ખેડૂત આંદોલનની આગામી લોકસભાની ચૂંટણી પર કેવી અસર પડશે?

- લેેખક, સલમાન રાવી
- પદ, બીબીસી સંવાદદાતા
ભારતમાં લોકસભાની ચૂંટણી હવે દૂર નથી. ચૂંટણીની તારીખો ભલે હજુ જાહેર ન થઈ હોય, પરંતુ એવું મનાઈ રહ્યું છે કે ત્રણ મહિનાની અંદર દેશમાં નવી સરકાર બની જશે.
આ દરમિયાન ખેડૂતોએ ફરીથી પોતાનું આંદોલન તીવ્ર બનાવ્યું છે.
આના કારણે રાજકીય વર્તુળોમાં એ વાત અંગે ચર્ચા થઈ રહી છે કે ચૂંટણી પહેલાં શરૂ થયેલું ખેડૂત આંદોલન ભાજપ માટે કઠોર પડકારો સર્જી શકશે કે કેમ?
અહીં ઉલેખ્ખનીય છે કે જે સંગઠન 2020માં ખેડૂત આંદોલનની આગેવાની કરી રહ્યું હતું, તે આ વખત આંદોલનમાં સામેલ નથી.
આ આંદોલનમા રાકેશ ટિકૈતનું “ભારતીય કિસાન યુનિયન” અને “અખિલ ભારતીય કિસાનસભા” જેવાં સંગઠનો સામેલ છે.
આંદોલનથી અંતર

બીબીસી સાથેની વાતચીત દરમિયાન રાકેશ ટિકૈતે કહ્યું કે તેમના સંગઠનને એ વાત સાથે નિસબત નથી ચૂંટણી ક્યારે થઈ રહી છે અને કઈ પાર્ટીનું સમર્થન કે વિરોધ કરવાનાં છે પણ મુદ્દો નથી.
તેમણે કહ્યું કે અમારું સંગઠન માત્ર ખેડૂતોની વાત કરે છે અને તેમને ચૂંટણી સાથે કોઈ લેવાદેવા નથી.
બીબીસી સાથે ફોન પર વાત કરતાં ટિકૈતે કહ્યું, “અમે ખેડૂતોની માંગણીઓને લઈને સંઘર્ષ કરતા રહ્યા છીએ. પહેલાં ત્રણ કાળા કાયદાનો વિરોધ કર્યો અને સરકારને આ કાયદા પાછા ખેંચવા માટે મજબૂર કરી હતી. અમારો સંઘર્ષ અન્ય માંગણીઓ માટે છે.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ વખતે ખેડૂત આંદોલનમાં લગભગ 50 સંગઠનો જેમ કે સંયુકત કિસાન મોરચા, બીકેયુ (શહીદ ભગતસિંહ), બીકેયુ (એકતા સિદ્ધુપુર), કિસાન મજદૂર મોરચા, ભારતીય કિસાન નૌજવાન યુનિયન અને અન્ય સંગઠનો સામેલ છે.
બલબીરસિંહ રાજેવાલ અને જગજિતસિંહ ડલ્લેવાલના બીકેયુના સમૂહોએ આ આંદોલનથી અંતર જાળવી રાખ્યું છે.
આ વખતનું ખેડૂત આંદોલન કેટલું અલગ?

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
જાણીતા લેખક અને સંઘવિચારક રાજીવ તુલીએ કહ્યું કે આ વખતના આંદોલનમાં માત્ર પંજાબનાં અમુક જ ખેડૂત સંગઠનો સામેલ છે.
તેમણે કહ્યું કે જે સંગઠનો આંદોલન કરી રહ્યાં છે, તેમને પંજાબની રાજ્ય સરકારનું સમર્થન પ્રાપ્ત છે.
જોકે, આ આંદોલનની ભાજપ પર શું અસર થશે?
એ વિશે વાત કરતાં તેઓ કહે છે કે જે સંગઠનો આ આંદોલનમાં સામેલ છે, તેમના નિશાન પર કેન્દ્ર સરકાર છે. જોકે, આ આંદોલનની ખાસ અસર જોવા મળી નથી.
આ ઉપરાંત કેન્દ્રીય કૃષિમંત્રી અર્જુન મુંડાએ બીબીસી સાથે એક ઇન્ટરવ્યૂમાં આરોપ લગાવતાં કહ્યું કે અત્યારે ચાલી રહેલા ખેડૂત આંદોલનને કૉંગ્રેસ હવા આપી રહી છે, જેના કારણે માહોલ ખરાબ થઈ રહ્યો છે.
તેમણે કહ્યું, “કૉંગ્રેસની 2014 પહેલાંની સરકારમાં ખેડૂતો માટે બજેટમાં 27 હજાર કરોડની જ જોગવાઈ કરાઈ હતી. આ સરકારે તેમાં પાંચ ગણો વધારો કરીને આ જોગવાઈ એક લાખ 24 હજાર કરોડની કરી દીધી છે.”
કેન્દ્રીય કૃષિમંત્રીએ આરોપ લગાવ્યો કે આ વખતે થઈ રહેલું આંદોલન રાજકારણથી પ્રેરિત છે અને લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કરાઈ રહ્યું છે.
તેમણે કૉંગ્રેસ પર ખેડૂતોને ઉશ્કેરવનો આરોપ લગાડ્યો છે.
અખિલ ભારતીય કિસાનસભાના વિજૂ કૃષ્ણનનું સંગઠન આ આંદોલનમાં ભાગ નથી લઈ રહ્યું.
જોકે, તેમણે કહ્યું કે 13 મહિના પહેલાં જ્યારે કેન્દ્ર સરકારે અને ખાસ કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે ત્રણેય કૃષિ કાયદાઓને પાછા ખેંચવાની જાહેરાત કરી ત્યારે કેન્દ્ર સરકારે ખેડૂતોને આશ્વાસન આપ્યું હતું કે લઘુતમ ટેકાના ભાવ અંગે કાયદો બનાવવામાં આવશે અને ખેડૂતો સામે 2020ના ખેડૂત આંદોલન સમયે નોંધાયેલા ફોજદારી કેસોને પડતા મુકાશે.
વચનભંગને લીધે નારાજગી

વિજૂ કૃષ્ણને કહ્યું કે એમ. એસ. સ્વામીનાથનના રિપોર્ટની ભલામણો લાગુ કરવાના વાયદાની સાથોસાથ સરકારે 2020ના આંદોલનમા મૃત્યું પામેલા ખેડૂતોના પરિવારોને વળતર આપવાની પણ વાત કરી હતી. આ વાયદો પૂરો નથી કરાયો.
તેમણે ઉમેર્યું, “અમે 13 મહિનાથી રાહ જોઈ રહ્યા છીએ કે સરકાર પોતે આપેલો વાયદો પૂરો કરે. જોકે, સ્થિતિમાં કોઈ બદલાવ આવ્યો નથી. આ કારણે ખેડૂતો પાછલા અમુક મહિનાથી સંઘર્ષ કરી રહ્યા છે. ચૂંટણી સાથે આ વાતને કોઈ લેવાદેવા નથી. ખેડૂતોની સમસ્યાને રાજકારણ સાથે નિસબત નથી.”
જોકે, 2020માં થયેલા ખેડૂત આંદોલન સાથે જોડાયેલાં બધાં સંગઠનો હાલના “દિલ્હી ચલો” આંદોલનમાં સામેલ નથી.
વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક જયશંકર ગુપ્તને લાગે છે કે હાલ જે સંગઠનો આંદોલન કરી રહ્યાં છે, તેમને ‘કેન્દ્ર સરકારનું પીઠબળ’ પ્રાપ્ત છે.
તેમનો દાવો છે કે 'દિલ્હી ચલો' આંદોલનમાં સામેલ તમામ સંગઠનોની ભાજપ સાથેની નિકટતા કોઈનાથી છુપાયેલી નથી.
16 ફેબ્રુઆરીએ ગ્રામીણ ભારત બંધ

જયશંકર ગુપ્તને આશંકા છે કે કદાચ આ આંદોલન દરમિયાન ભાજપ ખેડૂતો માટે કોઈ પ્રકારની જાહેરાત કરીને 'માસ્ટર સ્ટ્રોક' મારી શકે છે.
તેમણે આ વાત પાછળનો તર્ક આપતાં કહ્યું હતું કે ચૂંટણી પહેલાં જ ચૌધરી ચરણસિંહ અને એમ. એસ. સ્વામીનાથનને મરણોપરાંત ભારતરત્ન આપવાની જાહેરાતને પણ આ પ્લાનના એક ભાગ તરીકે જોવી જોઈએ.
જયશંકર ગુપ્તે કહ્યું કે બધાં ખેડૂત સંગઠનો આ વખત એકસંપ નથી અને આ કારણે જ આંદોલનનો આવનારી ચૂંટણી પર કોઈ પ્રભાવ પડે તેમ નથી.
આ ઉપરાંત આ આંદોલનમાં માત્ર એક જ રાજ્યનાં ગણ્યાંગાંઠ્યાં સંગઠનો જ ભાગ લઈ રહ્યાં છે, જેથી અન્ય કોઈ રાજ્યો પર આંદોલનનો રાજકીય પ્રભાવ નહીં પડે.
લોકસભાની ચૂંટણીમાં ભાજપ માટે આ ખેડૂત આંદોલન મોટી મુશ્કેલી ઊભી નહીં કરે.
જોકે, સંઘવિચારક રાજીવ તુલી આ આશંકાને નકારે છે. તેઓ કહે છે કે ખેડૂતોની માંગણીઓ અવ્યવહારુ છે, કારણ કે 60 વર્ષથી વધુ ઉંમરના ખેડૂતોને રૂ. 10,000 પેન્શન આપવાની કોઈ સરકારની તાકત નથી.
તેમનું કહેવું છે કે ખેડૂત કોને ગણવા આવે એ પણ મોટો પ્રશ્ન છે, કારણ કે મોટા મૂડીવાદીઓ અથવા પ્રભાવશાળી લોકો ખેતીની જમીન ખરીદી રહ્યા છે.
તેમણે પૂછ્યું, “તો શું આ બધા લોકોને પણ ખેડૂત ગણવા જોઈએ? આ માટેના માપદંડો શું છે? એ સ્પષ્ટ નથી. સુપ્રિયા સુલે અને પી. ચિદમ્બરમ પણ ખેડૂતો છે. તેથી આ સરકાર પ્રાયોજિત આંદોલન છે, તે વાતમાં કોઈ તથ્ય નથી.”
ખેડૂતો અને મજૂર સંગઠનો દ્વારા 16 ફેબ્રુઆરીએ જાહેર કરેલા ગ્રામીણ ભારતબંધના એલાનને દરેક ખેડૂત સંગઠને સમર્થન આપ્યું છે.
આ ઉપરાંત આંદોલનને વિપક્ષે પણ સમર્થન આપવાની વાત કહી છે.
ખેડૂત આંદોલનની અસર

ઇમેજ સ્રોત, Getty Images
જૂનાં ખેડૂત સંગઠનો આ આંદોલનમાં સામેલ નથી. જોકે, રાકેશ ટિકૈતે કહ્યું કે તેઓ બૅંગ્લુરૂથી દિલ્હી આવ્યા બાદ બધાં ખેડૂત સંગઠનો સાથે વાતચીત કરશે.
તેમણે કહ્યું, “હરિયાણામાં જે રીતે ખેડૂતો પર ટિયરગેસ અને રબર બુલેટ છોડવામાં આવી અને તેમને રોકવા માટે જે રીતે અવરોધો ઊભા કરવામાં આવી રહ્યા છે, એ જોઈને દરેક ખેડૂત સંગઠન વિચારવા મજબૂર બનશે.”
બીકેયુએ (ઉગરહાં) ગુરુવારે ચાર કલાક માટે રેલવે પર ચક્કાજામ કરવાની જાહેરાત કરી છે. પ્રોફેસર દર્શનપાલના નેતૃત્વવાળા ક્રાંતિકારી કિસાન યુનિયને પણ હરિયાણામાં ખેડૂતો અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણને કારણે તાત્કાલિક બેઠક બોલાવી છે, જેમાં આગળની વ્યૂહરચનાની જાહેરાત કરાશે.
ગુરનામસિંહ ચઢુણીનું સંગઠન આ આંદોલનમા સામેલ નથી. જોકે, તેમણે પણ સ્થિતિને તપાસીને પોતાના સંગઠનની આગળની વ્યૂહરચના નક્કી કરવા બેઠક બોલાવી છે.
ચંડીગઢમાં મોજૂદ રાજકીય વિવેચક વિપિન પબ્બીનું માનવું છે કે ખેડૂત સંગઠનો દ્વારા ચાલી રહેલા વર્તમાન આંદોલનની માત્ર એક જ અસર જોવા મળી રહી છે. આંદોલનને લીધે શિરોમણિ અકાલી દળ અને ભાજપના ગઠબંધનની શક્યતા પર હવે સંકટનાં વાદળો છવાયેલાં જોવા મળી રહ્યાં છે.
વિપિન પબ્બીએ કહ્યું કે ખેડૂત આંદોલનના કારણે જ શિરોમણિ અકાલી દળને એનડીએ સાથે છેડો ફાડવો પડ્યો હતો. કારણ કે, પંજાબના ખેડૂતોનો ઘણો વિરોધ હતો.
જોકે, તેમણે ઉમેર્યું કે ભાજપની પંજાબમાં ખાસ અસર નથી અને હાલમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનની હરિયાણા અને ઉત્તર ભારતનાં બીજાં રાજ્યોમાં ખાસ અસર નથી.
વિપિન પબ્બીએ કહ્યું, “ખેડૂતોએ લોકસભાની ચૂંટણી પહેલાં કેન્દ્ર સરકાર અને ભાજપ પર દબાણ કરવાની કોશિશ જરૂર કરી છે, પરંતુ તેની કોઈ અસર જોવા મળતી નથી. કારણ કે, ભાજપ હાલમાં સૌથી સારી સ્થિતિમાં છે અને આત્મવિશ્વાસથી ભરપૂર છે.”
જોકે, બે વર્ષ પહેલાં પણ ખેડૂતોએ દિલ્હીની બૉર્ડર પર એક જોરદાર આંદોલન કર્યું હતુ, ત્યારે ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી પણ થવાની હતી. એ આંદોલનમાં રાકેશ ટિકૈતના ભારતીય કિસાન યુનિયને મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
વિશ્લેષકો અનુસાર તે સમયે પણ એવી શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી હતી કે ઉત્તરપ્રદેશની ચૂંટણીમાં ભાજપને આ આંદોલનનું નુકસાન વેઠવું પડશે.
તેમનું કહેવું છે કે પશ્ચિમ ઉત્તરપ્રદેશમાં જ નહીં, પરંતુ લખીમપુર ખીરીમાં પણ ખેડૂતોને વાહનો દ્વારા કચડવાની ઘટના છતાં ભાજપને સારી સફળતા મળી છે.
જોકે, ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણી માટેના મતદાન પહેલાં કેન્દ્રની મોદી સરકારે ખેડૂતોના ઉત્પાદન વેપાર અને વાણિજ્ય (પ્રમોશન અને સરળીકરણ) અધિનિયમ-2020, ખેડૂતો (સશક્તીકરણ અને સંરક્ષણ) ઍગ્રીમેન્ટ ઑન પ્રાઇઝ એશ્યોરન્સ ઍન્ડ ઍગ્રિકલ્ચર સર્વિસિસ ઍક્ટ 2020 અને આવશ્યક વસ્તુ સુધારા અધિનિયમ 2020ને રદ કરવાની જાહેરાત કરવી પડી હતી.
અગાઉ સરકાર અને ખેડૂતો વચ્ચે ચોક્કસપણે સંવાદનહીનતાની સ્થિતિ હતી. જોકે, આ વખતે ખેડૂતો સાથે વાત કરવા માટે કૃષિમંત્રી અર્જુન મુંડા, વાણિજ્યમંત્રી પીયૂષ ગોયલ અને ગૃહરાજ્ય મંત્રી નિત્યાનંદ રાય ખેડૂતોના પ્રતિનિધિઓ સાથે બે તબક્કામાં વાત કરી ચૂક્યા છે.












