સુરેન્દ્રનગરના ખેડૂતો ઉપર સરકારે 'પાસા'નો કાયદો લાગુ કરવાનો હુકમ કેમ આપ્યો?

ઇમેજ સ્રોત, SACHIN PITHVA
ગુજરાત સરકારે સુરેન્દ્રનગરના કલેક્ટરને સૂચના આપી છે કે મુળી અને થાનગઢ તાલુકાનામાં જે ખેડૂતો દ્વારા ધોળીધજા ડૅમમાંથી પાણીની ચોરી કરવામાં આવે તેમના વિરુદ્ધ પગલાં લેવા માટે પાસાનો ઍક્ટ લાગુ કરવામાં આવે.
પાસા ઍક્ટ મુજબ જે પણ ખેડૂત પાણીની ચોરી કરતા પકડાશે તેમને 1 વર્ષ માટે ડિટેઇન (અટકાયત) કરવામાં આવશે અને પગલાં લેવામાં આવશે.
રાજ્ય સરકારના આ આદેશ બાદ જિલ્લાના ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
ગણપતભાઈ પટેલ મુળી ગામના ખેડૂત છે. તે બીબીસી સાથે વાત કરતા જણાવે છે કે, "મુળી, થાનગઢ અને ચોટીલા તાલુકાને પિયત માટે પાણી મળતું નથી. ખેડૂત પાણીની ચોરી ત્યારે કરે છે જ્યારે ખેતી માટે પાણી ન મળતું હોય અને એનું ખેતર સૂકાતું હોય અને એ પણ 2 થી 3 વીઘાના પાણી જેટલી હોય."
"જો ખેડૂતને 1 વર્ષના પાસા થાય તો તેનું આખું ઘર વિખેરાઈ જશે. અને ખેડૂતોને સરકારના આ હુકમથી ખૂબ જ મોટું નુકસાન થશે."
રામકુભાઈ કહે છે કે, આ વિસ્તારમાં આઝાદીનાં 75 વર્ષ પછી પણ ખેડૂત પાણી માટે વલખાં મારે છે. સરકાર આ ગામડાઓમાં હજી સુધી સિંચાઈનું પાણી પહોંચાડી શકી નથી. ઉપરથી ખેડૂતોને ડરાવવા માટે અને ધમકાવવા માટે નવા કાયદા લઈ આવે છે. ખેડૂતોમાં તે સરકારી અધિકારીઓનો ખોફ ઊભો કરવા માંગે છે "
આ કાયદો કેમ લાગુ કરવામાં આવ્યો છે? કલેક્ટર શું કહે છે?

ઇમેજ સ્રોત, SACHIN PITHVA
રામકુભાઈ મુળી તાલુકાના ખેડૂત આગેવાન છે. તેઓ જણાવે છે, "ખેડૂતો મંજૂરી વિના પાઇપલાઈનમાંથી પાણી લે છે, તેમના વિરુદ્ધ ગુજરાત સરકારે આ પાસાનો કાયદો લાગૂ કરવાનો હુકમ કર્યો છે."
સુરેન્દ્રનગર જિલ્લાના કલેકટર કે.સી. સંપટ બીબીસી સાથે વાત કરતા કહે છે, "સુરેન્દ્રનગરમાં 'સૌની' યોજના થકી ગુજરાત વૉટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડની પાઇપલાઈનમાંથી પાણીની ચોરીની ઘટના મોટા પાયે બનતી હતી. અમે તેમની સામને પગલાં પણ લીધા છે અને એમને દંડ પણ કર્યો છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કલેકટર જણાવે છે કે, "એ જાણવા જેવું છે કે આ પગલાં એટલા, માટે લેવાયાં છે કેમકે પાણી લેવા માટે મોટાપાયે એક સમાંતર વ્યવસ્થા ઊભી થઈ છે, જેને રોકવા માટે સરકારે આ આદેશ જાહેર કર્યો છે."
પાસા ઍક્ટ શું છે?

ઇમેજ સ્રોત, SACHIN PITHVA
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આ ઍક્ટ1985માં લાગુ કરવામાં આવ્યો હતો.
ગુજરાત પ્રિવેન્શન ઑફ ઍન્ટિ-સોશિયલ ઍક્ટિવિટીઝ ઍક્ટ, 1985, અંતર્ગત "અસામાજિક અને ખતરનાક પ્રવૃત્તિઓને રોકવા માટે, બૂટલેગર્સ, ખતરનાક વ્યક્તિઓ, ડ્રગ અપરાધીઓ, અનૈતિક પ્રવૃત્તિઓના ગુનેગારો, અને મિલકત હડપ કરનારાઓને તેમની નિવારક અટકાયતની જોગવાઈ કરે છે."
2020માં, આ અધિનિયમમાં સુધારાઓ કરવામાં આવ્યા છે અને બીજા ઘણા ગેરકાયદેસર કૃત્યો કરનારી વ્યક્તિઓને આની હેઠળ ઉમેરવામાં આવ્યા છે, જેવા કે, જુગારના અડ્ડા અને વેશ્યાવૃત્તિના સંચાલકો, ગોહત્યાના અપરાધીઓ, જાતીય ગુનાઓ અને સાયબર ગુનાઓ, વ્યાજખોરોમાં સંડોવાયેલા અને આર્મ્સ ઍક્ટના વારંવાર અપરાધીઓને તેના હેઠળ લાવવામાં આવ્યા હતા.
આ અધિનિયમની કલમ 3 હેઠળ, જો રાજ્ય સરકાર સંતુષ્ટ થાય કે "કોઈ જાહેર વ્યવસ્થાને જોખમમાં મૂકે તેવું જો કામ કરતું હોય તો સરકાર તેની અટકાયત કરી શકે છે." તે વ્યક્તિને ગુજરાતમાં કોઈપણ સ્થળે અટકાયતમાં રાખી શકાય છે.
ગુનેગાર વિરુદ્ધ રાજ્યના કોઈપણ પોલીસ સ્ટેશનમાં તેની વિરુદ્ધ એક કરતાં વધુ FIR નોંધાવેલી હોવી જોઈએ.
જો કે, કોઈ ગુનેગાર પર પાસા હેઠળ માત્ર એવા અધિકારી દ્વારા જ કેસ કરી શકાય છે કે તેના અધિકારક્ષેત્રમાં તે રહેતા હોય.
ખેડૂતો માટે આ હુકમ "કિડીને કોસના ડામ" જેવો સાબિત થશે?

ઇમેજ સ્રોત, SACHIN PITHVA
સડલા ગામના ખેડૂત નીતિનભાઈ પટેલ બીબીસીને કહે છે, "સડલા ગામમાં જીરું, કપાસ, એરંડા, વરિયાળી જેવા પાકો થાય છે. મારે એકસો વીઘા જમીન છે. પાણીની ચોરી ફક્ત ખેડૂતો નહીં પણ, ઘણા બધા ઉદ્યોગપતિઓ પણ કરતા હોય છે. હાઈવે પર જે હોટલો વગેરે છે તે પણ પાણીની ચોરી કરે છે. તો આ કાયદો તેમના પર કેમ લાગુ કરવામાં નથી આવતો?"
રામકુભાઈ સરકારને પ્રશ્ન પૂછે છે, "સુરેન્દ્રનગરમાં પાણીચોરીના ગુનામાં એક સો જેટલા કેસ દાખલ થયા હશે, પણ આમાંથી એક પણ ગુનો ઉદ્યોગપતિઓ ઉપર દાખલ થયો નથી. તેવું કેમ?"
તેઓ કહે છે, "અમારી ખેડૂતો તરફથી એ માંગણી છે કે, જે ખેડૂત પાણી ચોરતા નથી, તેમની ઉપર ખોટી રીતે ગુનો લાગુ કરવામાં આવે છે. ઘણીવાર ખેડૂતો ઉપર ખોટો ગુનો નોંધવામાં આવે છે, તે પછી 15-16 મહિના પછી પાણી પુરવઠા અધિકારીને જાણ થાય કે આ ખોટો ગુનો હતો ત્યારે ખેડૂતોને જે હાલાકી પહોંચે છે તેનું શું?"
સુરેન્દ્રનગરના કરપડા ગામના ખેડૂત આગેવાન રાજુભાઈ કહે છે, "અમે પણ માનીએ છીએ કે ચોરી થવી ના જોઈએ, પણ નાની-મોટી ચોરી માટે નાની સજા હોય તે યોગ્ય છે. અમને સરકાર દ્વારા કોઈ પણ પ્રકારે પાણીનો લાભ થતો નથી, તેથી ખેડૂતો ક્યારેક વિના પરવાનગીએ પાણી લઈ લેતા હોય છે, પરંતુ તેની આટલી મોટી સજા ના હોવી જોઈએ."
રાજુભાઈ કહે છે, "જ્યારે સુરેન્દ્રનગરમાં પાણીની ખોટ હતી, ત્યારે અમે અસંખ્ય ઊંડા બોર કરી પાણી ખેંચ્યું ત્યારે પાક થયો. ત્યારે ખેડૂતોને કહેવામાં આવ્યું કે 'સૌની' યોજના દ્વારા 2012માં ખેડૂતોને 'સૌની' પાઇપલાઇનથી પાણી મળશે."
રાજુભાઈ કહે છે કે, "સરકારે એવું પણ કીધું હતું કે સૌરાષ્ટ્રના તમામ ડૅમ ભરવામાં આવશે. આ પાઇપલાઇન મુળી અને થાનગઢની જમીનમાંથી પસાર થાય છે, તો પણ અહીંના ખેડૂતોને સિંચાઈ માટે નર્મદાનું પાણી આપવામાં આવતું નથી."
રાજુભાઈની સરકારને માંગણી છે, "જો સરકારને દંડ કરવો જ હોય તો પહેલાં 1-2 મહિના માટે કરે તે વ્યાજબી છે, પરંતુ જો તે સીધો જ પાસાનો કાયદો લગાવે તે યોગ્ય નથી. ખેડૂત તો અભણ છે, તેને આના કેવાં પરિણામો આવશે તેના વિશે ખબર ના હોય, પણ સરકારે આવા મોટા કાયદા અભણ ખેડૂત ઉપર લાગુ ન કરવા જોઈએ."
રાજુભાઈના મતે, આ કાયદો ખેડૂતો કીડીને કોસના ડામ સમાન સાબિત થશે.












