ખેડૂતોની 'દિલ્હી કૂચ' : બે વર્ષ પછી ફરી કેમ આંદોલન કરી રહ્યા છે ખેડૂતો? શું છે તેમની માગો?

ખેડૂત આંદોલન

ઇમેજ સ્રોત, ANI

    • લેેખક, દીપક મંડલ
    • પદ, બીબીસી સંવાદદાતા

એક વર્ષ જેટલા લાંબા આંદોલન થકી નરેન્દ્ર મોદી સરકારને કૃષિ કાયદાઓ પાછા ખેંચવા માટે મજબૂર કરનાર ખેડૂતો ફરી એકવાર તેમની અન્ય માંગો સાથે મેદાનમાં ઊતરવા જઈ રહ્યા છે.

દિલ્હી કૂચનો નારો આપનારા પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશના ખેડૂતોના આંદોલનને જોતાં દિલ્હીમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે અને કેટલાક રસ્તાઓ પણ બંધ કરવામાં આવ્યા છે.

ખેડૂતોનાં બે મોટાં સંગઠનો સંયુક્ત કિસાન મોરચા (બિનરાજકીય) અને કિસાન મજદૂર મોરચાએ તેમની માગણીઓને ધ્યાનમાં રાખીને 13 ફેબ્રુઆરીએ ‘દિલ્હી કૂચ’નો નારો આપ્યો છે.

જ્યારે સંયુક્ત કિસાન મોરચાએ 16 ફેબ્રુઆરીએ એક દિવસ ગ્રામીણ ભારત બંધનું એલાન આપ્યું છે.

મિનિમમ સપૉર્ટ પ્રાઇઝ (એમએસપી) સહિતની માંગણીઓને લઈને પાછલા કેટલાક દિવસોથી દેશના પાટનગર દિલ્હીની આસપાસ ખેડૂત આંદોલન વધુ મજબૂત સ્વરૂપ ધારણ કરતું જઈ રહ્યું છે.

ખેડૂત જૂથો અને કામદારો દ્વારા શુક્રવારે ‘દેશ વ્યાપી ગ્રામીણ બંધ અને ઇન્ડસ્ટ્રિયલ સ્ટ્રાઇક’ કોલ અપાયો હતો. જે જોતાં પંજાબ-હરિયાણા અને હરિયાણા-દિલ્હી બૉર્ડરે ભારે સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવાયો.

ખેડૂત સંગઠનોએ આ કાર્યવાહીને ‘મોદી સરકારની આપખુદશાહી’ ગણાવી તેનો વિરોધ કર્યો હતો.

ખેડૂત સંગઠન સંયુક્ત કિસાન મોરચાએ (એસકેએમ) પ્રેસ રિલીઝ જાહેર કરીને આ પગલાને વખોડતાં કહ્યું હતું કે, “ખેડૂતોના લોકતાંત્રિક ઢબે કરાઈ રહેલા પ્રદર્શન સામે પંજાબના હાઇવે અને દિલ્હીની બૉર્ડરોએ વાડબંધી અને બૅરિકેડિંગની કાર્યવાહી સામે અમે ભારે અસંતોષ વ્યક્ત તેમજ આક્રોશ વ્યક્ત કરીએ છીએ.”

એસકેએમે વડા પ્રધાન મોદીને એ વાતે સ્પષ્ટતા કરવા વિનંતી કરી હતી કે કેમ તેમની સરકાર 16 તારીખના રોજ દેશવ્યાપી બંધને સંદર્ભે ખેડૂતો અને કામદારોની માગ બાબતે ચર્ચા કરવા તૈયાર નથી.

એમએસપી સહિત સ્વામીનાથન કમિશનની ભલામણો લાગુ કરવા, ખેતમજૂરો-ખેડૂતો માટે પેન્શન, ખેતી લોનની માંડવાળ, પોલીસ કેસ પાછા ખેચવા અને લખીમપુર ખેરી હિંસાના પીડિતોને ન્યાય સહિતની માગો સાથે ખેડૂતોએ આંદોલનને ફરી વખત વેગ આપવાની જાહેરાત કરી છે.

આ જાહેરાતને જોતાં દિલ્હીની ગાઝીપુર, ટિકરી અને સિંઘુ બૉર્ડરે સીઆરપીસીની કલમ 144 લાગુ કરી દીધી છે.

આ સિવાય હરિયાણાના કેટલાક જિલ્લામાં ઇન્ટરનેટ સેવા પણ સ્થગિત કરી દેવાઈ છે.

ખેડૂતો આંદોલન દિલ્હી

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

બે વર્ષ પહેલા દિલ્હીની બૉર્ડરે ધરણા પર બેસેલા ખેડૂતોનું આંદોલન એટલું પ્રબળ હતું કે તેના કારણે તેમને ત્રણ કૃષિ કાયદાઓ રદ્દ કરવાની જાહેરાત કરવી પડી હતી.

કૃષી ઉપજ, વ્યાપાર અને વાણિજ્ય (સંવર્ધન અને સરળીકરણ) કાયદો-2020, કૃષી (સશક્તિકરણ અને સંરક્ષણ) કિંમત આશ્વાસન અને કૃષિ સેવા કરાર કાયદો 2020, અને આવશ્યક વસ્તુ સંશોધન અને અધિનિયમ 2020- આ ત્રણ કાયદાઓ પાછા ખેંચવામાં આવ્યા હતા.

ખેડૂતોને ડર હતો કે સરકાર આ કાયદાઓ મારફત કેટલાક અગત્યના પાકો પર મળતા લઘુતમ સમર્થન મૂલ્ય (એમએસપી) ને બંધ કરી દેશે અને ખેતીના ઔદ્યોગિકીકરણને બળ આપી શકે છે. ત્યારબાદ તેમને આ પ્રકારની મોટી એગ્રો-કોમોડિટી કંપનીઓના મોહતાજ થવું પડશે.

આ કાયદાઓ રદ્દ થયા બાદ તેમણે પોતાનું આંદોલન પાછું ખેંચી લીધું હતું. તે સમયે સરકારે તેમને લઘુતમ સમર્થન મૂલ્યની ગેરંટી આપવાનું વચન આપ્યું હતું. સાથે જે તેમની અન્ય માંગો પણ પૂરી કરવામાં આવશે તેવું વચન આપવામાં આવ્યું હતું.

ખેડૂતો હવે તેમની આ માંગોને માનવા માટે દબાણ ઊભું કરવાની તૈયારીમાં છે. 13 ફેબ્રુઆરીના રોજ ‘દિલ્હી ચલો’ના નારા સાથે તેઓ દિલ્હી પ્રસ્થાનની તૈયારીમાં છે.

ખેડૂતોની માંગ શું છે?

ખેડૂતોને રોકવા માટે પોલીસે દિલ્હીમાં દિલ્હી-ઉત્તર પ્રદેશ સરહદ પર ગાઝિયાબાદ સીમા પર બૅરિકેડ લગાવ્યા છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ખેડૂતોને રોકવા માટે પોલીસે દિલ્હીમાં દિલ્હી-ઉત્તર પ્રદેશ સરહદ પર ગાઝિયાબાદ સીમા પર બૅરિકેડ લગાવ્યા છે

સંયુક્ત કિસાન મોરચા (બિનરાજકીય)ના નેતા જગજીતસિંહ દલ્લેવાલે બીબીસીને જણાવ્યું હતું કે, “અમે અમારી માંગણીઓ મનાવવા માટે ‘દિલ્હી ચલો’નો નારો નથી આપ્યો. અમે સરકાર પાસેથી ફક્ત એ જ માંગણી કરી રહ્યા છીએ કે ખેડૂત આંદોલન પાછું ખેંચતા સમયે સરકારે અમને જે વચન આપ્યું હતું તેને નિભાવે.”

દલ્લેવાલ કહે છે, “સરકારે એ સમયે ન્યૂનતમ સમર્થન મૂલ્યની ગૅરંટીનું વચન આપ્યું હતું. આ સાથે જ તેમણે કહ્યું હતું કે ખેડૂતો સામે જે કેસ કરવામાં આવ્યા છે તે પાછા ખેંચી લેવામાં આવશે. લખીમપુર-ખીરીની ઘટનામાં મરનાર લોકોના પરિવારોને નોકરી અને ઘાયલોને દસ-દસ લાખ રૂપિયા આપવામાં આવશે એવું પણ વચન આપવામાં આવ્યું હતું.”

2021માં ઉત્તર પ્રદેશના લખીમપુર-ખીરીમાં સરકારના કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ચાર શીખ ખેડૂતોને ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રાની એસયુવી દ્વારા કથિત રીતે કચડી નાખવામાં આવ્યા હતા.

દલ્લેવાલે કહ્યું કે, “સરકારે કહ્યું હતું કે ખેડૂતોને પ્રદૂષણના કાયદાથી મુક્ત રાખવામાં આવશે. સૌથી મોટું વચન એ હતું કે ખેડૂતોને સ્વામીનાથન કમિશનની ભલામણો અનુસાર પાકના ભાવ આપવામાં આવશે. પરંતુ આ વચનોમાંથી એકપણ વચન પૂરું થયું નથી.”

સ્વામીનાથન કમિશનની ભલામણો કહે છે કે ખેડૂતોને તેમના પાકની કિંમત દોઢ ગણી આપવામાં આવે.

આંદોલનનો સમય સમજી વિચારીને નક્કી કરવામાં આવ્યો?

ખેડૂતો આંદોલન દિલ્હી

ઇમેજ સ્રોત, EPA

ખેડૂત આંદોલન પર નજર રાખનારા લોકોનું કહેવું છે કે છેલ્લું આંદોલન અચાનક પૂર્ણ નહોતું થયું. સરકારે કેટલાંક વચનો આપ્યાં હતાં. હવે ખેડૂતો એ જ વચનો પૂરા કરવાનું દબાણ કરી રહ્યા છે.

ખેડૂત અધિકાર કાર્યકર્તા અને પત્રકાર મનદીપ પૂનિયા કહે છે કે, “ખેડૂતોને લાગે છે કે ચાર મહિનામાં ચૂંટણી છે. એટલે આ વચનો પૂરા કરવા માટે દબાણ બનાવવાનો શ્રેષ્ઠ સમય છે. એક રીતે આ તેમની રણનીતિ ગણાય છે.”

બીબીસી સાથે વાતચીતમાં તેમણે કહ્યું કે, “હાલની એમએસપી ફૉર્મ્યૂલાથી ખેડૂતોને તેમના પાકોનું મૂલ્ય આપવામાં આવે છે તેનાથી તેમનો ખર્ચ નીકળતો નથી. તેઓ સ્વામીનાથન કમિશન પ્રમાણે લઘુતમ મૂલ્યની માંગ કરી રહ્યા છે. સરકાર માત્ર ઇનપુટ ખર્ચના હિસાબે જ કિંમત નક્કી કરી દે છે. એમાં મજૂરીને પણ ગણતી નથી.”

જ્યારે દલ્લેવાલ કહે છે, “અમે સરકારને તેમણે આપેલાં વચનો યાદ અપાવી રહ્યા છીએ. ચૂંટણી આવી રહી છે અને પછી નવી સરકાર આવશે તો એ કહેશે કે અમે તો કોઈ વચન આપ્યું જ નથી. એટલે આ યોગ્ય સમય છે કે સરકાર તેનાં વચનો પૂરા કરે.”

દલ્લેવાલ કહે છે કે, “આ વિડંબના છે કે જે એમ.એસ. સ્વામીનાથનને સરકારે 'ભારત રત્ન' આપ્યો છે પણ તેમના જ નામે બનેલી કમિટીનો રિપોર્ટ સરકાર લાગુ કરતી નથી. તેમણે ખેતીનું ઔદ્યોગિકીકરણ ન કરવાની સલાહ આપી હતી પણ સરકાર સલાહ અનુસરી રહી નથી.”

ખેડૂતોની તૈયારી અને સરકારની કિલ્લેબંધી

ખેડૂતો આંદોલન દિલ્હી

ઇમેજ સ્રોત, ANI

પંજાબ અને હરિયાણા સહિત ઘણાં રાજ્યોમાં ખેડૂતો આંદોલનની તૈયારીમાં વ્યસ્ત છે. ઘરે-ઘરેથી અનાજ એકત્ર કરવામાં આવી રહ્યું છે. ટ્રેક્ટર, ટ્રૉલીઓ તૈયાર કરવામાં આવી રહ્યાં છે.

એવું લાગે છે કે જો 12 ફેબ્રુઆરીએ સરકાર અને ખેડૂતો વચ્ચેની વાતચીત નિષ્ફળ જશે તો તેઓ 13 ફેબ્રુઆરીએ મોટી સંખ્યામાં દિલ્હી તરફ કૂચ કરી શકે છે.

બીજી તરફ સરકાર ખેડૂતોના મોરચાને રોકવાની તૈયારી કરી રહી છે. મીડિયામાં તસવીરો સામે આવી રહી છે જે દર્શાવે છે કે પંજાબ અને હરિયાણા વચ્ચેની સિંઘુ બૉર્ડરને સિમેન્ટનાં બૅરિકેડ અને કાંટાળા વાયરોથી સીલ કરવામાં આવી રહી છે.

પ્રશાસને હરિયાણામાં ઘગ્ગર નદી પરનો પુલ પણ બંધ કરી દીધો છે. જ્યાં તે નદી સૂકાઈ ગઈ છે, ત્યાં જેસીબીથી ખોદકામ કરવામાં આવી રહ્યું છે જેથી ખેડૂતો તેમાંથી ટ્રેક્ટર કાઢીને હરિયાણાથી દિલ્હી તરફ ન જઈ શકે.

ગત વખતે ખેડૂતોના આંદોલન દરમિયાન જ્યારે પુલ પર નાકાબંધી કરવામાં આવી હતી ત્યારે ખેડૂતો અહીંથી જ ટ્રેક્ટર લઈને દિલ્હી બોર્ડર પર પહોંચ્યા હતા.

દલ્લેવાલ અને પુનિયા બંનેએ જણાવે છે કે ખેડૂતો પર દબાણ બનાવવામાં આવી રહ્યું છે કે ખેડૂતો પર આંદોલનમાં ભાગ ન લેવાનું દબાણ કરવામાં આવી રહ્યું છે. એવા વીડિયો પણ સામે આવી રહ્યા છે કે જેમાં પોલીસની ગાડીઓ લોકોને ગામડાંમાં જઇને ચેતવણી આપી રહી હોય. ખેડૂતોને એવું કહેવામાં આવી રહ્યું છે કે આંદોલનમાં ભાગ લેશો તો ગંભીર પરિણામો ભોગવવા પડશે. જોકે, બીબીસી આ વીડિયોની પુષ્ટિ કરી રહ્યું નથી.

દલ્લેવાલે બીબીસીને જણાવ્યું હતું કે, “હરિયાણામાં પોલીસની ગાડીઓ દ્વારા એલાન કરવામાં આવી રહ્યું છે કે ખેડૂત આંદોલનનો ભાગ ન બનવું. ઘરો પર પોસ્ટર ચોંટાડવામાં આવી રહ્યા છે. લોકો પાસેથી તેમની જમીનો અને બૅન્ક ખાતાઓનો રેકર્ડ માંગવામાં આવી રહ્યો છે. પેટ્રોલપંપના માલિકોને કહેવામાં આવી રહ્યું છે કે ખેડૂતોને ડીઝલ ન આપવામાં આવે. ખેડૂતો જો ટ્રેક્ટર લઇને નીકળશે તો તેને જપ્ત કરી લેવામાં આવશે. તેમના પાસપોર્ટ જપ્ત કરી લેવામાં આવશે.”

વાતચીતની કોશિશ

ખેડૂતો આંદોલન દિલ્હી

ઇમેજ સ્રોત, Getty Images

સરકાર તરફથી ખેડૂતો સાથે વાત કરવા માટે કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રી અર્જુન મુંડા, વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલ અને ગૃહરાજ્ય મંત્રી નિત્યાનંદ રાયની કમિટી બનાવવામાં આવી છે.

દલ્લેવાલે કહ્યું કે 12 ફેબ્રુઆરીએ ચંદીગઢમાં આ મંત્રીઓ સાથે ખેડૂતો વાતચીત કરશે પરંતુ વાતચીત નાકામ રહેશે તો ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરશે.

દલ્લેવાલ જણાવે છે કે 8 ફેબ્રુઆરીએ સરકાર તરફથી આ મંત્રીઓએ ખેડૂતો સાથે પહેલા તબક્કાની વાતચીત કરી હતી. 12 તારીખે બીજા તબક્કાની વાતચીત થશે.

તેમણે કહ્યું, “જે સમયે હાલના વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય મંત્રી હતા તે સમયે તેઓ ગ્રાહક બાબતોની કમિટીના ચૅરમૅન હતા. 2011-12ની એ જ કમિટીના રિપોર્ટમાં ખેડૂતો માટે જે ભલામણો કરવામાં આવી હતી તે હજુ પણ લાગુ નથી થઈ રહી.”

દલ્લેવાલ કહે છે કે, “જ્યારે સરકારના મંત્રીઓએ ખેડૂતો સાથે 8 ફેબ્રુઆરીએ પહેલીવાર વાત કરી ત્યારે કહ્યું હતું કે સરકારે તેમને શું વચનો આપ્યાં છે એ તેમને ખ્યાલ નથી. આ તો હાસ્યાસ્પદ વાત છે કે સરકારના મંત્રીઓને જ સરકારનાં વચનો વિશે ખબર નથી.”