાનું શરૂ કર્યું છે.

એ જોવા જ 'બે માળની લક્ઝરી બસો' ભરીને લોકો લાઠોદ્રા ગામમાં આવે છે. આવું પરિવર્તન આવ્યું કેવી રીતે?

આવું પરિવર્તન રાસાયણિક ખાતર-દવાની હાનિકારક અસરો બાબતે જાગૃત થયેલાં સલમાબહેનની પહેલને કારણે આવ્યું છે એમ કહેવામાં સહેજે અતિશયોક્તિ નથી. સલમાબહેન અને તેમના પતિ સમીરભાઈને મોબાઇલમાં યૂટ્યૂબ ઉપર ખેતીને લગતા વીડિયો જોઈને ખેતીનું જ્ઞાન મેળવવાનું ખૂબ ગમે.

ખેતી અંગેના વીડિયોમાંથી એક વાર તેમને રસાયણોને બદલે કુદરતી તત્ત્વોથી બનતાં ખાતર-દવાની જાણકારી મળી. ત્યારથી તેમણે પોતાના ખેતરમાં માત્ર જૈવિક દવા જ વાપરવાનું નક્કી કર્યું.

ગ્રે લાઇન

“તમે બકરા રાખ્યા છે કે, હાંડીયા (ઊંટ) પાળ્યાં છે તો આમ રખડ્યા કરો છો!”

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

હવે વાત આવી, તે દવા બનાવવા માટે આંકડો, ધતૂરો, લીમડાનાં પાન, સીતાફળનાં પાન, તુલસી વગેરે વનસ્પતિ શોધવાની.

સલમાબહેનના ગામમાં બધી વનસ્પતિ મળવી અઘરી હતી. તેથી તેઓ અને તેમના પતિ આજુબાજુના વિસ્તારોમાં ફરીને જુદીજુદી જરૂરી વનસ્પતિ શોધતાં.

એ દિવસોને યાદ કરીને સલમાબહેન હસતાં-હસતાં કહે છે, “અમને આ રીતે બધે ફરતાં જોઈને લોકો અમને ગાંડાં કહેતા. અમારી મશ્કરી કરતા. તમે બકરાં રાખ્યાં છે કે, હાંડીયા (ઊંટ) પાળ્યા છે તો પણ આમ રખડ્યા કરો છો! એવું પણ લોકો કહેતા.”

જોકે, આજે માત્ર લાઠોદ્રા જ નહીં, આજુબાજુનાં ગામોમાં પણ સલમાબહેન અને તેમના ‘પ્રગતિ જૈવિક દવાકેન્દ્ર’ની બહેનોની આગવી ઓળખ ઊભી થઈ છે.

‘પ્રગતિ જૈવિક દવાકેન્દ્ર’માં સલમાબહેન સહિત ગામની કુલ પાંચ બહેનો જોડાયેલી છે. જૂથની પાંચેય બહેનો માટે ગ્રામજનો આજે ગૌરવ અનુભવે છે અને તેમને ખૂબ આદરથી બોલાવે છે.

કંઈક આવી જ રીતે જૂનાગઢ જિલ્લાના માળિયા હાટિના તાલુકાના જૂથળ ગામની મહિલાઓનું એક જૂથ પણ જગતના તાતની મુશ્કેલીઓનું નિવારણ કરી રહ્યું છે. આ ગામના ઘણા ખેડૂતો આ જૂથ દ્વારા તૈયાર કરાયેલ જીવામૃતનો ઉપયોગ કરીને પોતાની ખેતી અને ખેતીની જમીનને વધુ ફળદ્રુપ બનાવી રહ્યા છે.

બીબીસી ગુજરાતી

આવકમાં કર્યો 400 ટકાનો વધારો

સલમાબહેનના જૂથ

ઇમેજ સ્રોત, Sanjay Dave

ઇમેજ કૅપ્શન, જૈવિક દવાના વેચાણમાંથી પગભર થયેલી બહેનોએ આખા લાઠોદ્રા ગામને જાણે રસાયણમુક્ત ખેતી તરફ વાળવાનું બીડું ઝડપ્યું છે.

પહેલાં વાત કરીએ લાઠોદ્રા ગામના મહિલા જૂથના સરાહનીય અને મજબૂત પ્રયાસની.

જૈવિક દવા બનાવવાની જૂથની આ પહેલથી જૂથની પાંચેય બહેનો સ્વનિર્ભર બની છે. જૂથને પહેલા જ વર્ષે દવા વેચાણથી આવક શરૂ થઈ છે.

સલમાબહેન કહે છે, “અમે પહેલાં ખેતમજૂરીએ જતાં ત્યારે અમને આખા વર્ષમાં માંડ 30 દિવસ જ કામ મળતું અને માંડ છએક હજારની જ કુલ વાર્ષિક આવક થતી. તેને બદલે હવે અમને દરેક બહેનને જૈવિક દવાઓના વેચાણમાંથી વર્ષે 25 હજારથી વધુ આવક મળતી થઈ છે.”

જૈવિક દવાના વેચાણમાંથી પગભર થયેલી બહેનોએ આખા લાઠોદ્રા ગામને જાણે રસાયણમુક્ત ખેતી તરફ વાળવાનું બીડું ઝડપ્યું છે. ચોંકાવનારી વાત એ છે કે, લાઠોદ્રા ગામના ખેડૂતો દ્વારા દર વર્ષે લાખો રૂપિયાનાં રાસાયણિક દવા-ખાતર ખરીદવામાં આવતાં હતાં. પરંતુ, હવે જૂથની બહેનોની જૈવિક દવા બનાવવાની પહેલથી ગામના લોકો ધીરેધીરે હવે રસાયણમુક્ત ખેતી તરફ પ્રયાણ કરશે એવો બહેનોને વિશ્વાસ છે.

બીબીસી ગુજરાતી

કુદરતી જંતુનાશક દવા બનાવી

સલમાબહેન અને તેમનું જૂથ રસાયણોના વિકલ્પરૂપે વનસ્પતિમાંથી 'પેન્ટા ફાઇટર' તથા 'લારવા કિલર' નામની કુદરતી જંતુનાશક દવા બનાવે છે.

પેન્ટા ફાઇટર દવા ચૂસિયા પ્રકારની જીવાત મારવા માટે અને લારવા કિલર પાકને નુકસાન પહોંચાડતી ઇયળના નિયંત્રણ માટે વાપરવામાં આવે છે. પાંચેક વર્ષ પહેલાં સલમાબહેને આ બન્ને જૈવિક દવાઓ જાતે બનાવીને પોતાના ખેતરમાં વાપરવાનું શરૂ કર્યું હતું.

સ્થાનિક સ્તરે કાર્યરત્ એક સ્વૈચ્છિક સંસ્થાના ધ્યાનમાં આ વાત આવી. તેથી સંસ્થાએ વર્ષ 2021માં આ દવાનો પ્રયોગ કરી જોયો.

તે બાબતે સંસ્થાના એરિયા મૅનેજરશ્રી હસમુખભાઈ પટેલ કહે છે, “ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા માટે અમે માળિયા હાટિના તાલુકાનાં 12 ગામોમાં ખેડૂતોના ખેતરના એક વીઘામાં નિદર્શન(ડેમો) પ્લૉટ બનાવીને તેમાં જૈવિક ખાતર-દવાનો પ્રયોગ કરાવીએ છીએ. લાઠોદ્રાની બહેનોના જૂથે બનાવેલી બન્ને જૈવિક દવાઓ પણ ખેડૂતોએ વાપરી, અને તેની હકારાત્મક અસરો જોઈ. તેથી તેનો પ્રસાર-પ્રચાર કરવા અને અનેક ખેડૂતો સુધી તે પહોંચાડવા માટે અમે બહેનોના જૂથને ટેકો પૂરો પાડ્યો.”

બીબીસી ગુજરાતી

જૈવિક દવાઓનાં વેચાણમાંથી પાંચ લાખ રૂપિયાની આવક

બહેનોએ કર્યું લાખોની દવાનું વેચાણ

ઇમેજ સ્રોત, Sanjay Dave

ઇમેજ કૅપ્શન, બહેનોએ કર્યું લાખોની દવાનું વેચાણ

સંસ્થાની મદદથી લાઠોદ્રાની બહેનોના જૂથે વનસ્પતિ ક્રશ કરવાનું ગ્રાઇન્ડર મશીન વસાવ્યું છે.

ગામની બહેનોએ છેલ્લા એક વર્ષમાં કુલ 4,540 લિટર પેન્ટા ફાઇટર અને 500 લિટર લારવા કિલર જૈવિક દવાઓ બનાવીને વેચી છે.

એક લિટરના 100 રૂપિયાની વેચાણકિંમત મુજબ બહેનોના આ જૂથે પેન્ટા ફાઇટર વેચીને કુલ 4,54,000 રૂપિયા તથા 100 રૂપિયે લિટરના ભાવે 500 લિટર લારવા કિલર વેચીને 50,500 રૂપિયાની નોંધપાત્ર આવક ઊભી કરી છે તે નોંધપાત્ર વાત છે.

આ આવકના રૂપિયા આડેધડ વાપરી નાખવાને બદલે બહેનોએ એક લિટર દીઠ ત્રણ રૂપિયાની બચત કરવાનો કુનેહપૂર્વક નિર્ણય લીધો છે. તે અંગે જૂથનાં સલમાબહેન કહે છે, “અમે વ્યવસ્થિત રીતે બચત કરીને અમારા જૂથની મૂડી ઊભી કરવા માગીએ છીએ. અમારા બચતભંડોળમાંથી અમે જરૂરી સાધનો ખરીદશું અને અમારી જૈવિક દવાઓનું વેચાણ વધારવા માટે હાઇવે ઉપર દુકાન ભાડે રાખીશું.”

બીબીસી ગુજરાતી

દરિયાઈ શેવાળમાંથી જૈવિક દવા બનાવવાનો પ્રયોગ

લાઠોદ્રા ગામના આગેવાન ખેડૂત કલ્પેશ ડોડિયા બહેનોના આ પ્રયત્નો અને તે અંગે પોતાને થયેલ અનુભવો અંગે કહે છે, “મારી પાસે કુલ 17 વીઘા ખેતીની જમીન છે. તેમાંથી ત્રણ વીઘામાં આ બહેનોએ બનાવેલી બન્ને દવાઓ છેલ્લાં ત્રણ વર્ષથી વાપરું છું. તેનાથી મારા મગફળી અને ચણાના પાકમાં બહુ ફાયદો થયો છે. આ દવાઓથી પાકના ફૂલ અને છોડનો સારો વિકાસ થાય છે એ મેં જોયું છે.”

જાતે પણ પ્રાકૃતિક ખેતી તરફ વળવાનો ઇરાદો વ્યક્ત કરતાં કલ્પેશભાઈ આગળ કહે છે કે, “આ બહેનો હવે દરિયાઈ શેવાળનું દ્રાવણ વેચે છે, તે હું લઈ આવ્યો છું. તેનાથી પણ મારા ખેતરમાં છોડનો સારો વિકાસ થશે. હું ધીરેધીરે હવે મારી બધી જમીનમાં માત્ર પ્રાકૃતિક ખેતી જ કરવા માગું છું.”

બીબીસી ગુજરાતી

જૂથળ ગામની બહેનોએ પણ જીવામૃત બનાવી ખેડૂતોના પાક બચાવ્યા

જૂથળ ગામની મહિલાઓ બન્યાં પરિવર્તનના વાહક

ઇમેજ સ્રોત, Sanjay Dave

ઇમેજ કૅપ્શન, જૂથળ ગામની મહિલાઓ બન્યાં પરિવર્તનના વાહક

હવે વાત કરીએ જૂથળ ગામના બહેનો દ્વારા ખેડૂતોને પરવડે તેવા ભાવે જીવામૃત બનાવી ખેડૂતોને પૂરું પાડવાના ભગીરથ કાર્ય અને તેની હકારાત્મક અસરોની.

જૂથળ ગામમાં ગામની ચાર મહિલાઓએ ‘નાગદેવતા મંગલમ જૂથ’નામના તેમના જૂથના નેજા હેઠળ, ‘વસુંધરા બાયો ઇનપુટ સેન્ટર’ નામનું જીવામૃત વેચાણકેન્દ્ર શરૂ કર્યું છે.

હજુ 2022માં જ આ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે.

આ બહેનોએ સ્થાનિક સ્વૈચ્છિક સંસ્થાનાં મદદ-માર્ગદર્શનથી જીવામૃત બનાવવાના બે પ્લાન્ટ ઊભા કર્યા છે અને તેના સંચાલનની ધુરા પણ આ ચાર બહેનો જ સંભાળે છે એ નોંધવા જેવું છે.

જીવામૃત એટલે ગાયનાં છાણ, ગૌમૂત્ર, ગોળ વગેરે સામગ્રીમાંથી તૈયાર કરવામાં આવતું એક પ્રકારનું જૈવિક ખાતર.

તેમાં કોઈ પણ પ્રકારનું રાસાયણિક ખાતર હોતું નથી. તે છોડના યોગ્ય વિકાસ માટે તેમ જ જીવાત નિયંત્રણ માટે ખૂબ ઉપયોગી છે.

બીબીસી ગુજરાતી

ગામમાં જ જીવામૃત ઉપલબ્ધ થાય એટલે બહારથી લાવવાનો ખર્ચ બચે

આ બાયો ઇનપુટના પ્લાન્ટ માટે મહિલાઓને નાણાકીય સહયોગ તથા તાલીમ પૂરી પાડનારી સ્વૈચ્છિક સંસ્થાના એરિયા મૅનેજર હસમુખભાઈ પટેલ કહે છે, “અમે બહેનોને આજીવિકાનું સાધન ઉપલબ્ધ કરાવવાની સાથેસાથે આ વિસ્તારના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા માગીએ છીએ. બહેનોના જૂથ થકી ગામમાં જ જીવામૃત ઉપલબ્ધ થવાથી તે બહારથી લાવવાનો ખેડૂતોનો ખર્ચ ઘટે છે. ઉપરાંત, જીવામૃતથી થતા ફાયદા જોઈને ખેડૂતોને રાસાયણિક ખાતર-દવાને બદલે કુદરતી ખાતર-દવા વાપરવાનું પ્રોત્સાહન મળે છે.”

આ જૂથ સાથે જોડાયેલી ચાર બહેનોએ માત્ર એક જ વર્ષના ટૂંકાગાળામાં કુલ 3,700 લિટર જીવામૃત બનાવ્યું છે. તેમાંથી થોડુંક ચારેય બહેનોએ પોતાનાં ખેતરમાં વાપર્યું અને બાકીનું 1,280 લિટર જીવામૃત દસ રૂપિયાના ભાવે વેચીને ટૂંકાગાળામાં કુલ 12,800 રૂપિયાની આવક ઊભી કરી છે. જીવામૃત બનાવ્યું તેથી આ બહેનોને બહારથી કોઈ રાસાણિક કે જૈવિક ખાતર ખરીદીને લાવવું પડ્યું નહીં તે વધારોનો ફાયદો.

બહેનો આ જીવામૃતનું વેચાણ કરીને પગભર બની રહી છે.

ગામના ઘણા ખેડૂતો પાસે ઢોર નથી તેથી તેમની પાસે છાણ ઉપલબ્ધ ન હોવાથી તેઓ જીવામૃત બનાવી શકતા નથી. એટલે તેમને ગામની બહેનો પાસેથી જ સરળતાથી જીવામૃત ઉપલબ્ધ બને છે.

બીબીસી ગુજરાતી

જીવામૃતની અસહ્ય ગંધ સહન કરીને પણ બહેનોએ ઉત્પાદન ચાલુ રાખ્યું છે

જૂથળ ગામના ખેડૂતોની જેમ, માળિયા હાટિનાના વિસણવેલ, કુકસવાડા, દૂધાળા, બાલા જેવાં અનેક ગામોના ખેડૂતોએ જૂથળ ગામની બહેનોના આ જૂથ દ્વારા બનાવેલું જીવામૃત વાપરીને ખેતીના જુદાજુદા પાકમાં ફાયદા મેળવ્યા છે.

‘વસુંધરા બાયો ઇનપુટ સેન્ટર’નાં દક્ષાબહેન કહે છે, “અમારા જીવામૃત પ્લાન્ટનું સંચાલન વ્યવસ્થિત રીતે થાય તે માટે અમે બધી બહેનો વારાફરતી જવાબદારી લઈએ છીએ. જીવામૃતની ગંધ સહન ન થાય એવી હોય છે, છતાં અમે તે સહન કરીને અમારી મહેનત ચાલુ રાખી છે. હવે અમે હાઇવે ઉપર એક દુકાન ભાડે લઈને જીવામૃતનું વેચાણ વધારવા માગીએ છીએ.”

આજીવિકા સર્જનની સાથે ખેતીની જમીનને ફળદ્રુપ બનાવવામાં પણ પરોક્ષ રીતે યોગદાન

આપણા રાજ્યની ખેતીની જમીનમાં ઑર્ગેનિક કાર્બન, નાઇટ્રોજન, ઝિંક, સલ્ફર વગેરે પોષકતત્ત્વોની ઘણી ઊણપ છે. તેથી ખેતીની જમીનમાં પ્રાકૃતિક ખેતી-પદ્ધતિથી તૈયાર કરેલા જીવામૃતનો ઉપયોગ કરવામાં આવે તો રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓનો ખર્ચ ઘટે છે.

એટલું જ નહીં, પણ જમીનની ફળદ્રુપતા અને પોષકતત્ત્વોનું પ્રમાણ વધે છે. એ રીતે જોઈએ તો જૂથળ ગામની બહેનો આજીવિકા સર્જનની સાથેસાથે સ્થાનિક ગામોની ખેતીની જમીનને ફળદ્રુપ બનાવવામાં પણ પરોક્ષ રીતે પોતાનું યોગદાન આપી રહી છે.

ભારતમાં આવાં દસ હજાર બાયો ઇનપુટ સેન્ટરો સ્થાપવાની કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે

ભારત અને અન્ય દેશો પર આબોહવા પરિવર્તનનાં જોખમોની નકારાત્મક અસર ઓછી કરવાના પગલારૂપે નાણામંત્રી નિર્મલા સીતારમણે 2023ના બજેટમાં કુદરતી જંતુનાશકો માટે 10,000 બાયો ઇનપુટ કેન્દ્રો સ્થાપવાની જાહેરાત કરવામાં આવી હતી.

ભારત સરકારે પ્રાકૃતિક ખેતીને ‘જન આંદોલન’ બનાવવા માટે 2023ના બજેટમાં 459 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે.

તે અંતર્ગત આગામી ત્રણ વર્ષમાં એક કરોડ ખેડૂતોને કુદરતી ખેતી માટે મદદ કરવામાં આવશે એમ મોતિહારીમાં આયોજિત કાર્યક્રમમાં કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી કૈલાશ ચૌધરીએ જણાવ્યું હતું.

જોકે, લાઠોદ્રા અને જૂથળનું આ બાયો ઇનપુટ સેન્ટર એક સ્વૈચ્છિક સંસ્થાનાં મદદ-માર્ગદર્શનથી વર્ષ 2022માં જ શરૂ થઈ ગયું છે એ નોંધનીય છે.

રેડ લાઇન
રેડ લાઇન