વડનગરમાં મળેલા 1000 વર્ષ જૂના કંકાલનું રહસ્ય શું છે અને તેને સાદા મંડપમાં કેમ રખાયું છે?

ઇમેજ સ્રોત, BBC/Kushal Batunge
- લેેખક, રૉક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી સંવાદદાતા
વડનગરમાં સરકારી વસાહતનું એક મેદાન, તેમાં આવેલો એક મંડપ અને મંડપમાં મૂકવામાં આવેલું છે 1000 વર્ષ જૂનું એક કંકાલ. કાપડના આ મંડપને દોરીથી બંધ કરેલો છે.
એ દોરી ખોલીને મંડપની અંદર જતાં એક લીલી ચાદર નીચે પડેલું દેખાય છે 'ઇતિહાસનાં રહસ્યોની ચાવીસમું' આ કંકાલ, જેને 2019માં પુરાતત્ત્વ વિભાગે ઉત્ખનન દરમિયાન બહાર કાઢ્યું હતું.
પુરાતત્ત્વીય ઉત્ખનન દરમિયાન દેશભરમાં ભાગ્યે જ જોવા મળતું હોય એવું આ કંકાલ, વિભાગની એક ખાસ શોધ છે, કારણ કે તે 'યોગીક' મુદ્રામાં બેઠેલી અવસ્થામાં મળ્યું છે.
એવું માનવામાં આવે છે કે, આ કંકાલ કોઈ યોગીનું છે, જેમણે બેઠા બેઠા સમાધિ લીધી હશે.
આ વાત છે ગુજરાતના મહેસાણામાં આવેલા 'ઐતિહાસિક' વડનગરની, જે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું વતન પણ છે.
નોંધનીય છે કે વડનગરમાં પાછલા ઘણા સમયથી ઐતિહાસિક અવશેષો મળવાનો સિલસિલો ચાલી રહ્યો છે, અવારનવાર સદીઓ જૂના અવશેષો મળી આવતાં વડનગર સમાચારોમાં રહે છે.
આવા જ એક સદીઓ જૂના અવશેષ એવા આ કંકાલની વાત કરીએ તો કંકાલના આ મંડપથી આશરે અઢી કિલોમીટરના અંતરે એક ભવ્ય મ્યુઝિયમ આવેલું છે, જે આશરે રૂ. 200 કરોડથી પણ વધુના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે.
વડનગરમાં આ પ્રાચીન કંકાલ શું રહસ્ય ધરબીને બેઠું છે?

ઇમેજ સ્રોત, BBC/Kushal Batunge
આ મ્યુઝિયમમાં પાંચ હજાર કરતાં વધુ ઐતિહાસિક વસ્તુઓ મૂકવામાં આવેલી છે, પરંતુ તેમાં આ 'દુર્લભ' કંકાલ સામેલ નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
1950ના દાયકામાં પ્રથમ વખત ખબર પડી હતી કે વડનગરની નીચે એક જૂની નગરી હોઈ શકે છે.
ત્યાર બાદ સરકારે ત્યાં ઉત્ખનન શરૂ કરાવ્યું હતું, જેમાં વિવિધ સંસ્કૃતિઓના પુરાવા મળી આવ્યા છે.
જોકે, 2019માં આવા જ એક ઉત્ખનન દરમિયાન નિષ્ણાતોને આ કંકાલ મળી આવ્યું, ત્યારે એવું માનવામાં આવી રહ્યું હતું કે આ ઉત્તર ભારતની કોઈ વ્યક્તિનું કંકાલ છે, જે પ્રવાસ માટે વડનગર આવી હશે.
ત્યાર બાદ આ કંકાલનો ડીએનએ ટેસ્ટ કરાવાયો હતો, જેનો પ્રાથમિક અહેવાલ હાલમાં જ સામે આવ્યો હતો.
આ ડીએનએ ટેસ્ટ કરનારા નિષ્ણાત ડૉ. નીરજ રાયે લખનૌથી બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું હતું કે, "આ કંકાલનું સૅમ્પલ ગુજરાતી પ્રજા સાથે મૅચ થયું છે. આ કંકાલ એક બૌદ્ધ મઠમાંથી મળેલું છે, અને તે દિશામાં વધુ વિગત આવનારા એક મહિનામાં જ્યારે સંપૂર્ણ રિપોર્ટ પ્રગટ થાય ત્યારે જાણવા મળશે."
ઐતિહાસિક દૃષ્ટિએ આટલા મહત્ત્વના અવશેષને મ્યુઝિયમમાં ન મૂકીને ટૅન્ટમાં મૂકવાનાં કારણો અંગે બીબીસી ગુજરાતીએ તપાસ કરી હતી.
જેમાં સ્થાનિકોએ આવી રીતે કંકાલને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરી તંત્ર સામે સવાલ ઉઠાવ્યા હતા. તો સામેની બાજુએ સરકારી અધિકારીઓએ 'ટૂંક સમયમાં કંકાલને મ્યુઝિયમમાં' મુકાશે એવી વાત કરી હતી.
'આ પ્રકારનું કંકાલ દેશભરમાં જૂજ જોવા મળે છે'

ઇમેજ સ્રોત, BBC/Kushal Batunge
નોંધનીય છે કે ગુજરાતમાં વડનગર સિવાય ધોળાવીરા અને લોથલ વગેરે જેવાં સ્થળોએ પુરાતન સંસ્કૃતિઓના પુરાવા મળી ચૂક્યા છે.
જોકે, વડનગરમાં બૌદ્ધ, જૈન, હિંદુ ધર્મ સાથે સંકળાયેલા પુરાવા મળી આવ્યા છે.
જેમાં વિવિધ મુદ્રા, ઘરવખરી, સિક્કા અને કંકાલ વગેરે મળી આવ્યાં છે. અહીં ઈસવીસન પૂર્વેની બીજી સદીના પણ પુરાવા મળી આવ્યા છે. અહીં મળેલા પુરાવાઓ જણાવે છે કે વડનગરમાં પાછલાં 2400 વર્ષથી સતત વિવિધ સભ્યતાઓ અસ્તિત્વમાં રહી હશે.
વર્ષ 2016થી 2022 સુધી આ ઉત્ખનનની ટીમના વડા, પુરાતત્ત્વવિદ ડૉ. અભિજિત આંબેકરે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું કે, "આ કંકાલની મુદ્રાના કારણે જ તેને બહાર કાઢવામાં આવ્યું હતું, જેથી લોકોને આના વિશે જાણવા મળે."
આ કંકાલ પલાંઠી વાળીને બેઠેલી અવસ્થામાં છે, જ્યારે તેનો ડાબો હાથ, એક લાકડી પર મૂકવામાં આવ્યો હોય તેવું પુરાતત્ત્વવિદોનું તારણ છે.
ડૉ. આંબેકરે કંકાલ વિશે વધુ માહિતી આપતાં કહ્યું કે, "આ એક બૌદ્ધ મઠમાંથી મળ્યું હોવાથી તેના વિશે અનેક તર્કવિતર્કો કરી શકાય, પરંતુ એક વાત ચોક્કસ છે કે આ પ્રકારનું કંકાલ દેશભરમાં જૂજ જોવા મળે છે."
કંકાલને મ્યુઝિયમમાં કેમ મૂકવામાં નથી આવતું?

ઇમેજ સ્રોત, BBC/Kushal Batunge
માહિતી અનુસાર 2019ના ઉત્ખનનમાં આ કંકાલ મળ્યું હતું. ત્યાર બાદ 2023 સુધી તેને એક બૉક્સમાં, જેવી રીતે મળ્યું હતું, એ જ અવસ્થામાં એક સરકારી વસાહતના કૉરિડૉરમાં મૂકવામાં આવ્યું હતું.
ડૉ. આંબેકરે કહ્યું કે, "જ્યારે નવું મ્યુઝિયમ બનાવવાની જાહેરાત થઈ ત્યારે અમે 2023માં તેને બૉક્સમાંથી કાઢીને, હાલમાં જે અવસ્થામાં છે, એ રીતે મ્યુઝિયમમાં મૂકવા માટે તૈયાર કરી દીધું હતું, જે પ્રક્રિયામાં તેની ઉપર વિવિધ કોટિંગ વગેરે કરવામાં આવ્યું હતું."
આંબેકરનો દાવો છે કે તમામ વસ્તુઓની સાથે આ કંકાલ પર રાજ્ય સરકારને સોંપી દેવામાં આવ્યું હતું.
નોંધનીય છે કે જાન્યુઆરી 2025માં આ મ્યુઝિયમનું ઉદ્ઘાટન થયું છે, પરંતુ હજી સુધી આ કંકાલને ત્યાં મૂકવામાં આવ્યું નથી.
જોકે, મ્યુઝિયમમાં આ કંકાલની તસવીર જરૂર મુકાઈ છે.
ડૉ. આંબેકર સવાલ ઉઠાવતાં કહે છે કે, "મ્યુઝિયમની રચના જ આવી વસ્તુઓ માટે કરવામાં આવે છે. જો આવા દુર્લભ ઐતિહાસિક વારસાને મ્યુઝિયમમાં મૂકવામાં ન આવે તો મ્યુઝિયમ બનાવવાનો અર્થ જ શો છે?"

ઇમેજ સ્રોત, BBC/Kushal Batunge
આ કંકાલને મ્યુઝિયમમાં હજુ સુધી ન મૂકવાનાં કારણો અંગે જાણવા બીબીસી ગુજરાતીએ ડાયરેક્ટોરેટ ઑફ આર્કિયૉલૉજી ઍન્ડ મ્યુઝિયમ પંકજ શર્મા સાથે વાત કરી હતી.
તેમણે જણાવ્યું કે, "આ કંકાલ હજી સુધી આર્કિયૉલૉજિકલ સર્વે ઑફ ઇન્ડિયાના કબજામાં છે, હજી સુધી અમને તેનો યોગ્ય રીતે કબજો સોંપવામાં આવ્યો નથી."
જોકે, ગુજરાત સરકારના રમતગમત, કળા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના પ્રિન્સિપાલ સેક્રેટરી એમ. થેનારસને કહ્યું કે, "આ કંકાલને ટૂંક સમયમાં મ્યુઝિયમમાં મૂકવામાં આવશે અને એ માટેની કામગીરી ચાલી રહી છે."
જોકે, પ્રશ્ન એ છે કે ભૂગર્ભમાંથી મળી આવ્યાનાં પાંચ વર્ષ બાદ પણ આ કંકાલને કાયમી સરનામું હજુ સુધી કેમ નથી મળ્યું.
વડનગરમાંથી મળી આવેલા આ 'દુર્લભ' કંકાલને તેને ભૂગર્ભમાંથી બહાર કઢાયાનાં પાંચ વર્ષ ઉપરાંત વીતી ગયાં હોવા છતાં 'કાયમી સરનામું' ન મળ્યું હોવાને કારણે સ્થાનિકોમાં સરકાર સામે એક પ્રકારની નારાજગી જોવા મળી હતી.
ઘણા લોકો આના માટે પાછળ 'અમલદારશાહી'ને જવાબદાર માને છે.
આવા જ એક સ્થાનિક જેસંગભાઈ ઠાકરે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું કે, "આટલો સમય થઈ ગયો છે, આ સાધુબાબાના કંકાલને યોગ્ય સ્થળ પર મૂકવાની જરૂર છે. જો તેને મ્યુઝિયમમાં મૂકવામાં આવે તો દરેક મુલાકાતી તેને જોઈ શકે, પરંતુ તે હજી મંડપમાં જ છે."
આવી જ રીતે વીઠાજી ઠાકોર નામના વધુ એક સ્થાનિક કંકાલને બહાર રાખવા બાબતે ચિંતા અને ભય વ્યક્ત કર્યાં છે.
તેઓ કહે છે કે, "આ કંકાલ જો આવી રીતે બહાર રહેશે તો તે ખરાબ થઈ જશે, ધીરે ધીરે તે તૂટવા લાગશે, માટે તેને વહેલી તકે મ્યુઝિયમમાં મૂકવું જોઈએ."
જોકે, બીજી બાજુ ઘણા લોકોને વડનગરની ઐતિહાસિક સંસ્કૃતિ માટે માન પણ છે.
વડનગરના એક સ્થાનિક દિલીપ રામી વડનગરના વારસા પર ગૌરવની લાગણી વ્યક્ત કરતાં કહે છે કે, "મને ગર્વ છે કે વડનગરને કારણે લોકોને આ ઐતિહાસિક વારસા વિશે ખબર પડી છે. મેં મારી પોતાની જમીન આ ઉત્ખનન માટે આપી દીધી છે, મને એનો વસવસો નથી."
પુરાતનનગર વડનગર

ઇમેજ સ્રોત, BBC/Kushal Batunge
વડનગરમાં પાછલાં ઘણાં વર્ષોથી ત્રણ અલગ-અલગ સ્થળોએ પુરાતત્ત્વવિદો દ્વારા ઉત્ખનન કરવામાં આવ્યું છે.
એવું તારણ કાઢવામાં આવ્યું છે કે વડનગરમાં છેલ્લાં 2400 વર્ષથી સતત માનવીય વસાહત રહી છે.
આ વિસ્તાર વ્યવસાય માટે જાણીતું હતું અને અહીં અનેક બૌદ્ધ મઠો, હિંદુ મંદિરો, જૈન દેરાસરો વગેરે હોવાના પુરાવા મળ્યા છે.
વડનગરમાં વર્ષો જૂની સંસ્કૃતિના અવશેષો જોવા મળ્યા છે. તેને ચમત્કારપુર, અનંતપુર જેવાં નામોથી પણ ઓળખવામાં આવતું હતું.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન.












