ભારત-પાકિસ્તાન તણાવ : ગુજરાતના સરહદી વિસ્તારોમાં કેવો માહોલ છે? કચ્છમાં આખી રાત બ્લૅકઆઉટ

બીબીસી ગુજરાતી કચ્છ બનાસકાંઠા બ્લેકઆઉટ પાકિસ્તાન ભારત કાશ્મીર સરહદ

ઇમેજ સ્રોત, Paresh Padhiar

ઇમેજ કૅપ્શન, બનાસકાંઠામાં પોલીસ સરહદી વિસ્તારના ગામડાઓમાં પહોંચી હતી

પહલગામ હુમલાનો બદલો લેવા માટે ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીર પર હવાઈ હુમલા કર્યા પછી પાકિસ્તાને પણ ગોળીબાર અને હેવી આર્ટિલરી ફાયરિંગ શરૂ કર્યું છે.

પાકિસ્તાન સાથે સરહદ ધરાવતા તમામ રાજ્યોમાં એલર્ટની સ્થિતિ છે અને સરહદ પર દરેક હિલચાલ પર નજર રાખવામાં આવી રહી છે.

ગુજરાત પણ પાકિસ્તાન સરહદે આવેલું રાજ્ય હોવાથી અને જમીન સરહદ અને સમુદ્રકિનારે મૉનિટરિંગ વધારી દેવામાં આવ્યું છે.

ગાંધીનગરના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને આજે એક ઇમરજન્સી સમીક્ષા બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં સંબંધિત જિલ્લાના કલેક્ટરો અને પોલીસવડાઓ સાથે ટેલિફોનિક વાતચીત કરીને જરૂરી તકેદારી માટે સૂચના આપવામાં આવી હતી. ગુજરાતના પોલીસ વડા વિકાસ સહાય પણ બેઠકમાં હાજર હતા.

સરહદી જિલ્લાઓમાં બ્લૅકઆઉટ

બીબીસી ગુજરાતી કચ્છ બનાસકાંઠા બ્લેકઆઉટ પાકિસ્તાન ભારત કાશ્મીર સરહદ

ઇમેજ સ્રોત, PIB

ઇમેજ કૅપ્શન, ગુજરાતમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ઇમરજન્સી સમીક્ષા બેઠક યોજી હતી

ભારત અને પાકિસ્તાન વચ્ચે સમુદ્રી સરહદ પણ છે જેના કારણે કચ્છ, જામનગર, દ્વારકા, ભાવનગર સહિતના સમુદ્રકિનારે આવેલા જિલ્લાઓમાં ખાસ કાળજી રાખવામાં આવી રહી છે.

દ્વારકામાં ગઈકાલે મોડી રાતે આંશિક અસરથી બ્લૅકઆઉટની જાહેરાત કરવામાં આવી હતી.

તેવી જ રીતે 8 મે, ગુરુવારની રાતે કચ્છના ભુજ, નલિયા અને નખત્રાણા સહિતનાં શહેરોમાં બ્લૅકઆઉટ કરી દેવાયું હતું.

પાકિસ્તાન સરહદ પર આવેલા બનાસકાંઠામાં બૉર્ડર પરનાં 24 ગામોમાં ગુરુવારે રાત્રે બ્લૅકઆઉટનો અમલ કરાયો હતો. ગઈકાલે રાતે એસપી, એસઓજી સહિતની પોલીસ ટુકડીઓ સુઈગામ તથા સરહદી વિસ્તારના ગામોમાં પહોંચી હતી અને લોકોને રાતે તમામ પ્રકારની લાઈટ બંધ કરવા સૂચના આપી હતી.

ભારત અને પાકિસ્તાનની નડાબેટ બૉર્ડરને ધ્યાનમાં રાખીને બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત અહીં આવેલા વિખ્યાત અંબાજી મંદિરની સુરક્ષા પણ વધારવામાં આવી છે.

પાટણના સરહદી સાંતલપુર તાલુકાનાં 72 ગામોમાં ગુરુવારે રાતે બ્લૅકઆઉટનો અમલ કરાયો હતો.

કચ્છમાં આખી રાત બ્લૅકઆઉટ રહ્યો

બીબીસી ગુજરાતી કચ્છ બનાસકાંઠા બ્લેકઆઉટ પાકિસ્તાન ભારત કાશ્મીર સરહદ

ઇમેજ સ્રોત, PTI

ઇમેજ કૅપ્શન, કચ્છમાં રાતે બ્લૅકઆઉટની જાહેરાત થયા પછી સવાર સુધી અંધારપટ રહ્યો હતો
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

કચ્છ અને બનાસકાંઠા એ એવા જિલ્લા છે જે પાકિસ્તાન સાથે જમીન સરહદ ધરાવે છે અને તેથી તેની સંવેદનશીલતા વધી જાય છે.

કચ્છમાં ભુજ સહિતનાં શહેરોમાં ગુરુવારે રાતે 8.30 વાગ્યાથી બ્લૅકઆઉટ લાગુ થયો હતો અને સવારે 5.30 વાગ્યા સુધી અમલમાં હતો.

કચ્છથી સૂત્રોએ બીબીસીને જણાવ્યું કે દિવસ દરમિયાન તેમને બ્લૅકઆઉટનો અંદાજ ન હતો. પરંતુ સાંજે ખબર પડી કે બ્લૅકઆઉટ થવાનો છે. કેટલાક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાતો હોવાથી વીજળીના થાંભલા પડી ગયા છે અને આખી રાત લાઇટ ન હોવાના કારણે લોકોના મોબાઇલની બેટરી પણ ડાઉન થઈ ગઈ હતી.

ગરમી અને બફારાના કારણે કેટલાક લોકો પોતાની કારના એસી ચાલુ રાખીને સુવા માટે મજબૂર બન્યા હતા.

ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે બીબીસી ગુજરાતી સાથે રાત્રે 10.15 વાગ્યે વાત કરતા કહ્યું કે, "સ્થાનિક વહીવટી તંત્ર તરફથી કોઈ ચેતવણી કે જાહેરાત તો નથી કરાઈ, પરંતુ આખા શહેરમાં એક સાથે લાઈટ જતી રહી હોવાથી આ બ્લેકઆઉટ હોય તેવું લાગી રહ્યું છે."

મહેન્દ્ર ટંક નામના ભુજના એક નાગરિકે બીબીસીને કહ્યું કે, ભુજમાં સાંજે વરસાદ પડ્યા પછી વીજ પુરવઠો બંધ થઈ ગયો હતો. "સાંજે આઠ-સાવ આઠ વાગ્યે વરસાદ બંધ થયો પરંતુ લાઈટ આવી ન હતી. આખા શહેરમાં ક્યાંય લાઈટ દેખાતી ન હોવાથી આ વરસાદને કારણે વીજપ્રવાહમાં વિક્ષેપ ન લગતા બ્લેકઆઉટ હોય તેવું જણાઈ રહ્યું છે. જો કે અમને હજુ સુધી કોઈ સાઇરન કે કોઈ લશ્કરી વિમાનોના અવાજ સંભળાય નથી."

બનાસકાંઠામાં સુઈગામ અને આસપાસના 20 ગામોમાં પણ સાતથી આઠ કલાક સુધી બ્લેકઆઉટ કરવામાં આવ્યો હતો.

સરહદ પરની સ્થિતિને ધ્યાનમાં રાખીને ગુરુવારે બોટાદ જિલ્લામાં પણ પોલીસ એલર્ટ હતી અને રેલ્વે સ્ટેશને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

બોટાદ પોલીસ દ્વારા રેલવે સ્ટેશને આવતી જતી ટ્રેનો અને મુસાફરોનું ચેકિંગ કરાયું હતું જેમાં ડોગ સ્કવોડ પણ જોડાઈ હતી.

આ ઉપરાંત રાજ્યકક્ષાના વનમંત્રી મુકેશ પટેલ આજે ઉકાઈ ડેમ, થર્મલ પાવર સ્ટેશન વગેરે સ્થળોનું નિરીક્ષણ કરવાના છે.

ગુજરાતમાં 15મે સુધી ફટાકડાં ફોડવા પર પ્રતિબંધ

ગુજરાતના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, "ગુજરાતમાં કોઈપણ કાર્યક્રમમાં કે ઇવેન્ટમાં 15મે સુધી કોઈ જગ્યાએ ફટાકડાં નહીં ફોડી શકાય અને ડ્રોન ઉડાવવા પર પણ પ્રતિબંધ છે. તમામ લોકોને આ ગાઇડલાઇન અનુસરવા માટે અને સહકાર આપવા માટે વિનંતી છે."

આ સિવાય હર્ષ સંઘવીએ જાણકારી આપી હતી કે ગુજરાત પોલીસે ચાર લોકો સામે એફઆઈઆર પણ નોંધી છે.

તેમણે કહ્યું હતું કે, "સોશિયલ મીડિયાના માધ્યમથી દેશવિરોધી તથા સેનાનું મનોબળ ઘટાડી શકે તેવી પોસ્ટ કરનારા ચાર લોકો સામે એફઆઈઆર નોંધવામાં આવી હતી. આ પ્રકારની કોઈપણ હરકત ગુજરાતમાં ચલાવી નહીં લેવાય. જો આવી કોઈપણ પોસ્ટ દેખાય તો અમે કડકમાં કડક પગલાં ભરવાની સૂચના આપી છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન