વડોદરા બોટ દુર્ઘટના: નિયમો નેવે મૂકીને કૉન્ટ્રાક્ટ અપાયો? કૉર્પોરેશન સામે શું આરોપ લાગ્યા?

    • લેેખક, લક્ષ્મી પટેલ
    • પદ, વડોદરાથી બીબીસી ગુજરાતી માટે

વડોદરામાં 18મી જાન્યુઆરીના દિવસે હરણી તળાવની બોટ દુર્ઘટનામાં જીવ ગુમાવનારાં બાળકો અને શિક્ષિકાના પરિવારજનો હજુ આઘાતમાં છે. ગુજરાતના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જ્યારે સ્પષ્ટ શબ્દોમાં એમ કહ્યું કે આ દુર્ઘટના એ કોઈની ભૂલ નહીં પણ ‘દોષ છે’ અને જવાબદાર લોકો સામે કડક પગલાં લેવાશે.

ગૃહરાજ્યમંત્રીએ આ નિવેદન આપ્યું ત્યારે એમના મનમાં ‘બેદરકારી’ કારણે 14 લોકોનાં મોતનું કારણ બનેલી ખાનગી કંપની અને તેના સંચાલકો જ હતા કે પછી 'નિર્ધારિત નીતિ-નિયમો અને પ્રક્રિયાઓની અવગણના કરીને' આ કંપનીને કૉન્ટ્રેક્ટ આપી દેનારા વડોદરા મ્યુનિસિપલ કૉર્પોરેશનના અધિકારીઓ અને ચૂંટાયેલા નેતાઓ હતા એ સવાલ પણ લોકોના મનમાં થઈ રહ્યો છે.

આ સવાલોના જવાબો તો આગામી દિવસોમાં રજૂ થનારા જિલ્લા મૅજિસ્ટ્રેટના તપાસ રિપોર્ટ બાદ જ ખબર પડશે. પરંતુ આ ઘટના પાછળ હરણી તળાવના નવીનીકરણની કામગીરીમાં ‘કોટિયા પ્રોજેક્ટ’ કંપનીને આપવામાં આવેલા કૉન્ટ્રેક્ટમાં નિયમોને નેવે મૂકવામાં આવ્યા હોવાના આરોપ લાગી રહ્યા છે.

આ કંપનીને કૉન્ટ્રેક્ટ કેવી રીતે આપી દેવાયો?

બીબીસીને મળેલી વિગતો પરથી જણાય છે કે, વડોદરા મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2015માં સ્પેશિયલ પ્રોજેક્ટ અંતર્ગત હરણી મોટનાથ તળાવની સ્વચ્છતા, સુંદરતા જળવાય અને તળાવને સાંસ્કૃતિક - મનોરંજન વિગેરેની પ્રવૃત્તિ માટે વિકસાવી શકાય તે માટે PPP ધોરણે EOI બહાર પાડ્યા હતા.

જેના અનુસંધાને 30 ડિસેમ્બર 2015ના દિવસે બે કૉન્ટ્રેક્ટરો - કોટિયા પ્રોજેક્ટ અને મંગલમ્ કન્સ્ટ્રક્શનનાં ભાવપત્રકો આવ્યાં હતાં. ભાવપત્રકના મૂલ્યાંકન બાદ આ બન્ને કૉન્ટ્રેક્ટર ક્વૉલિફાય થયા હતા.

આ બન્ને કૉન્ટ્રેક્ટરો દ્વારા 22 એપ્રિલ 2016ના દિવસે પ્રેઝન્ટેશન કરાયું હતું. આ પ્રેઝન્ટેશન બાદ ફાઇનલ સ્કોપ ઑફ વર્ક અને પ્રાઇઝ બિડ તૈયાર કરી ભાવપત્રકો મંગાવવામાં આવ્યાં હતાં.

આ કામમાં ડેવલપમૅન્ટ, ઑપરેશન તથા મેન્ટનન્સ માટેનો તમામ ખર્ચ ડેવલપર (કૉન્ટ્રેક્ટ મેળવનારી કંપની) દ્વારા કરવાનો હતો. આ કામગીરીનો લીઝ પિરિયડ 30 વર્ષનો રાખવામાં આવ્યો હતો. જે કૉન્ટ્રેક્ટરને કામ આપવામાં આવે તેઓને વડોદરા મહાનગરપાલિકા દ્વારા તમામ ટૅક્સમાંથી પાંચ વર્ષ માફી આપવાનું નક્કી કરાયું હતું.

આ ઉપરાંત કામ પૂર્ણ થતાં વર્ક કમ્પલિશન સર્ટિફિકેટ મંજૂરી મળ્યા બાદ 450 ચોમી જમીન જાહેરાત પ્રસિદ્ધ કરવા અંગેના રાઇટ્સ આપવા અંગેની હતી. જો કૉન્ટ્રેક્ટર અધવચ્ચેથી કામ છોડી મૂકે તો તેવા કિસ્સામાં સ્થળ ઉપરની તમામ મિલકત જપ્ત કરવાની જોગવાઈ પણ કરવામાં આવી હતી.

આ પછી ફાઇનલ ‘સ્કોપ ઑફ વર્ક’ બાદ કૉન્ટ્રેક્ટર પાસે ભાવપત્ર મંગાવવા માટે તા. 23 ઑગસ્ટ 2016ના દિવસે જાણ કરી હતી. કોટિયા પ્રોજેક્ટ્સ દ્વારા હરણી તળાવના ડેવલપમૅન્ટ અને ત્યાં ઊભી કરવામાં આવેલી પાર્કિંગથી લઈ બોટિંગ સુધીની તમામ સુવિધાઓ અને મનોરંજક પ્રવૃત્તિઓના આગામી 30 વર્ષ સુધીના ભાવ ધરાવતું સિંગલ ભાવપત્ર આપવામાં આવ્યું હતું.

કૉન્ટ્રેક્ટરે રૂ. 17 કરોડની જમીન માટે વીએમસીને વર્ષે માત્ર એક રૂપિયાનું પ્રીમિયમ ઑફર કર્યું

એક રૂપિયાનું મૂલ્ય વર્ષ 2016માં પણ ખાસ નહોતું ત્યારે કૉન્ટ્રેક્ટર કંપનીએ વડોદરા મ્યુનિસિપલ કૉર્પોરેશન (વીએમસી)ને આ ડેવલપમૅન્ટ કૉન્ટ્રેક્ટ આપવાના પ્રિમિયમ પેટે 30 વર્ષ સુધી દર વર્ષે માત્ર એક રૂપિયો જ ચૂકવવાની ઑફર કરી હતી.

જોકે વીએમસીએ કૉન્ટ્રેક્ટરને પ્રીમિયમ વધારવાનું જણાવતા કૉન્ટ્રેક્ટરે 30 વર્ષ સુધી દર વર્ષે માત્ર 3 લાખ એક હજાર 111 રૂપિયાની ચુકવણી કરવાનું નક્કી કર્યું હતું. વીએમસીએ પ્રિમિયમનો આ દર સ્વીકાર્યો હતો.

વડોદરા મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીએ 8 સપ્ટેમ્બર 2016ના દિવસે દરખાસ્ત મંજૂર કરી હતી અને 12 સપ્ટેમ્બર 2016ના દિવસે તત્કાલીન મેયર ભરત ડાંગરની અધ્યક્ષતામાં મળેલી સામાન્ય સભામાં બહુમતીથી આ દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી. એ વખતે વિપક્ષનાં કૉર્પોરેટર અમી રાવત દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

કૉર્પોરેટર અમી રાવત હાલ વડોદરા મહાનગરપાલિકાનાં વિરોધ પક્ષનાં નેતા છે.

તેમણે કહ્યું, “14 સપ્ટેમ્બર 2016ના દિવસે મેં તત્કાલીન મ્યુનિ. કમિશનરને પત્ર લખી સમગ્ર પ્રોજેક્ટ અંગે વિરોધ નોંધાવ્યો હતો અને વિવિધ કારણો રજૂ કરીને આ પ્રોજેક્ટને રોકવાની માગણી અને રજૂઆત કરી હતી.”

તેમણે આ પ્રોજેક્ટ સાથે જોડાયેલા વીએમસીના એન્જિનિયરો સામે વિજિલન્સ ઇન્કવાયરીની માગ પણ કરી હતી.

તેમના જણાવ્યા અનુસાર તેમણે આ પ્રોજેક્ટનો વિરોધ એટલા માટે કર્યો હતો કે આ પ્રોજેક્ટના અમલીકરણ બાદ અહીં આવનારા મુલાકાતીઓએ ઊંચી ફી ચૂકવવી પડશે.

ટેન્ડરની જોગવાઈઓનો કેવી રીતે ભંગ થયો?

આ પ્રોજેક્ટના અમલીકરણ બાદ 26 ફેબ્રુઆરી 2019ના દિવસે કૉર્પોરેટર અમી રાવતે ફરી મ્યુનિ. કમિશનરને પત્ર લખ્યો હતો. જેમાં આ પ્રોજેક્ટમાં કૉન્ટ્રેક્ટર દ્વારા ટેન્ડરની જોગવાઈઓનો ભંગ કર્યાનો અને આ પ્રોજેક્ટમાં વડોદરા મહાનગર પાલિકાને રૂ.150 કરોડનું નુકસાન થયું હોવાનો આરોપ લગાડ્યો હતો.

તેમણે પત્રની વિગતો આપતાં જણાવ્યું, “આ પ્રોજેક્ટમાં ઝીપ લાઇન, હાઈ રોપ લાઇન અને પર્ફૉર્મિંગ સ્ટેજ જેવી પ્રવૃત્તિઓ અંગે ટેન્ડરમાં કોઈ જોગવાઈ હતી નહીં, છતાં તે શરૂ કરવામાં આવી છે. રૂપિયા 17 કરોડની કિંમતની જમીન માત્ર 1 રૂપિયાના ટોકન ભાડે 30 વર્ષ માટે લીઝ ઉપર આપવાની હતી, જેને વધારીને વર્ષે રૂ. 3,01,111 કરી છે. જેની સામે ડેવલપર દ્વારા માત્ર 5.4 કરોડનો ખર્ચ કરાયો છે. આ પ્રોજેક્ટથી કૉર્પોરેશન વાર્ષિક 5 કરોડ રૂપિયા અને 30 વર્ષમાં રૂપિયા 150 કરોડનું નુકસાન થશે.”

તેમણે આ પ્રોજેક્ટની વિજિલન્સ ઇન્કવાયરીની માગણી કરી હતી. જોકે, આ અંગે કોઈ તપાસ કરાઈ ન હતી.

‘વીએમસી પાસે ટૅક્સ માફીની સત્તા જ નથી’

આ સમગ્ર ટેન્ડર પ્રક્રિયા અંગે વડોદરા મહાનગરપાલિકામાં સત્તાધારી પક્ષ ભાજપના એક કૉર્પોરેટરે નામ ગુપ્ત રાખવાની વિનંતી સાથે જણાવ્યું હતું, "આ સમગ્ર પ્રોજેક્ટમાં માત્ર કૉન્ટ્રેક્ટરને ફાયદો થાય તેવી જોગવાઈઓ કરાઈ હતી. આ ટેન્ડરની ફાઇનલ બીડમાં માત્ર એક જ કૉન્ટ્રેક્ટરનું ભાવપત્રક હોવા છતાં તેને મંજૂરી અપાઈ હતી."

તેમણે વધુમાં જણાવ્યું, "આ સિવાય કૉર્પોરેશન પાસે GPMC ઍક્ટ મુજબ તમામ ટૅક્સ માફ કરવાની સત્તા છે જ નહીં. કોઈ પણ કૉન્ટ્રેક્ટરની પ્રોપર્ટી ટૅક્સ, પ્રોફેશન ટૅક્સ, બૅટરમૅન્ટ ચાર્જ માફ કરવાની સત્તા રાજય સરકાર પાસે છે, પણ આ અંગે સરકારે કોઈ મંજૂરી આપી ન હતી છતાં તમામ ટૅક્સ માફીની જોગવાઈ કરી હતી."

તેમણે ઉમેર્યું, "ઉપરાંત આ સમગ્ર ટેન્ડર પ્રોસેસમાં બીજા કોઈ કૉન્ટ્રેક્ટર તરફથી સ્પર્ધા નહોતી, છતાં આ કામની ફાઇલને મંજૂરી માટે ઉતાવળે ચલાવાઈ હતી. અને મંજૂરી પણ ઉતાવળે આપવામાં આવી હતી. રાજ્ય સરકારની લૅન્ડ ડિસ્પોજેબલ પૉલિસી મુજબ જમીનનું ભાડું નક્કી કરવાની ફૉર્મ્યૂલા પણ અમલી કરાઈ ન હતી."

અમીબહેનન રાવતે પણ આ વાતને અનુમોદન આપતા જણાવ્યું, "આ કૉન્ટ્રેક્ટથી વડોદરા મ્યુનિસિપલ કૉર્પોરેશનને 150 કરોડ રૂપિયાનું જેટલું નુકસાન થઈ રહ્યું છે. તેમજ આ કૉન્ટ્રેક્ટથી જનતાને કે કૉર્પોરેશનને કોઈ ફાયદો થતો નથી. આ કામ માત્રને માત્ર કૉન્ટ્રેક્ટરને ફાયદો કરાવવા માટે આ કરવામાં આવ્યું હતું."

તેમણે જણાવ્યું, "આ દુર્ઘટના નથી, પરંતુ હત્યા છે એવું હું ચોક્કસ કહીશ, કારણ કે જ્યારથી આ કૉન્ટ્રેક્ટ આપવાની વાત હતી ત્યારથી કૉર્પોરેશનને આર્થિક નુકસાન હતું. જે વગદાર લોકો હતા, જેમની પાસે અનુભવ નહોતો, છતાં તેમને કામ આપવામાં આવ્યું હતું. જે તે સમયે અમે લીગલ નોટિસ પણ આપી હતી. વિરોધ પણ કર્યો હતો અને કૉન્ટ્રેક્ટ ન આપવા માટે રજૂઆત પણ કરી હતી. છતાં કૉન્ટ્રેક્ટ આપી દેવામાં આવ્યો."

"અમલીકરણ સમયે શરતોની ઉપરવટ જઈને તળાવના ડેવલપમૅન્ટ રાઇટ્સની મંજૂરી આપવામાં આવી હતી. જે બાબતે ફરીથી વર્ષ 2019માં પણ અમે આ બાબતે પત્ર લખ્યો હતો. નિયમોને ઘોળીને પી જનાર સત્તાધીશોએ દબાણવશ અઘિકારીઓએ પણ આ અંગે કોઈ પગલાં લીધાં નહોતાં અને કૉન્ટ્રૅક્ટ શરૂ કરવામાં આવ્યો હતો."

તેમણે વધુમાં કહ્યું, "અત્યારે તમે બોટ પ્લૅટફૉર્મની પરિસ્થિતિ જુઓ, બોટની સ્થિતિ, સાધનોની સ્થિતિ ખૂબ જ ખરાબ છે, છતાં તેમની સામે કોઈ પગલાં લેવામાં આવ્યાં નથી. તેમને કોઈ નોટિસ પણ આપવામાં આવી નથી. જો સમયસર પગલાં લેવામાં આવ્યાં હોત તો આ પ્રકારની દુર્ઘટના ન થઈ હોત."

"કેપેસિટી કરતાં વધુ લોકો કાલે પહેલી વાર તો નહીં બેસાડવામાં આવ્યા હોય? તેમજ તેમની પાસે પૂરતાં પ્રમાણમાં લાઇફ જૅકેટ પણ ન હતાં. લાઇફ જૅકેટ પહેરેલાં બાળકો બચી ગયાં અને બાકીનાં મોતને ભેટ્યાં."

તેમના કહેવા પ્રમાણે, આ દુર્ઘટના માટે માત્ર કૉન્ટ્રેક્ટર જ નહીં, પરંતુ તંત્રના જે લોકોએ મૉનિટરિંગ નથી કર્યું. આ તમામ બાબતો બહાર આવી જોઈએ.

તેમનો આરોપ છે કે જે કૉન્ટ્રેક્ટર કામ કરતા હતા, તે પરેશ શાહનું સત્તાવાર કાગળો પર નામ પણ નથી. તેમની ઉપર તો ફરિયાદ પણ નથી થઈ. સમગ્ર વડોદરા શહેરને ખબર છે કે, પરેશ શાહનો કૉન્ટ્રેક્ટ હતો. જે માટે મૅજિસ્ટ્રેટની રૂટીન ઇન્ક્વાયરી નહીં, પરંતુ સિટિંગ જજ દ્વારા સ્વતંત્ર તપાસ થાય તે માટે અમે આજે પત્ર પણ લખ્યો છે.

"અમારી માગ છે કે આ કૉન્ટ્રેક્ટ તાત્કાલિક ધોરણે રદ થાય. તમામ પીપીપી મૉડલમાં આ પ્રકારની ઘટના બને છે, પછી એ મોરબી હોય કે વડોદરા હોય. આ પીપીપી મૉડલમાં મિલીભગત હોય છે. અમે આ ઘટનામાં માનવવધનો ગુનો નોંધવા માટેની માગ કરી રહ્યા છીએ."

તેઓ વધુમાં જણાવે છે કે, "જે તે સમયે મેં ટેન્ડર ખૂબ જ ઝીણવટપૂર્વક વાંચ્યું હતું. તેમાં પેટા કૉન્ટ્રેક્ટ આપી શકાય તેવી કોઈ જોગવાઈ ટેન્ડરમાં હતી જ નહીં."

વીએમસીનો સત્તાધારી પક્ષ ભાજપ શું કહે છે?

વીએમસીની સ્ટેન્ડિંગ કમિટીના ચૅરમૅન ડૉ. શીતલ મિસ્ત્રીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું, “ઘટના બની હતી તે પ્રોપર્ટીને સીલ કરવામાં આવી છે. તેમજ કમિશનર દ્વારા કૉન્ટ્રેક્ટ રદ કરવામાં આવ્યો છે.”

વડોદરાનાં મેયર પિન્કીબહેન સોનીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું, "આ સ્થાન અને બોટિંગ પ્રોજેક્ટ 30 વર્ષ માટે કોટિયા પ્રોજેક્ટને આપવામાં આવ્યો હતો. 100 ટકા ખર્ચની તેમની જવાબદારી સાથે આપવામાં આવ્યો હતો. જેથી મેન્ટનન્સની જવાબદારી તેમની હતી. આ ઘટના બાદ ક્યારેક ક્યારેક સરપ્રાઇઝ ચેકિંગ કરી એ લોકો દ્વારા રૂલ્સ ઍન્ડ રેગ્યુલેશન પરફૅક્ટલી પાલન કરવામાં આવી રહ્યા છે કે નહીં એવું પ્લાનિંગ કરવામાં આવશે."

"જ્યાં પણ આવું બોટિંગ અને રાઇડ્સ ચાલે છે કે કૉન્ટ્રેક્ટ આપવામાં આવ્યા છે, તેની સરપ્રાઇઝ વિઝિટ અંગેનો વિષય હાથમાં લઈશું. જે ઘટના બની છે, એના માટે અમારે જે ફ્યુચરિસ્ટિક પ્લાનિંગ સેલના કાર્યપાલક ઇજનેર રાજેશભાઈ અને ચીફ ફાયર ઓફિસર પાર્થભાઈ દ્વારા એફઆઈઆર નોંધવામાં આવી છે."

તેમના જણાવ્યા પ્રમાણે, કોઈ પણ વ્યક્તિએ બેજવાબદાર વર્તન કર્યું હશે, તેની સામે કડક પગલાં લેવામાં આવશે. તેમજ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

લેક ઝોનની બેદરકારી અંગે વિરોધ પક્ષના નેતા દ્વારા અરજી કરવામાં આવી હતી તે અંગે શું પગલાં લેવામાં આવ્યાં તે અંગે વાત કરતાં મેયર પિન્કીબહેન સોનીએ જણાવ્યું, "પહેલાં અરજી કરવામાં આવી હશે તો હું મંગાવી લઈ છું, કે ક્યારે અરજી કરવામાં આવી હતી? શું અરજી કરવામાં આવી હતી? અરજી અંગે પગલાં લેવામાં આવ્યાં હતાં કે નહીં? પગલાં લેવામાં આવ્યાં હતાં તો વિરોધ પક્ષના નેતાને કેમ જાણ કરવામાં આવી નહોતી? આ અંગે હું અધિકારી પાસે માહિતી મંગાવું છું."

કૉન્ટ્રેક્ટર દ્વારા પેટા કૉન્ટ્રેક્ટ આપવામાં આવ્યો હતો તે પ્રશ્નના જવાબમાં વડોદરા શહેરનાં પ્રથમ નાગરિક અને મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં સૌથી ઊંચી સત્તા ધરાવતો હોદ્દો સંભાળી રહેલાં પિન્કીબહેને કહ્યું, "આ અંગે અમે પણ સાંભળ્યું છે, પરંતુ મારી પાસે આ માહિતી નથી. હું આ અંગે પણ પૂછપરછ કરી રહી છું."