'મિસાઇલ પડી ત્યારે આખું આકાશ લાલ થઈ ગયું હતું', પાકિસ્તાનીઓએ જણાવ્યું હુમલા વખતે શું થયું હતું?

હું છત પર આડો પડ્યો હતો. બે મિસાઇલો આવી અને અમારા ઉપરથી પસાર થઈ ગઈ. જોતજોતામાં એક મિસાઇલ જમીન સાથે અથડાઈ અને આખા વિસ્તારમાં વીજળી ડુલ થઈ ગઈ. એક મિનિટ બાદ વીજળી આવી, ત્યારે જ બીજી મિસાઇલ પડી.
મિસાઇલ પડ્યા બાદ એવું લાગ્યું કે જાણે આકાશનો રંગ લાલ થઈ ગયો. એ બાદ આ જ પ્રકારે લગભગ ચાર હુમલા થયા. મિસાઇલ મસ્જિદ મરકઝ-એ-તૈય્યબા પર આવીને પડી. લોકો પોતાનાં ઘરોમાંથી બહાર નીકળ્યાં અને મસ્જિદ તરફ શું થયું છે એ જોવા માટે એ તરફ દોટ મૂકી. બાદમાં ખબર પડી કે ભારતે હુમલો કર્યો છે.
પાકિસ્તાનના પંજાબ પ્રાંતના શહેર મુરિદકેની નિકટના ગામ નંગલ સાહદાંના રહેવાસી આતિફ ભારતની તરફથી પાકિસ્તાન પર કરાયેલા હુમલાને નજરે જોનારા લોકો પૈકી એક છે.
ભારતીય સૈન્ય અનુસાર મંગળ-બુધની રાત્રે પાકિસ્તાન અને પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં સ્થિત ઘણાં 'ચરમપંથી ઠેકાણાં' પર હુમલા થયા છે.
ભારતે આ 'ઑપરેશન સિંદૂર'નું નામ આપ્યું છે.
જોકે, પાકિસ્તાની સૈન્યનું કહેવું છે કે આ હુમલામાં સામાન્ય નાગરિકો અને ઠેકાણાંને નિશાન બનાવાયાં છે,જેમાં બાળકો અને મહિલાઓ સહિત ઓછામાં ઓછા આઠ લોકોનાં મૃત્યુ થયાં છે તથા 35 લોકો ઈજાગ્રસ્ત છે. પાકિસ્તાની સૈન્ય અનુસાર બે લોકો ગુમ છે.
આ વિશે જાણવા માટે બીબીસીએ પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીર અને પંજાબ મુરિદકે વિસ્તારમાં થયેલા હુમલાના કેટલાક પ્રત્યક્ષદર્શીઓ સાથે વાત કરી.
આતિફે બીબીસીને જણાવ્યું હતું કે, "મિસાઇલો મરકઝ તૈય્યબાની મુખ્ય મસ્જિદ પર પડી હતી. તે સમયે મસ્જિદમાં એક વૃદ્ધ વ્યક્તિ સિવાય બીજું કોઈ નહોતું."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
'મસ્જિદમાં માત્ર એક વૃદ્ધ સિવાય કોઈ નહોતું'

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
મુરિદકેની નિકટના નંગલ સાહદાં ગામના રહેવાસી આતિફે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, "મિસાઇલ મરકઝ-એ-તૈય્યબાની મુખ્ય મસ્જિદ પર આવીને પડી. મસ્જિદની અંદર એક વૃદ્ધ વ્યક્તિ સિવાય બીજું કોઈ નહોતું."
તો શું હુમલા સમયે ત્યાં કોઈ હાજર નહોતું, બીબીસીના આ સવાલના જવાબમાં આતિફે કહ્યું કે, "જ્યારે એક અઠવાડિયા અગાઉ અહીં હુમલો થવાની સંભાવના અંગે ખબર પડી હતી ત્યારે જ અહીંથી લોકો પોતાનાં ઘરોની તરફ ચાલ્યા ગયા અને આ જગ્યા ખાલી થઈ ગઈ હતી."
આતિફે આગળ કહ્યું, "પહેલાં તો સામાન્ય લોકો અહીં અંદર જતા હતા, અહીં ભોજન પણ મળતું હતું, પરંતુ હવે અહીં કોઈ નથી જઈ શકતું, અહીં લોકો રહેતા પણ હતા, પરંતુ જ્યારથી આ મામલો બન્યો ત્યારથી લોકોએ આ જગ્યા ખાલી કરી દીધી."
વધુ એક સાક્ષી હસને કહ્યું હતું કે અહીં એક મદરેસા, એક હૉસ્પિટલ અન એક શાળા હતી.
તેમણે કહ્યું કે, "ઈશા (સાંજે આઠ વાગ્યાની આસપાસ પઢાતી નમાજ)ના સમયે મસ્જિદોમાં એલાન થયું હતું કે કાલે તમામ સ્કૂલ ખૂલી જશે. બધાએ સ્કૂલે આવવાનું છે, પરંતુ રાત્રે 12 વાગ્યે 35 મિનિટે ધડાકો થયો."
હસને કહ્યું, "અમ છત પર સૂઈ ગયા હતા. કુલ ચાર મિસાઇલ આવી. પહેલી મિસાઇલ તો ખૂબ જબરદસ્ત અવાજ સાથે આવી. ત્રણ કેન્દ્ર સ્થાને પડી અને ચોથી એની પાસે. આ પહેલાં કોઈ અવાજ નહોતો. મિસાઇલ શૂં અવાજ કરીને છતની ઉપરથી પસાર થઈ."
તેમણે કહ્યું કે તેમનું ઘર મુરિદકેથી લગભગ બે-ત્રણ કિલોમીટર દૂર છે. તેમના અનુસાર "ધડાકા બાદ અફરાતફરી મચી ગઈ, લોકો ઘરમાંથી બહાર આવી ગયા હતા. કેટલાક લોકો પોતાનાં ઘર છોડીને મુરિદકે તરફ જતા રહ્યા."
'મસ્જિદની આસપાસ ક્યારેય સંદિગ્ધ પ્રવૃત્તિ નથી જોઈ'

નંગલ સાહદાંના રહેવાસી મોહમ્મદ બિલાલ પણ સાક્ષીઓ પૈકી એક છે.
બીબીસી સાથેની વાતચીત દરમિયાન તેમણે કહ્યું, "હું રાત્રે કૉલ સાંભળવા માટે છત પર ગયો તો અચાનક જોયું કે મિસાઇલ આવી અને ધડાકો થયો. હું ઘરમાંથી તરત જ બહાર નીકળ્યો અને અહીંની મસ્જિદ સુધી આવ્યો. સતત ત્રણ મિસાઇલ આવી, જેના ધડાકા મેં સાંભળ્યા. સારો એવો ધમાકો હતો."
મુરિદકેના રહેવાસી મોહમ્મદ યુનુસ શાહે કહ્યું, "અહીં બાળકોની શાળા-કૉલેજો છે. હૉસ્ટેલ અને મેડિકલ કૉમ્પ્લેક્સ છે. તેના પર હુમલો થયો છે. પહેલી ત્રણ મિસાઇલ સતત પડી, જ્યારે ચોથી મિસાઇલ પાંચ-સાત મિનિટ બાદ પડી."
તેમના પ્રમાણે આ રહેણાક વિસ્તારો છે, જ્યાં લોકો પોતાના પરિવારો સાથે રહે છે. તેમના અનુસાર આ હુમલામાં મસ્જિદ પણ તબાહ થઈ ગઈ છે.

મોહમ્મદ યુનુસે કહ્યું કે, "વિસ્તારમાં હજુ પણ ગભરાટ છે અને બધા સુરક્ષિત સ્થળોએ જતા રહ્યા છે. ત્યાં સરકારી અધિકારી, રાહતકર્મી, ફાયર બ્રિગેડ અને પોલીસકર્મી હાજર છે."
પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરના પાટનગર મુઝફ્ફરાબાદમાં હાજર બિલાલ મસ્જિદને પણ નિશાન બનાવાઈ છે.
તેની પાસેના એક ઘરમાં રહેતા મોહમ્મદ વહીદે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "હું ગાઢ ઊંઘમાં હતો એ સમયે પ્રથમ ધડાકાએ મારા ઘરને હચમચાવી નાખ્યું. હું ભાગીને સડક પર આવ્યો. ત્યાં પહેલાંથી જ ઘણા લોકો હાજર હતા. અમને શું થયું એ વાતની ખબર પડે એ પહેલાં વધુ ત્રણ મિસાઇલ પડી. આનાથી મોટા પાયે ભય વ્યાપી ગયો અને અફરાતફરી મચી ગઈ."
વહીદ કહે છે કે, "મને એ વાત નથી સમજાઈ રહી કે ભારતે આ મસ્જિદને કેમ નિશાન બનાવી. આ મહોલ્લાની સામાન્ય મસ્જિદ હતી, જ્યાં અમે દિવસમાં પાંચ વખત નમાજ પઢતા હતા. અમે એની આસપાસ ક્યારેય કોઈ સંદિગ્ધ પ્રવૃત્તિ નથી જોઈ."
'એવું લાગ્યું કે જાણે ગૅસ સિલિન્ડર ફાટ્યાં'

મુઝફ્ફરાબાદના રહેવાસી અબ્દુલ બાસિતે બીબીસી સાથે વાતચીત કરતાં કહ્યું, "લોકો સૂઈ ગયા હતા. અમારા વિસ્તારમાં લોકો દસ-સાડા દસ વાગ્યા સુધી સૂઈ જાય છે. અચાનક એવો અવાજ આવ્યો કે જાણે કોઈ ગૅસ સિલિન્ડર ફાટ્યો હોય. એની લગભગ એક મિનિટ બાદ છ-સાત ધડાકાના અવાજ સંભળાયા, જે મિસાઇલ હતી. પહેલા તો સમજ જ ન પડી કે શું થયું."
મુઝફ્ફરાબાદના રહેવાસી સફીર એવાને બીબીસીને કહ્યું કે તેમનું ઘર બિલાલ મસ્જિદની નજીક છે.

ઇમેજ સ્રોત, Getty Images
તેમના અનુસાર રાત્રે સાડા બાર વાગ્યાની આસપાસ હુમલો શરૂ થયો અને તેઓ બહાર આવ્યા ત્યારે તેમણે જોયું કે મસ્જિદ પર ગોળીબાર થઈ રહ્યો હતો.
તેમણે કહ્યું, "એક શેલ લાગવાને કારણે મારી દીકરી ઈજાગ્રસ્ત થઈ ગઈ છે. આ વિસ્તારમાં મારા ખાનદાનના ઘણા લોકો વર્ષોથી રહી રહ્યા છે. જે મસ્જિદ હુમલાની શિકાર થઈ છે, એ અમારા વિસ્તારની જામા મસ્જિદ હતી."












