અમદાવાદ: જુગારમાં રૂ. 21 લાખ જીતનારની હત્યા કેમ કરવામાં આવી, પોલીસે ભેદ કેવી રીતે ઉકેલ્યો?

આકાશ પવાર, અમદાવાદમાં જુગારની લેતીદેતી મામલે હત્યા, રૂ. 21 લાખ, અમદાવાદ પોલીસ, સાબરમતી ઇસ્ટ રિવરફ્રન્ટ, હિતેશ સંઘવી, ઝોન 2 ડીસીપી ભરત રાઠોડ, બીબીસી ગુજરાતી સમાચાર

ઇમેજ સ્રોત, PREMSING PAWAR

ઇમેજ કૅપ્શન, મૃતક આકાશ પવાર
    • લેેખક, લક્ષ્મી પટેલ
    • પદ, બીબીસી સંવાદદાતા

"મારો પાંચ મહિનાનો પૌત્ર બાપ વગરનો થઈ ગયો. મને સમજાતું નથી કે હું શું કરું? મારો દીકરો વિશ્વાસ રાખીને એકલો ગયો, એમાં તેનો જીવ ગયો.અમારે ન્યાય જોઈએ છે." આ શબ્દો છે આકાશ પવારના પિતાના.

24 વર્ષના એક યુવકનો મૃતદેહ સાબરમતી રિવરફ્રન્ટ પોલીસને કોથળામાંથી મળી આવ્યો હતો. મૃતકનાના હાથ અને પગ બાંધેલા હતા અને તેના મોઢા પર પટ્ટી લગાવેલી હતી.

અમદાવાદ પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે આ મૃતકનું નામ આકાશ પવાર હતું, જેેઓ શહેરના ઓઢવ વિસ્તારમાં રહેતા હતા. તેઓ જુગારમાં 21 લાખ રૂપિયા જીતી ગયા હતા. આ નાણાની ઉઘરાણી કરતા, તેના મિત્રએ જ કથિત રીતે તેની હત્યા કરીને તેનો મૃતદેહ ફેંકી દીધો હતો.

પોલીસના જણાવ્યા પ્રમાણે, લગભગ 500 સીસીટીવી ફૂટેજને ચકાસતા કેસની કડી મળી હતી. આરોપી હિતેશે છ લોકો સાથે મળીને હત્યાનો કારસો ઘડ્યો હતો.

પહેલી તારીખે આકાશ ઘરેથી નીકળ્યા હતા, પરંતુ ઘરે પર ફર્યા ન હતા. આકાશનો ફોન પણ બંધ આવતા, તેમના પિતા પ્રેમસિંહે ઓઢવ પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ ફરિયાદ દાખલ કરી હતી.

મૃતદેહ આકાશ પવારનો હોવાની ઓળખ થયા બાદ આકાશના પિતા પ્રેમસિંહ પવારે સાબરમતી રિવરફ્ન્ટ ઇસ્ટ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા લોકો સામે ફરિયાદ લખાવી હતી.

પોલીસે કોથળામાં મળેલા અજાણ્યા મૃતદેહની કેવી રીતે ઓળખ કરી?

રીવરફ્રન્ટ ઈસ્ટ પોલીસ સ્ટેશન

ઇમેજ સ્રોત, RAVI

ઇમેજ કૅપ્શન, રિવરફ્રન્ટ ઇસ્ટ પોલીસ સ્ટેશન

સાબરમતી રિવરફ્રન્ટ ઇસ્ટ પોલીસ સ્ટેશનને ત્રીજી મેના રોજ ઇન્દીરા બ્રિજ નીચે આવેલા છઠ્ઠ ઘાટ ખાતે કોથળામાં બંધ મૃતદેહ પડ્યો હોવાની માહિતી મળી હતી.

પોલીસે સ્થળ પર તપાસ કરતાં જોયું કે મૃતકના હાથ અને પગ બાંધેલા અને મોઢા પર પટ્ટી વિટાંળેલી હતી. પોલીસે લાશની ઓળખ માટે તપાસ હાથ ધરી હતી.

અમદાવાદ ઝોન 2 ના ડીસીપી (ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ) ભરત રાઠોડે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું, "મૃતદેહને જોતાં લાગતું હતું કે બે દિવસ કમ્પૉઝિટ થઈ હોય."

ડીસીપી ભરત રાઠોડે જણાવ્યું હતું, "મૃતકની ઓળખ કરવા માટે અમે અમદાવાદ શહેરમાં છેલ્લા એક અઠવાડિયા દરમિયાન ગુમ થયેલા લોકોની યાદી મેળવી હતી. આ યાદી તપાસતા અમારા ધ્યાનમાં આવ્યું હતું કે ઓઢવ પોલીસ સ્ટેશનમાં આકાશ પવાર નામના એક વ્યકિતના ગુમ થયાની જાણવાજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી."

"અમારી ટીમે આકાશ પવારના પરિવારનો સંપર્ક કરીને મૃતકની ઓળખ અંગેની કાર્યવાહી શરૂ કરી હતી."

આકાશના પિતા પ્રેમસિંહ પવારે ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, "તેમના દીકરાની શોધખોળ ચાલુ હતી તે દરમિયાન તેમના ઉપર સાબરમતી રિવરફ્રન્ટ પોલીસનો ફોન આવ્યો હતો. પોલીસે કહ્યું કે તેમને એક કોથળામાં બાંધેલી હાલતમાં મૃતદેહ મળ્યો છે. અમે તરત જ સિવિલ હૉસ્પિટલના પોસ્ટમૉર્ટમ રૂમમાં પહોચ્યા હતા. મારા દીકરાનાં કપડાં અને શરીરને જોઈને અમે ઓળખી ગયા હતા કે તે મારા દીકરા આકાશનું બૉડી છે."

મૃતક આકાશ કોણ હતા, તેમના પિતાએ શું કહ્યું?

આકાશ પવાર, અમદાવાદમાં જુગારની લેતીદેતી મામલે હત્યા, રૂ. 21 લાખ, અમદાવાદ પોલીસ, સાબરમતી ઇસ્ટ રિવરફ્રન્ટ, હિતેશ સંઘવી, ઝોન 2 ડીસીપી ભરત રાઠોડ, બીબીસી ગુજરાતી સમાચાર

ઇમેજ સ્રોત, gujarattourism.com

ઇમેજ કૅપ્શન, અમદાવાદની પ્રતીકાત્મક તસવીર
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

મૃતક આકાશ પવાર મૂળ ઉત્તર પ્રદેશના વતની છે. તેમનો પરિવાર વર્ષોથી અમદાવાદના ઓઢવ વિસ્તારમાં રહે છે. આકાશે 12 ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો.

આકાશના પિતા પ્રેમસિંહ પવારની ફાઇનાન્સની ઑફિસ છે. આકાશ તેમના પિતા સાથે જ ફાઇનાન્સનું કામ કરતા હતા.

આકાશના પિતા પ્રેમસિંહે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું, "મારો પાંચ મહિનાનો પૌત્ર બાપ વગરનો થઈ ગયો. મને સમજાતું નથી કે હું શું કરું? મારો દીકરો વિશ્વાસ રાખીને એકલો ગયો, તેમાં તેનો જીવ ગયો. અમારે ન્યાય જોઈએ છે. મારો દીકરો શાંત સ્વભાવનો હતો. તે કોઈની સાથે ઝઘડો પણ કરે તેવો ન હતો."

પ્રેમસિંહે જણાવ્યું, "મારો દીકરો (આકાશ) ક્યારેય ઘરે મોડો આવતો ન હતો. એ દિવસે તે મોડા સુધી ઘરે ન આવ્યો તેમજ તેનો ફોન પણ બંધ આવતો હોવાથી અમે તેની શોધખોળ શરૂ કરી હતી. એ દિવસે એવું કંઈ જ થયું ન હતું કે તે ઘરેથી નીકળી જાય."

"અમને કંઈ જ સમજાતું ન હતું. બીજા દિવસે બપોરે તેના ફોનની રિંગ વાગી હતી. કોઈ વ્યક્તિએ તેનો ફોન ઉપાડ્યો હતો. જોકે, ફોન ઉપાડનારે યોગ્ય જવાબ આપ્યા વગર ફોન કાપી નાખ્યો હતો. જેથી અમને શંકાસ્પદ લાગતા મેં ઓઢવ પોલીસ સ્ટેશનમાં મારો દીકરો ગુમ થયાની જાણવાજોગ ફરિયાદ આપી હતી."

પોલીસે કેવી રીતે હત્યાનો ભેદ ઉકેલ્યો?

આકાશ પવાર, અમદાવાદમાં જુગારની લેતીદેતી મામલે હત્યા, રૂ. 21 લાખ, અમદાવાદ પોલીસ, સાબરમતી ઇસ્ટ રિવરફ્રન્ટ, હિતેશ સંઘવી, ઝોન 2 ડીસીપી ભરત રાઠોડ, બીબીસી ગુજરાતી સમાચાર

ઇમેજ સ્રોત, RAVI

ઇમેજ કૅપ્શન, અમદાવાદ ઝોન 2 ડીસીપી ભરત રાઠોડ

મૃતક આકાશ પવારની હોવાની ઓળખ થયા બાદ પોલીસ માટે પ્રશ્ન હતો કે તેની હત્યા કોણે અને કેમ કરી હતી?

પોલીસે પરિવારની પૂછપરછ કરી ટૅક્નિકલ સર્વેલન્સ શરૂ કર્યું અને લગભગ 500 જેટલાં સીસીટીવી (ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન) ફૂટેજ ચકાસ્યાં હતાં.

આ અંગે ડીસીપી ભરત રાઠોડે જણાવ્યું, "આકાશના નિત્યક્રમ અંગે જાણકારી મેળવી હતી. આકાશ જે દિવસે ગુમ થયા એ દિવસે ઘરેથી નીકળવાથી શરૂ કરીને જ્યાં-જ્યાં ગયા તે આખા રુટનાં 500 જેટલા સીસીટીવી તપાસ્યાં હતાં."

ડીસીપી (ઝોન-2) ભરત રાઠોડે વધુમાં જણાવ્યું, "પોલીસને સીસીટીવી ફૂટેજમાં જોવા મળ્યું કે એ દિવસે બપોરે આકાશ પોતાનું બાઇક લઈને શાહિબાગ નમસ્તે સર્કલ પાસે આવેલ સુમેલ પાર્કની એક દુકાનમાં ગયા હતા."

"આકાશ તે દુકાનમાંથી બહાર નીકળ્યા હોય તેવું કોઈ ફૂટેજમાં જોવા મળતું ન હતું. પોલીસને સીસીટીવી ફૂટેજમાં જોવા મળ્યું કે રાતે આકાશનું બાઇક સુમેલ પાર્કથી બહાર નીકળ્યું, પરંતુ તેને ચલાવનાર આકાશ ન હતા, પરંતુ બીજું કોઈ હતું. સ્વાભાવિક છે કે તે સમય દરમિયાન જ આકાશ સાથે કંઈક ઘટના ઘટી હોઈ શકે છે."

પોલીસને શંકાસ્પદ લાગ્યું કે આ બિલ્ડિંગમાં કંઈક ઘટના ઘટી હોય શકે છે. જેથી પોલીસે સુમેલ પાર્ક બિલ્ડિંગના સીસીટીવી ફૂટેજ તપાસવાનાં શરૂ કર્યાં હતાં.

ડીસીપી ભરત રાઠોડે જણાવ્યું, "અમારી ટીમ બિલ્ડિંગના સીસીટીવી ચકાસી રહી હતી, ત્યારે એક શંકાસ્પદ ફૂટેજ જોવાં મળ્યાં હતાં. ફૂટેજમાં જોવા મળ્યું કે રાતના સમયે એક વ્યક્તિ સફેદ કલરના પેકિંગવાળું પાર્સલ કોથળામાં વિંટાળીને લિફ્ટમાં લઈ જઈ રહી હતી. અમારી ટીમે જોયું કે આકાશના મૃતદેહ પાસે મળેલો કોથળો અને આ પાર્સલવાળો કોથળો એક જ કલરના હતા."

પોલીસે વધુ પુરાવા મેળવતા હત્યાના આરોપી તરીકે હિતેશ સંઘવીનું નામ સામે આવ્યું હતું.

ડીસીપી ભરત રાઠોડે જણાવ્યું, "પોલીસે ટૅક્નિકલ સર્વેલન્સને આધારે રાજસ્થાનના બાડમેરથી આરોપી હિતેશ સંઘવીની ધરપકડ કરી હતી."

આરોપી કોણ છે?

 પોલીસ કસ્ટડીમાં આરોપી હિતેશ સંઘવી

ઇમેજ સ્રોત, RAVI

ઇમેજ કૅપ્શન, આરોપી હિતેશ સંઘવી પોલીસ કસ્ટડીમાં

ભરત રાઠોડે જણાવ્યું, "આરોપી હિતેશના સાળો જગદીશ અને આકાશ મિત્ર હતા. ત્રણેય સાથે બેસીને જુગાર રમતા હતા."

આરોપી અંગે આકાશના પિતા પ્રેમસિંહે જણાવ્યું, "જગદીશ મારો પાર્ટનર છે. આરોપી હિતેશ જગદીશનો બનેવી છે. જગદીશને કારણે અમે આરોપી હિતેશને વર્ષોથી જાણતા હતા. અમને ક્યારેય એવો વિચાર પણ નહોતો આવ્યો કે પૈસા માટે મારા દીકરાનો જીવ જશે."

"જગદીશ વર્ષોથી અમારો પાર્ટનર છે. જગદીશ પર ભરોસો હોવાને કારણે મારા દીકરાએ હિતેશ પર પણ ભરોસો કરીને તેના બોલાવ્યે એકલો તેની ઑફિસે ગયો હતો અને તેનો જીવ ખોવાનો વારો આવ્યો."

આરોપીએ પોલીસને શુ કહ્યુ?

આકાશ પવાર, અમદાવાદમાં જુગારની લેતીદેતી મામલે હત્યા, રૂ. 21 લાખ, અમદાવાદ પોલીસ, સાબરમતી ઇસ્ટ રિવરફ્રન્ટ, હિતેશ સંઘવી, ઝોન 2 ડીસીપી ભરત રાઠોડ, બીબીસી ગુજરાતી સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

ભરત રાઠોડે માહિતી આપી હતી કે આરોપી હિતેશ સંઘવીએ પોલીસ પૂછપરછ દરમિયાન જણાવ્યું, "હિતેશ આકાશ અને જગદીશ સાથે જુગાર રમતા હતા. હિતેશ સાથે જુગારમાં આકાશ 21 લાખ રૂપિયા જીતી ગયા હતા. હિતેશના ઘર તથા ઑફિસે આકાશ જુગારમાં જીતેલાં નાણાની ઉઘરાણી કરતા હતા. આકાશની સતત ઉઘરાણી કરતા હોવાથી કંટાળીને હિતેશે આકાશની હત્યાનો પ્લાન કર્યો હતો."

હિતેશે કથિત રીતે આકાશના હત્યાના પ્લાન અંગે પોલીસને માહિતી આપી કે આ માટે હિતેશની પાસેની દુકાનમાંથી ટીમલેશ, હિરારામ તેમજ પોતાના ગામના હેમારામ અને કૌશલારામ તેમજ તેમની બિલ્ડિંગના સિક્યૉરિટી ગાર્ડ વિનયને પ્લાનમાં સામેલ કર્યા હતા.

હિતેશે આ છ લોકોને પોતાની ઑફિસ બોલાવ્યા હતા. ત્યારબાદ આકાશને પણ જુગાર રમવાના બહાને તેની ઑફિસમાં બોલાવ્યા હતા. ત્યારબાદ આ છ લોકોએ ભેગા મળીને આકાશને બાંધીને તેનું ગળું દબાવીને તેમની હત્યા કરી હતી.

ત્યારબાદ આકાશના મૃતદેહને તેને કોથળામાં નાખી હિતેશે તેની ગાડીમાં આ કોથળો નાખીને તેને ઇન્દિરા બ્રિજ નીચે છઠ્ઠ ઘાટ પર ફેંકી દીધો હતો.

પોલીસે માહિતી આપતા જણાવ્યું કે હિતેશને કાપડના કમિશન એજન્ટ તરીકે કામ કરે છે. ટીમલેશ અને હિરારામની દુકાન હિતેશની દુકાનની બાજુમાં આવેલી છે.

ટીમલેશ અને હિરારામ આર્થિકતંગીમાં હોવા અંગે હિતેશને જાણ હતી, જેથી પૈસાની લાલચ આપીને તેમને પ્લાનમાં સામેલ કર્યા હતા.

હિતેશે કથિત રીતે અન્ય આરોપીઓને લાલચ આપી હતી કે આકાશને જુગાર રમવાને બહાને બોલાવી, તેની પાસેથી જે નાણા મળે તે પરસ્પર વહેંચી લેવા.

પોલીસે અન્ય આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. પોલીસ હિતેશ અને આકાશના આર્થિકવ્યવહારોની પણ તપાસ કરશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.