પોલીસની કડક કાર્યવાહી છતાં ખેડૂતોની દિલ્હી ચલો કૂચ યથવાત્, પંજાબ-હરિયાણા બૉર્ડર પર ખેડૂતોનું પ્રદર્શન

ખેડૂતો

ઇમેજ સ્રોત, ANI

પંજાબ-હરિયાણા શંભુ બૉર્ડર પર વિરોધ કરી રહેલા ખેડૂતોને વિખેરવા પોલીસે આંસુ ગૅસ છોડ્યો છે.

આ વિસ્તાર અંબાલા પાસે આવે છે. દિલ્હી, ઉત્તર પ્રદેશ અને હરિયાણાના ખેડૂતોએ તેમની અનેક માંગણીઓ લઈને દિલ્હી સુધીની કૂચ શરૂ કરી હતી.

બીબીસી સંવાદદાતા અભિનવ ગોયલ અનુસાર પંજાબના ખેડૂતો શંભુ બૉર્ડર તરફથી મોટી સંખ્યામાં ટ્રૅક્ટર, ટ્રૉલી લઈને નીકળી રહ્યા છે.

સમાચાર સંસ્થા પીટીઆઈ અનુસાર શંભુ બૉર્ડર પર કેટલાક પ્રદર્શનકારી ખેડૂતોની પોલીસે અટકાયત કરી છે.

ખેડૂતોએ અંબાલામાં શંભુ બૉર્ડરે લગાવાયેલાં બૅરિકેડ તોડવાનો પ્રયાસ કરતાં હરિયાણા પોલીસે ખેડૂતોના ‘ચલો દિલ્હી’ માર્ચમાં સામેલ યુવાનોના જૂથ પર ટિયરગેસના સેલ છોડ્યા હતા.

બીબીસીના સહયોગી કમલ સૈનીએ આપેલી માહિતી અનુસાર હરિયાણાના કુરુક્ષેત્રમાં પેહવા પટિયાલા રોડ તુક્કર બૉર્ડર પર પાંચ સ્તરીય બૅરિકેડિંગ ઉપરાંત આરએએફ, સીઆરપી અને હરિયાણા પોલીસના જવાનો તહેનાત કરાયા છે.

બીબીસી ગુજરાતી

પ્રદર્શનકારીઓ પર ડ્રોન દ્વારા મૉનિટરિંગ કરાઈ રહ્યું હતું.

બીબીસી સંવાદદાતા પ્રભુ દયાલના અહેવાલ અનુસાર નૅશનલ હાઇવે બંધ થવાને કારણે ખેડૂતો દિલ્હી આવી નહોતા શક્યા. તેમજ બે દિવસથી બૅરિકેડિંગને કારણે રસ્તા પર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે.

પંજાબના ફતેહગઢના ખેડૂતો દિલ્હી જવા રવાના થઈ ગયા હતા.

ખેડૂતોને સરહદ પર રોકવા માટે દિલ્હી પોલીસે કડક સુરક્ષા વ્યવસ્થા કરી છે, જેના કારણે ઘણા મહત્ત્વપૂર્ણ રસ્તાઓ બ્લૉક કરી દેવામાં આવ્યા છે.

વાહનો ધીમી ગતિએ આગળ વધી રહ્યાં છે અને રસ્તાઓ પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ છે.

ખેડૂત નેતાઓ અને સરકારના મંત્રીઓ વચ્ચેની બેઠકમાં શું થયું?

દિલ્હીમાં ખેડૂત આંદોલન

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, ખેડૂત નેતા જગજીત સિંહ ધાલીવાલ

ખેડૂત નેતા અને સરકાર વચ્ચેની વાતચીત દ્વારા ઉકેલ લાવવાના પ્રયાસો અસફળ રહ્યા છે.

સરકારના મંત્રીઓ જોડે વાતચીત કર્યા પછી ખેડૂત નેતાઓએ 13 ફેબ્રઆરી એટલે કે આજે દિલ્લી સુધી કૂચ કરવાની તેમની વાતનું પુનરાવર્તન કર્યું છે.

ખેડૂત સંગઠનોને મનાવવા માટે સોમવારે મોડી રાત સુધી ચંડીગઢમાં સરકારના ઘણા મંત્રીઓ અને ખેડૂત નેતાઓ વચ્ચે બેઠક યોજાઇ હતી.

આ બેઠક લાંબા સમય સુધી ચાલી હતી, પરંતુ ખેડૂતોને મનાવવામાં સરકાર નિષ્ફળ રહી.

એવામાં ખેડૂતોની દિલ્હી આવવાની જાહેરાતને ધ્યાનમાં રાખીને દિલ્હીને અડીને આવેલી બોર્ડર પર બેરિકેડ લગાવવામાં આવ્યા છે.

કેન્દ્ર સરકારના મંત્રીઓએ ખેડૂત નેતાઓને શું કહ્યું?

બીબીસી ગુજરાતી
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ખેડૂત સંગઠન સંયુક્ત કિસાન મોરચા (એસકેએમ)એ એક પ્રેસ રિલીઝ જાહેર કરીને પ્રદર્શન કરવા આવેલા ખેડૂતો સામે કરાયેલી કાર્યવાહીને વખોડી હતી.

પ્રેસ રિલીઝમાં કહેવાયું હતું કે, “ખેડૂત સંગઠનો દ્વારા આયોજિત દિલ્હી ચલો માર્ચને રોકવા માટે મોદી સરકારે રાજ્યની સત્તાનો ગેરપ્રમાણસર ઉપયોગ કરીને કરેલા લાઠી ચાર્જ, ટિયરગેસ અને સામૂહિક ધરપકડની કાર્યવાહીનો અમે વખોડીએ છીએ.”

એસકેએમે ‘ખેડૂતો સામેના આ હુમલા’નો વિરોધ કરવા પોતાની સભ્ય સંસ્થાઓને આહ્વાન કર્યું છે.

પ્રેસ રિલીઝમાં સરકારની કાર્યવાહીની ટીકા કરતાં લખાયું છે કે, “શાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહેલા ખેડૂતો પર પોલીસ અને સુરક્ષા દળો મારફતે હુમલો કરાવવો એ એ વાતનો પુરાવો છે કે મોદી સરકાર લોકો પર વિશ્વાસ નથી કરતા.”

સરકાર તરફથી, ખાદ્ય અને ગ્રાહક બાબતોના મંત્રી પીયૂષ ગોયલ, કૃષિમંત્રી અર્જુન મુંડા અને ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાય વાટાઘાટોમાં સામેલ હતા.

બેઠક બાદ અર્જુન મુંડાએ કહ્યું, "ખેડૂત સંગઠનો સાથેની વાતચીત ખૂબ જ ગંભીરતાથી કરવામાં આવી હતી. સરકાર હંમેશા ઇચ્છે છે કે દરેક સમસ્યાનો ઉકેલ વાતચીતથી લાવવામાં આવે. આ હેતુથી જ અમે અહીં આવ્યા છીએ. અમે ભારત સરકારના પ્રતિનિધિ તરીકે આવ્યા છીએ."

મુંડાએ કહ્યું, "એવા તમામ વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી જ્યાં અમે સર્વ સંમતિ પર પહોંચી શકીયે." પરંતુ કેટલાક વિષયો એવા હતા જેના પર અમે કહ્યું હતું કે અમુક એવા મુદ્દાઓ છે જેના પર અસ્થાયી ઉકેલ શોધવા માટે અમારે એક સમિતિ બનાવવાની જરૂર છે, અને તેમાં આપણે વિચારો રજૂ કરીએ અને કાયમી ઉકેલ શોધીએ."

મુંડાએ કહ્યું, "અમે એવું માનીએ છીએ કે કોઈ પણ સમસ્યાનું સમાધાન વાતચીત દ્વારા થઈ શકે છે."

"અમને આશા છે કે અમે સાથે મળીને આનો ઉકેલ શોધવામાં સફળ થઈશું. અમે દેશના ખેડૂતો અને લોકોના હિતોનું રક્ષણ કરવાનો પ્રયાસ કરીશું. અમને હજુ પણ આશા છે કે ખેડૂત સંગઠનો વાતચીત કરશે."

"કેટલાક પાસાઓ છે જેના પર અમે આવનારા દિવસોમાં ઉકેલ શોધવાનો પ્રયાસ કરીશું. અમે હજુ પણ વાતચીત કરવા માંગીએ છીએ."

ખેડૂત આગેવાનોએ શું કહ્યું?

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ANI

સંયુક્ત કિસાન મોરચાના સંયોજક જગજીતસિંહ ધાલીવાલે કહ્યું, "બેઠક ઘણી લાંબી ચાલી. ખૂબ ચર્ચા થઈ. દરેક માંગ પર ચર્ચા કરવામાં આવી હતી. હું સ્પષ્ટ કરી દઉં કે આ અમારી માંગણીઓ નહોતી. અલગ-અલગ સમયે સરકાર દ્વારા અમને આપવામાં આવેલાં વચનો હતાં. તેના પર સર્વસંમતિ બનાવવાને બદલે સરકાર કહે છે કે તે તેના પર એક સમિતિ બનાવશે. પહેલાં પણ એમએસપી આવપવાની વાત કરવામાં આવી હતી. આ સિવાય સ્વામીનાથન કમિટિનો રિપોર્ટ ઘણી ચર્ચા બાદ તૈયાર કરવામાં આવ્યો છે. તેને લાગુ કરવાની છે."

ધાલીવાલે દાવો કર્યો છે, “જ્યારે દેવાના રાહતની વાત આવે છે, ત્યારે સરકાર તેના માટે ગંભીર નથી. પરંતુ સરકારે કોર્પોરેટ ઋણના 14.5 લાખ કરોડ રૂપિયા માફ કર્યા છે.

દિલ્હી કૂચ કરવાના પ્રશ્ન પર ધાલીવાલ કહે છે, "બધા બેસીને ચર્ચા કરશે." મારો અભિપ્રાય એ છે કે આવતીકાલે 10 વાગ્યે અમે બધા આગળ વધીશું."

કિસાન મજદૂર મોરચાના સંયોજક એસએસ પંઢેરે કહ્યું, "હા, અમે 10 વાગ્યે દિલ્હી તરફ જઈશું. સરકાર પાસે કોઈ પ્રસ્તાવ નથી. તે માત્ર સમય વિતાવી રહી છે. અમે અમારી તરફેણમાં નિર્ણય લાવવા માટે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કર્યા છે. પરંતુ મીટીંગમાં અમને એવું કંઈ લાગ્યું ન હતું."

પંઢેરે કહ્યું- સરકાર બોલાવશે ત્યારે જઈશું. હવે બેઠકમાં કંઈક આપવું કે નહીં, તે તેમની મરજીની વાત છે. અમે સરકારનું વલણ જોયું છે. અમને નથી લાગતું કે સરકાર અમારી માંગણીઓ પ્રત્યે ગંભીર છે.

તેમણે વધુમાં કહ્યું, "અમે કોઈપણ પ્રકારનો ટકરાવ નથી ઈચ્છતા." અમે ઈચ્છતા હતા કે સરકાર અમને કંઈ આપે તો અમે આંદોલન વિશે ફેર-વિચારણા કરીયે. સરકારના ઈરાદામાં ખોટ છે, તે ફક્ત અમારા આંદોલનનો સમય વેડફવા માંગે છે. કશું આપવા નથી માંગતી. અમે સરકાર દ્વારા કરવામાં આવેલી પ્રસ્તાવના પર ચર્ચા કરીશું. પરંતુ અમને 10 વાગ્યે મજબૂરીમાં આંદોલન આગળ ધપાવવું પડશે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે 2020માં 32 ખેડૂત સંગઠનોએ એક થઈને પ્રદર્શન કર્યું હતું, હવે 50 ખેડૂત સંગઠનો એક થઈ ગયાં છે.

કિસાન મજદૂર સંઘર્ષ સમિતિના નેતા સુખવિંદરસિંહ સભરાએ આંદોલનમાં સામેલ સંગઠનો વિશે માહિતી આપી હતી.

સબરાએ કહ્યું, "સમગ્ર ઉત્તર ભારત, દક્ષિણ ભારત, પશ્ચિમ અને પૂર્વ ભારતમાંથી 200થી વધુ સંગઠનો દિલ્હી તરફ કૂચ કરશે. જે આંદોલન અમે અધૂરું છોડી દીધું હતું તેને પૂર્ણ કરવા અમે દિલ્હી તરફ આગળ વધીશું."

ખેડૂતોની માગ શું છે?

દિલ્હીમાં ખેડૂત આંદોલન

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, ખેડૂતોના વિરોધની પહેલા પોલીસે ગાઝીપુર બોર્ડર પર બેરિકેડ લગાવ્યા.

સંયુક્ત કિસાન મોરચા (બિનરાજકીય)ના નેતા જગજીતસિંહ દલ્લેવાલે બીબીસીને જણાવ્યું હતું કે, "અમે અમારી માગણીઓ મનાવવા માટે ‘દિલ્હી ચલો’નો નારો નથી આપ્યો. અમે સરકાર પાસેથી ફક્ત એ જ માંગણી કરી રહ્યા છીએ કે ખેડૂત આંદોલન પાછું ખેંચ્યું તે સમયે સરકારે અમને જે વચન આપ્યું હતું તેને નિભાવે."

દલ્લેવાલ કહે છે, "સરકારે એ સમયે ન્યૂનતમ સમર્થન મૂલ્યની ગૅરંટીનું વચન આપ્યું હતું. આ સાથે જ તેમણે કહ્યું હતું કે ખેડૂતો સામે જે કેસ કરવામાં આવ્યા છે તે પાછા ખેંચી લેવામાં આવશે. લખીમપુર-ખીરીની ઘટનામાં મરનાર લોકોના પરિવારોને નોકરી અને ઘાયલોને દસ-દસ લાખ રૂપિયા આપવામાં આવશે એવું પણ વચન આપવામાં આવ્યું હતું."

2021માં ઉત્તર પ્રદેશના લખીમપુર-ખીરીમાં સરકારના કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ચાર શીખ ખેડૂતોને ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રાની એસયુવી દ્વારા કથિત રીતે કચડી નાખવામાં આવ્યા હતા.

દલ્લેવાલે કહ્યું કે, "સરકારે કહ્યું હતું કે ખેડૂતોને પ્રદૂષણના કાયદાથી મુક્ત રાખવામાં આવશે. સૌથી મોટું વચન એ હતું કે ખેડૂતોને સ્વામીનાથન કમિશનની ભલામણો અનુસાર પાકના ભાવ આપવામાં આવશે. પરંતુ આ વચનોમાંથી એકપણ વચન પૂરું થયું નથી."

સ્વામીનાથન કમિશનની ભલામણો કહે છે કે ખેડૂતોને તેમના પાકની કિંમત દોઢ ગણી આપવામાં આવે.

દિલ્હી સરહદ પર કેવી સુરક્ષા કરવામાં આવી છે?

દિલ્હીમાં ખેડૂત આંદોલન

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, ખેડૂતો આંદોલન માટે તૈય્યાર

ખેડૂતોની દિલ્હી આવવાની જાહેરાતને ધ્યાનમાં રાખીને પંજાબ, હરિયાણા અને દિલ્હીની સરહદો પર મોટી સંખ્યામાં બેરિકેડ લગાવવામાં આવ્યા છે.

દિલ્હી તરફ જતા મુખ્ય માર્ગો પર કન્ટેનર, બસો અને ક્રેન પણ મુકવામાં આવ્યા છે.

અમુક જગ્યાઓ ઉપર સિમેન્ટના બેરિકેડ લગાવવામાં આવ્યા છે. 2020માં થયેલા કિસાન આંદોલનમાં પણ આવા જ બેરિકેડ જોવા મળ્યા હતા.

દિલ્હી પોલિસે આ મહિના માટે ધારા 144 લગાવી દીધી છે.

પોલીસે કહ્યું છે કે, પ્રદર્શનકારી ટ્રેક્ટર ટ્રોલીનો ઉપયોગ કરી શકે છે, જેનાથી અન્ય વાહન ચાલકોને અસુવિધા થઇ શકે છે. આને ધ્યાનમાં રાખીને નવી દિલ્હીમાં ટ્રેકટરો ચલાવવા પર રોક મુકવામાં આવી છે.

આના સિવાય, દિલ્હી પોલીસે બીજી વાતો પર પણ રોક લાગે છે, જેમ કે,

  • રસ્તાઓ જામ કરવા પર, રસ્તાઓ રોકવા પર, અને રેલી કરવા પર
  • ટ્રેક્ટર ટ્રોલીના ઘૂસવા પર રોક
  • લાકડીના ડંડાઓ અને હથિયાર ભરેલા વાહનો પર રોક
  • ઈંટ, પથ્થર, એસિડ, પેટ્રોલ, જમા કરવા પર પ્રતિબંધ
  • દિલ્હીની તમામ સરહદો પર સુરક્ષા તપાસ ફરજિયાત, ભડકાઉ નારાઓ અને પોસ્ટર લગાવવા પર પ્રતિબંધ
  • અનુમતિ સિવાય લોઉડ સ્પીકર ચલાવવા પર પ્રતિબંધ
  • ડ્યૂટી પર જતા સરકારી કર્મચારીઓ પર પ્રતિબંધોથી છૂટ.