રાહુલ ગાંધી મામલે શું ભાજપે કૉંગ્રેસને થાળીમાં વિવાદનો મુદ્દો પીરસી દીધો છે?

    • લેેખક, સલમાન રાવી
    • પદ, બીબીસી સંવાદદાતા

વાત છે વર્ષ 1975ની. જ્યારે અલ્હાબાદ હાઇકોર્ટના જજ જગમોહનલાલ સિન્હાએ તત્કાલીન વડા પ્રધાન ઇંદિરા ગાંધીને અયોગ્ય ઠેરવ્યાં અને તેમનું સંસદસભ્યપદ રદ કરવાનો ચુકાદો આપ્યો.

રાજનૈતિક વર્તુળોમાં થતી ચર્ચા અનુસાર, આ ચુકાદા બાદ જ ઇંદિરા ગાંધીએ દેશમાં ઇમર્જન્સી લાગુ કરવાનું મન બનાવી લીધું હતું.

જોકે, ઇંદિરા ગાંધી વિરુદ્ધ જે કેસ હતો, એ રાહુલ ગાંધી સામેના કેસથી બિલકુલ અલગ હતો. એ કેસ ચૂંટણી લડવા સંબંધિત હતો.

રાહુલ ગાંધીનું સંસદસભ્યપદ લોકસભા સચિવાલયે રદ કર્યું છે. જ્યારે ઇંદિરા ગાંધી વિરુદ્ધ તેમના પ્રતિદ્વંદ્વી રાજ નારાયણે કેસ દાખલ કરીને ચૂંટણીમાં ગેરરીતિનો આરોપ મૂક્યો હતો.

રાજ નારાયણના કેસમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે 'ઇંદિરા ગાંધીના ચૂંટણી એજન્ટ યશપાલ કપૂરે રાયબરેલીની બેઠક પર યોજાયેલી ચૂંટણીમાં ઘાલમેલ કરી હતી.'

આ કેસની ચર્ચા એટલા માટે પણ છે, કારણ કે ઇંદિરા ગાંધીનું સંસદસભ્યપદ એક વખત નહીં પણ બે વખત રદ કરવામાં આવ્યું હતું.

એક વખત રાયબરેલીથી ચૂંટણી લડ્યા બાદ અને બીજી વખત ચિકમંગલૂરથી જીત્યા બાદ.

કૉંગ્રેસથી અંતર જાળવનારી પાર્ટીઓ પણ રાહુલના સમર્થનમાં આવી

આ બે કેસની વાત શરૂઆતમાં એટલા માટે કરવી યોગ્ય હતી, કારણ કે 1977-78માં જ્યારે ઇંદિરા ગાંધીનું સંસદસભ્યપદ રદ કરવામાં આવ્યું તો એ પછી વર્ષ 1980માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં તેમને બમ્પર જીત મળી.

વરિષ્ઠ પત્રકાર જયશંકર ગુપ્ત બીબીસી સાથે વાત કરતા કહે છે કે જે રીતે ઇંદિરા ગાંધીનું સંસદસભ્યપદ બે વખત રદ થયું, એ રાહુલ ગાંધીથી બિલકુલ અલગ છે. પણ રાહુલ ગાંધી મામલે સત્તાધારી ભાજપ સ્પષ્ટ રીતે દબાણમાં હોય તેમ લાગી રહ્યું છે.

તેઓ કહે છે કે જે રીતે સરકારના તમામ મંત્રી અને મોટા નેતાઓ નિવેદન આપી રહ્યા છે, તેનાથી જનતા વચ્ચે એ પણ સંકેત જઈ રહ્યો છે કે સરકાર અદાણી મામલે દબાણમાં આવી ગઈ છે.

રાજનૈતિક વિશ્લેષકોનું માનવું છે કે રાહુલ ગાંધીનું સભ્યપદ જે રીતે રદ કરવામાં આવ્યું, તેના સમગ્ર ઘટનાક્રમે એ વિપક્ષી પાર્ટીઓને પણ કૉંગ્રેસ સાથે ઊભી કરી દીધી, જેમનાથી કૉંગ્રેસે અંતર જાળવી રાખ્યું હતું.

દાખલા તરીકે તૃણમૂલ કૉંગ્રેસ, ભારત રાષ્ટ્ર સમિતિ, જનતા દળ (યુનાઇટેડ) અને સમાજવાદી પાર્ટીએ સંસદમાં ચાલી રહેલા ગતિરોધ દરમિયાન અદાણીના સવાલ પર એકતા દેખાડી હતી, પરંતુ જ્યારે રાહુલ ગાંધી સંસદમાં બોલવાના સવાલ પર સરકારને પોતાની પાર્ટી સાથે ઘેરી રહ્યા હતા, તો આ પાર્ટીઓએ ખુદને કૉંગ્રેસથી અલગ રાખવી યોગ્ય સમજી હતી.

કૉંગ્રેસે પણ દિલ્હીના ઉપમુખ્ય મંત્રી મનીષ સિસોદિયાની ધરપકડ બાદ આમ આદમી પાર્ટી વિરુદ્ધ દિલ્હીના રસ્તા પર પોસ્ટરબાજી શરૂ કરી હતી.

જોકે, સોમવારે રાહુલ ગાંધીનું સંસદસભ્યપદ રદ કરવાને મામલે એવી પાર્ટીઓએ પણ રાહુલનું સમર્થન કર્યું, જે તેમની ટીકા કરી રહી હતી.

સંસદમાં રાહુલ ગાંધીના સમર્થનમાં આમ આદમી પાર્ટી પણ નજરે પડી.

રાહુલ ગાંધીએ કૉંગ્રેસ કાર્યાલયમાં શનિવારે યોજેલી પત્રકારપરિષદમાં કહ્યું હતું કે તેઓ 'સાવરકર નથી.' આ નિવેદન તેમની સહયોગી પાર્ટી શિવસેનાને ઠીક લાગ્યું નહીં.

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ રાહુલ ગાંધીના નિવેદનની ટીકા કરતા તેમને (રાહુલ ગાંધી)ને સલાહ આપી કે તેઓ 'ઉશ્કેરણીમાં ન આવે.'

આ ઘટનાથી રાજકીય પક્ષો પણ વિચારવા માટે મજબૂર બન્યા

જયશંકર ગુપ્ત કહે છે કે રાહુલ ગાંધીનું સંસદસભ્યપદ રદ કરવાના કેસથી અન્ય વિપક્ષી પાર્ટીઓ પણ વિચારવા માટે મજબૂર થઈ છે.

તેઓ કહે છે, "પહેલાં વિપક્ષી પાર્ટીઓ પોતાના અલગ-અલગ વલણ પર ચાલતી હતી, પરંતુ રાહુલ ગાંધીના પ્રકરણ બાદ હવે તેમને પણ લાગવા લાગ્યું છે કે આવું તો કોઈની પણ સાથે થઈ શકે છે. એક નીચલી કોર્ટે જે કેસમાં રાહુલ ગાંધીને દોષિત જાહેર કર્યા અને બે વર્ષની સજા સંભળાવી. એ જ કોર્ટે, એ જ કેસમાં એક મહિના સુધી પોતાના આદેશને સ્થગિત રાખવાનો નિર્ણય પણ આપ્યો અને બીજા જ દિવસે રાહુલ ગાંધીનું સંસદસભ્યપદ રદ કરી દેવામાં આવ્યું. તેના સ્પષ્ટ સંકેત છે કે રાજકીય પ્રતિદ્વંદ્વીઓ માટે કંઈ પણ કરવું શક્ય બની શકે છે."

રાહુલ ગાંધીની સંસદમાં બોલવાની માગ પર જનતા દળ(યુનાઇટેડ) એ પણ ખુદને અલગ રાખી હતી.

બિહારના મુખ્ય મંત્રી નીતીશ કુમાર પણ ખુલીને કંઈ કહી રહ્યા નથી, પરંતુ સોમવારે પાર્ટીના રાજ્યસભા સંસદસભ્ય અનિલ હેગડે પણ કૉંગ્રેસના નેતાઓના બોલાવવા પર વિરોધ માટે આયોજિત બેઠકમાં સામેલ થયા હતા.

આ બેઠકમાં સોનિયા ગાંધી, પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની સાથેસાથે કૉંગ્રેસના તમામ સંસદસભ્યોએ કાળા કપડાં પહેર્યાં હતાં.

જોકે હજી સુધી જે વિપક્ષના નેતાઓએ રાહુલ ગાંધીના પ્રકરણથી ખુદને દૂર રાખ્યા છે. તેમાં માયાવતી, આંધ્ર પ્રદેશના જગનમોહન રેડ્ડી અને ઓડિશાના નવીન પટનાયક સામેલ છે.

જનતા દળ (યુનાઇટેડ)ના દિલ્હીસ્થિત રાષ્ટ્રીય સચિવ નીરજે બીબીસી સાથે વાત કરતા સ્વીકાર્યું કે રાહુલ ગાંધીના પ્રકરણે 'વિપક્ષમાં પ્રાણ ફૂંકવાનું કામ' કર્યું છે.

તેઓ કહે છે કે વિપક્ષી પાર્ટીઓ એટલા માટે કૉંગ્રેસ સાથે આવી છે, કારણ કે "ભારતીય જનતા પાર્ટી સત્તાનો દુરુપયોગ કરી રહી છે અને લોકતાંત્રિક સંસ્થાઓને કચડી રહી છે."

તેમનું કહેવું હતું- બૅન્કોનાં નાણાં લઈને વિદેશ ભાગનારાઓમાં કોઈ 'અન્ય પછાત વર્ગ'ના વેપારી ન હતા. "પરંતુ ભાજપ તેના પર એવા કાવાદાવા કરી રહ્યો છે. એક તરફ શિક્ષણના અધિકાર અંતર્ગત એકથી આઠ ધોરણના ગરીબ વિદ્યાર્થીઓને મળતી શિષ્યવૃત્તિ કેન્દ્ર સરકારે બંધ કરી દીધી છે અને બીજી તરફ પછાત વર્ગના લોકોની હિમાયતી હોવાનો ઢોંગ પણ કરી રહી છે."

કૉંગ્રેસની પુનઃ સ્થાપના?

રાજનૈતિક વર્તુળમાં રાહુલ ગાંધીના એ નિવેદનની પણ ચર્ચા થઈ રહી છે. જ્યારે તેમણે કહ્યું હતું કે 'તેઓ જેલ જવાથી ડરતા નથી' અને તેમને 'આજીવન સંસદમાંથી અયોગ્ય ઠેરવી દેવામાં આવે' તો પણ તેઓ 'લોકતંત્રને બચાવવા માટે' બોલતા રહેશે અને 'સરકારને સવાલ' પૂછતા રહેશે.

આ નિવેદનની અલગઅલગ વ્યાખ્યા કરવામાં આવી રહી છે. કેટલાક લોકો માને છે કે રાહુલના નિવેદનથી તેમના આક્રમક અંદાજનો સંકેત મળી રહ્યો છે.

કેટલાક વિશ્લેષકોને લાગે છે કે રાહુલ ગાંધીનું સંસદસભ્યપદ રદ થયા બાદ તેમના આક્રમક તેવરથી લાગે છે કે તેમના થકી કૉંગ્રેસ ખુદને પુનઃ સ્થાપિત કરવાનો પ્રયત્ન કરશે.

રાજનૈતિક ટિપ્પણીકાર વિદ્યાભૂષણ રાવત માને છે કે જે આજે ભાજપ કરી રહ્યો છે એવું ક્યારેક કૉંગ્રેસ પણ કરતી હતી.

તેમનું કહેવું છે, "યુપીએના બીજા કાર્યકાળમાં સરકારના મંત્રીઓએ ઘણી મનમાની કરી હતી. એ જ કારણ છે કે કૉંગ્રેસને તેનું સંગઠનના સ્તર પર નુકસાન પણ થયું અને લોકો વચ્ચે તેમની શાખ પણ ઘટતી ગઈ. તેમાં કોઈ શંકા નથી કે રાહુલ ગાંધીએ કૉંગ્રેસમાં જીવ પરોવવાનો પ્રયત્ન કર્યો છે અને તેઓ સફળ થતા પણ લાગી રહ્યા છે."

બીબીસી સાથેની ચર્ચામાં રાવત કહે છે કે ભારત જોડો યાત્રાથી રાહુલ ગાંધીએ સરકારને ઘેરવાનું કામ શરૂ કરી દીધું છે.

તેમનું કહેવું છે, "પછી જે રીતે તેઓ સદનમાં બોલતા આવ્યા અને અદાણીને લાવીને જે રીતે સરકારને ઘેરતા રહ્યા, તેનાંથી સત્તાધારી પાર્ટીની અસહજતા વધી રહી હતી. રાહુલના નિવેદન બાદ તેના સંકેત મળવા લાગ્યા હતા કે તેઓ કોઈ પણ કુરબાની આપવાનું મન બનાવી ચૂક્યા હતા. જેલ જવાનું પણ મન બનાવી ચૂક્યા છે. તેનાંથી કૉંગ્રેસને જ ફાયદો થતો જોવા મળી રહ્યો છે. કૉંગ્રેસ પાસે પોતાનું અસ્તિત્વ બચાવવા માટે માત્ર આ જ એક વિકલ્પ હતો અને એ વિકલ્પ ભાજપે તેને થાળીમાં પીરસીને આપ્યો છે. હવે જોવું રહેશે કે કૉંગ્રેસ તેનો કેટલો ફાયદો ઉઠાવી શકે છે."