લગ્ન વગર જોડિયાં બાળકોના પિતા બનેલા એક ગુજરાતીની કહાણી

ઇમેજ સ્રોત, BHANUSHANKAR DAVE
- લેેખક, જય શુક્લ
- પદ, બીબીસી ગુજરાતી
એક પુરુષનાં લગ્ન એટલાં માટે નહોતાં થતાં કે તેની પાસે સરકારી નોકરી નહોતી. માગાં આવતાં પણ છોકરીવાળા ના પાડી દેતા. ઉંમર વીતવા લાગી પણ લગ્ન ના થયાં પરંતુ પિતા બનવાની અને પરિવારને આગળ વધારવાની ચાહત યથાવત્ રહી. આખરે તેમણે સરોગસીની મદદ લીધી અને જોડિયાં બાળકોના પિતા બન્યા.
આજે લગ્ન વગર પણ તેમના ઘરે બે બાળકો કિલ્લોલ કરી રહ્યાં છે અને તેમનું ઘર આજે આ બાળકોના કિલકિલાટથી ગુંજી ઊઠ્યું છે. 37 વર્ષના પ્રીતેશ દવે ખુશકિસ્મત છે કે સરોગસીનો નવો કાયદો અમલમાં આવ્યા તેના થોડા દિવસ પહેલાં જ સિંગલ ફાધર બની ગયા.
નવા કાયદા મુજબ હવે સિંગલ પુરુષ સરોગસી અંતર્ગત પિતા નહીં બની શકે. પ્રીતેશ દવે પિતા બન્યા બાદ પોતાને નસીબદાર સમજે છે.
જાણકારો કહે છે કે જો પ્રીતેશે સરોગસી અંતર્ગત પિતા બનવાનું થોડું મોડું વિચાર્યું હોત તો તેઓ નવા કાયદાને કારણે પિતા ન બની શક્યા હોત.

શા માટે લગ્ન વગર પિતા બનવાનું નક્કી કર્યું પ્રીતેશે?

ઇમેજ સ્રોત, BHANUSHANKAR DAVE
37 વર્ષના પ્રીતેશ પાસે ઘર અને જમીન હોવા છતાં સરકારી નોકરી ન હોવાને કારણે તેમનાં લગ્ન થતાં-થતાં રહી ગયાં. પ્રીતેશ માત્ર ધોરણ 12 સુધી જ ભણ્યા છે. આ પણ એક કારણ હતું તેમને છોકરી નહીં મળવાનું.
પ્રીતેશ દવે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં પોતાની વ્યથા ઠાલવે છે, “મારા સમાજમાં એવા ઘણા પુરુષો છે, જેમને લગ્ન કરવા છોકરીઓ મળતી નથી, કારણ કે માતાપિતા પોતાની પુત્રીઓનાં લગ્ન સરકારી નોકરી ધરાવતા યુવાનો સાથે કરવાનું પસંદ કરે છે. અમારી પાસે જમીન અને સંપત્તિ છે, પરંતુ તે તેમના માટે મહત્ત્વનું નથી, તેમના માટે માત્ર મહત્ત્વનું છે, સરકારી નોકરી, જે મારી પાસે નહોતી.”
પ્રીતેશના પિતા ભાનુશંકર દવે બીબીસી સાથે વાત કરતાં કહે છે, “અમારી જ્ઞાતિમાં સાટા પ્રથા છે. એટલે એક દીકરી આપવાની અને બીજી લેવાની. છોકરીની બહુ શોધ ચલાવી પણ ન મળી.”
પ્રીતેશ ભાવનગર ખાતે એક રાષ્ટ્રીયકૃત બૅન્ક માટે ગ્રાહક સેવાકેન્દ્ર ચલાવે છે. તેમનાં માતા-પિતા સુરત ખાતે રહે છે. તેઓ સુરત અને ભાવનગર ખાતે અવરજવર કરતા હતા. દરમિયાન તેમને એકલતા સાલતી હતી અને તેમને લગ્ન ન થયા હોવા છતાં પિતા બનવું હતું, તેથી તેમને સરોગસીનો ઉપાય સૂઝ્યો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પ્રીતેશ દવે કહે છે, “હું સરોગસીની મદદથી બનેલો ગૌરવશાળી પિતા છું, કારણ કે હવે નવા કાયદા પ્રમાણે મારા જેવા સિંગલ અવિવાહીત પુરુષ સરોગસીની મદદથી પિતા નહીં બની શકે, પણ મને એ ગૌરવ પ્રાપ્ત થયું.”
અમદાવાદના ઇન્ફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ અને પ્રીતેશના સરોગસી કન્સલ્ટન્ટ ડૉ. પાર્થ બાવીસીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું, “તેમના વિવાહ થતા નહોતા એ વાતનો તેમને અફસોસ હતો. તેમને થતું હતું કે જો છોકરી નહીં મળે તો તેમનું શું થશે? તેમને તેમનો સંપૂર્ણ પરિવાર હોય તેવી ઇચ્છા હતી. આથી તેમને થયું કે જો બાળક હોય તો તેમનો પરિવાર પૂર્ણ થઈ શકે તેમ છે. તેથી તેઓ મારી પાસે તેમની આ ઇચ્છા લઈને આવ્યા.”

‘પ્રીતેશની ખુશી સમાતી ન હતી’

ઇમેજ સ્રોત, BHANUSHANKAR DAVE
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પ્રીતેશના પિતા બનવાની ક્ષણ અનેરી હતી. તેમની આંખમાં હર્ષનાં આંસુ હતાં.
સરોગસીથી તેમનાં બે બાળકોનો જન્મ થયો ત્યારની ક્ષણને વર્ણવતાં પ્રીતેશ કહે છે, “બંને બાળકો મારી દુનિયામાં આવ્યાં ત્યારે હું નિ:શબ્દ થઈ ગયો હતો. મને ખબર નહોતી મારે હસવું કે રડવું. ખુશીની લાગણી તો હતી પણ તેમનું વજન ઓછું હતું. તેથી તેઓ ઇન્ક્યૂબેટરમાં રાખવામાં આવ્યાં હતાં. જ્યારે, તેઓ સાજા થયાં અને મારા ખોળામાં આવ્યાં તે ક્ષણ અનન્ય હતી. તેનો આનંદ અમૂલ્ય હતો.”
પ્રીતેશના પિતા બનવાની એ ભાવુક ક્ષણનું વર્ણન કરતાં ડૉ. પાર્થ બાવીસી પોતે પણ ખુશ થઈ જાય છે.
તેઓ કહે છે, “તેમને જોઈને એવું લાગ્યું કે જાણે દુનિયાની તમામ ખુશી તેમને મળી ગઈ. મેં ઘણા પુરુષોને પિતા બનતા જોયા છે પણ પ્રીતેશના પિતા બનવાની ક્ષણ અનોખી હતી. આનંદની આ ક્ષણમાં પ્રીતેશને ખ્યાલ જ ન રહ્યો કે આ ચમત્કાર કઈ રીતે બન્યો? જ્યારે તેઓ સભાન થયા ત્યારે તેમની નજર સામે તેમનાં બે બાળકો હતાં.”
પ્રીતેશના પિતા ભાનુશંકર દવે અને માતા દિવ્યાની દવેનો દાદા-દાદી બનવાનો આનંદ પણ સમાતો નથી.
ભાનુશંકર બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહે છે, “બાળકો વગરનું ઘર સૂનું લાગતું હતું. હવે તે ખુશીથી ગુંજી ઊઠ્યું છે. અમારે બાળક જોઈતાં હતાં. છોકરી-છોકરા વચ્ચે ભેદ નહોતો, પણ કુદરતની મહેરથી પુત્ર-પુત્રી બંને આવ્યાં.”
તો પ્રીતેશનાં માતા દિવ્યાની દવે પણ કહે છે, “બંનેના આવવાથી અમૂલ્ય ખજાનો મળી ગયો.”
દિવ્યાની વધુમાં જણાવે છે, “ભાઈને બહેન અને બહેનને ભાઈ મળી ગયાં, સાથે મારી દાદી બનવાની ઝંખના પૂર્ણ થઈ.” પરિવારે પુત્રનું નામ ધૈર્ય અને પુત્રીનું નામ દિવ્યા રાખ્યું છે.

સરોગસીથી બાળકોના પિતા બન્યા બાદ લગ્ન કરવા વિશે પ્રીતેશે શું કહ્યું?

ઇમેજ સ્રોત, BHANUSHANKAR DAVE
ધૈર્ય અને દિવ્યાના આવવાથી હવે પ્રીતેશે તેમના માટે સમય આપવો પડે છે. લગ્ન માટે કોઇ છોકરીએ હા નહોતી પાડી ત્યારે તેમનાં માતાપિતા નિરાશ થઈ ગયાં હતાં પણ હવે જોડિયાં બાળકોના આગમનને કારણે દવે પરિવારના ઘરે આનંદ છવાઈ ગયો છે.
પ્રીતેશ કહે છે કે સંતાનપ્રાપ્તી બાદ તેમને હવે લગ્ન ન કરવાનો કોઈ અફસોસ નથી. જ્યારે બીબીસી ગુજરાતીએ તેમને સવાલ કર્યો કે શું યોગ્ય પાત્ર મળે તો તેઓ લગ્ન કરવા તૈયાર થશે? આ પ્રશ્નનો જવાબ આપતાં પહેલાં પ્રીતેશ હસી પડે છે.
હસતાંહસતાં જવાબ આપતાં પ્રીતેશ કહે છે, “ધૈર્ય અને દિવ્યાના આવ્યા બાદ હવે લગ્ન કરવાની ઇચ્છા નથી. પાત્ર કેવું મળે કેવું નહીં, તે બાળકોની સંભાળ રાખે, ન રાખે? આ બધા સવાલોના જવાબો મારી પાસે નથી. મારા જીવનનો એક જ ઉદ્દેશ છે, મારાં બાળકોનો સારી રીતે ઉછેર કરવો.”
ભાનુશંકર દવે કહે છે, “અમે જીવીએ ત્યાં સુધી બાળકો મોટાં થઈ જાય, બસ. પ્રીતેશનાં લગ્ન ન થયાં કંઇ વાંધો નહીં. અમારો પૌત્રોને રમાડવાનો ઉમળકો પૂરો થઈ રહ્યો છે.”
દિવ્યાની દવે કહે છે, “બંનેને ઉછેરવામાં જ અમારો સમય નીકળી જાય છે. બંને ધમાલ પણ નથી કરતાં. આમ તો બંને મારાં લાડકાં છે, પણ દિવ્યા પર સવિશેષ પ્રેમ છે.”
પ્રીતેશ કહે છે, “જેની સાથે લગ્ન કરું તે છોકરાની માગ કરે તો? હવે મારે પુત્ર-પુત્રી છે. વધુ સંતાનની જરૂર નથી. તેથી ઘરકંકાશ વધવાની સંભાવના છે. તેથી મારે હવે લગ્ન નથી કરવાં. મારા માટે આ બંને જ મારી દુનિયા છે. આ બંને જ મારું સર્વસ્વ છે.”

શું છે સરોગસી?

ઇમેજ સ્રોત, Getty Images
સરોગસીનો વિકલ્પ એ મહિલાઓ માટે ફાયદાકારક સાબિત થઈ શકે જે પ્રજનન સબંધિત મુદ્દે, ગર્ભપાત કે જોખમભરી ગર્ભાવસ્થાને કારણે ગર્ભ ધારણ નથી કરી શકતી.
સરોગસીને સામાન્ય ભાષામાં ‘ભાડાની કૂખ’ કહેવાય છે. જેનો અર્થ થાય છે કે સંતાન પ્રાપ્તી માટે જ્યારે કોઈ યુગલ કોઈ બીજી મહિલાની કૂખની મદદ લે છે. આ કૂખની મદદ લેવાથી લઈને બીજી મહિલા દ્વારા જે-તે યુગલના સંતાનના જન્મ સુધીની આ આખી પ્રક્રિયાને સરોગસી કહેવાય છે.
ડૉ. પાર્થ બાવીસી વધુ માહિતી આપતા કહે છે, “પ્રીતેશનું સ્પર્મ લેવામાં આવ્યું અને એક મહિલા(જેની ઓળખ ગુપ્ત રાખવામાં આવી છે)નાં અંડાણું લેવામાં આવ્યાં. ત્યારબાદ આઈવીએફ પદ્ધતિથી ભ્રૂણ તૈયાર કરીને સરોગેટ મધરના ગર્ભાશયમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યો”
“અમે બે ભ્રૂણ સ્થાપિત કર્યા હતા, જેથી ગર્ભ રહેવાની શક્યતા વધે પરંતુ બંને ભ્રૂણ વિકસીત થયા અને જોડિયાં બાળકો પેદા થયાં.”
પોતાના ગર્ભાશયમાં બીજાના સંતાનનો ઉછેર કરનારી મહિલાને સરોગસી મધર કહેવાય છે.
કેટલા પ્રકારની હોય છે સરોગસી?
સરોગસીના બે પ્રકાર છે. ટ્રેડિશનલ સરોગસી અને જેસ્ટેશનલ સરોગસી.
- ટ્રેડિશનલ સરોગસી- તેમાં પિતા કે ડોનરનાં શુક્રાણું સરોગેટ મધરનાં અંડાણું સાથે મૅચ કરાવવામાં આવે છે. પછી ડૉક્ટર કુત્રિમ રીતે સરોગેટ મહિલાના કર્વિક્સ, ફેલોપિયન ટ્યૂબ્સ કે યૂટેરસમાં શુક્રાણુંનો સીધો પ્રવેશ કરાવે છે. સરોગેટ મધરના ગર્ભાશયમાં ગર્ભ બને છે અને પછી સરોગેટ મધર આ ગર્ભને નવ મહિના સુધી પોતાની કૂખમાં રાખે છે. આ કિસ્સામાં સરોગેટ મધર બાળકની બાયૉલૉજિલક મધર હોય છે. જો આ સ્થિતિમાં પિતાના શુક્રાણુંનો ઉપયોગ ના કરવામાં આવ્યો હોય તો ડોનર તરીકે કોઈ પુરુષના શુક્રાણુંનો ઉપયોગ થઈ શકે છે. જો ડોનરના શુક્રાણુંનો ઉપયોગ થયો હોત તો પિતાનો સબંધ પણ સંતાન સાથે જિનેટિકલી હોતો નથી.
- જેસ્ટેશનલ સરોગસી- આ સરોગસીમાં સરોગેટ મધરનો સંતાન સાથે સબંધ જિનેટિકલી હોતો નથી. એટલે કે જેસ્ટેશનલ સરોગસીમાં સરોગેટ મધરના અંડાણુંનો ઉપયોગ થતો નથી. તે માત્ર બાળકને જન્મ આપે છે. આ કિસ્સામાં સરોગેટ મધર સંતાનની બાયોલૉજિકલ માતા નથી હોતાં.જેસ્ટેશનલ સરોગસીમાં પિતાના શુક્રાણું અને માતાનાં અંડાણુંના મિલાપ કરાવીને તેને સરોગેટ મધરના યૂટેરસમાં ટ્રાંસપ્લાન્ટ કરવામાં આવે છે.
તેમાં આઈવીએફ રીતથી ભ્રૂણ બનાવવામાં આવે છે. અને સરોગેટ મધરના યૂટેરસમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે. આમ તો આઈવીએફનો ઉપયોગ ટ્રેડિશનલ સરોગસીમાં પણ થાય છે.
જેસ્ટેશનલ સરોગસીમાં પિતાના શુક્રાણું અને માતાનાં અંડાણુંના મિલાપ કરાવીને તેને સરોગેટ મધરના યૂટેરસમાં ટ્રાંસપ્લાન્ટ કરવામાં આવે છે.
જોકે ટ્રેડિશનલ સરોગસીમાં આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન(IUI) પદ્ધતિનો ઉપયોગ થાય છે. IUI વધારે આસાન મેડિકલ પ્રક્રિયા છે, જેમાં સરોગેટ મધરને તમામ પ્રકારનાં ટેસ્ટ અને ટ્રિટમેન્ટ કરાવવાં પડતાં નથી. ટ્રેડિશનલમાં સરોગેટ મધરનાં અંડાણુંનો જ ઉપયોગ હોય છે તેથી સંતાન ઇચ્છતી મહિલાને અંડાણું બહાર કાઢવાની પ્રક્રિયાને કારણે થતી પરેશાનીનો સામનો કરવાનો વારો નથી આવતો.
ભારતમાં તમામ આઈવીએફ કેન્દ્રોમાં જેસ્ટેશનલ સરોગસી વધુ પ્રચલિત છે કારણકે ટ્રેડિશનલમાં સરોગેટ મધર સંતાનની બાયોલૉજિકલ મધર હોવાને કારણે વિવાદ થવાની સંભાવના રહે છે.
જસ્ટેશનલ સરોગસીને પણ બે ભાગમાં વહેંચવામાં આવી છે.
એક Altruistic Surrogacy એટલે કે પરોપકારી સરોગસી અને બીજી કોમર્શિયલ સરોગસી.
- પરોપકારી સરોગસી- જ્યારે દંપતિ પોતાની સાથે રહેવા માટે એક સરોગેટ મહિલાને આમંત્રણ આપે છે. સરોગેટ મહિલા કોઈ સબંધી કે અજાણી પણ હોઈ શકે છે. આ સ્થિતિમાં દંપતિ જ સરોગેટ મધરનો તમામ ખર્ચો ઉઠાવે છે.
- કોમર્શિયલ સરોગસી- જેમાં બચ્ચાને જન્મ આપવા માટે સરોગેટ મધરને વળતર આપવામાં આવે છે. નવા કાયદા અનુસાર હવે કોમર્શિયલ સરોગસી પર બૅન છે.

શા માટે હવે સિંગલ પુરુષ સરોગસીથી પિતા નહીં બની શકે?

ઇમેજ સ્રોત, IVF-SURROGARE.COM
સરોગસીના નવા કાયદા 'ધ સરોગસી(રેગ્યુલેશન) ઍક્ટ, 2021' મુજબ માત્ર જે દંપતીએ લગ્ન કર્યું હોય તે જ સરોગસીનો લાભ ઉઠાવી શકે છે.
સિંગલ પુરુષને સરોગસીનો લાભ ન મળી શકે. સિંગલ મહિલાને તેનો લાભ મળી શકે પરંતુ જો તે તલાકશુદા હોય કે વિધવા હોય અને તેની ઉંમર 35થી 45 વર્ષની વયની હોય તો જ તે સરોગસીનો લાભ ઉઠાવી શકે છે.
સમલૈંગિક વ્યક્તિઓને પણ સરોગસીનો લાભ ન મળી શકે.
જાણકારો કહે છે કે પહેલાં આમ નહોતું. ફિલ્મનિર્માતા કરણ જોહર અને અભિનેતા તુષાર કપૂર સરોગસીની મદદથી સિંગલ ફાધર બન્યા જ હતા.
ગુજરાતની બેબી ફેકટરી તરીકે ઓળખાતા આણંદ શહેરમાં સરોગસી માટેનું ક્લિનિક ચલાવતાં ડૉ. નયના પટેલ કહે છે, “કાયદાની આ જોગવાઈ પુરુષની ફર્ટિલિટીના અધિકારનું ઉલ્લંઘન કરે છે.”
ડૉ. નયના પટેલ સરોગસી થકી 1400થી વધુ બાળકોનો જન્મ કરાવી ચૂક્યાં છે.
ડૉ. પાર્થ બાવીસી પણ આ વિશે પોતાનો વિરોધ ઠાલવતાં કહે છે, “આજે પ્રીતેશ જેવા ઘણા પુરુષો હશે જેનાં યોગ્ય પાત્ર ન મળવાને કારણે લગ્ન નહીં થયાં હોય. એમના પિતા બનવાની લાગણીનું શું? ભારતમાં સેક્સ રેશિયો જુઓ તો પુરુષોની સંખ્યાની સરખામણીએ મહિલાની સંખ્યા ઓછી જ છે. આવા કિસ્સામાં પુરુષોની પિતા બનવાની લાગણીને માન આપવું જોઈએ.”
જોકે, દેશભરની વિવિધ અદાલતોમાં કેટલાક લોકોએ સિંગલ પુરુષ અને સિંગલ સ્ત્રી દ્વારા સરોગસીથી બાળક પેદા ન કરી શકાય તેવી કાયદાની જોગવાઈ સામે અરજીઓ કરી છે.
જાણકારો કહે છે કે સંવિધાનના અનુચ્છેદ 14 અને 21નું આ ઉલ્લંઘન છે. જાણકારો એમ પણ કહે છે કે આ પ્રકારે સિંગલ પુરુષ અને સિંગલ મહિલાઓને સરોગસીના અધિકારોથી વંચિત કરીને આ લોકોની નિજતા અને પરિવાર બનાવી રાખવાની સ્વતંત્રતા પર સવાલ ઊભો થાય છે.
'ઇન્ડિયન સોસાયટી ફૉર આસીસ્ટેડ રીપ્રોડક્શન'ના પૂર્વ પ્રમુખ ડૉ. મનીષ બૅન્કર આ કેસોની વિગતો આપતાં કહે છે, “ભલે વિવિધ અદાલતોમાં કેસોની સુનાવણી ચાલુ હોય પણ કાયદો તો અમલમાં જ છે. કોર્ટમાં સરકારે પોતાનો પક્ષ રજૂ કર્યો છે અને સરકારના જવાબ પરથી લાગે છે કે સરકાર આ મામલે કોઈ બાંધછોડ કરવા તૈયાર નથી.”
ઉલ્લેખનીય છે કે 'ધ પ્રિન્ટ'માં છપાયેલા અહેવાલ મુજબ સુપ્રીમ કોર્ટમાં આ મામલે દાખલ એક અરજીના જવાબમાં સરકારે સરોગસીની જોગવાઈઓને “સામાજીક, એથિકલ, મૉરલ, લીગલ અને સાયન્ટિફિક મુદ્દાઓનો મેલાપ ગણાવ્યા હતા.”
સરકારે આ પ્રકારની કડક જોગવાઈને હઠાવવાનો કે હળવી કરવાનો પણ ઇન્કાર કરી દીધો હતો.

શું છે સરોગસીનો નવો કાયદો?

ઇમેજ સ્રોત, Getty Images
નવા કાયદા મુજબ માત્ર નિ:સંતાન યુગલ જ સરોગસીનો લાભ ઉઠાવી શકે છે. વળી, ઉંમર 25થી 50ની વચ્ચે હોવી જોઈએ. તેમને કોઈ બાળક ન હોવું જોઈએ અને તેમણે કોઈ બાળકને દત્તક પણ લીધું ન હોવું જોઈએ.
મહિલા જો વિધવા હોય કે તલાકશુદા હોય અને તેની ઉંમર 35થી 45 વર્ષની વયની હોય તો જ તેઓ સરોગસીનો લાભ ઉઠાવી શકે છે. કાયદો વિધવા કે પછી તલાકશુદા મહિલાને સરોગસી માટે પોતાના અંડાણું આપવાની અનુમતિ આપે છે, જો તેની ઉંમર 35થી 45 વર્ષની વચ્ચે હોય.
જે યુગલ સરોગસી અંતર્ગત બાળક પેદા કરવા માગતું હોય તેણે સરોગસી અંગે બનેલા ખાસ સરકારી મેડિકલ બોર્ડનો સંપર્ક કરવો પડે છે. બોર્ડની મંજૂરી બાદ જ સરોગસીની પ્રક્રિયા આગળ વધી શકે છે.
દંપતી અને સરોગેટ મહિલા પોતાની પાત્રતાનું સર્ટિફિકેટ મેળવી લીધા બાદ સહાયક પ્રજનન પ્રૌદ્યોગીકી(એઆરટી)નો સંપર્ક કરી શકે છે.
સરોગેટ મહિલા અને દંપતીએ પોતાનાં આધારકાર્ડ લિંક કરાવવાનાં રહેશે. જેથી આ વ્યવસ્થામાં સામેલ વ્યક્તિઓના બાયૉમેટ્રિક્સનો રૅકોર્ડ રહે. આવનારા દિવસોમાં કોઈ પ્રશ્નો ઉપસ્થિત થાય તો આ રૅકોર્ડની મદદથી તેનો ઉકેલ લાવી શકાય છે.
કોમર્શિયલ સરોગસી પર પ્રતિબંધ છે.
સમલૈંગિક જોડા સરોગસીથી બાળકો પેદા ન કરી શકે.
માનવ ભ્રૂણ કે અંડાણું કે શુક્રાણુંની ખરીદ-વેચ કરી શકાતી નથી.
સરોગેટ મધરની સેવાઓ વેચી કે ખરીદી શકાતી નથી.
કાયદાનો ભંગ કરનારને 10 વર્ષ સુધીની જેલ છે અને 25 લાખ રૂપિયાનો દંડ થઈ શકે છે.
જો બાળકના જન્મ પહેલાં દંપતીનું મોત થાય તો બાળકના પાલન-પોષણની જવાબદારી દંપતી દ્વારા નોમિનેટ કરાયેલી વ્યક્તિની રહે છે.

કયા સેલિબ્રિટીએ અત્યારસુધી સરોગસીનો ઉઠાવ્યો છે લાભ?

ઇમેજ સ્રોત, Getty Images
અભિનેત્રી પ્રિયંકા ચોપરા અને તેમના પતિ નિક જોનાસ સરોગસીની મદદથી માતા-પિતા બન્યાં.
અભિનેત્રી પ્રીટી ઝિંટાએ પણ પતિ જીન ગુડઇનફ પણ સરોગસી મારફતે જોડિયાં બાળકોનાં માતાપિતા બન્યાં હતાં
શિલ્પા શેટ્ટી પણ સરોગસીની મદદથી પુત્રી સમિશાનાં માતા બન્યાં હતાં.
ફિલ્મનિર્માતા કરણ જૌહર સરોગસીથી પિતા બનનારા સિંગલ ફાધર છે. 2017માં તેઓ જોડિયાં બાળકોના પિતા બન્યા હતા.
એકતા કપૂરે પોતાનાં અંડાણું ફ્રિઝ કરાવી રાખ્યાં હતાં. જ્યારે તેઓ 43 વર્ષનાં થયાં ત્યારે તેમણે સિંગલ મધર બનવાનો નિર્ણય કર્યો. સરોગસીની મદદથી તેઓ રવિ નામના પુત્રનાં માતા બન્યાં.
અભિનેત્રી લિસા રે પણ સરોગસીની મદદથી માતા બન્યાં.
સની લિયોનીએ પહેલાં બે બાળકો દત્તક લીધાં હતાં. બાદમાં તેઓ સરોગસીની મદદથી બે બાળકોનાં માતા બન્યાં.
શાહરૂખ ખાન અને ગૌરી ખાન પણ સરોગસીની મદદથી 2013માં અબરામ નામના પુત્રનાં માતા-પિતા બન્યાં.
શ્રેયસ તલપડે, તુષાર કપુર, આમીર ખાન અને સોહેલ ખાન પણ સરોગસીનો લાભ ઉઠાવીને બાળકના પિતા બન્યા.
ગતવર્ષે ઑક્ટોબર મહીનામાં દક્ષિણ ફિલ્મ ઇન્ડસ્ટ્રિઝમાં નયનતારા અને વિજ્ઞેશ શિવન પણ સરોગસી મારફતે જોડિયા બાળકોનાં માતા-પિતા બન્યાં. માતા-પિતા બન્યાના ચાર મહીના પહેલાં જ તેઓ લગ્નગ્રંથીથી જોડાયા હતા. તેના પર વિવાદ થયો. આરોપ લાગ્યો કે તેમણે સરોગસી કાયદાનું ઉલ્લંઘન કર્યું છે.
તામિલનાડુ સરકારે તેના પર તપાસ કરવાની વાત કરી. બાદમાં નયનતારા અને વિજ્ઞેશે સરકાર સમક્ષ ઍફિડેવિટ દાખલ કરીને એવું કહ્યું કે તેમણે લગ્ન તો છ વર્ષ પહેલાં જ કરી લીધાં હતાં.
નોંધનીય છે કે છે કે નવા સરોગસી કાયદા અનુસાર લગ્ન થયાં પછીનાં પાંચ વર્ષ બાદ જો બાળકો ન થાય તો જ યુગલ સરોગસીનો સહારો લઈ શકે છે. જોકે આ ઍફિડેવિટ છતાં તામિલનાડુ આરોગ્ય વિભાગની તપાસ ચાલુ છે.














