You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સુસાઇડ પૉડ : એ મશીન જે મિનિટોમાં જીવ લઈ લે છે
સ્વિટઝર્લૅન્ડમાં એક વિચિત્ર કેસ સામે આવ્યો છે જેમાં પોલીસે કેટલાક લોકોની ધરપકડ કરી છે. આ કેસ છે તો આપઘાતનો પરંતુ આપઘાત કરવા માટે જે રીત અપનાવવામાં આવી હતી તેના કારણે ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર વિશ્વમાં પ્રથમ વખત આ રીતે આપઘાત કરવામાં આવ્યો છે, જેના કારણે ભારે વિવાદ પણ સર્જાયો છે.
ઘટના જે વિગતો સામે આવી છે તે પ્રમાણે, સ્વિટઝર્લૅન્ડના શૅફહાઉસન વિસ્તારમાં સ્થિત ફૉરેસ્ટ હટમાં એક મહિલાએ આપઘાત કર્યો હતો. મહિલાએ એક ખાસ ‘સુસાઇડ પૉડ’માં પોતાનો જીવ લઈ લીધો હતો.
પોલીસે મહિલાને આપઘાત માટે દુષ્પ્રેરણા અને તેની મદદ કરવા બદલ કેટલાક લોકોની ધરપકડ કરી છે. પોલીસ અધિકારીએ સ્થળ પરથી સુસાઇડ પૉડ અને મૃતદેહનો કબજો લઈને તપાસ હાથ ધરી છે. હજુ સુધી આ કેસમાં પોલીસે ધરપકડ કરવામાં આવેલી વ્યક્તિ અને મૃતકની ઓળખ જાહેર કરી નથી.
આ મામલે વિવાદ વધતા સુસાઈડ પૉડ બનાવનાર કંપની એક્ઝિટ ઇન્ટરનૅશનલે એક નિવેદન બહાર પાડીને જણાવ્યું કે, મૃતક મહિલા 64 વર્ષનાં હતાં અને તેઓ ગંભીર બીમારીથી પીડાતાં હતાં. સોમવારે બપોરે તેમણે અંતિમ શ્વાસ લીધા.
કંપનીએ જણાવ્યું કે એક્ઝિટ ઇન્ટરનૅશનલની સહાયક કંપની ધ લાસ્ટ રિસોર્ટના કો-પ્રેસિડન્ટ ફ્લોરિયન વિલેટે એકમાત્ર વ્યક્તિ હતી જે ત્યાં હાજર હતા. તેમણે જણાવ્યું કે મહિલા ‘શાંત, ઝડપી અને સન્માનભેર’ રીતે મૃત્યુ પામ્યાં હતાં.
(નોંધ: આત્મહત્યા એ એક ખૂબ જ ગંભીર શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક સમસ્યા છે. જો આપ કોઈ તણાવમાંથી પસાર થઈ રહ્યા હો તો ગુજરાત સરકારની 'જિંદગી હેલ્પલાઇન 1096' પર કે ભારત સરકારની 'જીવનસાથી હેલ્પલાઇન 1800 233 3330' પર ફોન કરી શકો છો. તમારે મિત્રો-સંબંધીઓ સાથે પણ વાત કરવી જોઈએ.)
શું છે ‘સુસાઇડ પૉડ’?
અત્રે નોંધનીય છે કે સ્વિટઝર્લૅન્ડના કાયદા પ્રમાણે અમુક સંજોગોમાં વ્યક્તિ ઇચ્છામૃત્યુ પામી શકે છે, પરંતુ તે માટે પરવાનગી લેવાની હોય છે અને કેટલાક નિયમોનું પાલન કરવાનું હોય છે.
પરંતુ હાલની ઘટનાએ સ્વિટઝર્લૅન્ડમાં ભારે ચર્ચા જગાવી છે. કેટલાક લોકો સુસાઈડ પૉડની વિરુદ્ધ છે અને કેટલાક તેનું સમર્થન પણ કરી રહ્યાં છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સુસાઈડ પૉડ એક ખાસ રીતે ડિઝાઈન કરવામાં આવેલું કૅપ્સ્યૂલ છે, જેમાં વ્યક્તિએ પ્રવેશ કરવાનો હોય છે. તેની અંદર રહેલી રિક્લાઇનિંગ સીટ પર વ્યક્તિને સુવડાવવામાં આવે છે. આની ડિઝાઇન આધુનિક કોફિન જેવી છે.
કૅપ્સ્યૂલની અંદર એક બટન હોય જે અંદર બેઠેલી વ્યક્તિએ દબાવવાનું હોય છે. બટન દબાવતાં જ અંદર નાઇટ્રોજન ગેસ ભરાવવાં લાગે છે. આમ કરવાથી કૅબિનની અંદર ઑક્સિજનની માત્રા ઘટી જાય છે અને વ્યક્તિ શ્વાસ રુંધાઈ જવાના કારણે મૃત્યુ પામે છે. અંદર બેઠાં બાદ વ્યક્તિ 10 મિનિટની અંદર મૃત્યુ પામે છે.
સુસાઇડ પૉડમાં એક ઇમર્જન્સી બટન પણ હોય છે જેના મારફતે અંદર બેઠેલી વ્યક્તિ ગમે ત્યારે બહાર આવી શકે છે.
વિખ્યાત ઑસ્ટ્રેલિયન ડૉક્ટર ફિલીપ નીટ્શ્કે એ મશીનની શોધ કરી છે. ફિલીપ વર્ષ 1990થી ઇચ્છામૃત્યુના પક્ષમાં કામ કરી રહ્યા છે. તેમની કંપની એક્ઝિટ ઇન્ટરનૅશનલે આ સુસાઇડ પૉડ બનાવ્યો છે, જેનું નામ સારકો કૅપ્સ્યૂલ છે.
સારકો એક 3-ડી પ્રિન્ટેડ કૅપ્સ્યૂલ છે અને તેને કોઈ પણ જગ્યાએ લઈ જઈ શકાય છે. આ મશીનને ઘરે પણ ઍસેમ્બલ કરી શકાય છે.
સ્વીસઇન્ફો સાથે વાત કરતાં ફિલીપ નીટ્શ્કે જણાવ્યું, વ્યક્તિને કૅપ્સ્યૂલમાં બેસાડ્યા બાદ કેટલાક પ્રશ્નો કરવામાં આવે છે. પ્રશ્નોના જવાબ આપ્યા બાદ વ્યક્તિ કૅપ્સ્યૂલમાં રહેલું બટન દબાવશે જેનાથી અંદર નાઇટ્રોજન ગેસ ભરાઈ જશે. નાઇટ્રોજન ગેસના કારણે કૅપ્સ્યૂલની અંદર ઑક્સિજનનું પ્રમાણ 30 સેકન્ડમાં 21 ટકાથી ઘટીને 1 ટકા પર આવી જશે.
વ્યક્તિ થોડી અસ્વસ્થતા અનુભવશે અને ચેતના ગુમાવે તે પહેલાં સહેજ ઉત્સાહ અનુભવશે. ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઈડના અભાવે વ્યક્તિ મૃત્યુ પામે છે. તેને કોઈ ગભરાટ અથવા ગૂંગળામણનો અનુભવ થતો નથી.
કેમ થઈ રહ્યો છે વિવાદ?
સ્વિટઝર્લૅન્ડમાં ઇચ્છામૃત્યુ કાયદેસર છે. સાલ 2020માં 1300 લોકો આ રીતે મૃત્યુ પામ્યાં હતા. તેમ છતાં દેશમાં સારકો કૅપ્સ્યૂલ સામે વિરોધ થઈ રહ્યો છે. વિરોધ કરનાર લોકોનું કહેવું છે કે કૅપ્સ્યૂલની ડિઝાઈન આપઘાતને ભવ્ય બનાવી રહી છે.
સ્વિટઝર્લૅન્ડની સંસદમાં પણ આ વિશે ચર્ચા કરવામાં આવી હતી અને કૅપ્સ્યૂલના ઉપયોગ વિશે પ્રશ્નો કરવામાં આવ્યાં હતા.
સંસદમાં જવાબ આપતાં આરોગ્યમંત્રી એલીઝાબેથ બાઓમે સ્નાઇડરે જણાવ્યું હતું કે સારકો કૅપ્સ્યૂલનો ઉપયોગ ગેરકાયદેસર છે.
''આ મશીન કોઈ પણ સુરક્ષા કાયદાનું પાલન કરતું નથી અને એટલા માટે મશીનના ઉપોયગ માટે પરવાનગી આપી શકાય નહીં. ઉપરાંત કેમિકલ સબસ્ટન્સીસ લૉ હેઠળ નાઇટ્રોજનનો ઉપયોગ પણ વર્જિત છે.''
હાલમાં જ શૅફહાઉસનના સરકારી વકીલ પીટર સ્ટીચરે એક્ઝિટ ઇન્ટરનૅશનલના વકીલોને પત્ર લખીને જણાવ્યું કે સારકો કૅપ્સ્યૂલનું સંચાલન કરતી કોઈ પણ વ્યક્તિ સામે ફોજદારી કેસ દાખલ કરવામાં આવશે. વ્યક્તિને વર્ષોની જેલ પણ થઈ શકે છે.
કેટલાક લોકો કૅપ્સ્યૂલની તરફેણ પણ કરી રહ્યાં છે. તેઓ દાવો કરી રહ્યાં છે ઇચ્છામૃત્યુ માટે વ્યક્તિએ કોઈ ડૉક્ટર અથવા દવા પર આધાર રાખવો પડશે નહીં. ઇચ્છામૃત્યુની સમગ્ર પ્રક્રિયા સરળ બની જશે અને લોકો કૅપ્સ્યૂલનો ગમે ત્યાં ઉપયોગ કરી શકશે. કૅપ્સ્યૂલની તરફેણ કરનાર લોકો અનુસાર મશીન 3-D પ્રિન્ટેડ હોવાના કારણે ઘરમાં પણ ઍસેમ્બલ કરી શકાય છે, જેનાથી સામાન્ય લોકો પણ તેનો ઉપયોગ કરી શકશે.
અત્રે નોંધનીય છે કે યુકે અને યુરોપના અન્ય દેશોમાં ઇચ્છામૃત્યુ ગેરકાયદેસર છે. યુરોપના લોકો વર્ષોથી સ્વિટઝર્લૅન્ડ જાય છે અને ત્યાં ઇચ્છામૃત્યુ પામે છે.
સંશોધક ફિલીપ નીટ્શ્કેનું શું કહેવું છે?
ફિલીપ નીટ્શ્કે સારકો કૅપ્સ્યૂલને એક ક્રાંતિકારી મશીન ગણાવે છે. તેઓ દાવો કરે છે કે આ મશીનનું વેચાણ કરવામાં નહીં આવે. આ મશીનની બલ્યુ પ્રિન્ટને કોઈ પણ વ્યક્તિ મફતમાં ડાઉનલોડ કરી શકશે અને મશીન ઘરે જ બનાવી શકશે.
તેઓ કહે છે કે, ''મારું ધ્યેય ઇચ્છામૃત્યુની પ્રક્રિયાને એકદમ મુક્ત કરવાનું છે, જેમાં કોઈ પણ દવા અથવા ડૉક્ટરની જરૂર ન પડે. મારી ઇચ્છા છે કે વ્યક્તિ પોતે સમગ્ર પ્રક્રિયાનું સંચાલન કરે.''
સારકો કૅપ્સ્યૂલના સંશોધક ફિલીપ નીટ્શ્કે વર્ષોથી ઇચ્છામૃત્યુના હક માટે લડત આપી રહ્યા છે. તેમને ડૉ. ડેલ્થ તરીકે પણ ઓળખવામાં આવે છે.
સારકો કૅપ્સ્યૂલ માટે ફિલીપ નીટ્શ્કેની ટીકા પણ થઈ છે અને કેટલાકનો દાવો છે કે તેની ડિઝાઈન આપઘાતને વધુ આકર્ષક બનાવે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન