ખેડૂતોએ બીજી રાત પણ શંભુ બૉર્ડર પર વિતાવી, સરકાર સાથે ગુરુવારે ત્રીજા રાઉન્ડની વાતચીત

હરિયાણા અને પંજાબ વચ્ચે શંભુ બૉર્ડર પર ખેડૂતોનો જમાવડો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, હરિયાણા અને પંજાબ વચ્ચે શંભુ બૉર્ડર પર ખેડૂતોનો જમાવડો

આંદોલનકારી ખેડૂતોએ પહેલી રાતની જેમ જ બીજી રાત પણ હરિયાણા પંજાબ વચ્ચે શંભુ બૉર્ડર પર જ વિતાવી.

સરકારે ચર્ચા માટેનો પ્રસ્તાવ મોકલ્યો છે. પણ ખેડૂતોનું કહેવું છે કે કોઈ પણ નક્કર પહેલ વગર ચર્ચાનાં કોઈ પરિણામો નહીં આવે.

પહેલા દિવસની જેમ બીજા દિવસ પણ સુરક્ષા જવાનો સાથે ઘર્ષણની સ્થિતિ નહોતી.

જોકે, બીજા દિવસે પણ શંભુ બૉર્ડર પર ખેડૂતો તરફથી બેરિકેટિંગ તોડવાનો પ્રયત્ન થયો પણ તેઓ સફળ ન થયા.

ખેડૂત આંદોલન

આ વચ્ચે હરિયાણા તરફથી તહેનાત સુરક્ષા જવાનો તરફથી થોડા થોડા સમયના અંતરે ટિયરગેસના શેલ છોડાઇ રહ્યા હતા. જેનાથી બચવા માટે ખેડૂતોએ અનેક પ્રયત્નો કર્યા.

ટિયરગેસના શેલ છોડવા માટે ઉપયોગમાં લેવાતા ડ્રૉનને એક ખેડૂતે પતંગમાં ફસાવીને પાડી નાખ્યું

આ વચ્ચે ખેડૂત નેતાઓએ સ્પષ્ટ કર્યું કે બુધવારે કેન્દ્રના કોઈ મંત્રી સાથે બેઠક નથી થઈ. કેન્દ્રીય મંત્રીઓ સાથે ગુરુવારે બેઠક યોજાવાની છે.

ખેડૂત નેતા જગજિતસિંહ ડલ્લેવાલે કહ્યું કે હવે ગુરુવારે સાંજે (આજે) કેન્દ્ર સરકારના પ્રતિનિધિમંડળ સાથે ચર્ચા થશે.

એમએસપી એટલે કે ટેકાના ભાવ માટે કાયદો બનાવવા અને સ્વામીનાથન કમિટીની બધી જ ભલામણોને લાગુ કરવાની માગને લઈને પંજાબના ખેડૂતોનાં જૂથોએ 13 ફેબ્રુઆરીએ 'દિલ્હી ચલો'નું આહ્વાન કર્યું હતું.

ખેડૂતો આંદોલન દિલ્હી

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ખેડૂત આંદોલનમાં પત્રકારો સાથે કથિત મારપીટની ઘટના બાદ ખેડૂતો આંદોલનના નેતાઓએ પત્રકારોની માફી માગી છે.

પત્રકારપરિષદમાં ખેડૂત નેતા જગજિતસિંહ ડલ્લેવાલે કહ્યું કે "અમને જાણવા મળ્યું છે કે બે પત્રકારો સાથે દુર્વ્યવહાર થયો છે, અમે તેમની માફી માગીએ છીએ અને અમે એ પત્રકારો સાથે છીએ. અમારા પ્રયાસ રહેશે કે હવે આવી ઘટના ન ઘટે."

તેમણે કહ્યું કે "માહોલ ખરાબ ન થાય તેનું ધ્યાન રખાશે. આંદોલનની રક્ષા કરવાનો સમય આવી ગયો છે. યુનિયનની ટીમો ધ્યાન રાખશે અને કોઈ પત્રકાર સાથે આવું ન થવું જોઈએ. કૉર્પોરેટ હાઉસ કે ચેનલનો દૃષ્ટિકોણ અલગ હોઈ શકે છે, પણ જે પત્રકાર છે, એ અમારા ભાઈઓ છે. મીડિયા હાઉસથી અમારા વિચાર અલગ હોઈ શકે, પણ મીડિયાકર્મી સાથે દુર્વ્યવહાર યોગ્ય નથી."

તેમણે કહ્યું કે "અમે બધા યુવાઓ અને ખેડૂત નેતાઓને આવાહન કરીએ છીએ કે ગુરુવારની બેઠક થાય ત્યાં સુધી સહયોગ આપે અને માહોલ ખરાબ ન થવો જોઈએ."

ખેડૂત નેતાઓનું કહેવું છે કે "અમે શાંત રહેશું અને આગળ નહીં વધીએ. બધાં યુનિયનોએ નક્કી કર્યું હતું કે જો સરકાર વાતચીત કરવા માગે તો અમે કરીશું. આગળ નહીં વધીએ. અમારા ઉપર બુઝવારે પણ ડ્રોનની ગેસના ગોળા છોડવામાં આવ્યા હતા, તેનો મતલબ કે કેન્દ્ર સરકાર નથી ઇચ્છતી કે અમે વાતચીત કરીએ."

કેન્દ્રીય મંત્રીએ શું કહ્યું?

ખેડૂતો આંદોલન દિલ્હી

લઘુતમ ટેકાના ભાવ માટે કાયદો બનાવવા અને સ્વામીનાથન કમિટીની ભલામણોને લાગુ કરવાની માંગ સાથે ખેડૂતોએ હજારોની સંખ્યામાં દિલ્હી તરફ કૂચ કરી છે.

મંગળવારે જ તેઓ પંજાબ-હરિયાણાની શંભુ બૉર્ડરે પહોંચ્યા હતા જ્યાં સુરક્ષાદળોની નાકાબંધીને કારણે તેમને અટકી જવું પડ્યું હતું.

જોકે ખેડૂતોએ બુધવારે એટલે કે બીજા દિવસે શંભુ બૉર્ડર પરથી આગળ વધવાનો પ્રયત્ન કર્યો તો ફરીથી આંસુ ગેસ છોડાયા હતા.

બીબીસી સંવાદદાતા અભિનવ ગોયલ અનુસાર શંભુ બૉર્ડર પર બુધવારે શાંતિ હતી.

મંગળવારે ખેડૂતોએ સરહદેથી જ્યારે હરિયાણામાં દાખલ થવાનો પ્રયત્ન કર્યો ત્યારે પોલીસે તેમને રોકવાનો પ્રયત્ન કર્યો હતો.

ત્યારબાદ પોલીસે ટિયરગેસના શેલ પણ છોડ્યા હતા અને એવી પરિસ્થિતિ પેદા થઈ હતી કે જાણે ખેડૂતો અને સુરક્ષાદળો આમનેસામને આવી ગયાં હોય.

ખેડૂતો પંજાબથી નીકળે એ પહેલાં ત્રણ કેન્દ્રીય મંત્રીઓ સાથે ખેડૂતનેતાઓની વાટાઘાટો થઈ હતી. પરંતુ વાતચીત નિષ્ફળ નીવડતાં ખેડૂતોએ દિલ્હી તરફ કૂચ કરી હતી.

સમાચાર ઍજન્સી એએનઆઈને આપેલા એક ઇન્ટરવ્યૂમાં બુધવારે કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડાએ ખેડૂતોને અપીલ કરી હતી.

તેમણે કહ્યું હતું કે, "અમે સરકાર તરફથી વાતચીત કરવા માટે તૈયાર છીએ. ખેડૂત સંગઠનોએ એ સમજવાની જરૂર છે કે જે કાયદા વિશે તેઓ વાત કરી રહ્યા છે તેમાં ઉતાવળે કે વગર સમજે-વિચાર્યે કોઈ નિર્ણય લઈ શકાય તેમ નથી. અન્યથા ભવિષ્યમાં સૌની માટે મુશ્કેલી સર્જાઈ શકે છે."

"ખેડૂતોને એ વાતનું પણ ધ્યાન રાખવું પડશે કે તેમના આંદોલનથી સામાન્ય જનજીવનને અસર ન થાય. તેના કારણે સમસ્યા વધુ બગડી શકે છે. હું અપીલ કરું છું કે ખેડૂત સંગઠનો વાતચીતનો માહોલ જાળવી રાખે અને તેનાથી જ સમાધાન થશે."

અત્યાર સુધી શું-શું થયું?

ખેડૂતો આંદોલન દિલ્હી

ઇમેજ સ્રોત, Getty Images

13 ફેબ્રુઆરીના રોજ ખેડૂતો અને સુરક્ષાદળઓ વચ્ચે ભારે ઘર્ષણ થયું હતું. ખેડૂતો પર ડ્રોનથી ટિયરગેસના શેલ છોડવામાં આવ્યા હતા.

આ સમયગાળા દરમિયાન લગભગ 35 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે, પરંતુ આ સંખ્યાની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

હરિયાણા પોલીસે સોશિયલ મીડિયા પ્લૅટફોર્મ ઍક્સ પર જાહેર કરેલા નિવેદનમાં જણાવ્યું છે કે ખેડૂતો સાથેના સંઘર્ષમાં વોટરકેનન, ટિયર ગેસ અને હળવો બળપ્રયોગ કરીને કાયદો અને વ્યવસ્થા જાળવવામાં આવી હતી.

હરિયાણા પોલીસનું કહેવું છે કે પથ્થરમારામાં 24 પોલીસકર્મીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. જેમાં શંભુ બૉર્ડર પર 15 પોલીસકર્મીઓ અને જીંદની દાતાસિંહ બૉર્ડર પર નવ પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા.

હરિયાણા પોલીસે પંજાબથી આવતા હજારો ખેડૂતોને દિલ્હીથી 212 કિલોમીટર દૂર શંભુ બૉર્ડર પર રોક્યા છે. ત્યાંથી અંબાલા 12 કિમી દૂર છે અને પાણીપત લગભગ 118 કિમી દૂર છે.

ખેડૂતોને રોકવા માટે હરિયાણા પોલીસના જવાનો અને અર્ધલશ્કરી દળોને ત્યાં તહેનાત કરવામાં આવ્યા છે.

શંભુ બૉર્ડર પર ઠેકઠેકાણે લંગર લાગેલા છે જ્યાં આંદોલનકારી ખેડૂતો માટે ભોજનની વ્યવસ્થા થઈ રહી છે.

તો બીજી તરફ દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરવામાં આવી છે. દિલ્હીમાં પ્રવેશવાના અનેક માર્ગો પર ટ્રાફિકજામ થયો હતો.

નેતાઓએ શું કહ્યું?

ખેડૂતો આંદોલન દિલ્હી

ઇમેજ સ્રોત, ANI

કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, "ખેડૂતભાઈઓ, આજે ઐતિહાસિક દિન છે. કૉંગ્રેસ સમર્થિત ઇન્ડિયા ગઠબંધનની સરકાર આવશે તો એમએસપીની ગેરન્ટી લાગુ કરવામાં આવશે. ન્યાયના પથ પર આ કૉંગ્રેસની પહેલી ગૅરન્ટી છે."

બહુજન સમાજ પાર્ટીના વડા માયાવતીએ ખેડૂતો સામે સુરક્ષાદળોની કાર્યવાહીને લઈને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે.

માયાવતીએ કહ્યું છે કે સરકારે ખેડૂતોની માંગણીઓને ગંભીરતાથી લેવી જોઈએ અને કડક પગલાં લેવાને બદલે વાતચીત કરવી જોઈએ.

બીએસપી વડાએ ટ્વિટર પર લખ્યું, "સરકારે ખાદ્યપદાર્થોના મામલામાં ભારતને આત્મનિર્ભર બનાવનાર મહેનતુ ખેડૂતોની માંગણીઓને ગંભીરતાથી લેવી જોઈએ અને તેના પર સહાનુભૂતિપૂર્વક વિચારણા કર્યા પછી, તેનો સમયસર ઉકેલ લાવવો જોઈએ."

"જેથી ખેડૂતોને રાહત મળી શકે. જેથી તેમની માંગણીઓ પૂરી કરવા માટે તેમને વારંવાર આંદોલન ન કરવું પડે."

પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજીએ કહ્યું હતું કે, “જ્યારે દેશના ખેડૂતો પર આ રીતે ટિયરગેસ છોડવામાં આવે ત્યારે આપણો દેશ કઈ રીતે આગળ વધી શકે? હું ખેડૂતો પર ભાજપ દ્વારા કરવામાં આવેલા અત્યાચારોની નિંદા કરું છું."

ખેડૂતોની માગ શું છે?

ખેડૂતો આંદોલન દિલ્હી

ઇમેજ સ્રોત, ANI

સંયુક્ત કિસાન મોરચા (બિનરાજકીય)ના નેતા જગજીતસિંહ દલ્લેવાલે બીબીસીને જણાવ્યું હતું કે, “અમે અમારી માંગણીઓ મનાવવા માટે ‘દિલ્હી ચલો’નો નારો નથી આપ્યો. અમે સરકાર પાસેથી ફક્ત એ જ માંગણી કરી રહ્યા છીએ કે ખેડૂત આંદોલન પાછું ખેંચતા સમયે સરકારે અમને જે વચન આપ્યું હતું તેને નિભાવે.”

દલ્લેવાલ કહે છે, “સરકારે એ સમયે ન્યૂનતમ સમર્થન મૂલ્યની ગૅરંટીનું વચન આપ્યું હતું. આ સાથે જ તેમણે કહ્યું હતું કે ખેડૂતો સામે જે કેસ કરવામાં આવ્યા છે તે પાછા ખેંચી લેવામાં આવશે. લખીમપુર-ખીરીની ઘટનામાં મરનાર લોકોના પરિવારોને નોકરી અને ઘાયલોને દસ-દસ લાખ રૂપિયા આપવામાં આવશે એવું પણ વચન આપવામાં આવ્યું હતું.”

2021માં ઉત્તર પ્રદેશના લખીમપુર-ખીરીમાં સરકારના કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ચાર શીખ ખેડૂતોને ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રાની એસયુવી દ્વારા કથિત રીતે કચડી નાખવામાં આવ્યા હતા.

દલ્લેવાલે કહ્યું કે, “સરકારે કહ્યું હતું કે ખેડૂતોને પ્રદૂષણના કાયદાથી મુક્ત રાખવામાં આવશે. સૌથી મોટું વચન એ હતું કે ખેડૂતોને સ્વામીનાથન કમિશનની ભલામણો અનુસાર પાકના ભાવ આપવામાં આવશે. પરંતુ આ વચનોમાંથી એકપણ વચન પૂરું થયું નથી.”

સ્વામીનાથન કમિશનની ભલામણો કહે છે કે ખેડૂતોને તેમના પાકની કિંમત દોઢ ગણી આપવામાં આવે.

દલ્લેવાલ કહે છે કે, “આ વિડંબના છે કે જે એમ.એસ. સ્વામીનાથનને સરકારે 'ભારત રત્ન' આપ્યો છે પણ તેમના જ નામે બનેલી કમિટીનો રિપોર્ટ સરકાર લાગુ કરતી નથી. તેમણે ખેતીનું ઔદ્યોગિકીકરણ ન કરવાની સલાહ આપી હતી પણ સરકાર સલાહ અનુસરી રહી નથી.”

ખેડૂતોના પ્રદર્શનનો મામલો હાઇકોર્ટમાં ગયો

મંગળવારે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં ખેડૂતોના વિરોધને લઈને બે અરજીઓ પર સુનાવણી થઈ હતી.

આમાંની એક અરજી દિલ્હી જવા માટે બૉર્ડર સીલ કરવા વિરુદ્ધ હતી અને બીજી અરજી ખેડૂત આંદોલનકારીઓ વિરુદ્ધ હતી.

સુનાવણી દરમિયાન, હાઇકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ જીએસ સંધાવાલિયા અને ન્યાયમૂર્તિ લુપિતા બેનર્જીની ડિવિઝન બૅન્ચે આ મુદ્દાને સૌહાર્દપૂર્ણ રીતે ઉકેલવા જણાવ્યું હતું. બૅન્ચે રાજ્ય સરકારોને આંદોલનકારીઓ માટે સ્થળ ચિહ્નિત કરવા કહ્યું છે.

હાઈકોર્ટે કેન્દ્ર, હરિયાણા, પંજાબ અને દિલ્હી સરકારને નોટિસ પાઠવી છે. સુનાવણી દરમિયાન કૉર્ટે કહ્યું કે, “વિરોધ કરનારાઓ ભારતના નાગરિક છે અને તેમને દેશમાં મુક્તપણે ફરવાનો અધિકાર છે. કૉર્ટે એમ પણ કહ્યું કે એ રાજ્ય સરકારની ફરજ છે કે એ નાગરિકોના અધિકારોનું રક્ષણ કરે અને તેમના લીધે અસુવિધા પણ ન થાય.”