You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
એક ટ્રિલિયન ડૉલરનો એ સિક્કો જે અમેરિકાને નાદારીથી બચાવી શકે છે!
અમેરિકાને દેવાની કટોકટીમાંથી બચાવવા માટે દેશની બે રાજકીય પાર્ટીઓ રિપ્બલિકન અને ડૅમોક્રેટ્સ પાસે વધારે સમય બચ્યો નથી.
જો જૂન પહેલાં દેવાની મર્યાદા વધારવા અંગે કોઈ સમજૂતી નહીં થાય તો અમેરિકાની સરકાર નાદાર જાહેર થશે. અમેરિકા સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થાનું કેન્દ્ર હોવાથી વૈશ્વિક અર્થવ્યવસ્થા પર પણ તેની અસર પડશે.
તાજેતરમાં વ્હાઇટ હાઉસ અને કૉંગ્રેસમાં રિપબ્લિકન્સે સંકેત આપ્યા છે કે વાતચીત હકારાત્મક દિશામાં આગળ વધી રહી છે, પરંતુ હજુ પણ લોકોમાં બેચેની જોવા મળી રહી છે.
આવી સ્થિતિમાં કેટલાક જાણકારો અને વિશ્લેષકોએ છેલ્લા ઉપાય તરીકે એક ટ્રિલિયન અમેરિકન ડૉલરના પ્લેટિનમથી બનેલા સિક્કાની ચર્ચા શરૂ કરી છે. જે દેશને નાદારીથી બચાવી શકે છે.
વર્ષ 1997માં ઘડવામાં આવેલો એક કાયદો અમેરિકન ટ્રૅઝરી સેક્રેટરીને કોઈ પણ કારણોસર કોઈ પણ મૂલ્યના પ્લેટિનમ સિક્કા ઢાળવાની મંજૂરી આપે છે.
જે લોકો પ્લેટિનમના સિક્કા ઢાળવાની હિમાયત કરી રહ્યા છે, તેઓ કહે છે કે જો કૉંગ્રેસ દેવાની મર્યાદા વધારવા સહમત ન થાય તો આ રીતે અમેરિકાની સરકાર પોતાનો ખર્ચ ઉઠાવી શકે છે અને નાદારીથી બચી શકે છે.
ટ્રૅઝરી સેક્રેટરી જૅનેટ યેલેને આ વિચારને નકારી કાઢ્યો હોવા છતાં બાઇડન વહીવટતંત્રના કેટલાક અધિકારીઓ તેને લઈને સકારાત્મક છે.
જો સરકાર આવો નિર્ણય લેશે તો સરકારી ટંકશાળ એક ટ્રિલિયન ડૉલરનો એક સિક્કો તૈયાર કરશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ સિક્કો જાહેર કેવી રીતે કરી શકાય?
સિક્કો જાહેર કરવો એ અમેરિકાની દેવાની સીમા વધારવાનો ઉપાય ક્યારેય રહ્યો નથી.
પરંતુ ટ્રૅઝરી સેક્રેટરી પાસે આ પ્રકારના 'સ્પેશિયલ ઍડિશન' વાળા સિક્કા જાહેર કરવાનો અધિકાર હોય છે. જેને લોકો ખરીદી શકે.
પણ જો એક ટ્રિલિયન ડૉલરનો પ્લેટિનમનો સિક્કો ઢાળવાનો નિર્ણય લેવામાં આવે તો શું થશે?
અમેરિકન ટંકશાળના પૂર્વપ્રમુખ ફિલિપ ડિએલનું કહેવું છે, "તેમણે માત્ર એક સિક્કા પર એક ટ્રિલિયન લખીને ફૅડરલ રિઝર્વને મોકલવાનો છે."
કિંમતને જોતા લોકો એ પણ અનુમાન લગાવી શકે છે કે તેનો સિક્કો પણ ઘણો મોટો હશે પરંતુ હકીકતમાં તે આકારમાં 25 સૅન્ટની કિંમતના સિક્કા જેટલો જ હશે. જેને ખિસ્સામાં રાખી શકાશે.
અહીં સુધી કે સિક્કા પર એક ટ્રિલિયનમાં જેટલા શૂન્ય હોય છે, એ પણ લખવાની જરૂર નથી. માત્ર એક ટ્રિલિયન ડૉલર લખવું જરૂરી હશે.
હવે સવાલ એ છે કે જ્યારે લખીને જ કોઈ સિક્કાની કિંમત નક્કી થઈ શકતી હોય તો પ્લેટિનમનો જ સિક્કો કેમ?
આ પ્રશ્નનો જવાબ છે અમેરિકન કાયદામાં. કાયદા મુજબ, 50 ડૉલર કે તેથી વધુ મૂલ્ય ધરાવતા સિક્કા માટે પ્લૅટિનમ ધાતુનો ઉપયોગ અનિવાર્ય હશે.
એક ટ્રિલિયન ડૉલરનો સિક્કો બનાવવાનો આઇડિયા આપનારા વિલમૅટ યુનિવર્સિટીના પ્રોફૅસર રોહન ગ્રે કહે છે, "જો તમારે નાદાર થવા અને મુદ્રા છાપવામાંથી કોઈ એક પસંદ કરવાનું હોય, તો તમે શું કરો. કાર્યપાલિકા નાદાર થવાની મંજૂરી તો ન આપી શકે."
કેવી રીતે આવ્યો વિચાર?
નાદારીથી બચવા માટે એક ટ્રિલિયન ડૉલરનો સિક્કો જાહેર કરવાનો વિચાર પહેલી વખત 2010માં એક બ્લૉગમાં કાર્લોસ મૂચા નામના ઍટલાન્ટાના એક વકીલે રજૂ કર્યો હતો.
કાર્લોસને ખબર પડી હતી કે 1997ના કરન્સી ઍક્ટ અંતર્ગત પ્લેટિનમના સિક્કા બનાવવાની મંજૂરી છે.
તેમણે પોતાના બ્લૉગમાં લખ્યુ હતું, "એ બાબત રસપ્રદ છે કે કૉંગ્રેસે પહેલેથી જ ટ્રૅઝરીને એક ટ્રિલિયન ડૉલરના સિક્કા ઢાળવાનો અધિકાર આપ્યો છે."
મૂચા જાણતા નહોતા કે તેમની આ વાતની વ્હાઇટ હાઉસથી લઈને કૅપિટલ હિલ સુધી ચર્ચા થશે.
તેના કેટલાક દિવસો બાદ મિંટના પૂર્વ ડાયરૅક્ટર ફિલ ડિએલનો એક મેઇલ મળ્યો. જેમાં કહેવામાં આવ્યું હતું કે કાર્લોસનો પ્રસ્તાવ 'ખરેખર કામ કરી શકે' એમ છે.
આ વાત વાઇરલ થઈ ગઈ અને બ્લૉગના સમર્થકોની સંખ્યા વધતી ગઈ, પરંતુ 2011માં જ્યાં સુધી બરાક ઓબામાના પ્રથમ કાર્યકાળમાં દેવાનું સંકટ સર્જાયું ત્યાં સુધી એ સાર્વજનિક ચર્ચાનો મુદ્દો બન્યો ન હતો.
એ સમયે સાત હજાર લોકોના હસ્તાક્ષર સાથેનો એક પત્ર પ્રકાશિત કરવામાં આવ્યો. જેમાં મોટામોટા અર્થશાસ્ત્રીઓ જેવા કે નોબલ પુરસ્કૃત પૉલ ક્રુગમૅન અને ફિલિપ ડિએલે તેને સમર્થન આપ્યું હતું.
અહીં સુધી કે ટ્વિટર પર #MintTheCoin ના હૅશટૅગ સાથે અભિયાન પણ ચલાવવામાં આવ્યું હતું. જોકે, રાજનૈતિક સંકટ પૂર્ણ થઈ જતા એ મુદ્દે વાત આગળ વધી શકી નહોતી.
અમેરિકામાં દેવાની સીમા વધારવાનું જે સંકટ ચાલી રહ્યું છે, તેમાં જો બાઇડનની સરકારે આ પ્રકારના કોઈ પણ વિકલ્પ વિશે વિચાર કરવાથી ઇનકાર કરી દીધો છે.
ટ્રૅઝરી સેક્રેટરી જૅનેટ યેલેને થોડાક દિવસો પહેલાં કહ્યું હતું, "મારી સમજ પ્રમાણે તે એક દગો હશે."
કેટલાક વિશેષજ્ઞોનો તર્ક છે કે એક ટ્રિલિયન ડૉલરનો સિક્કો જાહેર કરવાનો પ્રસ્તાવ મૂકવાથી રિપબ્લિકન સાથેની વાતચીતમાં ડૅમોક્રેટના કંપમાં વઘુ એક તીર આવી શકે છે.
દેવાની સીમા વધારવાની જો બાઇડનની અપીલ પર રિપબ્લિકન સહમત થઈ રહ્યા નથી અને તેમની માગ છે કે સાર્વજનિક ખર્ચ પર કાપ મૂકવામાં આવે.
જો એક જૂન સુધી બંને પાર્ટીઓ કોઈક સહમતિ સુધી નહીં પહોંચે તો અમેરિકા ચૂકવણી કરવામાં નિષ્ફળ થવાનું શરૂ કરશે.